માયાવતીને ચૂંટણીપંચના પ્રતિબંધ મામલે રાહત આપવાનો સુપ્રીમનો ઇન્કાર

માયાવતીની તસવીર Image copyright Getty Images

ચૂંટણીપંચે માયાવતી પર 48 કલાક ચૂંટણીપ્રચાર નહીં કરવાનો પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે.

માયાવતીએ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે ચૂંટણીપંચે એમના ચૂંટણીપ્રચાર પર મનઘડંત રીતે પ્રતિબંધ લગાવ્યો છે. માયાવતીએ ચૂંટણીપંચના આ હુકમ પર સ્ટેની માગણી કરી હતી.

જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે આ અંગે પિટિશન દાખલ કરો.

માયાવતી તરફથી વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે અમારે રેલીઓ કરવાની છે અને સભાઓ કરવાની છે અને એના માટે હાલ સમય નથી.

પરંતુ, અદાલતે રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે લાગે છે કે ચૂંટણીપંચ જાગી ગયું છે અને તેણે અનેક નેતાઓ પર પ્રતિબંધ લાદ્યો છે. ચૂંટણીપંચના આ પગલાને સુપ્રીમ કોર્ટે તેની શક્તિઓના ઉપયોગ તરીકે ગણાવ્યુ હતું.


યૂપી કૉંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરને દોડાવી-દોડાવીને મારવાની બસપાના નેતાની ધમકી

Image copyright PTI

ફતેહપુર સીકરીથી બહુજન સમાજવાદી પક્ષના નેતા ગુડ્ડુ પંડિતનો એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં તેઓ આ જ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બરને દોડાવી દોડાવીને મારવાની ધમકી આપતા દેખાઈ રહ્યા છે.

આ વીડિયોને કારણે ફરી ચૂંટણીમાં ઉપયોગ થતી ભાષા મામલે ચર્ચા શરૂ થઈ છે.

રવિવારે સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાને તેમની સામે રામપુરથી ચૂંટણી લડી રહેલાં ભાજપનાં ઉમેદવાર જયા પ્રદા સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

આવી ભાષાના ઉપયોગના કારણે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ચૂંટણીપંચે પણ તેમની સામે કાર્યવાહી કરી હતી.


પેરિસની ઓળખ ગણાતા આઠસો વર્ષ જૂના ચર્ચમાં આગ

Image copyright Getty Images

પેરિસના પ્રાચીન અને વિશ્વવિખ્યાત નોટ્ર-ડ્રામ કૅથેડ્રલમાં આગ લાગી અને જોતજોતામાં સમગ્ર ઇમારતને ઝપેટમાં લઈ લીધી.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પણ દેવળમાં નવિનીકરણનું કામ ચાલી રહ્યું હતું. અધિકારીઓનું માનવું છે કે બની શકે કે આગ આ જ કારણસર લાગી હોય.

છેલ્લા સમાચાર મુજબ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે પણ મુખ્ય દેવળનું શિખર અને છત ધસી પડ્યાં છે. આ ઇમારત 850 વર્ષ જૂની છે.

ગત વર્ષે જ આ કૅથલિક દેવળને બચાવવા માટે આર્થિક સહયોગની અપીલ કરાઈ હતી.

અત્યંત જૂની હોવાને કારણે ઇમારત જીર્ણ અવસ્થામાં ઊભી હતી.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોંને કહ્યું છે કે તેમની સંવેદના કૅથલિક સમુદાય અને ફ્રાન્સના લોકો સાથે છે, જેમને આ દુર્ઘટનાને કારણે આઘાત લાગ્યો છે.

અમેરિકન પ્રમુખે પણ આ અંગે ટ્ટીટ કરી ચર્ચને બચાવી લેવા અપીલ કરી હતી.


ગુજરાતમાં નવી પ્રાથમિક શાળામાં રમતનું મેદાન ફરજિયાત

Image copyright Getty Images

ગુજરાતમાં હવેથી એ જ ખાનગી પ્રાથમિક શાળાને મંજૂરી મળી શકશે જેની પાસે પોતાની જમીન અને રમતગમતનું મેદાન હોય.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પહેલાંથી જ લાગુ આ નિયમને હવે પ્રાથમિક શાળા માટે પણ લાગુ કરી દેવાયો છે.

આ માટે ગુજરાત સરકારે 'બૉમ્બે પ્રાઇમરી ઍજ્યુકેશન રુલ્સ, 1949'માં સુધારો કર્યો છે. જે અંતર્ગત હવેથી રાજ્યમાં નવી ખાનગી શાળાઓ ભાડાની જમીન પર ચલાવી શકાશે નહીં.

રાજ્યની શિક્ષણનીતિમાં આ નિર્યણને મોટા સુધારા તરીકે જોવામાં આવી રહ્યો છે.


રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટીને દિલ્હીની ચાર બેઠક ઑફર કરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા કૉંગ્રેસ તૈયાર હોવાનું પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું છે. પોતાના ટ્વિટર હૅન્ડલ પર રાહુલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ચાર બેઠકો પણ ઑફર કરી છે.

રાહુલે જણાવ્યું, "કૉંગ્રેસ અને AAP વચ્ચેના ગઠબંધનનો અર્થ એટલે ભાજપનો સફાયો."

"આ સુનિશ્ચિત કરવા માટે કૉંગ્રેસ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 4 બેઠકો આપવા તૈયાર છે. પણ કેજરીવાલે ફરીથી યૂટર્ન લઈ લીધો. અમારાં દ્વાર હજુ પણ ઉઘાડાં છે. પણ સમય નીકળી રહ્યો છે."

જોકે, કેજરીવાલે આ બાતે ટ્વિટર પર જવાબ આપતા જણાવ્યું, "કેવો યૂટર્ન? હજુ તો વાતચીત ચાલી રહી હતી."

"તમારું ટ્વીટ જણાવે છે કે ગઠબંધન એ તમારી ઇચ્છા નહીં પણ દેખાડો માત્ર છે. તમે જે નિવેદનો આપી રહ્યો છો એને લઈને મને દુઃખ છે. આજે દેશને મોદી-શાહના ખતરાથી બચાવવો મહત્ત્વનું છે."

"દુર્ભાગ્યથી તમે યૂપી અને અન્ય રાજ્યોમાં પણ મોદીવિરોધી મતોને વહેંચીને મોદીજીની મદદ કરી રહ્યા છો."


આ વખતે ચોમાસું સામાન્ય રહેશે : હવામાન વિભાગ

Image copyright Getty Images

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાના ચાર માસ દરમિયાન 'સામાન્ય-જેવો' વરસાદ પડશે.

મોસમની પ્રથમ આગાહી કરતા હવામાન વિભાગે સરેરાશ 96 ટકા વરસાદ પડવાની વાત કરી છે.

અર્થ-સાયન્સ મંત્રાલયના સચિવ એમ. રાજીવને પત્રકાર પરિષદમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે એવી શક્યતા વ્યક્ત કરી.

નોંધનીય છે કે પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિને જોતાં આ વખતનું ચોમાસું નબળું રહે એવો ભય વ્યક્ત કરાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો