નેતન્યાહૂએ કહ્યું, વૅસ્ટ બૅંકના યહૂદી વિસ્તારોને ઇઝરાયલમાં ભેળવી દેવાશે

બેન્જામિન નેતન્યાહૂ Image copyright EPA

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો ઇઝરાયલના કબજાવાળા વૅસ્ટ બૅંકમાં વસાવાયેલી યહૂદી વસતિને ઇઝરાયલમાં ભેળવી દેવાશે.

ઇઝરાયલમાં ત્રણ દિવસ બાદ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નેતન્યાહૂએ સંબંધિત નિવેદન આપ્યું છે.

એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેઓ દરેક વસાહતનું ધ્યાન રાખશે અને તેને વેરાન નહીં થવા દે.

આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર વૅસ્ટ બૅંકમાં ઇઝરાયલે વસાવેલી વસાહતો ગેરકાયદેસર છે. જોકે, ઇઝરાયલ આ વાત નથી સ્વીકારતું.

ઇઝરાયલે વૅસ્ટ બૅંક અને પૂર્વ જેરુસલેમમાં આવી 100થી વધુ વસાહતો વસાવી છે.

ઇઝરાયલે વૅસ્ટ બૅંકમાં ચાર લાખ યહૂદીઓને વસાવ્યા છે, જ્યારે બે લાખ યહૂદીઓ પૂર્વ જેરુસલેમમાં રહે છે.

અહીં એ વાત પણ નોંધવી રહી કે તાજેતરમાં જ અમેરિકાએ 'ગોલાન હાઇટ્સ' પર ઇઝરાયલનો કબજો માન્ય રાખ્યો છે. આ વિસ્તાર પર ઇઝરાયલે સીરિયા પાસેથી કબજો મેળવ્યો હતો.


રાજ ઠાકરેનો આરોપ, 'મોદીએ કૉંગ્રેસી યોજનાનાં નામ બદલીને કાઢ્યાં પાંચ વર્ષ'

Image copyright Getty Images

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમ. એન. એસ.)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં મળેલો જનાદેશ ગુમાવી દીધો છે.

તેમણે મોદી પર પાંચ વર્ષ માત્ર કૉંગ્રેસના સમયમાં શરૂ કરાયેલી યોજનાઓનાં નામ બદલવામાં જ કાઢી નાખવાનો આરોપ લગાવ્યો છે.

મુંબઈના શિવાજી પાર્કમાં એમ. એન. એસ. કાર્યકરોને સંબોધતાં ઠાકરેએ અમેરિકાના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો કે પાકિસ્તાનના વિમાનકાફલામાં એફ-16 યુદ્ધવિમાનનો હિસાબ છે, જ્યારે ભારત સરકારનો દાવો છે કે તેણે એફ-16 વિમાન તોડી પાડ્યું છે.

ઠાકરેએ કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે ખોટું કેમ બોલ્યા? તેમણે આ વાતનો જવાબ આપવો જોઈએ. 2014માં ભાજપે બહુમત હાંસલ કર્યો ત્યારે મોદીને આવો અવસર પ્રાપ્ત થયો હતો. તમે પાંચ વર્ષમાં શું કર્યું?"

મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ લોકસભાની એક પણ બેઠક પર પોતાના ઉમેદવારને ઊભો ન રાખવાનો નિર્ણય કર્યો છે.

તો મીડિયામાં સૂત્રોને ટાંકીને કૉંગ્રેસ તેમજ એન. સી. પી.એ ઠાકરેને સ્ટાર પ્રચારક બનાવ્યા હોવાના સમાચારો વહેતા થયા છે.


સુદાન : પ્રદર્શનકારીઓ સૈન્યના મુખ્યાલય સુધી પહોંચ્યા

Image copyright AFP

સુદાનના રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીર વિરુદ્ધ હજારો લોકોએ પ્રદર્શનો કર્યાં. ગત ડિસેમ્બર મહિનાથી રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરાઈ રહેલાં વિરોધ પ્રદર્શનોમાં આ સૌથી મોટું પ્રદર્શન ગણાવાઈ રહ્યું છે.

દેશની રાજધાની ખાર્તૂમ ખાતે યોજાયેલા આ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ પ્રથમ વખત સૈન્યના મુખ્યાલય સુધી પહોંચી ગયા.

રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન અહીંથી નજીકમાં જ આવેલું છે. પ્રદર્શન દરમિયાન સુરક્ષાકર્મીઓએ આંસુ ગૅસના ગોળા છોડ્યા અને કેટલાય લોકોની ધરપકડ કરી.

સુદાનના પૂર્વ રાષ્ટ્રપતિ જાફર નિમૈરી વિરુદ્ધ કરાયેલા બળવાની 34મી વરસી નિમિત્તે પ્રદર્શનનું આયોજન કરાયું હતું.

રાષ્ટ્રપતિ પોતાનું પદ છોડી દે એવું દબાણ ઊભું કરવા આ પ્રદર્શન યોજાયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો