પ્રેસ સ્વતંત્રતા દિવસ : મારાં માતાની હત્યા અને તેમને ન્યાય અપાવવાની લડત

ડેફની કેરુઆના ગેલિઝિયાની 2011ની ફાઇલ તસવીર Image copyright Reuters
ફોટો લાઈન ડેફની કેરુઆના ગેલિઝિયાએ ભ્રષ્ટાચાર મામલે રિપોર્ટ લખ્યો હતો

દર થોડા મહિને મારે મારી માતાની હત્યાની તપાસ કરી રહેલા અધિકારીની સાથે એક જ રૂમમાં બેસવું પડે છે. છ મહિના પહેલાં આ જ માણસ અમારા ઘરે આવ્યો હતો અને મારાં માતાની ધરપકડ કરીને લઈ ગયો હતો.

મારી માતાએ વડા પ્રધાન બનવા માટે ચૂંટણી લડી રહેલા એક ઉમેદવાર વિશે ચૂંટણીના દિવસે કટાક્ષ કરતો બ્લૉગ લખ્યો હતો. ઉમેદવારના એક ટેકેદારે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી.

મધરાતે પોલીસને અમારા ઘરે મોકલવામાં આવી. તેમની પાસે સહી કરેલું ધરપકડ વૉરન્ટ હતું.

મારી માતાનો ગુનો ફક્ત એટલો જ ગણી શકાય એવો હતો કે તેમણે ગેરકાયદેસર રીતે અભિવ્યક્તિ કરી હતી.

હું દુનિયાના બીજે છેડે રહીને કામ કરી રહ્યો હતો. મારાં માતાએ મારા પિતાનો શર્ટ પહેર્યો હતો અને મધરાત્રે દોઢ વાગ્યે તેમને પોલીસ સ્ટેશનેથી છોડી દેવામાં આવ્યાં. તેનો વીડિયો પણ કેટલાક લોકોએ મને મોકલ્યો હતો.

થોડા કલાક પછી તેઓ ફરી ઑનલાઈન આવ્યાં અને તેમની સાથે થયેલા દુર્વ્યવહાર વિશે પોતાની વેબસાઇટમાં લખ્યું હતું.

તેમાં નવા વડા પ્રધાનની અસલામતીની ભાવનાની વચ્ચે વચ્ચે મજાક પણ ઉડાવી હતી અને પોતાના દેખાવ વિશે પણ કેટલીક મજાક કરી હતી.

તેમણે લખ્યું હતું, "હું તદ્દન અસ્તવ્યસ્ત છું તે માટે તમારી માફી માગું છું, પણ મધરાતે તમારા ઘરે કોઈ તમારી ધરપકડ કરવા આવી જાય ત્યારે... તમે વાળ ઓળવા બેસો, પાવડર કાઢીને છાંટો અને બ્લશર કરો અને સારાં વસ્ત્રો શોધવા બેસો એવું બધું તો ન થાય ને."

હવે તે રાત્રે મારી માતાની ધરપકડ કરનારા અધિકારીને જ મારી માતાની હત્યાની તપાસ સોંપવામાં આવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Getty Images
ફોટો લાઈન આ તસવીર મેથ્યૂના નાનપણની છે કે જેમાં તેઓ તેમનાં માતા ડેફની સાથે જોવા મળી રહ્યા છે

મારી માતા ડેફની કેરુઆના ગેલિઝિયાની જે દિવસે હત્યા થઈ તે દિવસે તેઓ બૅન્કમાં પોતાનું ખાતું ફરી શરૂ કરાવવા ગયાં હતાં.

સરકારના એક પ્રધાનના કહેવાથી મારી માતાનું બૅન્ક એકાઉન્ટ સ્થગિત કરી દેવાયું હતું.

મારી માતાની ઉંમર ત્યારે 53 વર્ષની હતી અને 30 વર્ષની તેમની પત્રકારત્વની કારકિર્દીમાં તેઓ ટોચ પર પહોંચ્યાં હતાં.

તેમની કારની સીટ નીચે અડધો કિલો જેટલો ટીએનટી વિસ્ફોટક પદાર્થ ભરેલું ડિવાઇસ મૂકી દેવાયું અને રિમોટ કંટ્રોલથી કોઈએ ધડાકો કરી દીધો.

સરકારના ટેકેદારોએ આ હત્યાની ખુલ્લેઆમ ઉજવણી કરી હતી. તુર્કીશ-આર્મેનિયન અખબારના તંત્રી રેન્ટ ડિન્કની હત્યા થઈ ત્યારે પણ આ જ રીતે ઉજવણી થઈ હતી તે ઘટના મને યાદ આવી ગઈ હતી.

કેટલાકે એવી શંકા પણ વ્યક્ત કરી કે મેં જ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. કેટલાક કહેતા હતા કે મારી માતાએ ખુશી ખુશી પોતાના જીવનને જોખમમાં મૂકી દીધું હતું.

આવી જ મજાક અમેરિકાના પત્રકાર જેમ્સ ફોલી વિશે થઈ હતી. તેમનું સીરિયામાં અપહરણ થયું હતું અને બાદમાં તેમનું ગળું કાપીને હત્યા કરી દેવાઈ હતી.

ડેફની કેરુઆના ગેલિઝિયાની હત્યા

  • ઑક્ટોબર 2017: ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ ડેફની કેરુઆના ગેલિઝિયાની કારબૉમ્બ દ્વારા હત્યા કરવામાં આવી
  • વડા પ્રધાન જોસેફ મસ્કેટે આ હત્યાને 'નૃશંસ' ગણાવી હતી. માલ્ટાના નેતાઓ તેમની અંતિમયાત્રામાં સામેલ થવા માગતા હતા, પણ શોકગ્રસ્ત પરિવારે મનાઈ કરી દીધી હતી.
  • ડિસેમ્બર 2017: ત્રણ પુરુષોની ધરપકડ કરવામાં આવી. ભાડૂતી માણસોને રાખીને હત્યા થઈ હોવાની શંકાની પણ તપાસ કરવામાં આવી હતી.
  • જુલાઈ 2018: માલ્ટાની સરકારે હત્યાની ઘટનાની તપાસ કરવા માટે મૅજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં તપાસ પંચ બેસાડ્યું હતું. તપાસ પંચે ડેફની કેરુઆના ગેલિઝિયાએ વડા પ્રધાન અને તેમની પત્ની પર લગાડેલા ભ્રષ્ટાચારના આક્ષેપો ખોટા છે તેવું જણાવ્યું.
  • ઑગસ્ટ 2018: ડેફની કેરુઆના ગેલિઝિયાના પરિવારે આ બનાવની જાહેર તપાસ થાય તે માટે માગણી કરી. તેમની હત્યા રોકી શકાઈ હોત તેની તપાસ કરવાની માગણી થઈ હતી.

શા માટે આ હત્યાના કિસ્સા ગંભીર છે?

મારા ભાઈએ યુરોપિયન ડિપ્લોમેટ્સને જણાવ્યું હતું, "પત્રકારો માટે જે સ્ટૉક અને ટ્રેડ સમાન છે, તે માહિતી અને અભિપ્રાયોની મુક્ત રીતે અભિવ્યિક્તિથી જ ન્યાયી અને મુક્ત સમાજની રચના થાય છે."

અમે માતાને ગુમાવ્યાંના શોકમાંથી બહાર નહોતા આવ્યા ત્યારે મારા ભાઈએ આ વાત કહી હતી.

"તેના કારણે એવા સમાજનું નિર્માણ થાય છે જે સમૃદ્ધ અને વધારે સહનશીલ હોય. બીજા શબ્દોમાં કહીએ તો જેમાં સારી રીતે જીવી શકાય તેવો સમાજ."

માતાની હત્યા પછી અમારા માટે એ જ આશ્વાસન હતું કે ચારે બાજુથી અમને સમર્થન મળ્યું હતું. દરેક પ્રકારના લોકોમાં સહાનુભૂતિ, પશ્ચાતાપ, ઉદાસી અને અફસોસ જોવા મળ્યો હતો.

તેના કારણે મને નવાઈ લાગેલી અને મારા મિત્રે એક વાર મને કહ્યું હતું તે યાદ આવી ગયું: "સારા લોકો સર્વત્ર હોય છે, તમારે તેમને શોધવાની જરૂર હોય છે."

માનવ અધિકારનું પાલન થતું હોય, કાયદો જ્યાં બધા માટે સમાન હોય એવા મુક્ત અને મોકળાશ સાથેના સમાજમાં રહેવાની ઇચ્છા સર્વવ્યાપી છે.

પરંતુ બધી ઇચ્છાઓની જેમ અહીં પણ સ્થિતિ ક્યારેક સારી, ક્યારેક ખરાબ હોય છે.

રોગની જેમ કેટલાક ખરાબ માણસો કાયમ આપણી વચ્ચે રહેવાના છે, પણ તે લોકોએ કબજો જમાવી દીધો છે એવું આપણને ભાન થાય ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે.

મારી માતાની હત્યા પછી મારા ભાઈ, પિતા અને મેં જે નિશ્ચય કર્યો છે તે પાર પાડવો બહુ મુશ્કેલ છેઃ અમારો નિશ્ચય છે- મારી માતાની હત્યાના કિસ્સામાં ન્યાય.

તેમણે પત્રકાર તરીકે કરેલી તપાસનો ન્યાય અને એની ખાતરી કરાવવી કે ફરી ક્યારેય આવી રીતે કોઈની હત્યા નહીં થાય.

Image copyright Getty Images
ફોટો લાઈન મેથ્યૂ અને તેમના ભાઈ પૉલ તેમનાં માતા માટે ન્યાય મેળવવા કૅમ્પેન કરી રહ્યા છે

અમારા પરિવારમાં અમે ઘણી વાર વાત કરતા હોઈએ છીએ કે કેવી રીતે નિષ્ક્રિયતા સામે આપણી અંદર રોષ છે.

ખાસ કરીને સત્તામાં બેઠેલા લોકોની નિષ્ક્રિયતા અને ઉપેક્ષા અમે ચલાવી લેવા માગતા નથી.

સત્તાધીશોની ઉપેક્ષાવૃત્તિ અને નિષ્ક્રિયતાની ટીકા કર્યા સિવાય અમે રહી શકતા નથી.

તુર્કિસ્તાનના ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર ઉગુર મુમ્સુનાં સંતાનોએ અમને જણાવ્યું હતું કે તેમના પિતાની હત્યા પણ કારબૉમ્બથી થઈ હતી.

તેની તપાસમાં નિષ્ફળતા માટે પોલીસ વડાએ એવું બહાનું કાઢ્યું હતું કે અમે બધું ના કરી શકીએ, અમારી સામે પણ આડે દીવાલો ઊભી છે.

આવા જવાબ સામે તેમનાં માતાએ કહ્યું હતું : "તો પછી એ દીવાલની એક ઈંટ હઠાવો, પછી બીજી હઠાવો, તે રીતે આખી દીવાલ ખસી જાય ત્યાં સુધી કોશિશ કરતા રહો."

અમારી માતાની હત્યા થઈ ત્યારથી અમે પણ એ જ કરી રહ્યા છીએ.

કંઈ પણ થાય અમે બધા જ પ્રયત્નો કરીશું એવું મેં પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું. પણ મને લાગે છે કે અમારા માટે લક્ષ્ય ઉપરાંત ત્યાં સુધી પહોંચવાનો માર્ગ પણ અગત્યનો છે.

અમે માનસિકતા બદલવા માટે ફરજ પાડી રહ્યા છીએ. સત્તાધીશો તેની ફરજ બજાવે અને ન્યાય આપે તે માટે પ્રયાસો કરીને અમે મુક્ત અભિવ્યક્તિ માટે વધારે સન્માનની સ્થિતિ ઊભી કરી રહ્યા છીએ.

'અસ્વતંત્રતા'ના રોગની નાબૂદી માટે લડી રહેલા બીજા લોકો સાથે અમે જોડાઈ રહ્યા છીએ. આવો પ્રયાસ કરીને તેઓ દુનિયાને માનવ અધિકારનું સન્માન કરવાનું પણ શીખવી રહ્યા છે.

Image copyright Getty Images
ફોટો લાઈન વિરોધ-પ્રદર્શનથી પત્રકાર ડેફની કેરુઆના ગેલિઝિયાની હત્યા બદલ ન્યાયની માગ કરવામાં આવી રહી છે

લેખક યામીન રશિદે અમને કહ્યું હતું, "સ્વતંત્રતાની શરૂઆત, અંતરમનની સ્વતંત્રતાથી થાય છે." તેના પાંચ જ દિવસ પછી 2017માં માલદિવ્સમાં તેમના ઘરની બહાર જ તેમની હત્યા થઈ ગઈ હતી.

તેમણે એમ પણ કહ્યું હતું, "મનની મૂળભૂત મુક્તિ વિના બીજી સ્વતંત્રતાનું તમે શું કરશો?"

મારી માતાની જેમ જ તેમની પણ હત્યા થઈ તે બતાવે છે કે આપણા દેશોમાં સ્વતંત્રતાનું કોઈ મૂલ્ય નથી.

કોઈ પત્રકારની હત્યા થઈ જાય કે જેલમાં પૂરી દેવામાં આવે તે પછી માત્ર તેમના પરિવારના સભ્યો, ગર્લફ્રેન્ડ, બૉયફ્રેન્ડ કે તેમના મિત્રો જ સ્વાતંત્ર્ય માટેની લડત ચલાવે તે પૂરતું નથી.

અમારા ખભા પર આ બહુ મોટી જવાબદારી આવી છે, તે અમે એકલા વહન કરી શકીએ તેમ નથી. બધી જ જગ્યાએથી સારા માણસો અમારી સાથે જોડાય તે જરૂરી છે.

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે

  • વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે (વિશ્વ સ્વતંત્ર પત્રકારત્વ દિન)ની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘે 1993માં કરી હતી, જે દર વર્ષે 3 મેના રોજ મનાવવામાં આવે છે.
  • 2019ના દિનની થીમ છેઃ ગેરમાહિતીના જમાનામાં ચૂંટણીઓ અને પત્રકારત્વ.
  • આ દિન મનાવવા પાછળનો હેતુ દુનિયાભરમાં પત્રકારત્વની સ્વતંત્રતાને તપાસવી, તેને સંભાળવી અને ઉજવણી કરવાનો છે. સાથે જ પત્રકારત્વની ફરજ બજાવતી વખતે મૃત્યુ પામેલા પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ છે.
  • ગયા વર્ષે 95 પત્રકારો અને મીડિયાના વ્યાવસાયિકોનાં મૃત્યુ થયાં હતાં. ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ જર્નલિસ્ટ્સના જણાવ્યા અનુસાર નિશાન સાથે હત્યા, બૉમ્બવિસ્ફોટ કે સામસામે ગોળીબારમાં તેમના જીવ ગયા હતા.

હું જાણું છું મારા જેવા ઘણા બધા લોકો છે. યાદ કરો સાઉદીના લેખક જમાલ ખાશોગ્જીને બધી જગ્યાએથી લોકોનો પ્રેમ મળ્યો હતો.

માત્ર એક જ વ્યક્તિ તેમને એટલી ધિક્કારતી હતી કે તેમની હત્યા કરાવી નાખી.

મારી માતા સહિત આ રીતે થતી પત્રકારોની હત્યાઓમાં એવું ક્યાંય જોવા મળતું નથી કે સત્તાધીશો હત્યા માટે ખરેખર જવાબદાર લોકોને સજા આપવા માટે પૂરતા પ્રયાસો કરતા હોય.

Image copyright Getty Images
ફોટો લાઈન ઑક્ટોબર 2018માં સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા કરી દેવાઈ હતી

તેથી અમે આડશરૂપી દીવાલની પ્રથમ ઈંટ ખસેડવાનું કામ કર્યું છે: અમારી માગણી છે કે માલ્ટા સરકાર જાહેર તપાસનો આદેશ આપે કે રાષ્ટ્ર ક્યાં ઊણું ઊતર્યું કે તેના સૌથી મહત્ત્વના પત્રકારની હત્યા થતી અટકાવી શક્યું નહીં.

તે પછી અમે બીજી ઈંટ ખસેડવા તરફ આગળ વધીશું.

રોજ મને થાય છે કે મારી માતાએ દેશ ખાતર આવું બલિદાન આપવાની જરૂર નહોતી અને તે જીવતી રહી હોત તો સારું થાત.

અઝેરી પત્રકાર ખદિજા ઇસ્માઇલોવાની કહે છે તેમ "આપણે ખરેખર પ્રેમ કરતા હોઈએ તો ઇચ્છીએ કે જેમને આપણે પ્રેમ કરીએ છીએ તે જેવા છે એવા જ રહે. એવાં જ હતાં ડેફની - એક લડાયક અને વીરાંગના."

ખદિજાને જેલમાં પૂરવામાં આવ્યા છે, જેની માનવ અધિકાર જૂથો ભારે ટીકા કરી રહ્યાં છે.

મારાં માતા એ ક્યારેય નહીં જાણી શકે કે તેમની હત્યાને કારણે માલ્ટા અને અન્યત્ર પણ હજારો લોકોને વીરતા દાખવવા માટે પ્રેરણા મળી છે.

હું માનું છું કે આવા વીરતાના દરેક પ્રયાસને કારણે જ, એક કે બીજી રીતે આપણા બહાદુર પત્રકારોને રક્ષણ મળી રહ્યું છે કે જેથી તેમના હાલ મારાં માતા જેવા ન થાય.

લેખક વિશે

મેથ્યૂ કેરુઆના ગેલિઝિયા ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ છે. તેમનાં માતા અને પત્રકાર ડેફની કેરુઆના ગેલિઝિયાની ઑક્ટોબર 2017માં કારબૉમ્બથી હત્યા કરી દેવામાં આવી હતી. તમે અહીં ટ્વિટર પર તેમને ફૉલો કરી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો