મે દ્વારા રાજીનામાની જાહેરાત : નવા વડા પ્રધાનની શોધ શરૂ

થેરેસા મે Image copyright AFP
ફોટો લાઈન થેરેસા મે

આવતા મહિને મે રાજીનામું આપે તે પછી કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે કોઈ પાર્ટીના નેતા બનશે, તે આગામી વડા પ્રધાન પણ બનશે.

વિદેશ પ્રધાન જેરેમી હન્ટ, આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી રોરી સ્ટિવર્ટ, પૂર્વ વિદેશ પ્રધાન બોરિસ જોન્સન તથા કાર્ય અને પેન્શન વિભાગના પૂર્વ પ્રધાન ઇસ્થર મેકવેએ આ સ્પર્ધામાં ઝંપલાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.

આ પહેલાં બ્રિટનનનાં વડાં પ્રધાન થેરેસા મેએ સાતમી જૂને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

કન્ઝર્વેટિવ પાર્ટીના સૂત્રોને લાગે છે કે જુલાઈ મહિનાના અંતભાગ સુધીમાં નવા નેતા ચૂંટાઈ આવશે.


મેનું રાજીનામું

Image copyright Getty Images
ફોટો લાઈન ઇસ્થર મેકવેની તસવીર

બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાના પદેથી 7 જૂને રાજીનામું આપશે એવી જાહેરાત કરી છે અને આ સાથે જ બ્રિટનના નવા વડા પ્રધાન ચૂંટવા માટેની પ્રક્રિયાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે.

સંસદમાં બ્રેક્ઝિટ મામલે તેમના પ્રસ્તાવનો અનેક વખત સાંસદોએ અસ્વીકાર કરવામાં આવ્યો હતો.

ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ભાષણ આપતાં થેરેસા મે એ કહ્યું હતું કે તેમણે 2016માં થયેલા જનમતસંગ્રહનાં પરિણામોનું સન્માન કરવા માટે પૂરતા પ્રયાસ કર્યા હતા.

તેમણે એવું પણ કહ્યું હતું કે બ્રેક્સિટમાં સફળતા ન મળી શકી એ માટે તેઓ દિલગીર છે.

તેમણે કહ્યું કે બ્રેક્સિટ ડીલ મામલે સમર્થન મેળવવાના પૂરતી કોશિશ કરી પણ આગામી વડા પ્રધાન તેમના પ્રયાસો જારી રાખે એ દેશહિતમાં હશે.

આ જાહેરાત કરતી વખતે થેરેસા મે ભાવુક થઈ ગયાં હતાં અને રડી પડ્યાં હતાં. તેમણ કહ્યું કે વડા પ્રધાન તરીકે કામ કરવું એ મારા જીવનમાં ગર્વની વાત હતી.

થેરેસા મેએ એવું પણ કહ્યું, "હું બીજી મહિલા વડાં પ્રધાન છું પણ ચોક્કસથી હું છેલ્લી નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ