શ્રીલંકામાં 290 લોકોનો ભોગ લેનારા બૉમ્બ બ્લાસ્ટની પાછળ કોનો હાથ છે?

બ્લાસ્ટ સામે પ્રાર્થના

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકાના વડા પ્રધાન રનિલ વિક્રમાસિંઘેના જણાવ્યા અનુસાર બૉમ્બ બ્લાસ્ટ મામલે ઓછામાં ઓછા 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા તમામ શ્રીલંકાના નાગરિકો છે. આ લોકોના કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથેના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

રવિવારે ચર્ચ અને હોટેલોમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 290 થઈ છે. આ હુમલામાં 36 વિદેશી નાગરિકોનાં મૃત્યુ થયાં છે. સત્તાવાર સૂત્રો પ્રમાણે તેમાં આઠ ભારતીય પણ સામેલ છે.

હુમલાખોર અંગે શું જાણકારી છે?

ઇમેજ સ્રોત, Getty Images

હુમલામાં કોનો હાથ હોઈ શકે છે એની અટકળોથી દૂર રહેવા માટે સરકારે લોકોને વિનંતી કરી છે અને બૉમ્બ વિસ્ફોટક બાદ સોશિયલ મીડિયાના વપરાશને મર્યાદિત કર્યો છે.

જોકે, ધરપકડ કરાયેલા 24 લોકો અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

કોલંબોમાં બીબીસીના સંવાદદાતા આઝમ અમીનનું કહેવું છે કે અધિકારીઓ અનુસાર હુમલાખોરો "કટ્ટરપંથી ચરમપંથી ઇસ્લામવાદી સમૂહ"નો ભાગ માનવામાં આવે છે.

આવા હુમલાઓની શક્યતા અંગેના જાસૂસી અહેવાલો અંગે વિક્રમાસિંઘેએ કહ્યું, "આપણે એ બાબતે ધ્યાન આપવું જોઈએ કે પૂરતી સાવધાન કેમ ન રખાઈ. મને કે મંત્રીઓને સૂચિત કરવામાં નહોતા આવ્યા."

શ્રીલંકાના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે સરકાર અને જાસૂસી સેવાઓને દોષી ઠેરવવી ન જોઈએ.

હેમાસરી ફર્નાન્ડો, જેઓ રાષ્ટ્રપતિ વિક્રમપાલ સિરિસેનાના મુખ્ય કર્મચારી પણ છે. વિક્રમસિંઘેના રાજકીય હરીફે કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં માત્ર એક કે બે સંભવિત હુમલાની જાણકારી હતી અને રવિવારે થયેલા બૉમ્બ બ્લાસ્ટ વિશે કશું પણ કહેવામાં આવ્યું નહોતું.

કોણ છે નેશનલ તૌહીદ જમાત?

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકન અધિકારીઓનું માનવું છે આ સમૂહ વિશે કોઈ ઠોસ જાણકારી નથી.

શ્રીલંકાના નિદેશક એલન કીનને ગેરલાભદાયી સંગઠન, ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રૂપને સલાહ આપી છે કે નેશનલ તૌહીદ જમાત એ જ સમૂહ હોઈ શકે છે કે જે ગત વર્ષની "નાની પણ મહત્ત્વપૂર્ણ ઘટના"માં સામેલ હતું.

તેમણે બીબીસીને જણાવ્યું કે ડિસેમ્બરમાં માર્વનેલા શહેરમાં બુદ્ધની કેટલીક મૂર્તિઓને તોડવામાં આવી હતી અને પોલીસે નવજવાનોના એક સમૂહની ધરપકડ કરી હતી. જેના વિશે એવું કહેવાતું કે તેઓ એક પ્રચારકના વિદ્યાર્થીઓ હતા. જેઓ જાસૂસી દસ્તાવેજમાં નામ રાખતાં હતા, જે કાલે સામે આવ્યાં છે.

નેગોમ્બોમાં એક વ્યક્તિએ એએફપીને જણાવ્યું કે સૅન્ટ સેબસ્ટિયન ચર્ચમાં તે અને તેમની પત્ની પ્રાર્થનામાં સામેલ થયાં હતાં.

દિલીપ ફર્નાન્ડોએ કહ્યું, "પરંતુ ત્યાં બહુ ભીડ હતી. હું ત્યાં ઊભા રહેવા માગતો નહોતો, આથી અન્ય ચર્ચમાં ચાલ્યો ગયો."

પરંતુ દિલીપના પરિવારના કેટલાક સભ્યો ચર્ચમાં હતા. બ્લાસ્ટમાં તેઓ બચી ગયા હતા. તેમનું માનવું છે કે તેઓએ આત્મઘાતી હુમલાખોરોને જોયો હતો.

દિલીપના કહેવા અનુસાર "પ્રાર્થના પછી તેણે જોયું કે એક યુવાન ભારે બૅગ સાથે ચર્ચમાં ગયો. તેણે મારા દાદાના માથે સ્પર્શ પણ કર્યો હતો. આ જ હુમલાખોર હતો."

શ્રીલંકાના દૂરસંચારમંત્રી હરિન ફર્નાન્ડોએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સરકાર પાસે હુમલાઓ અંગે ગુપ્ત માહિતી હતી.

તેમણે કહ્યું, "આ ગુપ્ત માહિતી અંગે વડા પ્રધાનને જાણ કરવામાં આવી નહોતી. કૅબિનેટમાં એવા સવાલો પણ ઊઠ્યા હતા કે આ રિપોર્ટને ગંભીરતાથી કેમ ન લેવાયો."

તેમણે કહ્યું, "ગુપ્તચર સંસ્થાઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચાર પ્રકારના હુમલાઓ થઈ શકે છે."

"આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ કે હથિયારોથી હુમલો થઈ શકે છે, ચાકુ દ્વારા કે વિસ્ફોટકોથી ભરેલા ટ્રક દ્વારા હુમલો થઈ શકે છે."

"આ રિપોર્ટમાં કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓનાં નામોનો પણ ઉલ્લેખ છે. તેમના ટેલિફોન નંબર પણ રિપોર્ટમાં આપવામાં આવ્યા છે."

"નવાઈની વાત એ છે કે ગુપ્તચર સંસ્થાઓ પાસે આ રિપોર્ટ હતો પરંતુ કૅબિનેટ કે વડા પ્રધાનને જાણ નહોતી."

ફર્નાન્ડોએ કહ્યું, "આ રિપોર્ટ એક દસ્તાવેજ છે અને આ દસ્તાવેજ હવે અમારી પાસે છે. આ રિપોર્ટમાં કેટલાંક નામોનો પણ ઉલ્લેખ છે. તેમાં કેટલાંક સંગઠનોનાં નામ પણ છે."

"હાલ તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને અમે એ લોકો સુધી પહોંચી જઈશું જે લોકો આ હુમલામાં સામેલ છે."

શ્રીલંકાના વરિષ્ઠ મંત્રી રજિતા સેનારત્નેએ કોલંબોમાં પત્રકારોને કહ્યું કે આંતરરાષ્ટ્રીય જાસૂસી એજન્સીઓએ આવા હુમલાની ચેતવણી આપી હતી, પણ આ સૂચના વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘે સુધી પહોંચી ન શકી.

મંત્રીએ એમ પણ કહ્યું કે કોઈ આંતરરાષ્ટ્રીય નેટવર્ટની સામેલગીરી વિના આવો હુમલો શક્ય નથી.

શ્રીલંકાના રક્ષા મંત્રી આર. વિજયવર્ધનનું કહેવું છે, ''આ આત્મઘાતી હુમલો છે. જાસૂસી એજન્સીઓએ સાવધ કર્યા હતા. આ હુમલાને રોકી શકાયો હતો પણ એ પહેલાં ધમાકા થયા. હુમલાનું ષડયંત્ર વિદેશમાં રચાયું હતું.''

શ્રીલંકા વાયુસેનાએ કહ્યું કે કોલંબો ઍરપોર્ટ પર છ ફૂટ લાંબી પીવીસી પાઇપમાં રાખેલા વિસ્ફોટકને નિષ્ક્રિય કરી દેવાયો છે.

રવિવાર સાંજે પોલીસે કોલંબોના એક વિસ્તારમાંથી એક વાન કબજે કરી હતી. કહેવાય છે કે દેશના અલગઅલગ ભાગોમાં આ વાનમાં જ વિસ્ફોટક લઈ જવાયા હતા.

શ્રીલંકાનો ઇતિહાસ અને સ્થિતિ

2009માં દેશના ગૃહયુદ્ધની સમાપ્તિ બાદ રવિવારે શ્રીલંકામાં થયેલો હુમલો સૌથી ઘાતક હતો.

એ યુદ્ધ તમિલ ટાઇગર્સની હાર સાથે સમાપ્ત થયું. તેઓએ અલ્પસંખ્યક જાતિ તમિલો માટે 26 વર્ષ સુધી સ્વતંત્ર માતૃભૂમિ માટે લડાઈ લડી હતી.

માનવામાં આવે છે આ સંઘર્ષમાં અંદાજે 70,000થી 80,000 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

થેરાવાદ બૌદ્ધ ધર્મ શ્રીલંકાનો સૌથી મોટો ધાર્મિક સમૂહ છે. વર્તમાન વસ્તીગણતરી પ્રમાણે લગભગ 70.2 ટકા તેની આબાદી છે.

આ શ્રીલંકાની સિંહલી બહુમતીનો ધર્મ છે અને દેશના કાયદામાં તેને પ્રાથમિક સ્થાન આપવામાં આવ્યું છે.

હિંદુ અને મુસ્લિમો ક્રમશઃ 12.6 ટકા અને 9.7 ટકા છે.

2012ની વસ્તીગણતરી પ્રમાણે શ્રીલંકામાં લગભગ 1.5 મિલિયન ઈસાઈ છે. જેમાંના મોટા ભાગના રોમન કૅથલિક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો