પાક.માં ઈશ્વર નિંદાના આરોપમાં હિંદુ ડૉક્ટરની ધરપકડ, હિંદુઓની દુકાનો લૂંટાઈ

હિંસા

પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વ પ્રાંતમાં એક હિંદુ પશુ ડૉક્ટરની ઈશ્વર નિંદાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

આ પશુ ડૉક્ટર પર આરોપ છે કે તેમણે ધાર્મિક પુસ્તકનાં પાનાં ફાડીને તેમાં દવા આપી હતી.

આ ઘટના બાદ મિરપુરખાસના ફુલડયનમાં આવેલા ડૉક્ટરના દવાખાનાને સ્થાનિક લોકોએ સળગાવી દીધું હતું અને વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી.

સિંધ પ્રાંતના આ વિસ્તારમાં હિંદુઓની દુકાનોમાં પણ લૂંટફાટ કરવામાં આવી હતી.

પશુ ડૉક્ટર દવા આપવા માટે જે પાનાનો ઉપયોગ કર્યો હતો તે કથિત રીતે ઇસ્લામિક શિક્ષણ આપતા એક પાઠ્યપુસ્તકમાંથી ફાડવામાં આવ્યાં હતાં.

જોકે, ડૉક્ટરનું કહેવું છે કે તેમણે આવું જાણી જોઈને કર્યું નથી અને તેમનાથી આ ભૂલ થઈ છે.

જો આ મામલામાં તેઓ દોષિત ઠરશે તો તેમને આજીવન જેલની સજા થઈ શકે છે.


શું છે સમગ્ર મામલો?

રિપોર્ટ અનુસાર પશુ ડૉક્ટરે કથિત રીતે બીમાર પશુ માટે શાળાના પાઠ્યપુસ્તકના પાનામાં દવા વાળીને આપી હતી.

જોકે, ગ્રાહકે પાના પર ધાર્મિક લખાણ જોયું અને તેઓ સીધા સ્થાનિક મૌલવી પાસે ગયા.

સ્થાનિક મસ્જિદના મૌલવીએ પોલીસને આ મામલે જાણ કરી હતી. જે બાદ પશુ ડૉક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી.

ધાર્મિક રાજકીય પક્ષ જમિયત ઉલેમા-એ-ઇસ્લામીના નેતા મૌલાના હાફીઝ-ઉર-રહેમાને બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે ડૉક્ટરે જાણી જોઈને આ કૃત્ય કર્યું છે.

જોકે, પોલીસના જણાવ્યા પ્રમાણે પશુ ચિકિત્સકે સતત એ વાત પર ભાર મૂક્યો છે કે તેમણે ભૂલથી એ કાગળનો ઉપયોગ કર્યો છે.

હાલ તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

6,000-7,000ની વસતિ ધરાવતા ફુલડયન વિસ્તારમાં વધારે વસતિ હિંદુઓની છે. મળતા રિપોર્ટ પ્રમાણે હાલ આ વિસ્તારમાં માહોલ શાંત છે અને ફરીથી સ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે.

પાકિસ્તાન અને ઈશ્વર નિંદાનો કાયદો

મિરપુર ખાસના પોલીસ અધિકારી જાવેદ ઇકબાલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે જે લોકો દુકાનો પર હુમલા કરવામાં સામેલ છે તેમની ધરપકડ કરવામાં આવશે. હિંસા કરનારાઓને ઇસ્લામ કે પાડોશી પ્રત્યે કોઈ પ્રેમ નથી.

ઇસ્લામ પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધર્મ છે અને ઈશ્વર નિંદાના કડક કાયદાઓને લોકો પણ ટેકો આપે છે.

કટ્ટર રાજકારણીઓ પણ આવા કાયદામાં કડક સજાના પક્ષમાં હોય છે, જેથી તેમની મતબૅન્કને વધારે મજબૂત કરી શકાય.

છેલ્લા દાયકાઓમાં સેંકડો પાકિસ્તાની નાગરિકોને ઈશ્વર નિંદાના કાયદા હેઠળ સજા થઈ છે. કેટલાક કેસોની ચર્ચા તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ છે.

જેમાં સૌથી જાણીતો ખ્રિસ્તી મહિલા આસીયા બીબીનો છે, જેમની ઈશ્વર નિંદાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તેમણે અનેક વર્ષો જેલમાં વિતાવ્યાં, જે બાદ 2018માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમને આરોપમુક્ત કર્યાં હતાં. હાલ તેઓ દેશ છોડીને જતાં રહ્યાં છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
આખરે આસિયા બીબીએ પાકિસ્તાન છોડી દીધું

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા