ભારતીય કામદારો પર સાઉદી અરેબિયામાં સંકટ કેમ તોળાઈ રહ્યું છે?
- ટીમ બીબીસી ગુજરાતી
- નવી દિલ્હી

ઇમેજ સ્રોત, AFP
ખાડી રાષ્ટ્રોમાં સાઉદી અરેબિયા સૌથી મોટો દેશ છે. તેનું ક્ષેત્રફળ 20 લાખ 24 હજાર વર્ગ કિલોમીટર છે અને વિસ્તારની દૃષ્ટિએ તે દુનિયાનો 14મો સૌથી મોટો દેશ છે.
સાઉદી અરેબિયાનો ત્રીજા ભાગનો વિસ્તાર રણ છે. તેની પશ્ચિમે રાતો સમુદ્ર અને અકાબાની ખાડી છે, જ્યારે પૂર્વમાં અરબની ખાડી આવેલી છે.
સાઉદી અરેબિયાની સરહદ યમન (સૌથી લાંબી 1458 કિમી), ઈરાન (814 કિમી), જોર્ડન (728 કિમી), ઓમાન (676 કિમી), સંયુક્ત આરબ અમીરાત (457 કિમી), કુવૈત (222 કિમી) અને કતાર (60 કિમી) સાથે જોડાયેલી છે.
સાઉદી અરેબિયામાં 1 કરોડ 11 લાખ લોકો માઇગ્રન્ટ્સ છે, જેમાંથી મોટા ભાગના દક્ષિણ કે દક્ષિણ-પૂર્વ એશિયાના છે. ત્યાં વસતા વિદેશીઓમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે.
માર્ચ 2017ના આંકડાઓ મુજબ ત્યાં 30 લાખ ભારતીયો કામ કરે છે.
સાઉદીમાં સમસ્યા
ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયામાં કામ કરતા ભારતીયો અનેક પ્રકારની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે.
ક્યારેક તેઓ એજન્ટ્સની ઠગાઈનો ભોગ બને છે તો અનેક વખત સાઉદી નિયમ-કાયદાની અજ્ઞાનતાને કારણે મુશ્કેલીમાં ફસાઈ જાય છે.
તાજેતરમાં સાઉદી અરેબિયા ખાતે સતવિંદર સિંઘ તથા હરજિત સિંઘ એમ બે ભારતીયોનાં સિર કલમ કરી દેવાયાં.
બંને પંજાબના હતા અને હત્યાના એક કિસ્સામાં સજા તરીકે તેમનાં માથાં કાપી દેવામાં આવ્યાં.
બુધવારે આ વાત બહાર આવતા પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દર સિંઘે તેને બર્બર કૃત્ય ગણાવ્યું.
વિદેશમાં વસતા ભારતીયો તેમની સમસ્યા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ટૅગ કરીને ટ્વીટ કરે છે અને પોતાની સમસ્યા વર્ણવે છે.
અનેક લોકો કામ કરવા છતાં પૈસા નહીં મળવાની તથા અત્યાચારની ફરિયાદ કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સાઉદીમાં કામ કરવું મુશ્કેલ?
ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી લોકો જે કામ કરવાનું પસંદ નથી કરતા તેવાં કામ ભારત અને ફિલિપિન્સના શ્રમિક કરી રહ્યા છે.
વૉલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ પ્રમાણે, રસોડામાં, નિર્માણકાર્યમાં અને સ્ટોર કાઉન્ટર ઉપર કામ કરનારા મોટાભાગે ભારત કે ફિલિપિન્સના હોય છે. સાઉદી લોકો આ કામો કરવાનું પસંદ નથી કરતા.
તેલનો વિશાળ ભંડાર ધરાવતા સાઉદી અરેબિયામાં મોટા ભાગના નાગરિકો સરકારી નોકરી કરે છે.
સાઉદી લોકો અમુક કામોમાં નિપુણ નથી હોતા અને ખાનગીક્ષેત્રની નોકરી પ્રત્યે ઉદાસીનતા દાખવે છે.
સાઉદીમાં કાર્યરત વિદેશી કંપનીઓ સ્થાનિકો સંદર્ભે એક પ્રકારનું દબાણ અનુભવે છે, જેમાં કામના ઓછા કલાકો અને ઊંચો પગાર સમાવિષ્ટ છે.
કંપનીઓ દંડ અને વિઝાની સમસ્યાને કારણે ભયભીત રહે છે. નિયમોને કારણે વિદેશી કંપનીઓએ સાઉદીઓને નોકરીએ રાખવા પડે છે.
વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, કંપનીઓએ એવા લોકોને નોકરીએ રાખવા પડે છે, જેમની વાસ્તવમાં જરૂર જ ન હોય.
સાઉદી લૉજિસ્ટિક કંપનીના એક્ઝિક્યુટિવ અબ્દુલ મોહસિન માને છે કે તેમની કંપનીમાં અડધાથી વધુ એવા સાઉદીઓ છે કે જેમની ખરેખર જરૂર જ નથી.
તેમણે કહ્યું, "વિદેશી શ્રમિકો વગર મારી કંપની ચાલી જ ન શકે. અમુક કામો એવાં છે કે જે સાઉદીઓ કરી નથી શકતા. જેમ કે, ટ્રક ડ્રાઇવિંગ."
સાઉદીમાં બેકારી
ઇમેજ સ્રોત, Getty Images
દેશનો રાજવી પરિવાર માને છે કે નોકરીઓમાં સાઉદી નાગરિકોને પ્રાથમિકતા મળવી જોઈએ.
જોકે, આ આગ્રહને કારણે આર્થિક નુકસાનની સ્થિતિ ઊભી ન થાય તે માટે તેઓ સતર્ક છે.
મોહમ્મદ બિન-સલમાન સાઉદી અરેબિયાના અર્થતંત્ર પર ક્રૂડઑઇલનો આધાર ઓછો કરવા માગે છે.
રૉઇટર્સના અહેવાલ પ્રમાણે, સાઉદી અરેબિયાની સરકારી પેટ્રોલિયમ કંપની અરામકોના અમુક ટકા શેર વેચવામાં આવશે.
સાઉદી ક્રાઉન પ્રિન્સ ઇચ્છે છે કે નાગરિકો સરકારી નોકરીનો મોહ છોડીને ખાનગીક્ષેત્ર તરફ નજર દોડાવે.
સાઉદી અરેબિયાના શ્રમ મંત્રાલયના અહેવાલ મુજબ લગભગ બે-તૃતીયાંશ લોકો સરકારી નોકરી કરે છે.
સાઉદી કંપનીઓ ઉપર દબાણ વધી રહ્યું છે કે તેઓ વિદેશી શ્રમિકોને બદલે સાઉદી નાગરિકોને જ નોકરીએ રાખે.
શ્રમ મંત્રાલયના આંકડા પ્રમાણે, વર્ષ 2017માં બેકારીનો દર 12.8 ટકા હતો, જેને 2030 સુધીમાં સાત ટકા સુધી લઈ જવાની ગણતરી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
મોંઘા વિઝા અને સાઉદીકરણ
ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, સાઉદી અરેબિયા વિદેશી શ્રમિકો માટેની વિઝા ફીમાં વધારો કરશે.
આ રિપોર્ટ મુજબ, જો ખાનગી કંપનીઓ સાઉદી નાગરિકોને બદલે વિદેશી કામદારોને વધુ પ્રમાણમાં રાખે તો તેમણે દંડ ભરવો પડે છે.
જેદ્દાહમાં ઍડવર્ટાઇઝમૅન્ટ કંપનીના મૅનેજર અબુજા-યેદે વૉલ સ્ટ્રીટ જર્નલને કહ્યું કે સાઉદી લોકો પગાર લે છે, પરંતુ કામ નથી કરતા.
અબુજાની કંપનીની જાહેરાત ઉપર 65 હજાર રિયાલનો દંડ થયો અને વિદેશી કામદારોની વિઝા અરજીઓને અટકાવી દેવામાં આવી. કંપની અત્યારે બંધ થવાને આરે છે.
તાજેતરમાં કિંગ સલમાને વિદેશી કંપનીઓની ફરિયાદોના નિવારણ માટે અલગ મંત્રી નીમ્યા છે.
ધ આરબ ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, જ્વેલરીની જેમ અન્ય સૅક્ટરમાં પણ સાઉદીકરણ થશે, જેનાથી ત્યાં કામ કરતા વિદેશીઓ માટે નોકરી મેળવવી સહેલી નહીં હોય.
તાજેતરમાં સરકારે પાણી, વીજળી અને ઈંધણ ઉપરની સબસિડીમાં કાપ મૂક્યો હતો અને પાંચ ટકાનો વેટ નાખ્યો હતો.
ત્યારે સરકાર તેને સંતુલિત કરવા માટે પોતાના નાગરિકોને નોકરીએ રાખવા પર ભાર મૂકી રહી છે.
સાઉદીકરણની નીતિને કારણે અનેક જ્વેલરી શૉપ બંધ થઈ ગઈ છે અને ડિસેમ્બર મહિના સુધીમાં વધુ કેટલીક બંધ થઈ જશે.
ધ આરબ ન્યૂઝના રિપોર્ટ મુજબ, સાઉદીઓ ઓછા કામના કલાક અને વિદેશી શ્રમિકોની સરખામણીએ બમણો પગાર ઇચ્છે છે. આ સિવાય તેઓ શિફ્ટમાં કામ કરવા તૈયાર નથી હોતા.
સાઉદીકરણની અસર
ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયા સપ્ટેમ્બર મહિનાથી અલગઅલગ ક્ષેત્રમાં સાઉદી મૂળના કામદારોને રાખવા માટે દબાણ વધારાશે.
જેની સીધી અસર સેલ્સમૅન, બેકરી, ફર્નિચર, ઇલેક્ટ્રૉનિક્સનું કામ કરતા વિદેશી શ્રમિકોની નોકરી ઉપર પડશે.
ગત વર્ષે જ્વેલરી સૅક્ટરમાં વિદેશી શ્રમિકોની જગ્યાએ સાઉદીઓને નોકરીએ રાખવા માટે કહેવામાં આવ્યું હતું, જેના કારણે આ ક્ષેત્રમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી.
ગલ્ફ બિઝનેસના રિપોર્ટ મુજબ, સાઉદી મૂળના લોકોને શોધવા અને કામે લગાડવા એ જ્વેલરી સૅક્ટર સાથે સંકળાયેલા લોકોની મોટી સમસ્યા બની હતી.
આ પગલાંને કારણે અનેક વિદેશીઓની નોકરી ગઈ અને જ્વેલરી સૅક્ટર ઉપર વિપરીત અસર પડી.
24 વર્ષીય અલી અલ-આયદના પિતાએ એક કંપની શરૂ કરી હતી. તેમણે કહ્યું :
"સોનાનું કામ કોઈ એક શખ્સથી ન થઈ શકે. સાઉદી અરેબિયામાં તાલીમબદ્ધ અને સક્ષમ યુવા નથી."
પરિવારે ઇન્ટરનેટ ઉપર નોકરીની જાહેરાત આપી, જેને જોઈને અનેક સાઉદીઓએ રસ દાખવ્યો, પરંતુ બહુ થોડા લોકો નોકરી કરવા આવ્યા. તેઓ કામના કલાકો અને રજાના દિવસો અંગે સહમત ન હતા.
કેટલાક લોકો નોકરીમાં જોડાયા પરંતુ પછી છોડી દીધી. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સાઉદીઓને તાલીમ આપવા માટે કંપનીએ બે ભારતીયોને નીમ્યા.
હવે સેલ્સમૅનના કામ માટે પણ સાઉદીઓને રાખવાના દબાણને કારણે પણ ભારતીયોની નોકરીને આંચકો લાગી શકે છે અને વતન પરત ફરવું પડી શકે છે.
વૉશિંગ્ટનમાં આરબ ગલ્ફ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટના સ્કૉલર કૉરેન યૂંગે ધ આરબ ન્યૂઝને કહ્યું, "વર્તમાન સર્વિસ સૅક્ટરની જરૂરિયાત મુજબ સાઉદી અરેબિયાની શ્રમશક્તિને ઢાળવામાં દસ વર્ષનો સમય લાગી શકે છે."
"એક રીતે તે સાંસ્કૃતિક પરિવર્તન પણ છે. તેઓ સર્વિસ, રિટેલ અને કન્સ્ટ્રક્શન સૅક્ટરનું કામ સરળતાથી નહીં સ્વીકારી શકે."
સાઉદી ગૅઝેટમાં કૉલમિસ્ટ મોહમ્મદ વાસવાણીએ લખ્યું છે, "કંપનીઓ માને છે કે સાઉદીઓ આળસુ હોય છે અને કામ નથી કરવા ઇચ્છતા."
"આપણે પહેલાં આ અવધારણાને બદલવાની જરૂર છે. સાઉદીકરણ એ ખોટી નીતિ છે અને તેને તત્કાળ સમાપ્ત કરવાની જરૂર છે."
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો