ચીનમાં ચુપચાપ ઇસ્લામનો ફેલાવો કરશે પાકિસ્તાનની મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ

પાકિસ્તાનની મદરેસામાં ભણી રહેલાં ચીનના વિદ્યાર્થીઓ

પાકિસ્તાનમાં રહીને ધાર્મિક શિક્ષણ મેળવી રહેલા 22 વર્ષીય ચીનના વિદ્યાર્થી ઉસ્માન (બદલાવેલું નામ) માટે પોતાના દેશમાં રમજાનના મહિનામાં રોજા રાખવા, તરાવીહની નમાઝ પઢવી અને અન્ય ધાર્મિક કામ કરવાં સરળ નથી. પરંતુ કરાચીમાં રહીને તે પોતાની ધાર્મિક ફરજ રોકટોક વગર પૂરી કરી શકે છે.

ચીનમાં મુસ્લિમોને ધાર્મિક આઝાદી નથી, ત્યાં ગત વર્ષે લોકોને રોજા રાખવાની પરવાનગી આપવામાં આવી નહોતી. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે તેમની ટીકા કરતા મુસ્લિમ દેશોને આની સામે અવાજ કરવા અપીલ કરી હતી.

ઉસ્માન કરાચીની એક મદરેસામાં શિક્ષણ મેળવી રહ્યા છે. પાકિસ્તાનમાં સૈન્ય શાસક પરવેઝ મુશર્રફે પોતાના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનની મદરેસામાં વિદેશી વિદ્યાર્થીઓના ભણવા પર પ્રતિબંધ લાદ્યો હતો, પરંતુ હવે પાકિસ્તાની મદરેસામાં વિદેશી વિદ્યાર્થીઓ ભણી શકે છે.

હાલમાં જ પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીમંડળે મદરેસામાં ભણવા માટે વિદ્યાર્થીઓને વિઝા આપવાનો નિર્ણય કર્યો છે.

ફોટો લાઈન ચીનના વીગર મુસલમાન

પાકિસ્તાનમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્કૂલોના મીડિયા કો-ઑર્ડિનેટર તલહા રહમાનીનું કહેવું છે કે હાલ દેશમાં શિક્ષણ મેળવી રહેલા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાનો ચોક્કસ આંકડો નથી.

તેમના પ્રમાણે કરાચીના એક મદરેસાના ઍડમિનિસ્ટ્રેટરે તેમને કહ્યું છે કે તેમની પાસે ચીનના 25 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.

ઉસ્માન છેલ્લાં પાંચ વર્ષથી કરાચીની એક મદરેસામાં ભણી રહ્યા છે, જ્યાં તે કુરાન, હદીસ, અરબી સાહિત્ય અને તર્કશાસ્ત્રનું શિક્ષણ મેળવી રહ્યા છે.

ઉસ્માનનું કહેવું છે કે તેમનાં માતાપિતા ઇચ્છતાં હતાં કે પોતાનાં બાળકો ધાર્મિક વિદ્વાન બને અને બાળપણથી તેમને આના વિષે શીખવવામાં આવતું હતું.

તે ચીનમાં પોતાની સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી કરાચી પહોંચ્યા અને ધાર્મિક શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું.

તે કહે છે, "ચીનમાં ઇસ્લામ અને ધાર્મિક શિક્ષણની તાલીમ મળે તેવી તક ઘણી ઓછી છે. ત્યાં શિક્ષણ અને વિષય સીમિત છે. માત્ર જુમ્માના દિવસે જ મૌલવી સાહેબ કાંઈ સમજાવે છે. આ સિવાય લોકો ઇન્ટરનેટ પરથી ધર્મ વિષે થોડી-ઘણી જાણકારી મેળવી લે છે."

બીજા દેશના વિદ્યાર્થીઓની જેમ પાકિસ્તાનમાં ભણનાર ચીનના વિદ્યાર્થીઓ પણ ધર્મનું બુનિયાદી શિક્ષણ મેળવે છે. એમાંથી કોઈ એક વર્ષનો કોર્સ કરે છે અને પછી પોતાના દેશમાં પરત ફરે છે.

કેટલાક વિદ્યાર્થીઓ મુફ્તી અને આલિમ (ઇસ્લામી ડિગ્રી) બને છે અને કેટલાક થોડા જ મહિનાનું શિક્ષણ મેળવીને પરત થઈ જાય છે.

મદરેસામાં પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થીઓ પરત ફરી જાય છે અને આમાંથી કેટલાક બીજાને ધર્મનું શિક્ષણ આપવાનું શરૂ કરી દે છે.

ઉસ્માન કહે છે, "અમે ચીનમાં ધાર્મિક શિક્ષણ ગુપ્ત રીતે આપીશું. પહેલાં અમે પરિવારને ધર્મનું શિક્ષણ આપીશું અને પછી નજીકના પરિચિતોને. જાહેરમાં મદરેસા બનાવવી સંભવ નથી."


ચીની ભાષામાં શિક્ષણ

કરાચી યુનિવર્સિટી અને અન્ય પ્રાઇવેટ સંસ્થાનોની જેમ જામિયા બનવરિયા અલઆલિમિયા મદરેસામાં પણ ચાઈનીઝ ભાષા શીખવવાનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

આ મદરેસાના ઍડમિનિસ્ટ્રેટર અને ધાર્મિક બાબતોના વિશેષજ્ઞ મુફ્તી મોહમ્મદ નઇમનું કહેવું છે કે, "ચીનના કેટલાય વિસ્તારોમાં સરકાર મુસલમાનો પર બહુ જબરજસ્તી કરે છે. ચીનના નાગરિક જ્યારે પાકિસ્તાન આવે ત્યારે ખુલ્લેઆમ ફરે છે. તેમને તમામ પ્રકારની આઝાદી હોય છે. ચીનને પોતાના દેશમાં પણ મુસ્લિમોને ધાર્મિક આઝાદી આપવી જોઈએ."

તેઓ કહે છે કે આમ તો ચીનમાં મુસલમાનોની બહુ મોટી વસતી છે, પરંતુ આમાંથી મોટા ભાગના એવા છે જેમને ચાઈનીઝ ભાષામાં નમાઝ શીખવાનાં પુસ્તકો સુધ્ધા મળતાં નથી.

તેઓ કહે છે કે તેમની મદરેસામાં ચીની ભાષા શીખવા માટે માત્ર મદરેસાના વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ વેપારી અને પ્રાઇવેટ કંપનીઓના કર્મચારી પણ આવે છે.

ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડૉર અને બંને દેશો વચ્ચે વધતા વેપારી સંબંધોના કારણે પાકિસ્તાનમાં ચીની ભાષા શીખનારાની સંખ્યા વધી રહી છે.

ઉસ્માન મદરેસામાં બીજા ચીની વિદ્યાર્થીઓની સાથે જ રહે છે. અમે જ્યારે તેમને મળવા પહોંચ્યા ત્યારે તેમની સાથે અન્ય મદરેસામાં ભણી રહેલા ચીનના વિદ્યાર્થીઓ આવેલા હતા.

તેમના મત મુજબ ચીનની સરકાર મદરેસામાં ભણાવવાની પરવાનગી આપતી નથી, પરંતુ યુનિવર્સિટીમાં ભણવાની પરવાનગી છે. તેમનું કહેવું છે કે તે જે ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે તેની સાથે સરકારનો કોઈ સંબંધ નથી.

ચીનમાં મુસલમાનોની મોટી વસતી શિનજિયાંગ નામના પ્રાંતમાં છે.

આ પ્રાંતની સરહદો પાકિસ્તાન અને ભારત સહિત મંગોલિયા, રશિયા, કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, કિર્ગિસ્તાન વગેરેને મળે છે. અહીંની રાજધાની ઉરુમચી છે, જ્યારે કાશગર સૌથી મોટું શહેર છે.


ચીનમાં ધાર્મિક આઝાદી પર સવાલ

ફોટો લાઈન પાકિસ્તાનની મદરેસામાં ઘણા દેશનાં બાળકો ભણે છે.

ગત વર્ષે ઑગસ્ટમાં સંયુક્ત રાષ્ટ્રની સમિતિએ કહ્યું હતું કે શિનજિયાંગમાં વીગર મુસલમાનો અને બીજા મુસ્લિમ સમુદાયના દસ લાખ લોકોને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને તેમના રિ-ઍૅજ્યુકેશન એટલે પુનઃશિક્ષા કાર્યક્રમ હેઠળ તેમની વિચારધારાને બદલવામાં આવી રહી છે.

ઇસ્લામી દેશોના સંગઠને પણ આ ચીનના મુસ્લિમોના માનવ અધિકારોના ઉલ્લંઘનને લઈને વિરોધ જાહેર કર્યો હતો.

પાકિસ્તાનમાં રહેલાં ચીનના ડેપ્યુટી ચીફ ઑફ મિશને હાલમાં જ ટ્વિટર પર કહ્યું હતું કે, ચીનમાં 35 હજાર મસ્જિદ છે. જ્યાં દેશના બે કરોડ મુસ્લિમ દેશના કાયદા હેઠળ પોતાની ધાર્મિક ફરજ અદા કરવા આઝાદ છે.

તેમના પ્રમાણે, "અમે ધાર્મિક આઝાદીની નીતિ પર ચાલીએ છીએ. અમે ધાર્મિક કટ્ટરપંથ સામે લડાઈ લડી રહ્યા છીએ. સામાન્ય ધાર્મિક પ્રવૃત્તિઓની કાયદા હેઠળ પરવાનગી છે."

જ્યારે ચીને કહ્યું છે કે તે પાકિસ્તાનની મદરેસામાં શિક્ષણ મેળવી રહેલા શિનજિયાંગના વિદ્યાર્થીઓની તપાસ કરી રહ્યું છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ચીને પાકિસ્તાન સરકારને કહ્યું છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે અને જેમને વિઝા આપવામાં આવી રહ્યા છે, તેમના વિષે મહિનામાં બે વાર જાણકારી આપવામાં આવે અને તેમની ગતિવિધિ પર રિપોર્ટ પણ આપવામાં આવે."

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ