નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની જાહેરસભા છતાં અમરેલીમાં સૌથી ઓછું મતદાન

રાહુલ ગાંધીની તસવીર Image copyright Getty Images

મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર એકસાથે મતદાન યોજાયું. અંતિમ આંકડામાં થોડો ફેરફાર હોઈ શકે છે એવી નોંધ સાથે ગુજરાતમાં સરેરાશ 62.53 ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણીપંચ જણાવે છે.

જોકે, પાટીદારોની બહુમતીવાળી અમરેલી બેઠક ઉપર સાંજે સાત વાગ્યા સુધી સૌથી ઓછું 55.73 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાન ગત વર્ષની સરખામણીમાં 3 ટકા વધારે છે પરંતુ રાજ્યમાં સૌથી ઓછુ છે.

આ બેઠક ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કૉંગ્રસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેરસભાઓને સંબોધીને તેમના પક્ષના ઉમેદવાર માટે મત માગ્યા હતા.

આ બેઠક ઉપર ભાજપ, કૉંગ્રેસ, બસપા તથા આઠ અપક્ષ સહિત કુલ 12 ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.

ગુજરાતમાં લગભગ બે કરોડ 34 લાખ 28 હજાર પુરુષ, બે કરોડ 17 લાખ મહિલા તથા લગભગ એક હજાર અન્યની સાથે સાડા ચાર કરોડ મતદાતાઓને મતાધિકાર મળેલો હતો.


નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સભા

Image copyright Getty Images

તા. 15મી એપ્રિલે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમરેલી બેઠક હેઠળ આવતી મહુવામાં જાહેરસભાને સંબોધી હતી.

રાહુલ ગાંધીએ 'ન્યાય' યોજના તથા રફાલમાં કથિત ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તા. 18મી એપ્રિલે જાહેરસભા સંબોધિત કરી હતી.

મોદીએ તેમના ભાષણમાં 'કૉંગ્રેસના સરદારદ્વેષ', 'કૉંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા' અને 'દેશની સુરક્ષા' જેવાં મુદ્દા ઉઠાવ્યાં હતા.

ગત વખતે સરેરાશ 54.21 ટકા મતદાન સાથે અમરેલી સૌથી ઓછું મતદાન ધરાવતી બેઠકોની યાદીમાં છેલ્લેથી બીજાક્રમે હતી. પોરબંદરની બેઠક ઉપર સૌથી ઓછું 52.31 ટકા મતદાન થયું હતું.


અમરેલી: ધાનાણી વિ. કાછડિયા

Image copyright PRAKASH CHANDARANA

અમરેલી (નંબર- 14) બેઠક ઉપરથી ભાજપે તેના વર્તમાન સાંસદ નારણભાઈ કાછડિયાને ફરી ચૂંટણીમાં ઉતાર્યા છે. 2014માં તેમણે બે વખતથી સાંસદ વીરજી ઠુમ્મરને પરાજય આપ્યો હતો.

કાછડિયાની સામે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી કૉંગ્રેસના ઉમેદવાર છે.

અમરેલીની બેઠક ઉપર 25 ટકા પાટીદાર સમાજના મતદાર છે. જ્યારે કોળી સમુદાય બીજા ક્રમે છે.

પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામ સાથે સંકળાયેલા ધાનાણીને 'ટીમ રાહુલ'ના સભ્ય માનવામાં આવે છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં સાત વિધાનસભામાંથી પાંચ બેઠક ઉપર કૉંગ્રેસનો વિજય થયો હતો.

પાક વીમો, પાટીદારોની સંખ્યા તથા પાણીની સમસ્યાને કારણે કૉંગ્રેસને સારા પ્રદર્શનની આશા છે.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો