ન્યૂઝીલૅન્ડે દેખાડ્યો '10 કા દમ', શ્રીલંકાનો કારમો પરાજય

ન્યૂઝીલૅન્ડ Image copyright AFP/GETTY IMAGES

ઝડપી અને સ્વિંગ ધરાવતી વિકેટો પર રમવાની એશિયન ટીમોની નબળાઈ સતત બીજા દિવસે ઇંગ્લૅન્ડમાં છતી થઈ ગઈ હતી જ્યારે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં સતત બીજા દિવસે પ્રથમ બૅટિંગ કરનારી ટીમનો ધબડકો થયો અને ન્યૂઝીલૅન્ડે 10 વિકેટે આસાન વિજય હાંસલ કરી લીધો હતો.

શુક્રવારે પાકિસ્તાનના કંગાળ દેખાવ બાદ શનિવારે ન્યૂઝીલૅન્ડ સામે શ્રીલંકા પણ કંગાળ દેખાવ કરીને હારી ગયું હતું.

શનિવારે કાર્ડિફ ખાતે રમાયેલી વર્લ્ડ કપની મૅચમાં શ્રીલંકા સામે ન્યૂઝીલૅન્ડના બૉલર્સનું પ્રભુત્વ રહ્યું હતું.

શ્રીલંકન ટીમે ટૉસ ગુમાવ્યો અને ન્યૂઝીલૅન્ડે તેમને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.


શ્રીલંકાનું આત્મસમર્પણ

Image copyright ALLSPORT/GETTY IMAGES

શ્રીલંકા માત્ર 29.2 ઓવર જ ટકી શક્યું હતું અને 136 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ન્યૂઝીલૅન્ડે માત્ર 16.1 ઓવરમાં વિના વિકેટે 137 રન કરીને મૅચ જીતી લીધી હતી.

શ્રીલંકા માટે આશ્વાસનજનક બાબત એક જ રહી હતી કે કૅપ્ટન અને ઓપનર દિમુથ કરુણારત્ને છેક સુધી વિકેટ પર ટકી રહ્યા.

આરંભથી અંત સુધી અણનમ રહેનારા બૅટ્સમૅનની યાદીમાં તેઓ સામેલ થયા પરંતુ બાકીના બેટ્સમૅનના કંગાળ દેખાવને કારણે ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

મૅચ જીતવા માટે 137 રનના સાવ સામાન્ય ટાર્ગેટ સામે રમતા ન્યૂઝીલૅન્ડના ઓપનર્સ માર્ટિન ગુપટિલ અને કૉલીન મુનરોએ આક્રમક બેટિંગ કરી હતી.

બંનેએ અડધી સદી ફટકારીને ન્યૂઝીલૅન્ડ માટે આ ટુર્નામેન્ટનો સફળ પ્રારંભ કરાવ્યો હતો.

ગુપટિલે 39 બૉલમાં એક સિક્સર સાથે તેની અડધી સદી પૂરી કરી હતી તો પોતાના 50 રન પૂરા કરવા માટે સાથીદાર મુનરો 41 બૉલ જ રમ્યા. બંનેએ 13મી ઓવરમાં 100 રનની ભાગીદારી નોંધાવી હતી.

મૅચને અંતે ગુપટિલે 51 બૉલમાં 73 રન ફટકાર્યા હતા જેમાં આઠ બાઉન્ડ્રી અને બે સિક્સરનો સમાવેશ થતો હતો. કૉલીન મુનરોએ એક સિક્સર અને છ બાઉન્ડ્રી સાથે 47 બૉલમાં 58 રન ફટકાર્યા હતા.

અગાઉ શ્રીલંકન બૅટિંગ કંગાળ રહી હતી. ખરેખર તો ટ્રૅન્ટ બૉલ્ટ જોખમી જણાતો હતો પરંતુ કાર્ડિફની વિકેટ ઉપર મૅટ હૅનરીને સફળતા મળી હતી.

હૅનરીએ ઇનિંગ્સના પ્રારંભમાં જ લાહિરુ થિરિમાનેને માત્ર ચાર રનના સ્કોરે આઉટ કરી દીધો હતો.


અનુભવી રહ્યા નિષ્ફળ

Image copyright Getty Images

થિરિમાને પાસેથી આ વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ દેખાવની અપેક્ષા રખાતી હતી.

કુશલ પરેરાએ આવીને ટીમનો સ્કોર નવમી ઓવરમાં 46 સુધી પહોંચાડ્યો હતો પરંતુ ત્યાર બાદ ટીમનો રકાસ થયો હતો.

મૅટ હૅનરીએ ઉપરાઉપરી બે બૉલમાં પરેરા અને કુશલ મૅન્ડીસને પવેલિયનમાં મોકલી દીધા હતા.

ધનંજય ડી'સિલ્વા માત્ર ચાર રન કરી શક્યા હતા તો સૌથી અનુભવી અને ભૂતપૂર્વ સુકાની ઍન્જેલો મૅથ્યૂઝ નવ બૉલ રમ્યા બાદ પણ ખાતું ખોલાવી શક્યા ન હતા.

થિસારા પરેરાએ આવીને થોડી લડત આપી હતી. કરુણારત્ને સાથે મળીને તેણે 52 રન ઉમેરતા શ્રીલંકા 100 રનનો આંક પાર કરી શક્યું હતું.

આમ છતાં શ્રીલંકા પડકારજનક સ્કોર ઊભો કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

મૅટ હૅનરી અને લૉકી ફર્ગ્યુસને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી તો બાકીના તમામ બૉલરને ફાળે એક-એક વિકેટ આવી હતી.


વર્લ્ડ કપમાં દસ વિકેટે જીતનારી ટીમો

ટીમ વિરુદ્ધ સ્થળ તારીખ
ભારત પૂર્વ આફ્રિકા લીડ્સ 11-06-1975
વૅસ્ટ ઇન્ડિઝ ઝિમ્બાબ્વે ઍજબસ્ટન 20-6-1983
વૅસ્ટ ઇન્ડિઝ પાકિસ્તાન મૅલબૉર્ન 23-2-1992
દક્ષિણ આફ્રિકા કેન્યા પોચેસ્ટ્રુમ 12-2-2003
શ્રીલંકા બાંગ્લાદેશ પિટરમૅરિટ્ઝબર્ગ 14-2-2003
દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ બ્લૉમ્ફોન્ટિન 22-2-2003
ઑસ્ટ્રેલિયા બાંગ્લાદેશ નૉર્થ સાઉન્ડ 31-3-2007
ન્યૂઝીલૅન્ડ કેન્યા ચેન્નઈ 20-2-2011
ન્યૂઝીલૅન્ડ ઝિમ્બાબ્વે અમદાવાદ 4-3-2011
પાકિસ્તાન વૅસ્ટ ઇન્ડિઝ મિરપુર 23-3-2011
શ્રીલંકા ઇંગ્લૅન્ડ કોલંબો 26-3-2011
ન્યૂઝીલૅન્ડ શ્રીલંકા કાર્ડિફ 1-6-2019

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.