BBC Top News : કાશ્મીરના અનંતનાગમાં મતદાન અગાઉ ભાજપના નેતાની હત્યા

Image copyright Altaf thakur
ફોટો લાઈન ગુલ મોહમ્મદ મીર

ભારત પ્રશાસિત કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાત્રે કથિત ઉગ્રવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા ગુલામ મોહમ્મદ મીરની ગોળી મારીને હત્યા કરી છે. મીર અનંતનાગ જિલ્લામાં પાર્ટીના ઉપાધ્યક્ષ હતા.

કાશ્મીરના અનંતનાગમાં માં ત્રીજા ચરણની ચૂંટણી 6 મેએ ચૂંટણી યોજાવાની છે, જેના અગાઉ આ હત્યા થઈ છે. જે 2019ની સામાન્ય ચૂંટણીની પ્રથમ રાજકીય હત્યા માનવામાં આવે છે.

ભાજપે હત્યાની ટીકા કરીને સીબીઆઈ તપાસની માગ કરી છે.

પોલીસે એક નિવેદન આપીને કહ્યું છે કે મીર પર તેમના નૌગામમાં આવેલા ઘરમાં હુમલો થયો. ગંભીર રીતે ઘાયલ થયેલાં મીરને સારવાર માટે હોસ્ટિપટલ લઈ જવાયા, જ્યાં તેમનું મૃત્યુ થયું. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.

ભાજપના રાજ્ય એકમના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું, મીર લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેઓ સરપંચ પણ રહી ચૂક્યા હતા અને બે વખત વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પણ જીતી શક્યા નહોતા. અનંતનાગ બેઠકના લોકસભા ચૂંટણીના ઉમેદવાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ સોફી યૂસુફે સીબીઆઈ તપાસની માગ કરી છે.

પુલવામા હુમલા બાદ અન્ય અનેક નેતાઓ સાથે મીરની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી તેમ રાજ્યનું ભાજપ એકમ જણાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યકત કર્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?


કેજરીવાલને થપ્પડ, ભાજપ પર આરોપ

Image copyright TWITTER @AAP

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને શનિવારે એક રોડ શો દરમિયાન એક અજાણ્યા માણસે થપ્પડ મારી દીધી.

કેજરીવાલ પશ્ચિમ દિલ્હીના મોતીનગર વિસ્તારમાં પાર્ટી ઉમેદવાર બલબીર સિંહ જાખડ સાથે પ્રચાર કરી રહ્યા હતા.

રોડ શો માટે કેજરીવાલ ખુલી જીપમાં સવાર હતા, ત્યારે જ ટી-શર્ટ પહેરેલી એક વ્યક્તિએ ગાડીના બોનેટ પર ચઢીને કેજરીવાલને થપ્પડ મારવાની કોશિશ કરી.

આમ આદમી પાર્ટીના ટ્વિટર પર લખ્યું છે, "આ અરવિંદ કેજરીવાલ પર હુમલો નથી. આ દિલ્હી અને તેના જનમત પર હુમલો છે. દિલ્હીના લોકો 12 મેએ ભાજપને તેનો જડબાતોડ જવાબ આપશે."

કેજરીવાલ સરકારના મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું કે શું મોદી અને અમિત શાહ હવે કેજરીવાલની હત્યા કરાવા માગે છે?


ઇઝરાયલનો ગઝા પર જવાબી હુમલો, 4 ના મોત

Image copyright EPA

ઇઝરાયલની સેના અનુસાર ગઝાપટ્ટીના કટ્ટરવાદીઓએ ઇઝરાયલી વિસ્તારમાં 200થી વધુ રૉકેટથી હુમલો કર્યો. જેના જવાબમાં સેનાએ ફિલિસ્તાન વિસ્તારમાં હવાઈ હુમલા કરીને ટૅંકથી ગોળા ફેંક્યા હતા.

સેનાએ જાણકારી આપી છે કે ગઝાથી ફેંકાયેલા રૉકેટથી ત્રણ લોકો ઘાયલ થયા જ્યારે ઇઝરાયલની જવાબી કાર્યવાહીથી ફિલિસ્તાન વિસ્તારમાં એક મહિલા અને તેની 14 મહિનાની બાળકી સહિત ચાર લોકોનાં મૃત્યુ થયા છે અને અન્ય ઘાયલ થયા છે.

આ પહેલાં શુક્રવારે થયેલા એક હુમલામાં ઇઝરાયલના બે સૌનિકો ઘાયલ થયા હતા. તેના જવાબમાં થયેલી કાર્યવાહીમાં ફિલિસ્તાનના ચાર લોકોના મૃત્યુ થયા હતા જેમાંથી બે હમાસના સૈનિકો હતા.

ઇઝરાયલમાં એપ્રિલમાં થયેલી ચૂંટણી દરમિયાન બંને તરફથી યુદ્ધ વિરામની સ્થિતિ હતી પરંતુ હાલ તણાવ વધી ગયો છે. જેરુસલેમમાં રહેલા બીબીસી સંવાદદાતા ટૉમ બૅટમૅનના મતે ઇજિપ્ત અને સંયુક્ત રાષ્ટ્ર પ્રયત્નો કરે છે કે બંને પક્ષો વચ્ચે શાંતિ જળવાઈ રહે, પરંતુ લાંબો સમય શાંતિ રહેવાને બદલે તણાવ વધી રહ્યો છે.


શ્રીલંકાના આત્મઘાતી હુમલાખોરે કાશ્મીર, કેરલની મુલાકાત લીધી હતી

Image copyright Getty Images

શ્રીલંકામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરનારા આત્મઘાતી હુમલાખોરોએ ભારતની મુલાકાત લીધી હતી તેવી માહિતી શ્રીલંકાના લશ્કરી વડા સેનાનાયકેએ આપી છે.

શ્રીલંકાના હુમલાખોરો સાથેના ભારતીય જોડાણની કડી અંગે એનઆઈએ પણ તપાસ કરી રહી છે ત્યારે શ્રીલંકામાં સર્વોચ્ચ લશ્કરી અધિકારીનું આ નિવેદન આવ્યું છે.

સેનાનાયકેએ જણાવ્યું છે કે હુલમાખોરોએ કાશ્મીર, કેરળ અને બૅંગ્લુરૂની મુલાકાત લીધી હતી. તેમણે આ મુલાકાત કોઈક તાલીમ કે નેટવર્કિંગ માટે લેવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે ઇસ્ટર સન્ડે પર ચર્ચો અને હોટલ પર થયેલા આત્મઘાતી હુમલાઓમાં 250થી વધારે લોકોના મૃત્યુ થયા છે. આ હુમલાની જવાબદારી પાછળથી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો