શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ કોણે કરાવ્યા?

  • ઝુબૈર અહેમદ
  • બીબીસી સંવાદદાતા
ઇસ્લામિક સ્ટેટની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દસ વર્ષ પહેલાં થયેલા ગૃહયુદ્ધ બાદ શ્રીલંકામાં હાલમાં થયેલો સૌથી મોટો ઉગ્રવાદી હુમલો કોણે કરાવ્યો એ અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ છે.

અલબત્ત, કથિત ઇસ્લામિક સ્ટેટે પોતાના મીડિયા પૉર્ટલ 'અમાક' પર હુમલાની જવાબદારી સ્વીકારી છે, પરંતુ તેની પુષ્ટિ ન કરી શકાય, કારણ કે સામાન્ય રીતે ઇસ્લામિક સ્ટેટ હુમલા બાદ હુમલાખોરની તસવીર જાહેર કરીને હુમલાની જવાબદારી તરત કબૂલે છે.

એ વાતનો કોઈ પુરાવો નથી કે શ્રીલંકામાં થયેલા હુમલાના ત્રણ દિવસ બાદ કરાયેલો આ દાવો સાચો હોય.

શ્રીલંકાની સરકારે એક સ્થાનિક જેહાદી સંગઠન 'નેશનલ તૌહીદ જમાત'નું આ હુમલામાં નામ લીધું છે અને અધિકારીઓએ બૉમ્બ વિસ્ફોટ કોઈ આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી થયો હોવાની વાત કરી છે.

અત્યાર સુધી 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 26 લોકોને સીઆઈડીએ, ત્રણને આતંકવિરોધી દળે અને નવની પોલીસે ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલાઓમાંથી માત્ર નવ લોકોને કોર્ટમાં રજૂ કરાયા છે. આ નવ લોકો વેલ્લમપટ્ટીના એક કારખાનામાં કામ કરતા હતા.

ભારતમાં દક્ષિણ એશિયાની બાબતોના જાણકારોને અત્યાર સુધી જાહેર કરાયેલી જાણકારીઓના આધારે લગભગ વિશ્વાસ બેસી ગયો છે કે હુમલાના તાર ગ્લૉબલ ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન સાથે મળે છે.

તેમના મતે આ હુમલા પાછળ કથિત ઇસ્લામિક સ્ટેટનો હાથ હોઈ શકે છે.

ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા જ મોટા હુમલો કરવા સક્ષમ

ઇમેજ સ્રોત, Getty Images

અજય સાહની કાઉન્ટર-ટૅરરિઝમ વિશેષજ્ઞ છે. સમગ્ર દક્ષિણ એશિયા પર તેઓ નજર રાખી રહ્યા છે.

તેમના મતે હુમલાનો સ્કેલ, આયોજન અને જટિલતા જોતા કહી શકાય કે આમાં કોઈ વૈશ્વિક ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠનનો હાથ હશે.

તેઓ કહે છે, "હાલ ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા તેમજ તેમનાં સહયોગી સંગઠનો આટલા મોટા પ્રમાણમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે."

સાહની કહે છે કે આ સંગઠનો હાલમાં ભારે દબાણ હેઠળ છે, પણ તેમનો સંપૂર્ણ ખાતમો થયો નથી. આ હુમલાની યોજના તેમણે ઘણા સમય પહેલાં બનાવી હશે, જેને અંજામ આપવાનો વખત અત્યારે આવ્યો હશે.

ઉગ્રવાદી હુમલા પર નજર રાખી રહેલા સુશાંત સરીન એક વરિષ્ઠ આતંક-વિરોધી ઍક્સપર્ટ છે. આ હુમલા અંગે તેમનું શું માનવું છે?

તેઓ કહે છે, "પહેલો વિચાર એલટીટીઈનો આવે છે. જોકે, એ આમાં સામેલ હોય એવું લાગતું નથી, કેમ કે સરકારે તેની કમર તોડી નાખી છે અને ગુપ્તચર સંસ્થાઓ પણ તેના પર નજર રાખી રહી છે."

સુશાંત સરીન કહે છે, "એ બાદ ધ્યાન ખેંચાય છે સ્થાનિક ઉગ્રવાદીઓ પર. જોકે, તેઓ આટલા ઘાતક હુમલાનું આયોજન કરવાની ક્ષમતા ધરાવતા નથી. એટલે એમનો પણ હાથ ન હોઈ શકે."

"હુમલાને જોતા એવું લાગે છે કે આમાં વૈશ્વિક ઇસ્લામિક સંસ્થાઓનો હાથ હોઈ શકે."

જોકે, સરીન ઈસ્ટરના તહેવાર પર થયેલા હુમલામાં કોઈ સ્થાનિક સંગઠનનો હાથ હોવાનો સંપૂર્ણ ઇન્કાર પણ નથી કરતા.

તેઓ કહે છે, "એવું શક્ય છે કે અધિકારીઓની નજરમાંથી છૂપી રીતે કોઈ સ્થાનિક સંગઠને આટલી ક્ષમતા હાંસલ કરી લીધી હોય અને એના પર અમલ કર્યો હોય."

શ્રીલંકાના અધિકારીઓએ 'નેશનલ તૌહીદ જમાત' નામના સ્થાનિક સંગઠનનો આ હુમલામાં હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના મતે કોઈ આંતરરાષ્ટ્રીય સગંઠને પણ તેમને મદદ કરી હોવી જોઈએ.

સરીન કહે છે કે હાલમાં કોઈ પણ સંભાવનાનો ઇન્કાર કરવો ભૂલભરેલો ગણાશે.

તેઓ આગળ જણાવે છે, "જો આ કામ કોઈ સ્થાનિક સંગઠનનું હોય તો એ વધુ ખતરનાક છે. આ એક ગંભીર વાત હશે અને અધિકારીઓ માટે ચિંતાનો વિષય પણ. તેઓ સત્યાનાશ વાળી શકે છે."

હુમલાની તપાસમાં શ્રીલંકાને એફબીઆઈનો સહયોગ પણ મળી રહ્યો છે.

જોકે, વિશેષજ્ઞો અનુસાર દેશ આખામાં એક કલાકની અંદર થયેલા શ્રેણીબદ્ધ ઉગ્રવાદી હુમલા કથિત ઇસ્લમિક સ્ટેટની છાપ છોડે છે.

મોટા ષડયંત્રનું પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images

આ હુમલાની યોજના અત્યંત ચોક્કસાઈથી બનાવાઈ હતી. મુંબઈમાં 26 નવેમ્બર, 2008ની રાતે કરાયેલો ઉગ્રવાદી હુમલો આપને યાદ હશે જ, જેમાં 166 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

દરિયાઈ રસ્તે કરાચીથી મુંબઈ આવેલા 10 ઉગ્રવાદીઓએ દક્ષિણ મુંબઈના પાંચ લૅન્ડમાર્ક પર હુમલો કર્યો હતો.

જાણવા મળે છે કે ત્રણ દિવસ સુધી ચાલેલા આ હુમલા પાછળની તૈયારીમાં દોઢ વર્ષનો સમય લાગ્યો હતો.

હુમલાના ષડયંત્રમાં સામેલ ડૅવિડ કૉલમૅન હૅડલીએ અમેરિકાની કોર્ટમાં આ અંગેની જાણકારી આપી હતી.

પાકિસ્તાનમાં હુમલાની યોજના ઘડનારાઓએ સૌપ્રથમ હૅડલીને માનસિક અને શારીરિક તાલીમ આપી હતી.

એ બાદ 10 યુવાનોને હુમલો કરવાની તાલીમ અપાઈ હતી. હૅડલી મુંબઈમાં અનેક વાર આવ્યા હતા અને હુમલો કરવાની જગ્યાઓ પસંદ કરી હતી.

એમનું કામ પૂર્ણ થયાના 18 મહિના બાદ એ યોજનાને અંજામ અપાયો હતો.

સુશાંત સરીન કહે છે કે આત્મઘાતી હુમલાખોરોની એક ટુકડીને માનસિક, મનોવૈજ્ઞાનિક અને શારીરિક રીતે તૈયાર કરવામાં મહિનાઓ લાગી શકે.

શ્રીલંકામાં કરાયેલા હુમલાઓમાં છ આત્મઘાતી સામેલ હતા. વળી, શક્તિશાળી બૉમ્બ બનાવવા માટે ભારે અનુભવી માણસની જરૂર પડે છે.

તેઓ કહે છે, "લોકો કહે છે કે ઇન્ટરનેટ પર સર્ચ કરીને બૉમ્બ બનાવી શકાય પણ જે ઘાતક બૉમ્બનો ઉપયોગ કરાયો એ કોઈ અનુભવી વ્યક્તિએ જ તૈયાર કર્યા હશે."

કદાચ એટલે જ અજય સાહનીનું માનવું છે કે આ ભયાનક કામ માટે સ્થાનિક લોકોનો ઉપયોગ તો કરાયો જ હશે, પણ આ આખી યોજના સ્થાનિક લોકોની ક્ષમતા બહારની વાત છે.

કથિત ઇસ્લામિક સ્ટેટની છાપ

ઇમેજ સ્રોત, Getty Images

સાહની અને સરીન, બન્ને એ વાતે સહમતી દર્શાવે છે કે આ હુમલા પાછળ કથિત ઇસ્લામિક સ્ટેટની છાપ જોવા મળી રહી છે.

સાહની કહે છે, "જો તમે ઇસ્લામિક સ્ટેટ દ્વારા સીરિયા અને ઇરાકમાં કરાયેલા મોટા હુમલાઓ પર નજર નાખો તો શ્રીલંકામાં કરાયેલો હુમલો એનાથી અલગ નહીં જણાય. તેમના માટે આ પ્રકારનું કામ સામાન્ય વાત છે. "

સરીનના મતે ઇસ્લામિક સ્ટેટ કે અલ-કાયદા જ આટલા મોટા પ્રમાણ પર હુમલો કરાવી શકે.

સરીન અને સાહની બન્ને એ વાત પર ધ્યાન દોરે છે કે શ્રીલંકામાં કરાયેલા હુમલા પશ્ચિમ રાષ્ટ્રોના વિરોધમાં હતા.

સરીન કહે છે, "ખ્રિસ્તી ધર્મનાં ધાર્મિક સ્થળો કે પશ્ચિમ દેશોના નાગરિકોથી ભરેલી ફાઇવ-સ્ટાર હોટલ પર હુમલો કરીને ઇસ્લામિક સ્ટેટે પોતાના મુખ્ય શત્રુ પર હુમલો કર્યો છે."

તેમના મતે જો આ હુમલો બૌદ્ધ ધર્મનાં ધાર્મિક સ્થળો પર કરાયો હોત તો કદાચ ઇસ્લામિક સ્ટેટ પર શંકા ન જાત.

શ્રીલંકન પોલીસે જે-તે લોકોની ધરપકડ કરી છે, તેમની પૂછપરછમાં સામે શું આવ્યું, એ અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી.

જોકે, અધિકારીઓ સ્પષ્ટ ઇશારો કરી રહ્યા છે કે વિદેશી શક્તિઓએ સ્થાનિક લોકોનો ઉપયોગ કરીને આ હુમલા કરાવ્યા છે.

શ્રીલંકા જ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

સાહનીનું માનવું છે કે ઇસ્લામિક સ્ટેટ માટે જગ્યા કે રાષ્ટ્રનું એટલું મહત્ત્વ નથી, જેટલું મહત્ત્વ અસરકારક હુમલો કરવાનું છે.

"શ્રીલંકા એક સરળ લક્ષ્ય બની શકે એમ છે. અહીં તેમને સ્થાનિક સહયોગ મળ્યો હશે, જેથી તેમનું કામ વધુ સરળ બની ગયું હશે."

આ વાતે સરીન પણ સહમત થાય છે. તેમના તમે જો આ હુમલામાં ઇસ્લામિક સ્ટેટ સામેલ હોય તો 'શ્રીલંકા જ કેમ?' એ સવાલનો છેદ ઊડી જાય છે.

તેઓ કોઈ પણ દેશમાં હુમલો કરી શકે છે. ઇસ્લામિક સ્ટેટે અત્યાર સુધી ઇરાક અને સીરિયા ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સૌથી વધુ હુમલા કર્યા છે.

ભારતમાં ઇસ્લામિક સ્ટેટનું જોખમ?

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકામાં કરાયેલા આ હુમલા બાદ ભારતમાં પણ હુમલાની શક્યતા વધી ગઈ હોવાનું સરીનનું માનવું છે. જોકે, ઇસ્લામિક સ્ટેટ ભારતમાં સફળ રહ્યું નથી.

સાહનીના મતે ઇસ્લામિક સ્ટેટે 2014માં ભારત પર નિશાન સાધવાની જાહેરાત કરી હતી. જોકે, બે કારણોસર તેને આમાં સફળતા ન મળી.

તેઓ કહે છે, "ભારતીય ગુપ્તચર સંસ્થાઓ સક્રિય છે અને ભારતના મુસ્લિમ સમુદાયે ઇસ્લામિક સ્ટેટને જાકારો આપી દીધો છે. "

તેઓ કહે છે, ભારતને ખરું જોખમ પાકિસ્તાન તરફથી છે. તેઓ શ્રીલંકા જેવા હુમલાની સરખામણી મુંબઈમાં ત્રણ વખત કરાયેલા હુમલા સાથે કરે છે.

તેમના મતે આ હુમલા (માર્ચ 1993, જુલાઈ 2006 અને નવેમ્બર 2008) પાછળ પાકિસ્તાનનો હાથ હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો