નેપાળ : કાઠમંડુ અને સરહદી વિસ્તોરામાં વિસ્ફોટ, ચારનાં મૃત્યુ

નેપાળ બ્લાસ્ટ Image copyright Reuters
ફોટો લાઈન ધડાકા બાદનું દૃશ્ય

નેપાળની રાજધાની કાઠમંડુમાં થયેલા ત્રણ વિસ્ફોટોમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને સાત લોકોને ઈજા પહોંચી છે.

નેપાળની સ્થાનિક ટીવી ચેનલ અનુસાર કાઠમંડુ શહેરમાં એક અને સરહદ નજીકના વિસ્તારોમાં બે વિસ્ફોટ થયા છે.

નેપાળી અખબાર 'હિમાલયન ટાઇમ્સ'એ પોલીસના હવાલાથી જણાવ્યું છે કે વિસ્ફોટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસનું કહેવુ છે કે આ વિસ્ફોટો 'ઇમ્પ્રુવાઇઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાઇસ'ની મદદથી કરવામાં આવ્યા છે.

સુરક્ષાદળોએ બંને સ્થળની ઘેરાબંધી કરી દીધી છે અને તપાસ ચાલી રહી છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી માઓવાદી જૂથ સાથે સંકળાયેલા કાગળ મળ્યા છે. જોકે, હજુ સુધી કોઈ જૂથે આ વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી નથી.


શું ઇમરાન ખાનને મોદીના શપથગ્રહણ સમારોહનું આમંત્રણ મળશે?

Image copyright Getty Images

14 ફેબ્રુઆરીએ ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોના કાફલા પર થયેલા ઉગ્રવાદી હુમલા અને ત્યાર બાદ બાલાકોટમાં થયેલી ઍરસ્ટ્રાઇક બાદ પ્રથમ વખત ભારત અને પાકિસ્તાના વડા પ્રધાન વચ્ચે રવિવારે સીધી વાતચીત થઈ.

ભારતીય અને પાકિસ્તાની વિદેશ મંત્રાલયોએ નિવેદનો જાહેર કરીને જણાવ્યું કે રવિવારે પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિફોન કરીને લોકસભા ચૂંટણીમાં વિજય બદલ શુભેચ્છા પાઠવી.

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર "તેમણે (ઇમરાન ખાને) ભારપૂર્વક કહ્યું કે આપણા પ્રદેશમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે વિશ્વાસ, હિંસા અને આતંકવાદમુક્ત માહોલ બનવો જરૂરી છે."

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ ઇમરાન ખાને ભારતીય વડા પ્રધાન સાથે દક્ષિણ એશિયામાં શાંતિ, વિકાસ અને પરસ્પર સહયોગના પોતાના વાયદાની ચર્ચા કરી હતી.

વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેઓ ભારતીય વડા પ્રધાન સાથે આ મુદ્દે કામ કરવા ઉત્સુક છે.

નોંધનીય છે કે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ શપથગ્રહણ સમારોહમાં મોદીએ દક્ષિણ એશિયાના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રિત કર્યા હતા.

જોકે, આ વખતે તેઓ કયા દેશના વડાઓને આમંત્રણ આપશે એ હજુ સ્પષ્ટ નથી.


સુરત આગમાં વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ હાર્દિકની મરણાંત ઉપવાસની ધમકી

Image copyright GSTV

સુરતના સરથાણામાં લાગેલી આગમાં 20 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં, ત્યાર બાદ આ ટ્યૂશન-ક્લાસના સંચાલકની ઘરપકડ કરવામાં આવી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ રવિવારે કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે આ સ્થળની મુલાકાત લીધી હતી.

તેમણે કહ્યું કે, "સરકાર માત્ર ક્લાસના સંચાલકની ધરપકડ કરીને તપાસને દબાવી દેવાનો પ્રયત્ન કરી રહી છે. આ બિલ્ડિંગના ડેવલપર્સ અને તેને મંજૂરી આપનારા અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં કેમ ન લેવાયાં?"

"આ 'સ્માર્ટ સિટી'નું ઉદાહરણ છે, જ્યાં ફાયર-ફાઇટર્સ પાસે ચોથા માળે પહોંચી શકે તેવી સીડી પણ નથી, જે ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવી શકે."

"જો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં ન લેવાયાં તો અમે મેયરના રાજીનામાની માગ સાથે મ્યુનિસિપલ હેડ-ક્વાર્ટર્સ બહાર આમરણાંત ધરણાં પર બેસીશું. "

આ સમયે ચંદ્રેશ કાકડિયાની આગેવાનીમાં કેટલાક પાટીદાર યુવાનોએ હાર્દિક પર હુમલો કરવાની કોશિશ કરી હતી, પણ પોલીસે મામલો સંભાળી લીધો હતો.


સુરત આગ: ટ્યૂશન-ક્લાસમાં ખુરશીની જગ્યાએ ટાયરના ઉપયોગથી આગ ફેલાઈ

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ સુરતમાં શુક્રવારે લાગેલી આગમાં ક્લાસમાં રહેલાં ફ્લૅક્સ અને ટાયર જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે વિસ્તરી હતી.

આ સાથે જ ફાયર-સેફ્ટીની ગાડીઓ બિલ્ડિંગથી ઘણી દૂર હોવાથી આગ ઓલવવામાં વધુ સમય લાગ્યો હતો.

ગુજરાતના મુખ્ય સચિવ જે.એન. સિંહે એ રવિવારે તપાસ અંગે જાણકારી આપતાં કહ્યું કે જ્વલનશીલ પદાર્થોના ઉપયોગ અને ખુરશીના બદલે ટાયરનો ઉપયોગ થવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો