વરિષ્ઠ કલાકાર દિનયાર કોન્ટ્રાક્ટરનું અવસાન, વડા પ્રધાને શોક વ્યકત કર્યો

દિનયાર કોન્ટ્રાકટર Image copyright PM Twitter

વરિષ્ઠ કલાકાર દિનયાર કોન્ટ્રાક્ટરનું 79 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ નાટકથી અભિનયની શરૂઆત કરી હતી અને અનેક હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મો, ટીવી શોમાં કામ કર્યું.

આજે વહેલી સવારે એમનું અવસાન થયું છે. એમની અંતિમ પ્રાર્થનાસભા વરલી પ્રાર્થનાગૃહ મુંબઈમાં સાંજે 3.30 વાગે યોજાશે.

દિનયાર કોન્ટ્રાક્ટરના અવસાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની સાથેની તસવીર ટ્ટીટ કરી શોક વ્યકત કર્યો છે.

વડા પ્રધાને ટ્ટીટ કરીને કહ્યું કે પદ્મશ્રી દિનયાર કોન્ટ્રાકટર ખાસ હતા કેમકે તેમણે અનેક ખુશીઓ ફેલાવી. એમની બહુમુખી અભિનય પ્રતિભાએ અનેક લોકોના ચહેરાં પર સ્મિત આણ્યું. નાટક, ટીવી કે ફિલ્મ દરેક માધ્યમમાં તેઓ શ્રેષ્ઠ હતા. એમના અવસાનથી શોકમગ્ન છું. મારી પ્રાર્થના એમનાં પરિવારો અને ચાહકો સાથે છે.


કેરળમાં 7 જૂનથી ચોમાસાનું આગમન : હવામાનખાતું

Image copyright Getty Images

ભારતીય હવામાનખાતાના જણાવ્યા અનુસાર કેરળમાં આ વખતે ચોમાસાનું આગમન એક દિવસ મોડું એટલે કે 7મી જૂને થશે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર 7મી જૂનથી કેરળમાં ચોમાસુ બેસી જશે.

હવામાનખાતાના જણાવ્યા અનુસાર દક્ષિણ અરબ સાગર અને બંગાળની ખાડી પર વિષુવવૃત્તીય પવનો આગામી 24 કલાક દરમિયાન ચોમાસાને આગળ વધારવામાં મદદ કરશે.

અર્થ-સાયન્સમંત્રી હર્ષ વર્ધને પણ જણાવ્યુ હતું કે કેરળમાં 6-7 જૂને ચોમાસાનું આગમન થઈ શકે એમ છે.

નોંધનીય છે કે કેરળમાં પ્રવેશ્યાના 8થી દસ દિવસમાં ચોમાસું મુંબઈમાં અને ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશતું હોય છે.


સુરત ફાયર : વધુ ચાર લોકોની ધરપકડ કરાઈ, કુલ આંક નવ થયો

Image copyright Getty Images

સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના મામલે વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

'ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ જણાવ્યું છે કે ટ્યૂશન-ક્લાસમાં કાયદેસરનું વીજજોડાણ ન હોવા છતાં આઠ ઍરકંડિશન રખાયાં હતાં.

શર્માના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા લોકોમાં કથિત રીતે બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરનારા બિલ્ડર રવિન્દ્રકુમાર, સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઇજનેર પી.ડી. મુનશી અને નાયબ ઇજનેર જયેશ સોલંકીનો સમાવેશ થાય છે.

આ સાથે જ સંબંધિત મામલે કુલ નવ લોકોની ધરપકડ કરાઈ છે.

આ પહેલાં ટ્યૂશન-ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણી અને હર્ષલ વેકરીયા તથા જિગ્નેશ પટેલ નામના બિલ્ડર્સ સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી.

24મેએ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કૉમર્શિયલ કૉમ્પ્લેક્સમાં લાગેલી આગમાં 22 કિશોરોનાં મૃત્યુ થયાં હતાં.


આસામ : નિવૃત સૈનિક સનાઉલ્લાહ વિરુદ્ધ તપાસ કરનારા અધિકારી વિરુદ્ધ કેસ

Image copyright SANAULLAH FAMILY

ભારતીય સૈન્યમાં 30 વર્ષ સુધી સેવા આપનારા નિવૃત સુબેદાર મહમદ સનાઉલ્લાહ લગભગ એક સપ્તાહથી આસામના ડિટેન્શન સેન્ટરમાં છે.

તેમને 23મેના રોજ ફૉરેનર્સ ટ્રાઇબ્યુનલ(એફટી) કોર્ટે એમને વિદેશી નાગરિક જાહેર કર્યા હતા.

હવે સનાઉલ્લાહના મામલાના તપાસઅધિકારી ચંદ્રમલ દાસ વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે.

જે કથિત સાક્ષીઓના આધારે રિપોર્ટ તૈયાર કરાયો હતો, એમનું કહેવું છે કે તેમણે ક્યારેય શાહેદી પૂરી જ નથી.

વર્ષ 2017માં સૈન્યમાંથી નિવૃત થયા બાદ 52 વર્ષના સનાઉલ્લાહ આસામ પોલીસની બૉર્ડર વિંગમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા.

દેશનાં વિવધ સ્થળોએ પોતાની સેવા આપનારા સનાઉલ્લાહનું નામ ગત વર્ષે જાહેર કરાયેલા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરના પ્રથમ ડ્રાફ્ટમાં નહોતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો