જો ભારતને ઈરાન પાસેથી તેલ મળવાનું બંધ થઈ જાય તો તેની શું અસર થશે?

  • કુલદીપ મિશ્ર
  • બીબીસી સંવાદદાતા
ઇરાન પેટ્રોલ

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાન પાસેથી તેલ ખરીદવા માટે ભારત સહિત આઠ દેશોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી છૂટ વધુ નહીં લંબાવાય.

અમેરિકાએ ભારત, ચીન, ઇટાલી, ગ્રીસ, જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને તુર્કીને 180 દિવસ માટે ઈરાન પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી હતી. તેની સમયમર્યાદા 2જી મેએ પૂરી થાય છે.

ઈરાન પાસેથી તેલ ખરીદવામાં ચીન પછી ભારત બીજા ક્રમે છે.

અમેરિકાના આ પ્રતિબંધની ભારત ઉપર શું અસર થશે, તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સોમવારે આ અંગેના સમાચાર આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઈલની કિંમત 3.33 ટકા વધી ગઈ.

સાથે જ ભારતમાં શૅરબજારમાં સેનસેક્સ અને નિફ્ટીમાં ઝડપભેર ઘટાડો નોંધાયો હતો.

ક્રૂડઑઈલની કિંમત છેલ્લા છ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે અને સેન્સેક્સ 495 પૉઇન્ટ ઘટ્યો હતો.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "અમેરિકન સરકારનો આ નિર્ણય સરકારના ધ્યાનમાં છે. અમે આ નિર્ણયની અસરનો સામનો કરવા માટે પૂર્ણ રીતે તૈયાર છીએ."

"અગાઉ પેટ્રોલિયમ મંત્રાલય આ અંગેનું નિવેદન આપી ચૂક્યું છે. સરકાર પોતાની ઊર્જા અને આર્થિક સુરક્ષા સાથે સંકળાયેલી બાબતોની રક્ષા માટે અમેરિકા સહિત પોતાના સહયોગી દેશો સાથે કામ કરતું રહેશે."

તમે આ વાંચ્યું કે નહીં?

શું તેલની તંગી ઊભી થશે?

ઇમેજ સ્રોત, AFP

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ટ્વીટ કરીને કહ્યું કે સરકાર ભારતીય રિફાઇનરીઓની ક્રૂડઑઈલની માગની આપૂર્તિ સુનિશ્ચિત કરવાની યોજના તૈયાર છે તથા અન્ય દેશો પાસેથી પેટ્રોલિયમ પેદાશોની માગ પૂરી કરવામાં આવશે.

કપરો સમય

પરંતુ શું આ સમસ્યા માત્ર ક્રૂડઑઈલની માગ પૂરી કરવા પૂરતી જ મર્યાદિત છે?

અમે ઑબ્ઝર્વર રિઝર્વ ફાઉન્ડેશનના ચૅરમૅન સંજય જોશી સાથે વાત કરી, જેઓ માને છે કે ભારત ગમે તેમ કરીને તેલની માગને તો પહોંચી વળશે, પરંતુ આને મોંઘવારી વધવાનો સંકેત કહી શકાય.

સંજય જોશીના મતે, "ઈરાનથી આવતા ક્રૂડઑઈલમાં ઘટાડો થશે, પરંતુ તેલની માગ તો ગમે તે રીતે પૂરી શકાય તેમ છે."

"એવું નથી કે ક્રૂડઑઈલની તંગી ઊભી થશે, પણ ક્રૂડઑઈલની કિંમતો વધશે અને રૂપિયાની કિંમત ઘટશે. એક મોટા દેશનું પ્રોડક્શન બજારમાં ઉપલબ્ધ ન બને તો કિંમતો વધી જાય છે."

"જો તે ઉત્પાદન અન્ય દેશોમાંથી ભરપાઈ થઈ જાય, જેમ કે, સાઉદી અરેબિયા પોતાનું ઉત્પાદન વધારે તો કિંમત ફરી ઘટી જશે."

ઈરાન સાથે વેપાર પર અસર?

ઇમેજ સ્રોત, Getty Images

સંજય જોશી માને છે કે તેને ભારત અને ઈરાનના વ્યાપારી સંબંધો પર કોઈ ફરક નહીં પડે.

તેઓ કહે છે, "ભારત શરૂઆતથી જ માને છે કે અમેરિકાના નિયંત્રણો એકતરફી છે અને તેને સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી નથી. ભારત શક્ય હશે ત્યાર સુધી વેપાર કરતું રહેશે."

અમેરિકાના નિર્ણય બાદ ઈરાનને પૈસા ચૂકવવામાં મુશ્કેલી પડશે, કારણ કે બૅકિંગ સિસ્ટમ પર અમેરિકાનું નિયંત્રણ છે.

બંને દેશો વચ્ચે વેપારના કેટલાક ઉત્પાદનોનો વ્યવહાર રૂપિયાથી કરે છે, પણ મોટા ભાગનો વેપાર ડૉલરમાં જ થાય છે.

અર્થશાસ્ત્રનો સામાન્ય નિયમ એવું કહે છે કે, બંને દેશો વચ્ચેનો વેપાર સંતુલિત હોય તો જ તેઓ સમગ્ર વ્યવહાર રૂપિયામાં કરી શકે છે.

એટલે કે, જેટલી કિંમતનો માલ ભારતમાં આવે છે, એટલી જ કિંમતનો માલ ઈરાન જતો હોય, પરંતુ એવું નથી.

તેઓ કહે છે, "ઈરાન ભારત માટે ભૂ-રાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ દેશ છે. તેથી ભારત માટે ઈરાન સાથે સંબંધો જાળવી રાખવા જરૂરી છે અને ભારત જાળવી રાખશે."

"તેમાં ક્રૂડઑઈલની ભૂમિકા નાનકડી જ છે. બધાં જાણે છે કે ભારતે ત્યાં ઘણું રોકાણ કર્યું છે. ચીનની CPEC (ચાઇના પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર) સામે ભારતે ત્યાં ચાબહાર પોર્ટ વિકસાવ્યું છે."

"તેથી ભારત અને ઈરાનના સંબંધોમાં ખટાશ આવે એવું નથી જણાતું. તેથી વેપાર થતો રહેશે, પરંતુ તેમાં થોડી મુશ્કેલી ચોક્કસ આવશે."

ભારતની અર્થવ્યવસ્થા પર અસર

ઇમેજ સ્રોત, Getty Images

સંજય જોશી કહે છે કે અમેરિકાના તાજેતરના નિર્ણય બાદ ક્રૂડઑઈલની કિંમતમાં ઉછાળો આવી શકે છે, જે આવ્યો પણ છે. તેની અસર ચોક્કસથી પડશે.

તેમના મતે, "સૌથી પહેલાં રૂપિયાનું મૂલ્ય ઘટશે. તેની અસર તરત દેખાશે. જેમ-જેમ તેલની કિંમત ઘટે છે, તેમતેમ નાણાકીય ખાધ પણ વધે છે."

"જ્યારે ડૉલરની સરખામણીએ ભારતીય ચલણ એક રૂપિયો મજબૂત થાય છે, ત્યારે ભારતની નાણાકીય ખાધ સીધી રૂ. 800 કરોડ વધી જાય છે."

આ નિર્ણયથી આઠ દેશોને અસર પડશે, જેમાં જાપાન, દક્ષિણ કોરિયા જેવા અમેરિકાના મિત્રરાષ્ટ્રો પણ સામેલ છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયની બીબીસી સંવાદદાતા બાર્બરા પ્લેટ યૂશર સાથે થયેલી વાત અનુસાર:

"છેલ્લા કેટલાક અઠવાડિયાથી જાપાન અને દક્ષિણ કોરિયાએ ઈરાનમાંથી ક્રૂડઑઈલની આયાતને અટકાવી દીધી છે અથવા બહુ ઓછી કરી નાખી છે."

"પરંતુ અમેરિકાની સરકારના તાજેતરના નિર્ણયની અસર આ દેશોના પરસ્પરના સંબંધો ઉપર પણ પડી શકે છે."

બાર્બરાના મતે, "ભારત માટે તો આ વધુ મોટી સમસ્યા છે, કારણ કે અમેરિકા ભારત ઉપર વેનેઝુએલાથી ક્રૂડઑઈલની આયાત ઘટાડવા દબાણ કરી રહ્યું છે."

"જોકે, ભારત અને ઈરાન વચ્ચે ઘનિષ્ટ સાંસ્કૃતિક-રાજકીય સંબંધો છે, તેથી ઈરાનને ઘેરવાની અમેરિકાની ઝુંબેશમાં જોડાવું મુશ્કેલ થશે."

શું વિકલ્પ છે?

ઇમેજ સ્રોત, Reuters

મૂળ સમસ્યા કિંમત ચૂકવવાની છે, કારણ કે બૅકિંગ સિસ્ટમ ઉપર અમેરિકાનું નિયંત્રણ છે.

આ સમસ્યા સાથે લડવા માટે યુરોપિયન સંઘે 'ઇનસ્ટેક્સ' નામની સંસ્થા સ્થાપી હતી.

જે હેઠળ યુરોપિયન દેશો અને ઈરાન સીધી આર્થિક લેવડ-દેવડ પર આધારિત રહ્યા વિના વેપાર કરી શકતા હતા.

ચીને પણ આવા કેટલાક પ્રયત્નો કર્યા છે. ચીન યુઆનમાં વેપાર કરતું આવ્યું છે અને ભારત પણ કેટલાક અંશે રૂપિયામાં વેપાર કરે છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ છે.

બધી બૅંકિંગ ચૅનલ પર ડૉલરનું પ્રભુત્વ છે અને તેને તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે.

પરંતુ ભારત સરકારની મુશ્કેલી એ છે કે ભારતમાં ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે તેણે આ મુશ્કેલ સમયનો પણ સામનો કરવાનો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો