લોકોમાં દારૂ વગરના બારમાં જવાની દીવાનગી કેમ વધી રહી છે?

બારમાં મહિલા Image copyright Getty Images
ફોટો લાઈન દારૂ ન પીવો હોય ને નાઇટલાઇફની મજા માણવી હોય એવા લોકો માટે દારૂ વિનાના બાર ખૂલ્યા છે

શું પીવામાં મજા નથી તે વાતનું ભાન થવાનો સમય આવી ગયો છે?

બ્રૂકલિનના ગ્રીનપૉઇન્ટની મુખ્ય શેરીના છેડે આવેલા સ્ટાઇલિશ બાર ગેટઅવેમાં તમે પ્રવેશો ત્યારે ઇન્સ્ટાગ્રામને અનુકૂળ એવા ન્યૂયોર્કના કોકટેઇલ સ્પૉટ્સ તમને જોવા મળી જશે.

દીવાલો પર લીલા અને વાદળી રંગે રંગાયેલી આ જગ્યા આરામદાયક લાગે છે.

એટલી મોકળાશભરી કે જાણે તમે પડોશીઓ સાથે વાતે વળગ્યા હો.

13 ડૉલરમાં મળતા જુદાજુદા પ્રકારના ટૉબેકો સિરપ, લિન્ગનબેરી અને જલાપેન્યો પ્યુરી એવા નામ સાથેના કોકટેઇલ મેનુમાં લખાયેલા છે.

સાથે જ પ્રેમાળ ભાષામાં સૂચના લખાયેલી છે કે બારમાં લેપટૉપ વાપરવાની મનાઈ છે.

જોકે ગેટઅવે અને બ્રૂકલિનના બીજા બાર વચ્ચે એક મહત્ત્વનો તફાવત છે : ગેટઅવેમાં આલ્કોહૉલ બિલકુલ મળતો નથી.

માછલી વિના માછલીઘર અને બ્રેડ વિના બેકરી કેવી રીતે કહેવાય. એ રીતે દારૂ ના મળતો હોય તેને બાર કેવી રીતે કહેવાય એવો સવાલ થાય.

જોકે લંડન અને ન્યૂયોર્ક જેવાં શહેરોમાં આ પ્રકારના બાર બહુ નાના ઍપાર્ટમૅન્ટમાં રહેતા લોકો માટે દીવાનખાનાની ગરજ સારે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન થોનિસ અને ડેલિયાનું બાર સંપૂર્ણપણે આલ્કોહૉલથી મુક્ત છે

કોઈક કારણસર શરાબ સેવન ન કરવા માગતા હોય અને છતાં નાઇટલાઇફની મજા માણવા કે મોડી રાત સુધી ક્યાંક બેસવા માગતા હોય તેવા લોકો માટે આલ્કોહૉલ ફ્રી બાર ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

રેજિના ડેલિયા સાથે બારની સહમાલિકી ધરાવતા સેમ થોનિસ કહે છે કે તેમને ત્રણ વર્ષ પહેલાં ગેટઅવે ખોલવાનો વિચાર આવ્યો હતો.

તેઓ અને દારૂ ન પીતા તેમના ભાઈ રાત્રે સાથે સમય પસાર કરવા માટે એક જગ્યા શોધી રહ્યાં હતાં. ત્યારે આવો બાર હોવો જોઈએ એવો વિચાર તેમને સ્ફુર્યો હતો.

થોનિસ કહે છે, "દારૂ આસપાસ ન હોય કે તમને પિવડાવવાનો કોઈ પ્રયાસ ન કરે એવી જગ્યા ન્યૂયોર્કમાં જોવા મળતી નહોતી. મેં ઘણા બધા લોકો સાથે વાત કરી. તેમાંના ઘણા પીનારા હતા, ઘણા નહોતા પીતા. તે બધાનું કહેવું હતું કે આવી એકાદ જગ્યા હોવી જોઈએ."

આથી થોનિસ અને ડેલિયાએ તેમના બારને આલ્કોહૉલથી બિલકુલ મુક્ત રાખ્યો છે.

અહીંનાં ડ્રિંક્સમાં આલ્કોહૉલ 0% હોય તેવી ચુસ્ત વ્યવસ્થા રખાઈ છે અને ઓછું પ્રમાણ ધરાવતો બિયર પણ આપવામાં નથી આવતો.

અમેરિકામાં 0.5% કરતાં ઓછું આલ્કોહૉલનું પ્રમાણ હોય તેને જ 'નોન-આલ્કોહૉલિક' પીણું ગણવામાં આવે છે. એ પ્રમાણે બિયરની ઘણી બધી લોકપ્રિય બ્રાન્ડ ખરેખર આલ્કોહૉલથી મુક્ત નથી.

થોનિસ કહે છે, "માનવીય રીતે શક્ય ત્યાં સુધી આલ્કોહૉલ 0% હોય તેવી કોશિશ થાય છે. તમે દારૂ પીતા ન હો, દારૂની બાબતમાં ચુસ્ત હો અને તેની સ્મેલ પણ ન ઇચ્છતા હો આ જગ્યા તમારા માટે જ છે."

જોકે સમગ્ર માહોલ બાર જેવો જ રખાયો છે. સાંજે જ ખૂલે છે, આછો પ્રકાશ રખાય છે અને કોઈ ગંભીરતાથી પોતાનું કામ કરી રહ્યું હોય તેવું જોવા મળે નહીં.

આલ્કોહૉલથી દૂર રહેવા માગતા હોય, પણ રાત્રે ફરવા નીકળી, હળવા મળવાનું પસંદ કરતા હોય તેવા લોકો માટે વધુ ને વધુ બાર ખૂલી રહ્યા છે. તે યાદીમાં જ એપ્રિલમાં ગેટઅવેનો ઉમેરો થયો હતો.

પોર્ટલેન્ડમાં વેનાઝ ફિઝ હાઉસ ખૂલ્યું છે, જ્યારે ઇલિનોયિસના પરા ક્રિસ્ટલ લેકમાં મેઈન અને ધ અધર સાઇડ ખૂલ્યા છે. લંડનમાં પણ ત્રણ જગ્યાએ આલ્કોહૉલ મુક્ત રિડેમ્પશન બાર ખૂલી ગયા છે.

તેમાં શાકાહારી, શુગર મુક્ત અને ઘઉં મુક્ત વસ્તુઓ જ મળે છે. જાન્યુઆરીમાં ડબ્લિનમાં પણ ધ વર્જિન મેરી નામે આલ્કોહૉલ મુક્ત બાર શરૂ થયો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શાલીન અને સૌમ્ય સ્થળ

Image copyright Getty Images
ફોટો લાઈન લંડનમાં ત્રણ જગ્યાએ આલ્કોહૉલ મુક્ત રિડેમ્પશન બાર ખૂલ્યા છે

આલ્કોહૉલ મુક્ત બારનો વિચાર નવો નથી. 19 સદીના અંતિમ તબક્કામાં ટેમ્પરન્સ બાર તરીકે જાણીતા થયેલા દારૂ વિનાના બાર ખૂલવા લાગ્યા હતા.

તે વખતે યુકેમાં શરાબની વ્યસનમુક્તિ માટે શરૂ થયેલી ટેમ્પરન્સ (શરાબમુક્તિ) ચળવળના અનુસંધાને દારૂ વિનાના બાર ખૂલવા લાગ્યા હતા.

ઉત્તર માન્ચેસ્ટરના રોટેનસ્ટોલમાં 1890માં ફિટ્ઝપેટ્રિક્સ ટેમ્પરન્સ બાર ખૂલ્યો હતો. આજે પણ ત્યાં રૂટ બીયર, થોર અને જંગલનાં ફૂલોમાંથી બનેલાં પીણાં મળે છે.

જોકે આજના યુગના આલ્કોહૉલ મુક્ત બાર એ રીતે જુદા પડે છે કે તેમનો હેતુ શરાબમુક્તિ નથી.

દાખલા તરીકે ગેટઅવે માત્ર દારૂ ના પીતા હોય તેવા લોકો માટે જ છે એવું નથી. બીજા દિવસે હૅન્ગઓવર ન થાય તેટલા પ્રમાણમાં જ પીનારા લોકો માટે પણ આ જગ્યા છે.

"અમારી જગ્યાએ એવું જરાય નથી કે તમારે બિલકુલ પીવું ના જોઈએ. અહીં સમય વિતાવ્યા પછી અન્ય બારમાં જઈને ટકિલા (એક પીણું) લઈ શકો છો. માત્ર ના પીનારા માટે જ આ બાર છે એવું નથી," એમ થોનિસ કહે છે.

એ રીતે ગેટઅવે એ ચળવળનો હિસ્સો છે, જેમાં શહેરી નાગરિકો તેમના જીવનમાં આલ્કોહૉલનું સ્થાન શું હોવું જોઈએ તેના વિશે નવેસરથી વિચારતા થયા છે.

32 વર્ષના લોરેલોઇ બેન્ડ્રોવસ્કી આ જ પ્રકારની વ્યક્તિ છે. ગયા વર્ષથી તેમણે આલ્કોહૉલ મુક્ત મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવાનું શરૂ કર્યું છે.

દારૂ પીધા વિના મુક્ત મને ખુશી મનાવવા માગતા લોકો માટે તેઓ લિસન બાર નામની ઇવેન્ટ યોજે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન સ્વાસ્થ્ય વિશે વધારે જાગૃત લોકો વધારે ઓક્ટેન સાથેના દારૂ તરફ વળ્યા છે

યૂટ્યૂબ અને ન્યૂયોર્કના મ્યુઝિયમ ઑફ મૉડર્ન આર્ટમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલાં લોરેલોઇ હવે લિસન બારના પોતાના વ્યવસાય પર જ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે.

"બાર મોજ મનાવવા માટેની જગ્યા છે અને તેના માટે દારૂ જરૂરી હોય તેવું આપણા મનમાં ઠસાવી દેવામાં આવ્યું છે," એમ બેન્ડ્રોવસ્કી કહે છે.

"રાઉડી પાર્ટીમાં ખટાશ રહી જાય તેવા બનાવો બને અને બીજા દિવસે હૅન્ગઓવર થાય તેવી સ્થિતિમાંથી મુક્ત થઈને મજા કરી શકાય તેવી જગ્યા હોય તે સારી બાબત છે."

અહીં રાઉડી શબ્દ અગત્યનો છે અને તેને ધ્યાનમાં રાખીને જ બેન્ડ્રોવસ્કી ઇવેન્ટનું આયોજન કરે છે.

તેઓ કહે છે, "અમે પ્રથમ પાર્ટી વિલિયમ્સબર્ગમાં કરી ત્યારે લોકો ટેબલ પર ચડીને નાચી રહ્યા હતા અને દિલ ફાડીને કારાઓક સાથે ગીતો ગાઈ રહ્યા હતા. ખુદ માટે સારા બનવાનો મતલબ એ નથી કે માત્ર ઝેન બની જવું કે શાંત બનીને રહેવું."

બેન્ડ્રોવસ્કી પોતે પણ આલ્કોહૉલથી મુક્ત નથી. તેમણે એક મહિના સુધી દારૂ ન પીવાનું નક્કી કર્યું હતું. મિત્રો સાથે બહાર જતા ત્યારે માત્ર સોડા મગાવીને સંતોષ માની લેતા હતા.

તેઓ કહે છે, "મને લાગે છે કે સમગ્ર બાર કલ્ચર, મેનુથી માંડીને સ્ટાફ અને ગ્રાહકો બધા જ એવું માનતા હોય છે કે ના પીવું એ કેટલાક લોકોની હોબી હોય છે."

"હું મારી ફિલોસોફીને ડ્રિંક્સના વિકલ્પ તરીકે જોઉં છું. દારૂ પીને જ મજા કરવાના કલ્ચરના બદલે તેના વિકલ્પનું કલ્ચર ઊભું કરવા માટે, આપણે દારૂ ના પીએ તેની ઉજવણી કરવી જોઈએ.

"દારૂ પીવાના સ્થળ જેવું જ સ્થળ હોવું જોઈએ, એટલી જ મજાની મનગમતી જગ્યા હોવી જોઈએ. આ પ્રકારના કલ્ચરમાં જે ખૂટે છે તેને બદલીને મારી ઇચ્છા અનુસાર કલ્ચર બદલી નાખું."

દારૂથી મુક્તિ તરફ?

Image copyright Getty Images
ફોટો લાઈન અમેરિકામાં બીયરનું વેચાણ ઘટ્યું છે

"દારૂના વિકલ્પ"નો અભિગમ હજી એટલો વ્યાપક નહીં હોય, પણ એવા અણસાર મળી રહ્યા છે કે યુવાનો અગાઉ કરતાં ઓછું પી રહ્યા છે.

બ્રિટિશ ઑફિસ ઑફ નેશનલ સ્ટેટિસ્ટિક્સે 2016માં 16 વર્ષની વધુની ઉંમરના લોકોને અભ્યાસ કર્યો હતો.

તેમાં ખ્યાલ આવ્યો હતો કે માત્ર 56.9% ટકા લોકોએ જ આગલા અઠવાડિયે શરાબપાન કર્યું હતું.

2005થી આ પ્રકારના સવાલો પૂછવાનું શરૂ થયું છે, તે પછીનો આ સૌથી ઓછો આંક હતો.

ઇન્ટરનેશનલ વાઇન ઍન્ડ સ્પિરિટ્સ રેકર્ડના ફેબ્રુઆરીના આંકડા અનુસાર અમેરિકાના પુખ્તવયના લોકોમાં સર્વે કરાયો હતો, તેમાંથી 52% અમેરિકનોએ જણાવ્યું હતું કે તેઓ દારૂ ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા ભૂતકાળમાં તેમણે એ માટેના પ્રયાસો કર્યા હતા.

હાલના પ્રવાહો વિશેના ઘણા બધા લેખોમાં પણ યુવાન વર્ગ હવે ક્યારે પીવું અને કેટલું પીવું તેના વિશે નવેસરથી વિચારી રહ્યા છે.

અમેરિકામાં બીયરનું વેચાણ ઘટ્યું છે. જોકે તેનો અર્થ એ પણ થયો કે સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃત લોકો ઓક્ટેન સાથેના દારૂ તરફ વળ્યા છે.

Image copyright Getty Images
ફોટો લાઈન અંદાજ અનુસાર રેસ્ટરાંમાં અપાતા ડ્રિન્કના ઑર્ડરમાં હવે 20% જેટલા આલ્કોહૉલ મુક્ત પીણાં હોય છે

મંદીનો સામનો કરી રહેલો શરાબ ઉદ્યોગ ઓછો અથવા તો સાવ આલ્કોહૉલ ના હોય તેવાં પીણાં તરફ વળ્યો છે.

દાખલા તરીકે હેન્કેને 2017માં 0.0 એટલે કે બિલકુલ આલ્કોહૉલ ન હોય તેવો બીયર બજારમાં મૂક્યો છે. ગોર્ડન્સે બહુ જ ઓછા આલ્કોહૉલ સાથેનો જીન કેનમાં રજૂ કર્યો છે.

આલ્કોહૉલ વિનાનાં પીણાંનું બજાર વધી રહ્યું છે. આલ્કોહૉલ ફ્રી ના હોય તેવા વિસ્તારોમાં પણ તેનું વેચાણ વધી રહ્યું છે. હાઇ-ઍન્ડ રેસ્ટરાંમાં પણ પરંપરા પ્રમાણે વાઇન અને કોકટેઇલ સાથે પોતાના મેનુમાં હવે આલ્કોહૉલ સિવાયનાં પીણાં ઉમેરાવાં લાગ્યાં છે.

પીણાંનું મિશ્રણ કરનારા અને બેવરેજ ડિરેક્ટર્સ આ તકનો લાભ લઈને દારૂ સિવાયનાં વિવિધ પ્રકારનાં પીણાંનું મિશ્રણ તૈયાર કરી રહ્યા છે.

ન્યૂયોર્કની o ya, Covina અને The Roof Top બારના બેવરેજ ડિરેક્ટર ચેલ્સી કેરિયરે પોતાની ટીમ સાથે મળીને જાપાની રેસ્ટોરાં o ya માટે નવા જ પ્રકારના આલ્કોહૉલ મુક્ત પીણાં તૈયાર કર્યાં છે.

"ઘણા ગ્રાહકો હવે આલ્કોહૉલ સિવાયના વિકલ્પો માગે છે અને તેઓ માત્ર પાણી જ પીવા માગતા નથી," એમ કેરિયર કહે છે.

તેમના અંદાજ અનુસાર રેસ્ટરાંમાં અપાતા ડ્રિન્કના ઑર્ડરમાં હવે 20% જેટલા આલ્કોહૉલ મુક્ત પીણાં હોય છે. દારૂ ન પીનારા લોકોને પણ હવે લાગે છે કે તેમના માટે રેસ્ટોરાંમાં કશુંક મળી રહ્યું છે.

તેઓ કહે છે, "કોઈ મોંઘા ભાવનો વાઇન પી રહ્યો હોય, તેની બાજુમાં જ બેસીને તમે આલ્કોહૉલ મુક્ત કોકટેઇલ પી શકો અને એટલો જ આનંદ માણી શકો છો."

શરાબ વિનાનો બાર

Image copyright Getty Images
ફોટો લાઈન ઑકલેન્ડમાં 2015માં આલ્કોહૉલ મુક્ત બાર શરૂ થયો હતો, પણ પાંચ જ અઠવાડિયાંમાં તે બંધ કરી દેવો પડ્યો હતો

ન્યૂયોર્કના ગ્રીનવીચ વિલેજમાં આવેલા Existing Conditions નામના બારમાં જાતભાતના કોકટેઇલ મળે છે.

એ માટે જ રેસ્ટરાંનું નામ જાણીતું થયું છે. તેના મેનુમાં આલ્કોહૉલ મુક્ત પીણાંની યાદી છે.

રેસ્ટરાંના બેવરેજ ડિરેક્ટર બોબી મર્ફીના જણાવ્યા અનુસાર તે લોકો બહુ જહેમત સાથે અનેક પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરીને અનોખાં પીણાં તૈયાર કરે છે.

Stingless નામનું એક પીણું બનાવવા માટે મેલિપોના મધની જરૂર પડે. મેક્સિકોની બહુ નાની મધમાખી આવું મધ મૂકે છે.

તેનો એક કિલોનો ભાવ 100 ડૉલર છે. એવું જ એક પીણું એક પ્રકારના નાસપતીના જ્યૂસમાંથી તૈયાર થાય છે.

નાસપતિ અમુક સિઝનમાં જ મળે છે. આથી 440 કિલો જેટલા નાસપતિ ખરીદીને તેનું જ્યૂસ તૈયાર કરીને રાખવું પડે છે.

એક ગ્લાસ માટે છ નાસપતિનું જ્યૂસ જોઈએ.

મર્ફી કહે છે, "માત્ર સોડા આપી દો તે હવે ચાલતું નથી. અમે આલ્કોહૉલ મુક્ત પીણું બનાવીએ ત્યારે એ ખ્યાલ રાખતા હોઈએ છીએ કે તેવું બીજે ક્યાંય તમને મળે નહીં."

તેમના અંદાજ અનુસાર તેમના રેસ્ટરાંમાં કુલ વેચાતાં પીણાંમાં હવે 20-30% પીણાં આલ્કોહૉલ મુક્ત હોય છે.

સોબર બારનો પ્રવાહ હજી નવો છે એટલે એ જોવાનું રહે છે કે કેટલો ફેલાય છે અને ક્યાં સુધી ટકી રહે છે.

ઑકલૅન્ડમાં 2015માં આલ્કોહૉલ મુક્ત બાર શરૂ થયો હતો, પણ પાંચ જ અઠવાડિયાંમાં તે બંધ કરી દેવો પડ્યો હતો.

Image copyright Getty Images
ફોટો લાઈન આલ્કોહૉલ મુક્ત પીણાં માટેનો મોહ પુખ્તોમાં વધી રહ્યો છે

જોકે એ બાબતમાં કોઈ શંકા નથી કે આલ્કોહૉલ મુક્ત પીણાં માટેનો મોહ પુખ્તોમાં વધી રહ્યો છે અને તેમાં તાત્કાલિક કોઈ ઘટાડો થાય તેમ લાગતું નથી.

ન્યૂયોર્કમાં દરેક પ્રકારની જરૂરિયાત માટે જગ્યા ઉપલબ્ધ છે, એટલે ગેટઅવેના સહમાલિકો સેમ થોનિસ અને રેજિના ડેલિયા માટે તેમનો બાર ન્યૂયોર્ક શહેરની આવી જ એક વૈકલ્પિક જગ્યા છે. છેલ્લા મહિના દરમિયાન તેમની ઘરાકી સારી એવી રહી છે.

ડેલિયા કહે છે, "રોજ મને ચિંતા થાય કે આજે કોઈ ગ્રાહક આવશે નહીં, પણ 20 મિનિટ પછી અમારો બાર ધમધમતો હોય છે."

તેમના ગ્રાહકોમાં જિજ્ઞાસાથી આવતા સ્થાનિક લોકો, સગર્ભાઓ અને શરાબથી ચુસ્ત રીતે દૂર રહેનારા લોકોનો સમાવેશ થાય છે.

જોકે ડેલિયા અને થોનિસને અપેક્ષા છે કે તેમના બાર માટે બધા પ્રકારના લોકોને આકર્ષણ થાય.

"દરેક માટે આ બાર છે, પણ દરેક માટે અહીં આવવું જરૂરી નથી," એમ થોનિસ કહે છે.

"બહુ બધા વિકલ્પો ઉપલબ્ધ છે. લોકો અમને પસંદ ના કરે તો ઠીક છે. તેમની વાત સ્વીકાર્ય છે. અને જે લોકો અહીં આવવા માગે છે, તેમના માટે તો અમે હાજર છીએ જ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા