ઇરફાનની ભારત વાપસી પર ચાહકો બોલ્યા, 'મારો હીરો આવી ગયો'

ફોટો Image copyright TWITTER/IRRFANK

ડાયલૉગ ડિલિવરીના આગવા અંદાજ અને ઉમદા અભિનય માટે જાણીતા ઇરફાન ખાને બુધવારે ટ્વિટર પર જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં જ ભારત પરત ફરશે.

ઇરફાનના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તેમના પ્રશંસકોમાં ખુશીની લહેર ફરી વળી.

આજથી લગભગ એક વર્ષ પહેલાં 5 માર્ચ, 2018ના રોજ ઇરફાન ખાને ટ્વીટ કરીને પોતાના ચાહકોને પોતાની બીમારી 'ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર' અંગે જણાવ્યું હતું.

એ બાદ તેઓ બ્રિટનની રાજધાની લંડનમાં રહીને પોતાનો ઉપચાર કરાવી રહ્યા હતા.


ઇરફાને માન્યો આભાર

Image copyright TWITTER/IRRFANK

ઇરફાન ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અત્યંત લાગણીશીલ અંદાજમાં લખ્યું હતું, "જીતવાની દોડધામમાં આપણે કદાચ એ ભૂલી જઈએ છીએ કે આપણા જ લોકોના દિલમાં જે પ્રેમ હોય એનું શું મહત્ત્વ હોય. આપણા નરસા દિવસોમાં જ આપણને આ બધું યાદ આવતું હોય છે. આપણા જીવનના આવા જ દિવસોમાંથી પસાર થયા બાદ હું થોડો વિરામીને આપ સૌના અપાર પ્રેમ બદલ આભર વ્યક્ત કરવા ઇચ્છું છું. કારણ કે ઉપચાર દરમિયાન આપની શુભેચ્છાઓએ જ મને દુઃખને સહન કરવા હિંમત આપી હતી. તો હવે હું તમારી પાસે પરત ફરી રહ્યો છું. અને આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું."


'હીરો પરત આવી ગયો'

ઇરફાનના અભિનયના કાયલ ટ્વિટર યૂઝર્સે તેમની આ જાહેરાતને વધાવી લીધી.

જિગર પટેલ નામના ટ્વિટર યૂઝરે લખ્યું, "આપણો હીરો પાછો આવી ગયો... સર, અમે તમને સ્ક્રિન પર જોવા રાહ જોઈ શકીએ એમ નથી..."

તો, વિશાલ સુદર્શનવારે લખ્યું, "પ્રેમ, આશિષ અને પાર્થનાઓમાં દમ હોય છે. તમારે પરત ફરવું જ પડશે કે જેથી તમારો જાદુ ફરીથી બતાવી શકો"

ઇરફાનના પરત ફરવાની આ જાહેરાતની પ્રતિક્રિયા પાકિસ્તાન, બ્રિટન અને સાઉદી અરેબિયામાંના તેમના ચાહકોમાં પણ જોવા મળી.

સાઉદી અરેબિયામાંથી ટ્વિટર યૂઝર ઓર્ઝવાન ઇસ્કે લખ્યુ, "અલ્હમદુલ્લાહ, અમે બહુ જ ખુશ છીએ કે તમે પરત ફરી રહ્યા છો. અમે તમારી ફિલ્મો જોવા રાહ જોઈશું."

મોહિત નંદવાણી નામના ટ્વિટર યૂઝરે લખ્યું, "અરે, ભગવાનને અમારો સૌથી શ્રેષ્ટ અભિનેતાને કઈ રીતે લેવા દેત? તમારું સ્વાગત છે ઇરફાન."

ઇરફાન આગામી દિવસોમાં પોતાની ફિલ્મ 'હિંદી મીડિયમ'ની સિક્વલ અને વિશાલ ભારદ્વાજના નિર્દેશનમાં બની રહેલી અન્ય એક ફિલ્મમાં જોવા મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો