BBC Top News : અમેરિકાના વર્જીનિયામાં અંધાધૂંધ ગોળીબારમાં 12 લોકોનાં મૃત્યુ

અમેરિકામાં હુમલો Image copyright Reuters

અમેરિકાના વર્જીનિયામાં શુક્રવારે સાંજે ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મૃત્યુ થયા છે અને 6 વ્યક્તિઓ ઘાયલ થઈ છે.

પોલીસનું કહેવું છે કે આ ઘટના વર્જીનિયા બીચની સરકારી ઇમારતમાં થઈ છે. તેમજ આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ વર્જીનિયા બીચ મ્યુનિસિપલ સેન્ટરના કર્મચારી છે જેમણે પોતાના કામના સ્થળે જ અંધાધૂંધ ગોળીબાર કર્યો.

આ ગોળીબારમાં હુમલાખોરનું પણ મૃત્યુ થઈ ગયું હોવાનુ પોલીસ માને છે.

વર્જીનિયાના ગવર્નર અને મેયરે આ ઘટનાને દુઃખદ ગણાવીને તેની ટીકા કરી છે. અમેરિકામાં આ પ્રકારની ઘટનાઓ પર નજર રાખતી વેબસાઇટ 'ગન વાયલેંસ આર્કાઇવ' અનુસાર અમેરિકામાં આ વર્ષની માસ શૂટિંગની આ 150મી ઘટના છે.


કૅબિનેટની પ્રથમ મિટિંગમાં ત્રણ મહત્ત્વના નિર્ણયો

Image copyright PIB India

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કૅબિનેટના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા બાદ શુક્રવારે તેમને વિવિધ વિભાગોનો કાર્યભાર સોપવામાં આવ્યો. ત્યાર બાદ સાંજે કૅબિનેટની બેઠક મળી જેમાં મહત્ત્વના નિર્ણયો લઈને પક્ષના ચૂંટણી ઢંઢેરામાં સામેલ ત્રણ વચનો અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

આના ભાગરૂપે નેશનલ ડિફેન્સ ફંડ અંતર્ગત મળતી સ્કોલરશિપમાં છોકરાઓ માટે 25 ટકા અને છોકરીઓ માટે 33 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ઉપરાંત કૅબિનેટે અસંગઠિત મજૂરોને 3 હજારના માસિક પેન્શનને મંજુરી આપી દીધી છે. કિસાન યોજનામાં હવે દરેક ખેડૂતને વર્ષે 6 હજાર રૂપિયા મળશે.

ઉપરાંત કિસાન સમ્માન યોજનાની મર્યાદા વધારવામાં આવી છે, જેનાથી 15 કરોડ ખેડૂતોને લાભ થશે. નાના ખેડૂતોની સામાજિક સુરક્ષા માટે પણ યોજના શરૂ કરવામાં આવી છે.

નાના વેપારીઓ માટેની પેન્શન યોજનાને કૅબિનેટે મંજુરી આપી છે, જેનાથી લગભગ 3 કરોડ છૂટક વેપારીઓ અને નાના દુકાનદારોને ફાયદો થશે.


કુમાર વિશ્વાસનો મમતાદીદી પર તુલસીદાસના દોહાથી વાર

Image copyright Sanjay das

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સામે 'જય શ્રી રામ'ના નારા લગાવાતા તેઓ ગુસ્સે થયા તેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ બંગાળમાં 50થી વધુ ભાજપના કાર્યકરોના મૃત્યુ થયા, જેમના પરિવારોને શપથ ગ્રહણ સમારોહમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેનાથી નારાજ થઈને મમતા બેનરજીએ આ સમારોહમાં હાજરી આપી નહીં.

તેથી કુમાર વિશ્વાસે તેમનું નામ લીધાં વિના માત્ર દીદી કહીને એક ટ્વીટ કર્યું, જેમાં તેમણે તુલસીદાસનો દોહો લખ્યો. જેનો અર્થ હતો, "મનુષ્ય(દીદી), જો તું અંદર-બહાર(કેન્દ્ર -રાજ્ય) બંને તરફ ઉજાસ ઇચ્છે છે તો મુખરૂપી દ્વારના જીભરૂપી ઉંબરા પર રામ-નામરૂપી મણિદીપ મુકી દો."


દક્ષિણ આફ્રિકાની કૅબિનેટમાં 50 ટકા મહિલાઓ સામેલ

Image copyright Reuters

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ પોતાના નવા મંત્રીમંડળની ઘોષણા કરી. જેમાં દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં પ્રથમ વખત 50 ટકા મહિલાઓ સામેલ છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે તેમાં વિરોધપક્ષના એક મહિલા પણ સામેલ છે.

દક્ષિણ આફ્રિકાના પત્રકાર વેરાશ્નિ પિલ્લેએ બીબીસીને જણાવ્યું કે આ કદમ દર્શાવે છે કે દેશના મુખિયા બુદ્ધિશાળી છે.

આ કૅબિનેટમાં બે ભારતીય મૂળના નેતાઓ, પ્રવીણ ગોર્ધન અને ઇબ્રાહીમ પટેલ પણ સામેલ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો