અમેરિકામાં સિનગૉગમાં ગોળીબાર, એકનું મૃત્યુ, ત્રણને ઈજા

Image copyright Reuters

અમેરિકાના કૅલિફોર્નિયામાં એક સિનગૉગ(યહુદીઓનું દેવળ)માં કરાયેલા ગોળીબારમાં એક મહિલાનું મૃત્યુ નીપજપ્યું છે, જ્યારે ત્રણને ઈજા પહોંચી છે.

સૅન ડિયાગો શહેરમાં બનેલી આ ઘટના બાદ 19 વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

સિનગૉગમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

ગોળીબાર કરવાનો ઉદ્દેશ હજુ સુધી જાણી શકાયો નથી. જોકે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘટનાને 'હૅટ ક્રાઇમ' ગણાવી છે.

નોંધનીય છે કે પિટ્સબર્ગના એક સિનગૉગમાં કરાયેલા હુમલાના છ મહિના બાદ ગોળીબારની આ ઘટના ઘટી છે. પિટ્સબર્ગમાં કરાયેલા હુમલામાં 11 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.


Image copyright Getty Images

બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ શનિવારે સાંજે એક પત્રકાર પરિષદમાં કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો.

ઉત્તર પ્રદેશમાં માયાવતીના શાસન દરમિયાન ખાંડની 21 મીલોના વેચાણમાં થયેલા કથિત ગોટાળા મામલે યૂપીની વર્તમાન સરકારે સીબીઆઈ તપાસની માગ કરી છે.

જે સંદર્ભે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં માયાવતીએ કહ્યું, "સરકારના 'અચ્છે દિન' જવાના છે અને 'બૂરે દિન' આવવાના છે એટલે ફરી એક વખત સીબીઆઈનો પોપટની જેમ ઉપયોગ કરાઈ રહ્યો છે."

તેમણે કહ્યું, "ખાંડની મીલોના વેચાણમાં મારી કોઈ ભૂમિકા નથી. મેં આ અંગે કોઈ આદેશ પણ આપ્યો નથી. બધા આદેશ કૅબિનેટમાંથી અપાયા હતા."

માયાવતીએ કહ્યું,"ભાજપની નજર ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર છે. તેમને ગયા વખત જેવું જનસમર્થન નથી મળી રહ્યું એટલે ષડયંત્ર કરે છે. જનતાએ તેનાથી સાવધ રહેવું પડશે."


વિપક્ષે કરી ઈવીએમમાંથી ભાજપનું નામ હટાવવાની માગ

Image copyright Getty Images

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર કૉંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોએ ફરી એક વખત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈવીએમ)ને લઈને ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.

વિપક્ષે આ વખતે એવો આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળના બેરકપુર મતવિસ્તારમાં એક 'મૉક ડ્રિલ' દરમિયાન ઈવીએમમાં માત્ર ભાજપના ચૂંટણીચિહ્ન 'કમળ' નીચે જ પક્ષનું નામ લખાયેલું જોવા મળ્યું

કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી તેમજ અહેમદ પટેલ ઉપરાંત તૃણમૂલ કૉંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદી અને ડૅરેક ઓ બ્રાયનના નેતૃત્વમાં વિપક્ષી દળોના એક પ્રતિનિધિમંડળે ચૂંટણી કમિશનર સુનિલ અરોરાને મળીને આ મામલે વાંધો ઉઠાવ્યો.

આ નેતાઓએ માગ કરી છે કે ચૂંટણીના બાકીના તબક્કાઓમાં કાં તો આવાં ઈવીએમ હટાવી દેવાય કાં તો તમામ પક્ષોનાં નામ પણ તેમનાં ચૂંટણીચિહ્નોની નીચે લખવામાં આવે.

જોકે, ચૂંટણીપંચનું કહેવું છે કે ભાજપે આ જ ચિહ્નનો ઉપયોગ 2014ની લોકસભા ચૂંટણી વખતે પણ કર્યો હતો.


મૉઝામ્બિકમાં 'ઈડાય' બાદ હવે 'કૅનેથ' વાવાઝોડું ત્રાટક્યું

Image copyright Getty Images

મૉઝામ્બિકમાં ત્રાટકેલા કૅનેથ વાવાઝોડામાં ગામનાં ગામ તળાઈ ગયાં હોવાનું સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ જણાવ્યું છે.

કો-ઑર્ડિનેશન ઑફ હ્યુમેનિટેરિયન અફૅર્સનાં સ્થાનિક વડાં ગૅમ્મા કનલે જણાવ્યું છે કે ઉપરથી જોતાં એવું લાગતું હતું કે સમગ્ર વિસ્તારમાં જાણે 'બુલડોઝર ફરી વળ્યું હોય.'

આ પહેલાં 220 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું કૅનેથ મૉઝામ્બિકમાં ત્રાટક્યું.

બીબીસીના પમ્ઝા ફિહલાનીના અહેવાલ મુજબ પાવરની લાઇનમાં નુકસાન થવાને કારણે દેશના ઉત્તર વિસ્તારમાં કેટલાંય ગામોનો સંપર્ક સાધી શકાયો નથી.

નોંધનીય છે કે એક મહિના પહેલાં જ ત્રાટકેલા વાવાઝોડા ઈડાયને કારણે મૉઝામ્બિક અને પડોશી દેશોમાં 900થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.


તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો