જૉબ ઇન્ટરવ્યૂથી ડર લાગે છે? આ ટિપ્સ અપનાવવાથી મળી શકે છે નોકરી

નોકરીના ઇન્ટરવ્યૂ દરમિયાન એક મહિલા Image copyright Getty Images
ફોટો લાઈન જે નોકરીની ઇચ્છા ધરાવો તે નોકરી સહેલાઈથી મળી જાય તેવું હંમેશાં શક્ય હોતું નથી

તમને જે નોકરી કરવી ગમતી હોય તે નોકરી સહેલાઈથી મળી જાય, તે સામાન્યપણે સહેલું નથી હોતું. ખાસ કરીને જ્યારે નોકરીદાતા તેમના કર્મચારીની અંદર ખરેખર શું શોધી રહ્યા છે તે અંગે જાણ્યા વગર તો નોકરી મળવી વધારે અઘરી બની જાય છે.

દુનિયાની નાની અને મોટી બધાં પ્રકારની કંપનીઓ ભરતી પ્રક્રિયામાં ઝડપથી પરિવર્તન લાવી રહી છે.

જોકે, નોકરી મેળવવા માટે એક વાતનું મહત્ત્વ ક્યારેય ઓછું થવાનું નથી અને તે છે ફેસ ટૂ ફેસ ઇન્ટરવ્યૂ.

લૉઇડ્સ બૅન્કિંગ ગ્રૂપની ભરતી પ્રક્રિયાનાં નિષ્ણાત જેન ટિપ્પીન કહે છે, "આજે પણ ફેસ ટૂ ફેસ ઇન્ટરવ્યૂ ભરતી પ્રક્રિયાની સૌથી અગત્યની રીત છે."

તેઓ માને છે કે ઇન્ટરવ્યૂ સમયે વ્યક્તિને કે પૅનલને તમે કેવી રીતે જવાબ આપી શકો છો તેના આધારે જ તમારી કારકિર્દીનું ભાવી નક્કી થવાનું છે.

તેથી એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ઇન્ટરવ્યૂ સમયે સારાં અને યોગ્ય રીતે કપડાં પહેરો.

ઇન્ટરવ્યૂમાંથી કેવી રીતે પાર ઊતરવું તેની કેટલીક ટિપ્સ અહીં અપાયેલી છે કે જે તમને મદદ કરી શકે છે.


1. ઇન્ટરવ્યૂમાં જતા પહેલાં કંપની અંગે થોડું સંશોધન કરો

Image copyright Getty Images
ફોટો લાઈન ઇન્ટરવ્યૂમાં જતા પહેલા કંપની અંગે થોડું સંશોધન કરીને જવાથી મદદ મળી રહે છે

ઇન્ટરવ્યૂમાં જતા પહેલાં એ જાણવાનો પ્રયાસ કરો કે તમારી સાથે સવાલ-જવાબ કોણ કરવાનું છે અને તેમની અંગે શક્ય એટલી માહિતી મેળવી લો.

તેનું વાર્ષિક ટર્નઓવર કેટલું છે? તેનું સંચાલન કોણ કરે છે? મુખ્ય હરીફ કંપનીઓ કઈ છે?

કંપનીની વેબસાઇટ પરથી આ માહિતી મળી શકે છે.

તેના પરથી નોંધ કરી લો, નામ જાણી લો અને તમે કેટલું સંશોધન કર્યું છે તેનો ખ્યાલ આવે તેવા કેટલાક સવાલો તૈયાર કરી લો.

મુલાકાતના દિવસે તમે આત્મવિશ્વાસ અને પૂરતી તૈયારી સાથે પહોંચો તે માટે આટલી માહિતી મેળવવી જરૂરી છે.


2. પ્રૅક્ટિસ કરી લો

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રૅક્ટિસ કરવા માટે તમારા મિત્રોને પૅનલ તરીકે બેસાડી શકો છો અને સવાલજવાબ કરવાની પ્રૅક્ટિસ કરી શકો છો

સંભવિત પ્રશ્નોની યાદી બનાવો અને તમે તેના કેવા જવાબ આપશો તેની પ્રૅક્ટિસ કરી લો.

કેવી રીતે સવાલ-જવાબની પ્રૅક્ટિસ કરવી તે ના સૂઝતું હોય તો તે માટે મદદ કરતી ઘણી બધી સાઇટ્સ છે.

તેની મુલાકાત લો એટલે થોડો અંદાજ આવી જશે કે કઈ રીતે ઇન્ટરવ્યૂમાં સવાલ-જવાબ થતા હોય છે.

પ્રશ્નોના જવાબ તૈયાર કરો ત્યારે તેને કોઈ વાર્તા કહેતા હો તે રીતે તૈયાર કરો.

તમારે જે જૉબ કરવાની છે, તેના માટે ભૂતકાળમાં તમે ક્યારે, કેવી રીતે કામગીરી કરી હતી તેનાં ઉદાહરણો યાદ રાખીને તેને યોગ્ય રીતે રજૂ કરવાની તૈયારી કરી રાખો.

તમારી ભૂતકાળની સિદ્ધિઓ અને અનુભવો વિશેના નાનકડા પ્રસંગો એ દર્શાવનારા હોવા જોઈએ કે કઈ રીતે તમે જૂની કંપનીમાં ઉપયોગી હતા અને કઈ રીતે નવી નોકરીમાં તમારું પ્રદાન આપી શકો તેમ છો.


3. પ્રભાવશાળી કપડાં પહેરો

Image copyright Getty Images
ફોટો લાઈન ભરતી નિષ્ણાતો સલાહ આપે છે કે યોગ્ય વસ્ત્રો પહેરો અને શક્ય હોય તો સૂટ અને ટાઈમાં જ જાવ

કહેવાય છે ને કે 'ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન'... આ વાત હજુ ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

મોટા ભાગના નોકરીદાતા પ્રથમ 30 સેકંડમાં અભિપ્રાય બાંધી લેતા હોય છે.

તેથી ભલે ઇન્ટરવ્યૂમાં સારો દેખાવ કરવાના હો, પણ તમારા પરિધાનથી જો સારી છાપ નહીં પડી હોય તો પહેલાંથી જ પક્ષપાત ઊભો થઈ ગયો હશે અને તમારું કામ અઘરું થશે.

ભૂતપૂર્વ ભરતી નિષ્ણાત વર્જિનિયા ઇસ્ટમેનને યાદ છે કે મીડિયા કંપનીના સંચાલન માટે તેમણે એક ઇન્ટરવ્યૂ કર્યો હતો :

"ઉમેદવારના શ્વાસની દુર્ગંધ અને અંગત અસ્વચ્છતા ઇન્ટરવ્યૂ રૂમમાં આવ્યા પહેલાં જ પહોંચી ગઈ હતી."

"તેઓ સાવ લઘરવઘર હતા. જૂનાં મોજાં, કપડાં પર ભોજનના ધબ્બા અને વિખરાયેલા વાળ."

એ કહેવાની જરૂર નથી કે તેમને નોકરી માટે નાપસંદ થયા હતા.

કંપની કદાચ સામાન્ય વસ્ત્રો માટેની નીતિ ધરાવતી હોય, પણ તમે જિન્સ પહેરીને પહોંચો તેવી અપેક્ષા ના હોય.

ભરતી નિષ્ણાતો સલાહ આપે છે કે યોગ્ય વસ્ત્રો પહેરો અને શક્ય હોય તો સૂટ અને ટાઇમાં જ જાઓ.

ફૉર્મલ ઇન્ટરવ્યૂમાં સ્વચ્છ અને સફેદ શર્ટ કે સ્કર્ટ પહેરીને જ જાઓ.

વસ્ત્રો સારી રીતે ઇસ્ત્રી કરેલાં હોય તેની પણ કાળજી લો. ખાસ યાદ રાખો કે બસમાં બેઠાં હો ત્યારે ટમેટોસોસ ખાવાનો પ્રયાસ ન કરતા.

4. મક્કમ રીતે હાથ મિલાવો

Image copyright Getty Images
ફોટો લાઈન હાથ કેવી રીતે મિલાવો છો તે નોકરી મેળવવાની પ્રક્રિયામાં અગત્યનું છે એટલે સારી રીતે હાથ મિલાવો

તમે કેટલા ઉમળકાભર હાથ મિલાવ્યો તે આધારે ઘણીવાર નોકરીદાતા તમારો અંદાજ લગાવી શકે છે.

તમે અંદર દાખલ થાવ ત્યારે પહેલી પ્રક્રિયા તમારે આ જ કરવાની રહેશે.

મક્કમતા સાથે હાથ મિલાવવું એ સૂચવે છે કે તમે આત્મવિશ્વાસથી ભરેલા, પ્રભાવી અને પ્રૉફેશનલ છો.

જોકે, વધારે પડતા જોર સાથે હાથ મિલાવવાથી તમે આક્રમક અને આપખુદ પણ લાગી શકો છો. ખૂબ ઢીલી રીતે હાથ મિલાવશો તો તમે નબળા જણાશો.

તમને ચિંતા હોય તો મિત્રો સાથે હૅન્ડશેકની પણ પ્રૅક્ટિસ કરી શકો છો.

હાથ મિલાવતી વખતે એ પણ યાદ રાખજો કે આંખથી આંખ મિલાવીને વાત કરવાની છે.

ખિસ્સામાં ટિસ્યૂ રાખી મૂકજો - કોઈને પણ પરસેવાવાળા હાથ સાથે હાથ મિલાવવાનું પસંદ ના પડે.


5. સ્મિત!

Image copyright Getty Images
ફોટો લાઈન ઇન્ટરવ્યૂ રૂમમાં દાખલ થાવ ત્યારે થોડું સ્મિત આપો અને વાતચીત દરમિયાન વચ્ચે વચ્ચે ચહેરા પર સ્મિત જાળવી રાખો

ધડકન વધી ગઈ હોય, પેટમાં લોચા વળવા લાગ્યા હોય અને શું થશે તેની ચિંતામાં તમારું પોતાનું નામ પણ ભૂલાઈ જતું હોય ત્યારે સ્મિત કરવાનું યાદ રાખવું સહેલું નથી.

પરંતુ સ્મિતની પોતાની સાર્વત્રિક ભાષા છે. સ્મિત જણાવી દેતું હોય છે કે "અહીં આવીને મને આનંદ થયો છે અને હું ઘણો મજાનો માણસ છું."

તેથી અંદર દાખલ થાવ તે સાથે જ મોકળું હાસ્ય કરો. વાતચીત દરમિયાન પર ચહેરા પર સ્મિત જાળવી રાખો. પૉઇન્ટ્સ મેળવવાનો આ સૌથી સહેલો રસ્તો છે!

બૉડી લૅંગ્વેજ પણ ખ્યાલ રાખો, ટટ્ટાર બેસો અને જરાય ઢળી પડતા નહીં.


6. ચિંતાને તમારા ચહેરા પર દેખાવા ન દો

Image copyright Getty Images
ફોટો લાઈન ઊંડો શ્વાસ લો કેમ કે શાંત મન ઇન્ટરવ્યૂ દરમિયાન શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે

બહુ ચિંતામાં કે ઉત્સાહમાં આવી જવાથી તમે જે પણ માહિતી યાદ કરી હતી તે બધી ભૂલાઈ જાય તેવું બની શકે છે.

તેના કારણે તમારી હથેળીમાં પરસેવો થવા લાગે, હાથ ધ્રૂજવા લાગે કે પેટમાં ગડબડ થવા લાગે તેવું પણ થાય.

તમને લાગતું હોય કે તમારો ચિંતાનો સ્વભાવ તમારો સૌથી મોટો દુશ્મન છે, તો પ્રથમથી જ તેની તૈયારી કરી લો :

તમારો વારો આવવાની રાહ જોતા હો ત્યારે ઊંડા શ્વાસ લો અથવા તમારું ધ્યાન કેન્દ્રીત રહે તેવી કોઈ માનસિક પ્રવૃત્તિ કરો.

જો આપણા ઉત્સાહને યોગ્ય રીતે વ્યક્ત કરીએ તો તેના કારણે પ્રભાવ પાડી શકીએ.


7. પ્રભાવ પાડવાનો પ્રયાસ કરો

Image copyright Getty Images
ફોટો લાઈન તમારી પર્સનાલિટી એવી બનાવો કે જેનાથી લોકો પ્રભાવિત થાય

નાની કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા ડર્મોટ રૂની કહે છે, "ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂને કારણે તમને તક મળે છે કે તમે કેટલા પ્રભાવશાળી છો તે દર્શાવી શકો. તમારામાં કેટલી ધગશ છે તેનો ખ્યાલ પણ આવી શકે છે."

"તેથી તમે ઇન્ટરવ્યૂ આપવાની શરૂઆત કરો તે પહેલાં વિચારી લો કે કઈ બાબતો છે જે તમને આગવા બનાવે છે?"

તમારું વ્યક્તિત્વ અને પ્રભાવ બતાવવાની આ તક છે. ટોળાથી તમે અનોખા છો તે અહીં દેખાડવાનું છે.

તમે જે જૉબ માટે ગયા હો તેના માટે પૂરતો ઉત્સાહ બતાવો. ઇન્ટરવ્યૂ પૂર્ણ થવાનો હોય ત્યારે ફરી જણાવો કે આ કંપની તમને ખૂબ પસંદ પડી છે.

અહીં કામ કરવાની તક મળશે તો બહુ ખુશી થશે તેવું ભારપૂર્વક કહો.

આવો ઉત્સાહ બતાવીને તમે બીજા ઉમેદવારોથી અલગ તરી આવશો.


8. વાતને ઢીલી ના પડવા દેશો

Image copyright Getty Images
ફોટો લાઈન મધવચ્ચે રોકાઈ ન જાવ. વાતને પૂર્ણ કરો

તમને લાગતું હોય કે જૉબ મળે તેમ નથી અને ખોટી મહેનત જ કરવાની છે, તો પણ પ્રયત્ન છોડશો નહીં.

વાત પતી ગઈ છે એમ સમજીને વાતને ઢીલી ના મૂકશો.

સામે બેઠેલી પૅનલે તમને નાપસંદ કરી લીધા છે એવું કદાચ તમને લાગે પણ ખરું, પરંતુ તમારી ધારણા ખોટી પણ હોઈ શકે.

કદાચ હવે પછીના સવાલનો જવાબ તમે કેવો આપશો તેના આધારે પણ કદાચ નિર્ણય થવાનો હોય તેવું બને.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો