શ્રીલંકામાં વિસ્ફોટ કરનાર બૉમ્બર બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં ભણ્યો હતો

હુમલાખોરની તસવીર

શ્રીલંકામાં કરાયેલા શ્રેણીબદ્ધ હુમલામાં સામેલ એક બૉમ્બરે બ્રિટનમાં અભ્યાસ કર્યો હોવાનું અધિકારીઓનું જણાવવું છે.

શ્રીલંકાના નાયબ સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે બૉમ્બરે યુકેમાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં ઑસ્ટ્રેલિયામાં જઈને કોર્સ કર્યો હતો.

શ્રીલંકા હુમલાનો મૃત્યુઆંક 359 થઈ ગયો છે, જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા 500થી વધારે છે.

દેશના વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ જણાવ્યું કે આ હુમલા પાછળ ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)નો હાથ હોઈ શકે છે.

ચર્ચ અને હોટલને નિશાન બનાવીને કરાયેલા આ બૉમ્બ વિસ્ફોટોની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. જોકે, આ અંગેના કોઈ સ્પષ્ટ પુરાવા તે આપ્યું શક્યું નથી.

પોલીસનું જણાવવું છે કે નવમાંથી આઠ હુમલાખોરની ઓળખ કરી લેવાઈ છે. આમાં એક મહિલા પણ છે. તમામ હુમલાખોર શ્રીલંકન હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ પહેલાં બુધવારે શ્રીલંકામાં અમેરિકાના રાજદૂતે દેશમાં 'ચાલી રહેલી આતંકવાદી યોજના' અંગે ચેતવણી આપી.

ઍનિલા ટૅપલિત્ઝે પત્રકારોને જણાવ્યું હતું, "ચેતવણી આપ્યા વગર આતંકવાદીઓ હુમલા કરી શકે છે.

જે જાહેરસ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય ત્યાં આવા હુમલા થઈ શકે એવી પણ તેમણે ચેતવણી ઉચ્ચારી.

આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈથ્રિપાલા સિરિસેનાએ પોલીસ અને સુરક્ષાદળોના સંપૂર્ણ પુનર્ગઠન ખાતરી આપી છે.

નોંધનીય છે કે ઈસ્ટરના દિવસે કરાયેલા હુમલાની પહેલાંથી જ ચેતવણી હોવા છતાં વડા પ્રધાનને જાણ કરાઈ નહોતી.

હુમલાખોરો અંગે આપણે શું જાણીએ છીએ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સૅન્ટ ઍન્થનીના ચર્ચની બહાર એક શ્રદ્ધાળુ

એક પત્રકાર પરિષદમાં નાયબ સંરક્ષણ મંત્રી રુવાન વિજેવર્દનેએ શંકાસ્પદ બૉમ્બર્સ અંગે વધુ જાણકારી આપી.

તેમણે કહ્યું, "એક હુમલાખોરે બ્રિટનમાં અભ્યાસ કર્યો હોવાનું અમારું માનવું છે. શ્રીલંકામાં સ્થાયી થયા પહેલાં તેણે ઑસ્ટ્રેલિયામાંથી પોસ્ટ ગ્રૅજ્યુએશન કર્યું હતું."

વિજેવદર્નેએ ઉમેર્યું, "મોટા ભાગના (હુમલાખોરો) શિક્ષિત અને મધ્યમ કે ઉચ્ચ મધ્યમ પરિવારમાંથી આવતા હતા."

"આર્થિક રીતે પણ તેઓ ખાસ્સા સ્વતંત્ર હતા અને તેમનાં કુટુંબો પણ આર્થિક રીતે સધ્ધર હતાં."

બે બૉમ્બર્સ કોલંબોના એક સમૃદ્ધ મસાલા વેપારીના પુત્રો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.

સમાચાર સંસ્થા એએફપીને પોલીસના સૂત્રોએ જણાવ્યા અનુસાર બન્નેએ શાંગ્રી-લા અને સિનૅમન ગ્રાન્ડ હોટલમાં જાતને ઉડાવી દીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ દરમિયાન તંત્ર દ્વારા ઇસ્લામિક સ્ટેટ અને હુમલામાં સામેલ સ્થાનિકો વચ્ચેની કડીની શોધખોળ ચાલી રહી છે.

શ્રીલંકન સરકારે હુમલા પાછળ સ્થાનિક ઇસ્લામિક સંગઠન 'નેશનલ થોવહિદ જમાથ' (એનટીજે)ને જવાબદાર ઠેરવ્યું છે.

જોકે, વિક્રમાસિંઘેનું કહેવું છે કે આવો હુમલો 'માત્ર સ્થાનિકો દ્વારા કરાવવો શક્ય નથી'

તેમણે જણાવ્યું, "આ માટેની ટ્રેનિંગ અપાઈ છે અને કૉર્ડિનેશન પણ કરાયું છે, જે અંગે પહેલાં ધ્યાન નહોતું ગયું."

આ મામલે અત્યાર સુધી 60 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આગામી હુમલા ખાળવા દેશમાં કટોકટી જાહેર કરી દેવાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો