ટ્રમ્પ સામે મહાભિયોગ ખટલાની માગ, અમેરિકામાં મૂલર રિપોર્ટનો વિવાદ

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના કથિત હસ્તક્ષેપ પર રિપોર્ટ આવ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વિપક્ષી ડેમોક્રેટ્સનું દબાણ યથાવત છે.

ડેમોક્રેટ્સ માંગણી કરી રહ્યા છે કે આ રિપોર્ટ તૈયાર કરનાર રોબર્ટ મૂલર કૉંગ્રેસ સામે હાજર થાય અને આ રિપોર્ટ વિશે જાહેરમાં નિવેદન નોંધાવે.

ગુરુવારે આ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો.

આ સંપાદિત રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૂલરને તેમના પદ પરથી હટાવવાના પ્રયાસ કર્યા હતા.

આ રિપોર્ટમાં મુજબ ટ્રમ્પના ચૂંટણીપ્રચાર અને રશિયા વચ્ચે કોઈ ગુનાહિત સાંઠગાંઠ જોવા મળી નથી પણ તેઓ કાયદાકીય ચોકસાઈ સાથે એ નથી કહી શકતા કે ડોનાલ્ડ ટ્રમ્પે આ તપાસમાં અડચણ ઊભી કરી નહોતી.

આ રિપોર્ટ અંગે ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોએ એક નોટિસ પાઠવીને સંપૂર્ણં રિપોર્ટની માગ કરી છે.

ડેમોક્રેટ નેતા અને સદનની ન્યાયિક સમિતિના ચેરમૅન જૅરી નેડલરે કહ્યું કે તેઓ રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટ પર વિશ્વાસ કરી શકે તેમ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

'સંપૂર્ણ વિજય'

શુક્રવારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર એલિઝાબૅથ વૉરેને ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની માગ કરી હતી.

મૂલરના રિપોર્ટમાં કહેવાયું છે, "તથ્યોની પૂર્ણ તપાસ બાદ જો અમને એવો વિશ્વાસ હોત કે રાષ્ટ્રપતિએ ન્યાયમાં અડચણ ઊભી નથી કરી, તો અમે એવું કહી શક્યા હોત. પણ અમે તથ્યોના આધારે અને કાયદાકીય સ્તરે એવું કહી શકતા. નથી''

"તે મુજબ, આ રિપોર્ટમાં એ તારણ કાઢવામાં નથી આવ્યું કે રાષ્ટ્રપતિએ અપરાધ કર્યો છે પરંતુ તેમને દોષમુક્ત પણ કરવામાં આવ્યા નથી."

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાયદાકીય ટીમ આ રિપોર્ટને પોતાનો 'સંપૂર્ણ વિજય' કહે છે.

ટ્રમ્પની કાયદાકીય ટીમેના નિવેદનમાં કહેવાયું છે કે અમે શરૂઆતથી આ જ કહી રહ્યા હતા.

નિવેદન મુજબ, 17 મહિનાની તપાસ, 500 સાક્ષીઓના નિવેદન, 500 સર્ચ વૉરંટ, 14 લાખ પાનાની તપાસ અને રાષ્ટ્રપતિ તરફથી અભૂતપૂર્વ સહયોગ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આમાં કોઈ ગુનાહિત ભૂલ થઈ નથી.

જ્યારે ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું છે કે 'કોઈ સાંઠ-ગાંઠ નહીં, કોઈ અડચણ નહીં, નફરત કરનારાઓ અને રેડિકલ ડેમોક્રેટ્સ માટે ગેમ ઓવર.'

શું છે રિપોર્ટમાં

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

રૉબર્ટ મ્યુલર

448 પાનાનો સંપાદિત રિપોર્ટ લગભગ બે વર્ષની તપાસ બાદ મૂલર તૈયાર કર્યો છે.

માર્ચ મહિનામાં ઍટર્ની જનરલ વિલિયમ બારે આ રિપોર્ટનો સાર કૉંગ્રેસમાં રજુ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ ન્યાયમાં અડચણ ઊભી કરી તેના પુરાવા અપૂરતા છે.

2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ એવા આરોપો મોટા પાયે લગાવવામાં આવ્યા હતાં કે ચૂંટણીમાં રશિયાએ કથિત હસ્તક્ષેપ કર્યો હતો અને ટ્રમ્પના ચૂંટણીપ્રચાર સાથે રશિયાની સંભાવિત સાંઠગાંઠ હતી.

રિપોર્ટ રજુ કરતી વખતે ઍટર્ની જનરલ વિલિયમ બારે કહ્યું કે આમાં કાયદાકીય પ્રક્રિયામાં અડચણ ઊભી કરવાના આરોપો વિષયે, ટ્રમ્પ સાથે સંકળાયેલી 10 બાબતોની તપાસ કરવામાં આવી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં રશિયાની સરકાર અને ટ્રમ્પના પ્રચાર અભિયાન સાથે જોડાયેલા વ્યક્તિઓ વચ્ચે ઘણાં સંબંધો સૂચવવામાં આવ્યા પણ ગુનાહિત પ્રકારના આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી.

જોકે રિપોર્ટમાં કેહવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે મૂલરને પદ પરથી હટાવવા માટે જૂન 2017માં વ્હાઇટ હાઉસના પૂર્વ વકીલ ડૉન મૅકગાનને સંપર્ક કર્યો હતો.

આના પર મૅકગાને વિશેષ કાઉન્સિલને કહ્યું હતું કે તેમણે રાજીનામું આપી દીધું છે કારણકે તેઓ ફસાઈ ગયા હોય એવું અનુભવી રહ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર તેઓ રાષ્ટ્રપતિના નિર્દેશોનું પાલન કરવા માંગતા નહોતા અને તેમને એ પણ સમજાતું નથી કે ટ્રમ્પનો ફરીથી ફોન આવશે તો તેઓ શું કહેશે.

ડેમોક્રેટ્સની મુંઝવણ

ડેમોક્રેટ્સ હવે આ સંપૂર્ણ રિપોર્ટ જોવા માટે અને મૂલરને કૉંગ્રેસમાં રજુ થવા માટે માંગ કરી રહ્યા છે.

કૉંગ્રેસ સદસ્ય જૅકી સ્પાયરે કહ્યું કે મૂલરે આ બાબત કૉંગ્રેસ પર મુકી છે કે 'ન્યાયમાં અડચણ ઊભી કરવાની તપાસ કરે'.

આ રિપોર્ટને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ લાવવા માટેના સંભાવિત હથિયાર તરીકે જોવાતું હતું.

પણ રિપોર્ટ આવ્યા બાદ આ બાબતે ડેમોક્રેટ્સને મદદ મળશે નહીં.

બીબીસીના નૉર્થ અમેરિકા એડિટર જૉન સોપેલ કહે છે કે ડેમોક્રેટ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને નબળા પડતા જોવા ઇચ્છે છે.

તેઓ કહે છે કે તેઓ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ લાવવાથી રિપબ્લિકન પાર્ટીમાં એકતા વધવાનો ખતરો ઊભો થાય છે.

કારણકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે બે મહત્ત્વપૂર્ણ બિન્દુઓ આવી ગયા છે કે મ્યુલરે કહ્યું છે કે રશિયા સાથે સાંઠ-ગાંઠ કરવામાં નહોતી આવી અને ઍટર્ની જનરલે કહ્યું કે ન્યાયમાં કોઈ અડચણ ઊભી નહોતી કરાઈ.

રશિયાની પ્રતિક્રિયા

બીજી તરફ રશિયા મૂલર રિપોર્ટ અંગે કહ્યું કે તેમાં કોઈ જ નવી વાત બહાર આવી નથી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે જે વાત રિપોર્ટનમાં કહેવામાં આવી છે તે વાત રશિયા શરૂઆતથી કહી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો