ટિકટૉકના સ્ટાર ક્યારેય યૂ-ટ્યૂબની જેમ કમાણી કરી શકશે?

ટિકટૉક Image copyright Getty Images

21 વર્ષનાં વિકી બૅન્હમને એક માર્કેટિંગ કંપનીનો કૉલ આવ્યો તો તેઓ દંગ રહી ગયાં.

તેમને તરત ફ્લાઇટ પકડીને સ્પેનમાં ડીજે સિગલાના નવા આલબમની લૉન્ચ પાર્ટીમાં હાજરી આપવાની વિનંતી કરવામાં આવી.

બૅન્હમ આ સ્પેનિશ ટાપુ પર પહોંચ્યા અને પાર્ટીમાં હાજર રહ્યાં. તેમને હજી પણ વિશ્વાસ નથી કે કાલ્પનિક લાગતી આ ઘટના તેમની સાથે ઘટી છે.

તેઓ કહે છે, "ત્યાં 24 કલાક જાણે ગાંડપણ હતું અને ભરપૂર મસ્તી હતી."

બૅન્હમને પાર્ટીમાં બોલાવવામાં આવ્યાં હતાં કારણ કે ટિકટૉક પર તેમના 13 લાખ ફૅન્સ છે.

ટિકટૉક ચીનની કંપની બાઇટડાંસની એક સ્માર્ટફોન ઍપ છે, જેના પર યૂઝર્સ નાના વીડિયો અને મીમ્સ શૅર કરી શકે છે.

બૅન્હમને બોલાવનાર કંપનીએ તેમની સાથે કોઈ ડીલ નહોતી કરી, મુસાફરીના ખર્ચ સિવાયની કોઈ રકમ આપવાનો વાયદો પણ નહોતો કર્યો.

તેમની સાથે એવી કોઈ શરત પણ નહોતી મૂકી કે તેઓ ઇવેન્ટના વીડિયો ટિકટૉક પર મૂકે.

તેઓ કહે છે, "કંપની ટિકટૉક પર સક્રિય કેટલીક વ્યક્તિઓની હાજરી ઇચ્છતી હતી."

બૅન્હમને મળેલા આમંત્રણ થકી સોશિયલ મીડિયા જગતમાં ટિકટૉકના મહત્ત્વનો ખ્યાલ આવે છે.


યુવાનોમાં લોકપ્રિય

Image copyright VICKY BANHAM

ઍપ મૉનિટરિંગ કંપની સેન્સરટાવર પ્રમાણે ફેબ્રુઆરીમાં ઍપલ અને ઍૅન્ડ્રૉઇડ સ્માર્ટફોન પર ટિકટૉક ડાઉનલોડની સંખ્યા એક અબજ કરતાં પણ વધી ગઈ છે.

2018માં જ આ ઍપ 66 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામના ડાઉનલોડ્સ 44 કરોડ હતા.

ડિજિટાસ યૂકેના સ્ટ્રૅટેજી પાર્ટનર જેમ્સ વ્હાટલે ટિકટૉકની તુલના સ્નૅપચૅટ અને વાઇન સાથે કરે છે. આ બન્ને ઍપની વિશેષતા નાનું કન્ટેન્ટ છે અને યુવાનોમાં લોકપ્રિયતા છે.

વ્હાટલે કહે છે, "અહી તમે સાચી રસપ્રદ મૌલિકતાને વાઇરલ થતી જોઈ શકો છો."

ટિકટૉકના કરોડો યૂઝર્સ કિશોર છે અથવા તો કિશોર બનવાના ઉંબરે ઊભા છે. તેમના સુધી પહોંચવાનું જાહેરાતદાતાઓનું સ્વપ્ન હોય છે.

ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ જેવાં અન્ય પ્લૅટફૉર્મ્સ પર પ્રભાવશાળી લોકોની કમાણીના રેકર્ડ ઉપલબ્ધ છે. જેમના લાખો ફૉલોઅર્સ છે તેઓ એક પ્રાયોજિત પોસ્ટથી છ આંકડની કમાણી કરી શકે છે.

શું આ ટિકટૉક સ્ટાર્સ પર પણ લાગુ થાય છે?

તમે આ વાંચ્યું કે નહીં?

નવું પ્લૅટફૉર્મ

Image copyright JAVI LUNA
ફોટો લાઈન સ્પેનિશ ઍક્ટર જાવી લૂના

ટિકટૉકના સ્ટાર્સ હાલમાં પ્રાયોજિત વીડિયોથી પૈસા કમાય છે, જે પ્રતિદ્વંદી વીડિયો પ્લૅટફૉર્મ યૂટ્યૂબથી અલગ છે.

સ્પેનિશ ઍક્ટર જાવી લૂના કહે છે, "યૂટ્યૂબ પર તમારો વીડિયો કેટલી વખત જોવાયો, એના હિસાબે પૈસા મળે છે, પણ ટિકટૉક પર હજી વ્યૂવ્ઝ માટે પૈસા મળતા નથી."

ટિકટૉક પર જાવી લૂનાના 40 લાખ જેટલા ફૅન્સ છે. તેમણે 2018ના ઉનાળામાં ટિકટૉક પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.

તેઓ માનવીય સંબંધો અને પ્રેમ પર કૉમેડી સ્કૅચ બનાવે છે, જેને તેમના ફૅન્સ ખૂબ પસંદ કરે છે.

લૂના આ પ્લૅટફૉર્મ્સને ઇન્સ્ટાગ્રામ જેવું માને છે, "જ્યારે તમારા અઢળક ફૉલોઅર્સ કે વ્યૂઝ થઈ જાય તો બ્રાંડ્સ તમને ઈ-મેઇલ મોકલે છે કે તેઓ તમારી સાથે કામ કરવા ઇચ્છુક છે."

આ જોશ શેફર્ડ જેવા ખંતીલા લોકો માટે એક તક છે જેમણે લગભગ એક વર્ષ પહેલાં ઇન્ફ્લુએંશિલી નામથી ટિકટૉક ટૅલેન્ટ એજન્સી બનાવી છે.

ટિકટૉકના 15 સ્ટાર્સનું તેમની કંપની પ્રતિનિધિત્વ કરે છે, જેમના ફૉલોવર્સની કુલ સંખ્યા 1.5 કરોડ છે.

છેલ્લા સાત મહિનામાં તેમણે 35 અભિયાન ચલાવ્યાં છે. તેમણે ટિકટૉક સ્ટાર્સને ફૉર્મ્યુલા ઈ રેસ જેવી ઇવેન્ટ્સમાં મોકલવા માટે 1500 પાઉન્ડ (અંદાજે 1 લાખ 36 હજાર રૂપિયા) ચૂકવ્યા છે.

સોશિયલ મીડિયાના અન્ય પ્લૅટફૉર્મ્સ પર પ્રભાવશાળી લોકોને મળતી રકમની તુલનામાં આ રકમ નહિવત્ છે.

યૂટ્યૂબ પર આટલા ફૉલોવર્સ ધરાવતા સ્ટાર્સને પ્રમોશન બદલ 50 હજાર પાઉન્ડ (અંદાજે 45 લાખ રૂપિયા) મળે છે.

કમાણીમાં અંતરનું સીધું કારણ એવું છે કે પ્લૅટફૉર્મ નવું છે.


નસીબ બદલાશે

Image copyright Getty Images

યૂટ્યૂબ પર જાહેરાત અને પ્રાયોજિત સામગ્રીઓ થકી છેલ્લાં ઘણાં વર્ષોમાં કમાણી થઈ રહી છે, પણ ટિકટૉક હજી નવું છે.

ટિકટૉક સ્ટાર્સનું નસીબ બદલાઈ શકે છે. હજી સુધી લૂના જેવા પ્રભાવશાળી લોકોને ખબર નહોતી કે તેમના વીડિયોને કોણ જોઈ રહ્યું છે.

હવે તેમને પાયાની માહિતી મળી રહી છે, જેમકે તેમના દર્શકો ક્યાંના છે, તેમની ઉંમર કેટલી છે અને તેમની પહોંચ કેટલી છે.

એનાથી બ્રાન્ડ્સને પણ તેમની સાથે બિઝનેસ કરવાનો નિર્ણય લેવામાં મદદ મળે છે.

શેફર્ડનું કહેવું છે કે પહેલાં આ કારણોસર જ બ્રાન્ડ્સ અહીં નહોતી આવતી.

તેઓ કહે છે, "કોઈના દસ લાખ ફૉલોઅર્સ હોઈ શકે છે, પણ આપણને ખબર નથી હોતી કે તેઓ કોણ છે અને તેમની ઉંમર કેટલી છે."

"આજે લંડનમાં રહેતા 25 વર્ષના યુવાનોને કોઈ ટાર્ગેટ કરવા માગે તો આપણને તેની માહિતી મળી શકે છે."

તેઓ ઉતાવળ નથી કરતા

ટિકટૉક ઍપના નિર્માતા છેલ્લા કેટલાક મહિનાઓથી જાહેરાત આપનારાઓને સંપર્ક કરી રહ્યા છે. તેઓ પ્રાયોજિત હૅશટૅગ ચૅલેન્જ જેવી ચીજોને આગળ વધારી રહ્યા છે.

બૅન્હમનું કહેવું છે કે ટિકટૉક ઉતાવળ નથી કરતું કેમ કે તે અન્ય ઍપ્સની ભૂલોના પુનરાવર્તનથી બચવા માગે છે.

પોતાના લાખો ફૉલોઅર્સ થકી જે લોકો કમાણી કરવા માગે છે તેઓ આ મંદતાના કારણે નારાજ થઈ શકે છે.

બૉડી આર્ટ, મેક-અપ અને ઇન્ટરનેટ પર થતી સામાન્ય ભૂલો સાથે જોડાયેલી પોસ્ટ કરતાં બૅન્હમ બિઝનેસ તકો ન હોવાથી ચિંતિત છે.

તેમણે મ્યુઝિકલ.લી(Musical.ly) ઍપ શરૂ કરી હતી. 2017માં એક મિત્રની સલાહથી ટિકટૉકમાં વિલય કરી દીધી.

તેઓ કહે છે, "બે વર્ષ પહેલાં જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે મને ખબર નહોતી કે બ્રાંડ ડીલ જેવી કોઈ ચીજ નથી. તેઓ ઉતાવળ કરી રહ્યા નથી."

"તેઓ જે કરી રહ્યા છે તે ક્રિએટર્સ માટે નિરાશાજનક છે પણ તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. જે મહત્ત્વપૂર્ણ છે."

જાવી લૂનાને પણ કંઈક આવું જ લાગે છે, "તમે અહીં વધારે પૈસા કમાઈ નહીં શકો પણ ઈમાનદારીથી કહું તો આ ઘણું સારું પ્લૅટફૉર્મ છે."


રચનાત્મકતા ચાવી છે

Image copyright Getty Images

ઍપની ધીમી ગતિ છતાં નવા સ્ટાર્સને પોતાની તરફ ખેંચવાના જાહેરાતકર્તાઓના પ્રયાસો શરૂ થઈ ગયા છે.

તેમની નજર યૂઝરબેઝ પર છે. યૂટ્યૂબથી ઊલટું અહીં યૂઝર્સને ઑટો-પ્લે થતા વીડિયો મળે છે જે તરત જ ધ્યાન ખેંચી લે છે.

આ ઍપ તેમને ચૅલેન્જીસમાં ભાગ લેવા પ્રેરે છે, જેથઈ તેમની સાથે મજબૂત સંબંધ સ્થાપી શકાય.

ઉદાહરણ માટે યૂઝર્સને કોઈ વીડિયોની માફક ડાન્સ મૂવ્ઝ કરવા માટે કહેવામાં આવે છે. જેનાથી ઍપ પ્રત્યે પોતાપણું અનુભવાય છે અને સમુદાયની ભાવનાને પ્રોત્સાહન મળે છે.

વ્હાટલે કહે છે, "સારી અને રચનાત્મક રીતથી ટિકટૉક ચૅલેન્જમાં લોકોને સામેલ કરવાથી કન્ટેન્ટના વ્યૂઝમાં અને તેના વાઇરલ થવામાં મદદ મળે છે."

જે બ્રાન્ડ્સને રોમાંચિત કરે છે. બૅન્હમે છેલ્લા છ મહિનામાં અનુભવ્યું છે કે કંપનીઓ ઍપ પર હાજર પ્રભાવશાળી લોકોને પ્રાયોજિત કરી રહી છે જેથી તેઓ તેમના વીડિયોમાં તેમની પ્રોડક્ટનો ઉલ્લેખ કરે.

તેઓ કહે છે, "કોઈ એક બ્રાન્ડ મોટું અભિયાન ચલાવે એની વાર છે, પછી તે કેસ સ્ટડી બની જશે."

આ બેધારી તલવાર પણ સાબિત થઈ શકે છે. જોકે આ પ્રકારની કામથી ટિકટૉકના સ્ટાર્સનાં નામ દરેક ઘર સુધી પહોંચી જશે, પણ યૂટ્યબ અને ઇન્સ્ટાગ્રામના અનુભવ સારા નથી.

આ બન્ને પ્લૅટફૉર્મ્સ પર જાહેરાતવાળા વીડિયોની ભરમાર છે, જેથી રચનાત્મકતા અને મૌલિકતાને નુકસાન થઈ રહ્યું છે.

જે સાવધાની સાથે આ ઍપની શરૂઆત કરાઈ છે એ જોતા લાગે છે કે ટિકટૉક પોતાના પૂર્વેનાઓને મળેલા પાઠમાંથી શીખે છે.

જે આ ઍપ પર છે તેમને લાગે છે કે આ રચનાત્મકતા યથાવત્ રહેશે. બૅન્હમના મતે 'ટિકટૉક ઍપ ભવિષ્યમાં વધારે મજબૂત થશે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો