શ્રીલંકા : આત્મઘાતી હુમલામાં મૃત્યુઆંક વધીને 290 થયો

મૃતકાના સંબંધી

ઇમેજ સ્રોત, Reuters

શ્રીલંકામાં અત્યાર સુધી થયેલા આઠ બૉમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 290 લોકોનાં મોત થયાં છે અને લગભગ 450 લોકો ઘાયલ થયાં છે. મૃતકોમાં 27 વિદેશી નાગરિકો પણ સામેલ છે.

  • અત્યાર સુધી આઠ બૉમ્બ બ્લાસ્ટ થયા
  • બ્લાસ્ટમાં હોટલ અને ચર્ચને નિશાન બનાવાયાં
  • 290 લોકોનાં મોત, 450 ઘાયલ
  • 8 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ
  • ત્રણ ચર્ચમાં ઇસ્ટરની પ્રાર્થના દરમિયાન બ્લાસ્ટ
  • કોલંબોમાં ચાર હોટલ અને એક પ્રાણીસંગ્રહાલય પાસે બ્લાસ્ટ
  • કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી
  • સરકારે કહ્યું કે આત્મઘાતી હુમલો, વિદેશમાં રચવામાં આવ્યું કાવતરું
  • સમગ્ર દેશમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો

શ્રીલંકાના વડા પ્રધાન રનિલ વિક્રમાસિંધના જણાવ્યા પ્રમાણે બૉમ્બ બ્લાસ્ટ બાદ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા તમામ શ્રીલંકાના નાગરિકો છે. જેમના કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથેના સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

ગુપ્તચર સંસ્થાઓને અગાઉથી જ માહિતી હતી

શ્રીલંકાના સંરક્ષણ મંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુપ્તચર સંસ્થાને હુમલા અંગે અગાઉથી જ માહિતી મળી હતી પરંતુ યોગ્ય પગલાં લેવામાં આવે તે પહેલાં જ બ્લાસ્ટ થયા.

તેમણે એવું પણ જણાવ્યું કે મોટા ભાગના આત્મઘાતી બ્લાસ્ટ હતા જેનું પ્લાનિંગ વિદેશમાં કરવામાં આવ્યું હતું.

આ હુમલાને લઈને સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઇમેજ કૅપ્શન,

જે જગ્યાએ બ્લાસ્ટ થયો ત્યાંની તસવીર

બૉમ્બ બ્લાસ્ટમાં ત્રણ પોલીસ કર્મચારીઓનાં પણ મૃત્યુ થયાં છે. કોલંબો સ્થિત એક ઘરમાં પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે બ્લાસ્ટ થતા આ પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા.

બ્લાસ્ટ બાદની સ્થિતિને ધ્યાને રાખીને શ્રીલંકાની સરકારે સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદી દીધો છે.

સવારે 8 વાગ્યાની આસપાસ થયેલા છ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ બાદ બપોરની આસપાસ બે અન્ય બ્લાસ્ટ થયા હતા.

જેમાંનો એક બ્લાસ્ટ કોલંબોમાં આવેલા દેહીવાલા પ્રાણીસંગ્રહાલય નજીક થયો હતો.

કોલંબોમાં આવેલા ત્રણ ચર્ચો અને અન્ય ફાઇવ સ્ટાર હોટલો સહિત કુલ આઠ જગ્યાએ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા.

'આ એક આયોજનબદ્ધ હુમલો હતો'

ઇમેજ સ્રોત, AFP

બીબીસી સિંહાલા સેવાના સંવાદદાતા અઝ્ઝામ અમીન સૅન્ટ એન્ટોની ચર્ચમાં થયેલા બ્લાસ્ટના ઘટનાસ્થળે હતા.

તેમના કહેવા પ્રમાણે, "કોઈને આવી અપેક્ષા ન હતી. રવિવારની શાંત સવાર હતી. અનેક લોકો ઇસ્ટર સન્ડેની પ્રાર્થનામાં સામેલ થવા જઈ રહ્યા હતા અને અચાનક આ હુમલો થયો."

"ચર્ચમાં હતા તેમાંના કેટલાક પાદરીઓ જોડે મેં વાતચીત કરી હતી. તેઓ પણ આઘાતમાં હતા. ઇન્ટેલિજન્સ અને પોલીસને પણ આ મામલે કશી ખબર નથી. આ એક આયોજનબદ્ધ હુમલો હતો."

"મેં સિક્યૉરિટી ચીફ સાથે પણ વાતચીત કરી તેમના પાસે પણ કોઈ સ્પષ્ટ માહિતી નથી. આ હુમલા પાછળ કોણ છે તે હાલ કહી શકાય નહીં."

"2009માં તામિલ ટાઇગર્સને ઉખેડી નાખ્યા બાદ શ્રીલંકાએ આવો પહેલો હુમલો જોયો છે. શ્રીલંકાના લોકો હાલ આઘાતમાં છે."

"હાલ દેશના મોટાં શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે."

'અમે ચર્ચમાં દોડીને ગયા અને ત્યાં મૃતદેહો પડ્યા હતા'

બીબીસી સિંહાલા સેવાના અઝ્ઝમ અમીન સાથે વાત કરતા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે ધડાકો સંભળાતા તેઓ ચર્ચની અંદર દોડી ગયા હતા. ત્યાં તેમણે અનેક મૃતદેહો પડેલા જોયા હતા.

કમલ નામના પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "અમે સવારના 8.45 વાગ્યાની આસપાસ ધડાકો સાંભળ્યો. લોકો દોડીને બહાર આવવા લાગ્યા અને બૂમો પાડતા હતા કે કેટલાક લોકો અંદર માર્યા ગયા છે."

"અમે દોડીને ચર્ચની અંદર પહોંચ્યા અને ત્યાં મૃતદેહો પડેલા હતા. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને ત્યાંથી દૂર હઠાવ્યા."

તેમણે કહ્યું કે ચર્ચમાં આશરે 500થી 600 લોકો હતા.

બ્લાસ્ટે શ્રીલંકાના જૂના સંઘર્ષની યાદ અપાવી

બીબીસી ન્યૂઝના આયેશા પરેરા જણાવે છે કે આ બ્લાસ્ટે શ્રીલંકામાં વર્ષો સુધી ચાલેલા ભીષણ ગૃહયુદ્ધની યાદ અપાવી છે.

જે લોકો 80-90ના દાયકામાં અને 2000ના દાયકાની શરૂઆતના દિવસોમાં હતા તેમને શ્રીલંકાનો સંઘર્ષ યાદ આવ્યો હશે.

શ્રીલંકાની સરકારી સેના અને લિબરેશન ટાઇગર ઑફ તમિલ ઇલમ(એલટીટીઈ) તરીકે જાણીતા તમિલ ઉગ્રવાદીઓ વચ્ચે 25 વર્ષ સુધી ગૃહયુદ્ધ ચાલ્યું હતું. જેનો 2009માં અંત આવ્યો હતો.

બંને તરફથી ક્રુરતા આચરવામાં આવી હતી, આ હુમલાએ એ સમયે રાજધાની કોલંબો સહિત શ્રીલંકામાં થયેલા હુમલાઓને ફરીથી તાજા કરાવ્યા છે.

2009માં એલટીટીઈને ઉખેડી ફેંક્યાંનું આ 10મું વર્ષ છે અને ત્યારે જ દેશમાં આવો ભયંકર હુમલો થયો છે.

બે દિવસ સુધી શાળાઓ બંધ

ઇમેજ સ્રોત, Reuters

રાજધાની કોલંબોમાં થયેલા હુમલાને જોતા આવનારા બે દિવસ સુધી તમામ સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ પહેલાં શ્રીલંકામાં નવા વર્ષને લઈને શાળાઓમાં વેકેશન હતું, જે બાદ ઇસ્ટરનો તહેવાર આવ્યો. જેથી શાળાઓ હવે આવતા સોમવારે ખુલશે.

શ્રીલંકાના શિક્ષણમંત્રીએ તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત કોલંબોમાં આવેલા ચર્ચોમાં ઇસ્ટર સહિતની પ્રાર્થનાઓ રદ કરી દેવામાં આવી છે.

આર્મી, નેવી અને ઍરફોર્સના પ્રમુખોએ શ્રીલંકાના વડા પ્રધાન સાથે બેઠક કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

કોચ્ચાદાઈમાં આવેલા સૅન્ટ ઍન્ટોની ચર્ચ, સાંગરી લા હોટલ, સિનેમન ગ્રાન્ડ હોટલ કિંગ્સબરી હોટલમાં બ્લાસ્ટ થયા છે. આ ઉપરાંત કોલંબો બહારના નેગોમ્બો અને મટ્ટકાલપ્પુ વિસ્તારમાં પણ બ્લાસ્ટ થયા હતા.

બૉમ્બ બ્લાસ્ટ બાદ કોલંબોમાં આવેલા તમામ ચર્ચમાં ઇસ્ટર સન્ડેની પ્રાર્થના રદ કરી દેવામાં આવી હતી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ કહ્યું છે કે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

ઉપરાતં તેમણે લોકોને બ્લાસ્ટની ઘટના બાદ કોઈ પણ પ્રકારના ફેક ન્યૂઝ પર વિશ્વાસ ના કરવા અપીલ કરી છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટની ઘટનાને વખોડી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ભારત શ્રીલંકાના લોકો સાથે ઊભું છે.

શ્રીલંકામાં શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ મામલે સુષમા સ્વરાજે ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ કોલંબો ખાતેના ભારતના હાઈકમિશનર સાથે સતત સંપર્કમાં છે અને તેઓ આ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

હુમલાની કેટલીક તસવીરો

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો