ક્રિકેટ વર્લ્ડ કપ 2019 IND vs SA - રોહિત શર્માના શતક સાથે દક્ષિણ આફ્રિકા સામે ભારતનો છ વિકેટે વિજય

રોહિત શર્મા Image copyright Getty Images

દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતે ચાર વિકેટ ગુમાવી 47.3 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.

ઓપનિંગમાં આવેલા બૅટ્સમૅન રોહિત શર્માએ 144 બૉલમાં 13 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 122 રન બનાવ્યા હતા.

વન ડે ક્રિકેટમાં રોહિત શર્માની આ 23મી સદી છે.

ભારત તરફથી રોહિત શર્માએ 122, શિખર ધવને 8, વિરાટ કોહલીએ 18, કે. એલ. રાહુલે 26, મહેન્દ્રસિંહ ધોનીએ 34 અને હાર્દિક પંડ્યાએ 15 રન કર્યા હતા.

મહેન્દ્રસિંહ ધોનીએ 46 બૉલમાં 34 રન કર્યા હતા. બૉલર ક્રિસ મોરિસે જ ધોનીનો કૅચ ઝીલ્યો હતો.

ધોની બાદ આવેલા હાર્દિક પંડ્યાએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનિંગમાં આવેલા રોહિત શર્મા અને છઠ્ઠા ક્રમે આવેલા હાર્દિક પંડ્યા અણનમ રહ્યા હતા.

આ પહેલાં દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ ઇનિંગમાં નવ વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા.

ભારત તરફથી ગુજરાતી બૉલર જસપ્રિત બુમરાહે બે, યુજવેન્દ્ર ચહલે ચાર તથા ભુવનેશ્વર કુમારે બે વિકેટ લીધી હતી.

આફ્રિકા તરફથી સૌથી વધુ 42 રન ક્રિસ મોરિસ અને 38 રન કૅપ્ટન ડૂ પ્લેસિસ કર્યા હતા.


મૅચ અપડેટ્સ

Image copyright AFP/GETTY IMAGES

ભારત તરફથી ઓપનિંગમાં બૅટ્સમૅન રોહિત શર્મા અને શિખર ધવન મેદાનમાં ઊતર્યા હતા.

ભારતને પ્રથમ ઝટકો શિખર ધવનમાં રૂપમાં લાગ્યો હતો. શિખર ધવન રબાડાની ઓવરમાં માત્ર આઠ રન કરીને કૅચઆઉટ થયા હતા.

શિખર ધવન આઉટ થયા બાદ કૅપ્ટન વિરાટ કોહલી બૅટિંગમાં આવ્યા હતા. વિરાટ અને રોહિતે બાજી સંભાળી હતી.

જોકે વિરાટ કોહલી 34 બૉલમાં માત્ર 18 બનાવીને ફેલુકવાયોની ઓવરમાં કૅચઆઉટ થયા હતા. વિકેટકીપર ડી કૉકે વિરાટનો કૅચ કર્યો હતો.

42 બોલમાં 26 રન બનાવનાર કે.એલ. રાહુલ રબાડાના ધીમા બૉલને સમજી ન શક્યો ને આફ્રિકન કૅપ્ટન ડૂ પ્લેસિસને કૅચ આપી દીધો.


જ્યારે સચીનને મળ્યા રહાણે

અજિંક્ય રહાણે વર્લ્ડ કપની ટીમમાં સામેલ નથી. જોકે તેઓ મૅચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર છે. તેઓએ પોતાના રોલ-મૉડલ સચીન સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.


શિખર ધવન આઉટ

Image copyright Reuters

આફ્રિકા પહેલી બૅટિંગ કરતા 50 ઓવરના અંતે 227 રન કરી શક્યું હતું. ભારતીય બૉલર સામે આફ્રિકન બૅટ્સમૅન નબળા સાબિત થયા હતા.

શરૂઆતમાં જસપ્રિત બુમરાહે ઓપનિંગ બૅટ્સમૅન હાશિમ અમલા (6 રન) અને ડી કૉક (10 રન)ને પેવેલિયન ભેગા કર્યા હતા.

છેલ્લી ઓવરમાં ભુવનેશ્વરે ક્રિસ મોરિસની વિકેટ ઝડપી હતી. ક્રિસ મોરિસે 34માં 42 રન કર્યા હતા. જેના કારણે આફ્રિકા આટલા સ્કોરે પહોંચી શક્યું હતું.


બુમરાહ-કૉક પર સેહવાગનું ટ્વિટ

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે જસપ્રિત બુમરાહ અને ડી કૉકની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે.

તેમણે લખ્યું, "23 દિવસ પહેલાં ડી કૉક સાથે થોડોક દયાભાવ હતો, પરંતુ આજે કોઈ દયાભાવ નહીં. જસપ્રિત બુમરાહ, બહેતરીન સ્પેલ."


ટ્વિટર પર ચહલ છવાયા

Image copyright ALLSPORT/GETTY IMAGES

ચહલે આફ્રિકન બૅટ્સમૅન ફેલુકવાયોને આઉટ કરીને પોતાની ચોથી વિકેટ લીધી હતી. ફેલકવાયોનો વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ કૅચ કર્યો હતો.

એ પહેલાં યુજવેન્દ્ર ચહલે ડેવિડ મિલરને આઉટ કર્યો હતો. મિલર 40 બૉલમાં 31 રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા.

યુજવેન્દ્ર ચહલના શાનદાર પ્રદર્શનથી તેઓ ભારતીય સોશિયલ મીડિયામાં છવાયા છે. લોકો મજેદાર મીમ્સ શૅર કરી રહ્યા છે. તેમણે આફ્રિકાના કૅપ્ટન ડૂ પ્લેસિસને ક્લીન બૉલ્ડ કર્યા હતા.


રૈનાએ કહ્યું, ''કપ લઈને ઘરે આવો''

Image copyright Getty Images

ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ટ્વીટ કરીને ટીમ ઇન્ડિયાને જીતની શુભકામના પાઠવી છે.

રૈનાએ લખ્યું, "જ્યારે હું આ લખી રહ્યો છું ત્યારે મારા દિલમાં હજારો ભાવનાઓ ઊમટી રહી છે અને મને ઘણી બધી યાદો સાંભરી આવે છે. આ ઇતિહાસનું પુનરાવર્તન કરવાનો સમય છે. ગૂડ લક ટીમ ઇન્ડિયા, કપ લઈને ઘરે આવો."


ચહલની ડબલ સ્ટ્રાઇક પછી કુલદીપની વિકેટ

Image copyright AFP/Getty Images

યુજવેન્દ્ર ચહલે જોખમી બની રહેલી ભાગીદારીને તોડતાં 19મી ઑવરમાં વાન ડેર ડુસાનને ક્લીન બૉલ્ડ કરી દીધા છે.

ડુસાને 37 બૉલમાં 22 રન કર્યા હતા. આ જ ઑવરમાં ચહલે કૅપ્ટન ડૂ પ્લેસિસને પણ ક્લીન બૉલ્ડ કરી દીધા હતા.

ઓપનર બૅટ્સમૅનને બુમરાહે આઉટ કર્યા બાદ કૅપ્ટન ડૂ પ્લેસિસ અને ડુસાને બાજી સંભાળી લીધી હતી.

જોકે સ્પિનર યુજવેન્દ્ર ચહલ સામે આફ્રિકન બૅટ્સમૅન ટકી શક્યા નહોતા. ડૂ પ્લેસિસ અને ડુસાન વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી, પણ ચહલે આ ભાગીદારી તોડી હતી.

આ પછી કુલદીપ યાદવે જેપી ડ્યૂમિનીને એલબીડબલ્યૂ આઉટ કર્યા. ડ્યૂમિની ફકત 3 જ રન કરી શક્યા હતા.


ભારતની શાનદાર શરૂઆતથી ચાહકો ખુશ

Image copyright ICC World cup Twitter

ભારતની શાનદાર શરૂઆતથી ચાહકો ખુશ છે. મેદાન પર મૅચ જોવા આવેલા ચાહકો ઉપરાંત સોશિયલ મીડિયામાં ક્રિકેટપ્રેમીઓ ધૂમ મચાવી રહ્યા છે.

ટ્ટિટર પર ભારતમાં ટોપ 10 ટ્રૅન્ડ્સમાં ઓછામાં ઓછા 9 ટ્રૅન્ડ ભારતની આ મૅચ પર ચાલી રહ્યા છે.

આ મૅચને માણવા માટે અનેક ઠેકાણેથી ચાહકો સ્ટેડિયમ પહોંચ્યા છે, જેમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા આપી

ભારત અને દક્ષિણ આફ્રિકાની મૅચ ચાલી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે.

વડા પ્રધાને આ અંગે ટ્ટીટ કર્યું છે. વડા પ્રધાને કહ્યું કે રમત પણ જીતો અને દિલ પણ જીતો.


જસપ્રિત બુમરાહ રોક્સ, અમલા અને ડી કૉક આઉટ

Image copyright Getty Images

જસપ્રિત બુમરાહે શરૂઆતમાં બે વિકેટ ખેરવીને આફ્રિકાને દબાણમાં લાવી દીધું હતું. જસપ્રિત બુમરાહે તેમની બીજી ઑવરમાં ઓપનર બૅટ્સમૅન હાશિમ અમલાને પેવેલિયન ભેગા કર્યા હતા. અમલા માત્ર 6 રન બનાવી શક્યા હતા.

જસપ્રિત બુમરાહે ડી કૉકને પણ આઉટ કર્યા હતા. ડી કૉક 17 બૉલમાં માત્ર 10 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. કૅપ્ટન વિરાટ કોહલીએ ડી કૉકનો કૅચ કર્યો હતો.

આ સાથે જ જસપ્રિત બુમરાહે વન-ડે ક્રિકેટમાં 50 વિકેટ ઝડપવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.


રમી રહેલી બંને ટીમો

ભારત : વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર.

સાઉથ આફ્રિકા : ફાફ ડૂ પ્લેસિસ (સુકાની), ક્વિન્ટન ડી કૉક, હાશિમ અમલા, ડ્યુમિની, ડેવિડ મિલર, રબાડા, ફેલુકવાયો, શામસી, ઇમરાન તાહિર,ક્રિસ મોરિસ, વાન ડેર ડુસાન.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતનો વિશ્વ કપ પર દાવો

Image copyright Getty Images

વિરાટ કોહલી વર્તમાન યુગના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન પૈકીના એક છે, પરંતુ આ વર્લ્ડ કપમાં તેમણે એક સફળ નેતૃત્વ પૂરું પાડવાનું છે.

વન ડે અને ટેસ્ટમાં તો તે સફળ કૅપ્ટન સાબિત થઈ જ ચૂક્યા છે. પરંતુ આ વર્લ્ડ કપમાં તેમની કસોટી થશે.

ભારતીય ટીમમાં એક કરતાં વધારે મૅચ વિનર ખેલાડીઓ છે. જેના કારણે ટીમ આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ફેવરિટ મનાય છે.

ખુદ વિરાટ કોહલીનો એ ખેલાડીઓમાં સમાવેશ થાય છે. એક બૅટ્સમૅન તરીકે કોહલી અત્યારે વિશ્વશ્રેષ્ઠ છે.

ટીમમાં શિખર ધવન અને રોહિત શર્મા જેવા ઓપનર છે તો મહેન્દ્રસિંહ ધોની જેવા ચબરાક વિકેટકીપર પણ છે.

જસપ્રિત બુમરાહ જેવા ખતરનાક બોલર છે. ઉપરાંત કુલદીપ યાદવ અને ચહલ જેવા સ્પિનર છે, તો હાર્દિક પંડ્યા જેવા આક્રમક ઑલરાઉન્ડર છે, જેમનું ફોર્મ તાજેતરમાં આઈપીએલમાં પુરવાર થઈ ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ