અમેરિકા-ઈરાન તણાવ : હવે ઈરાનને કોણ બચાવશે, ભારત પાસેથી કેવી અપેક્ષા?

ટ્રમ્પ ઇરાન Image copyright Getty Images

અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી તેલ ખરીદવાના પ્રતિબંધોમાં છૂટ આપી હતી. જોકે, ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધો વધુ આકરા કરી દીધા છે અને ભારતને અપાયેલી છૂટ 1 મેના રોજ ખતમ થઈ ગઈ છે.

સંકટના આ સમયે ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફ સોમવારે મોડી રાત્રે ન્યૂ દિલ્હી પહોંચ્યા. તેઓ સુષમા સ્વરાજ સાથે પણ મુલાકાત કરશે.

ભારતને ઈરાન પાસેથી તેલ ખરીદવામાં મળેલી છૂટનો અંત અર્થ એવો થાય છે કે ભારત ઇચ્છે તો પણ ઈરાન પાસેથી તેલ નહીં ખરીદી શકે.

ભારત જો અમેરિકાના વિરુદ્ધમાં જઈને ઈરાન પાસેથી તેલ ખરીદે તો અમેરિકા ભારત પર પણ કેટલાક પ્રતિબંધો લાદી શકે છે. ઝરીફ અને સુષમા સ્વરાજ વચ્ચેની મુલાકાતમાં અમેરિકાએ લગાવેલા પ્રતિબંધોનો સામનો કરવા અંગે પણ ચર્ચા થઈ શકે છે.

બંને નેતાઓ વચ્ચે ચાબહાર બંદર વિશે પણ વાત થશે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અંગેની છૂટ યથાવત રાખી છે.

વર્ષ 2019માં ઝરીફે લીધેલી ભારતની આ બીજી મુલાકાત છે. નિષ્ણાતો માને છે કે ભારત અત્યારે અમેરિકાની વિરુદ્ધ જઈ શકે એમ નથી.

તાજેતરમાં જ અમેરિકાએ જૈશ-એ-મહોમ્મદના સ્થાપક મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ખુલીને ભારતની મદદ કરી હતી.

ઈરાની તેલનું ચીન બાદ ભારત સૌથી મોટું ગ્રાહક છે. અમેરિકાના પ્રતિબંધો બાદ ભારતે તેમાં કાપ મૂકીને દર મહિને 1.25 મિલિયન ટનની મર્યાદા નિશ્ચિત કરી દીધી હતી.

વર્ષ 2017-18માં ભારત ઈરાન પાસેથી દર વર્ષે 22.6 મિલિયન ટન તેલ ખરીદી રહ્યું હતું.


મધ્ય-પૂર્વમાં અમેરિકાના સૈનિકો તહેનાત

Image copyright Getty Images

ગયા ગુરુવારે અમેરિકાવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તેમના ટોચના અધિકારીઓ બેઠક થઈ હતી.

કાર્યકારી રક્ષા મંત્રી પૅટ્રિક શૅનહને મધ્ય-પૂર્વમાં અમેરિકાની સેનાનું આયોજન રજૂ કર્યું હતું. અમેરિકા મધ્ય-પૂર્વમાં સૈનિકો મોકલવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

ન્યૂ યોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ અમેરિકા મધ્ય-પૂર્વમાં એક લાખ વીસ હજાર સૈનિકો મોકલવાનું વિચારી રહ્યું છે. આ સંખ્યા અમેરિકાએ વર્ષ 2003માં ઇરાક પર કરેલા હુમલા વખતે મોકલેલા સૈનિકોના બરાબર છે.

શું ટ્રમ્પ ઈરાનમાં સત્તાપલટો કરવા માગે છે?

આ અંગે ટ્રમ્પનું કહેવું છે કે, "અમે લોકો જોઈ રહ્યા છીએ કે ઈરાન સાથે શું થાય છે, જો તેઓ કંઈ કરે છે તો એ તેમની મોટી ભૂલ હશે."


ભારતને ઊર્જાની જરૂર અને શિયા કનેક્શન

Image copyright Getty Images

ભારત અને ઈરાન વચ્ચેની મિત્રતાના મુખ્ય બે આધાર છે. એક ભારતને ઊર્જા ક્ષેત્રની જરૂરિયાત છે અને બીજું ઈરાન બાદ સૌથી વધુ શિયા મુસ્લિમો ભારતમાં છે.

ઈરાનને લાગતું હતું કે ભારત સદ્દામ હુસૈનના ઇરાકથી વધુ નજીક છે કારણ કે અત્યાર સુધી ભારત ઇરાકમાંથી સૌથી વધુ તેલ આયાત કરતું રહ્યું છે.

ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલ સાથે આર્થિક સંબંધ અને ભારતીય કામદારો સાથે સંકલનના ક્ષેત્રમાં જોડાયેલી પ્રતિભાઓના કારણે આરબ દેશો સાથે ભારતના સંબંધો મજબૂત થયા છે.

ભારતની જરૂરિયાતોના હિસાબે ઈરાન તરફથી ક્યારેય પૂરતું તેલ મળ્યું નથી. તેનું કારણ ઇસ્લામિક ક્રાંતિ અને ઇરાક-ઈરાન યુદ્ધ પણ છે.

ભારત પણ ઈરાન સાથેના સંબંધને મિત્રતા સુધી પહોંચાડવામાં લાંબા સમયથી ખચકાતું રહ્યું છે.

1991માં શીતયુદ્ધનો અંત આવ્યા બાદ સોવિયેત સંઘનું પતન થયું અને દુનિયાએ નવી દિશા પકડી.

ભારતના અમેરિકા સાથે સંબંધ સ્થપાયા તેથી તેણે ભારતને ઈરાનથી નજીક આવતાં અટકાવ્યું.

ઇરાક સાથે યુદ્ધ પછી ઈરાન પોતાની સેનાને મજબુત કરવામાં લાગી ગયું હતું. ઈરાનને પરમાણુ બૉમ્બ બનાવવાની ઇચ્છા છે અને ઈરાને તેના માટેની પરિયોજના પણ શરૂ કરી હતી.

ઈરાન પરમાણુ શક્તિમાં સમૃદ્ધ બને અને મધ્યપૂર્વમાં તેનો દબદબો વધે તેવું અમેરિકા બિલકુલ ઇચ્છતું નહોતું.

તેથી અમેરિકાએ હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું કે દુનિયાના અન્ય દેશો સાથે ઈરાનના સંબંધો સામાન્ય થાય નહીં.


ભારત-ઇઝરાયલ મિત્ર તો ઈરાન ક્યાં?

Image copyright Getty Images

ઇઝરાયલ અને ઈરાનની દુશ્મની પણ કોઈથી છૂપી નથી. ઈરાનમાં 1979ની ક્રાંતિ બાદ ઇઝરાયલ સાથે દુશ્મની વધી. આટલાં વર્ષો પછી પણ ઇઝરાયલ અને ઈરાનની દુશ્મની ઓછી નથી થઈ પણ વધી રહી છે.

બીજી તરફ ઇઝરાયલ અને ભારત નજીક આવતાં રહ્યાં. ભારત હાર્ડવૅર અને સૈન્ય ટેક્નિકની બાબતે ઇઝાયલ પર નિર્ભર છે. જ્યારે ઈરાન સાથે ભારતના સંબંધો એ સ્તર સુધી સામાન્ય થઈ શક્યા નથી.

વર્ષ 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈરાન ગયા હતા. તેમની મુલાકાતને ચાબહાર ઍરપૉર્ટ સાથે જોડવામાં આવી. ભારત માટે આ બંદર ચીન અને પાકિસ્તાનની વધતી મિત્રતાની ફાટની દૃષ્ટિએ જોવામાં આવ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

સંકટની સ્થિતીમાં ચીન અને ભારત પાસે ઈરાનને અપેક્ષા

Image copyright Getty Images

સંકટની ઘડીમાં ઈરાન ચીન અને ભારત તરફ જુએ છે પણ આ વખતે બધું એટલું સરળ નથી.

ચીન વિરુદ્ધ ટ્રમ્પે પહેલાંથી જ વેપારયુદ્ધ શરૂ કરી દીધું છે. ઈરાનની સ્થિતી દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. ઈરાનનું ચલણ રિયાલ ઇતિહાસના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે.

ગેરકાયદેસર બજારમાં તો એક ડૉલરના બદલે એક લાખથી વધુ રિયાલ આપવા પડે છે.

આ વર્ષની શરૂઆતમાં રિયાલની કિંમત ડૉલરની સરખામણીએ હાલ કરતાં અડધી ઓછી હતી.

જુલાઈ મહિનામાં ઈરાનમાં વર્ષ 2012 પછી પહેલી વખત તહેરીનમાં લોકો મોટી સંખ્યામાં સરકાર વિરુદ્ધ રસ્તા પર ઊતર્યા હતા.

ઈરાનના પક્ષે કંઈ પણ હકારાત્મક થતું જણાતું નથી. અમેરિકાએ સાઉદી અરેબિયાને તેલનું ઉત્પાદન વધારવા કહ્યું છે અને સાઉદી તૈયાર પણ થઈ ગયું છે.

ઈરાન પાસે વિદેશી નાણાં મેળવવાનું કોઈ માધ્યમ રહેશે નહીં કારણ કે તે તેલની નિકાસ કરવાની સ્થિતિમાં પણ રહેશે નહીં.

અમેરિકા દુનિયાના તેલ આયાત કરતાં દરેક દેશો પર ઈરાન પાસેથી તેલ નહીં ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે, તેમાં ભારત પણ સામેલ છે.

ત્યારે સવાલ થાય છે કે ઈરાન પાસેથી સૌથી વધુ તેલ આયાત કરતો દેશ ચીન તેનો સાથ આપશે કે નહીં? આ મુદ્દે અમેરિકામાં પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે.

ઈરાન પર અમેરિકાના નવા પ્રતિબંધોના કારણે ચીનના અંગત ક્ષેત્રો પર કોઈ અસર પડશે નહીં. આવું જ યૂરોપ સાથે પણ થશે. બીજી પાસે ઈરાન પાસે સીમિત વિકલ્પો છે.

તેથી ઈરાનને ચીનના રોકાણ, નિકાસ અને તેલની ખરીદીથી જ મદદ મળી શકે છે તેમાં કોઈ શંકા નથી.


યૂરોપનો પણ સાથ નહીં

Image copyright Getty Images

અમેરિકાએ જ્યારે પરમાણુ સમજૂતી ખતમ કરી ત્યારે ઈરાને યૂરોપની વાટ પકડી. ઈરાને કોશિશ કરી કે આ પરમાણુ સમજૂતી ખતમ ન થાય. તેના અંતર્ગત યૂરોપીયન સંઘના અધિકારીઓએ પોતાની કંપનીઓને પ્રોત્સાહન આપ્યું કે તેઓ ઈરાન સાથે વેપાર અને રોકાણ ચાલુ રાખે.

યૂરોપની સરકારોએ ઈરાન સાથે ઘણી છૂટનો પ્રસ્તાવ મૂક્યો અને અમેરિકાને પણ કહ્યું કે તેઓ પણ તેમની કંપનીઓએને ઈરાન સાથે વેપાર કરવા દે.

હવે યૂરોપની કંપનીઓ પણ સાંભળતી નથી. રોકાણના મોરચે પીએસએ જૂથે ઈરાની ઑટો મૅન્યુફૅક્ચર્સ સાથે એક સહિયારા ઉપક્રમને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


ઇરાક બની જશે ઈરાન?

ઈરાનના પહેલા ઉપરાષ્ટ્રપતિને સુધારાવાદી નેતા માનવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે ઈરાને સીધી અમેરિકા સાથે વાત કરવી જોઈએ. ઇશાકે કહ્યું કે ઈરાન ગંભીર 'આર્થિક યુદ્ધ' તરફ ધકેલાઈ રહ્યું છે અને તેનું પરિણામ બહુ ખરાબ આવશે.

તેમણે કહ્યું હતું કે ઈરાનને આ સંકટમાંથી ચીન અને રશિયા પણ બહાર લાવી શકશે નહીં. તેમનું કહેવું છે કે અમેરિકા જ આ સંકટમાંથી ઈરાનને બહાર કાઢી શકે છે.

ઈરાની અખબાર 'અરમાન'એ કહ્યું છે કે ઈરાન આવનારા દિવસોમાં મુશ્કેલીમાં મૂકાઈ જશે.

આ અખબારે સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના પૂર્વ રાજદૂત અલી ખુર્રમે આપેલા નિવેદનને છાપ્યું હતું.

જેમાં તેમણે કહ્યું હતું કે, "જે રીતે અમેરિકાએ ઇરાકમાં સદ્દામ હુસેનની સરકારને ઉખાડી ફેંકી હતી તે જ રીતે અમેરિકાએ ઈરાન માટે યોજના બનાવી છે. અમેરિકાએ ઇરાકમાં આ કામ ત્રણ તબક્કામાં કર્યું હતું. તે ઈરાનમાં પણ એવું જ કરશે. પહેલાં પ્રતિબંધ લગાવશે, પછી તેલ અને ગેસની આયાતને સંપૂર્ણ રીતે બંધ કરશે અને છેલ્લે સૈન્યની કાર્યવાહી કરશે."

આપને આ પણ વાંચવું ગમશે

  1. અમેરિકા-ચીનના વેપારયુદ્ધ પાછળ ટૅક્નૉલૉજી જવાબદાર?
  2. ટાઇમ : મોદી 'India's Divider In Chief' છે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ