ICC WC 2019 : ક્રિકેટ કેવી રીતે દુનિયાભરમાં રહેતા ભારતીયોને જોડે છે?

ફોટો લાઈન આ તસવીરમાં અભંગ અને તેમનાં પત્ની પદ્મજા તેમનાં બે દીકરા સાથે જોવા મળી રહ્યા છે

"વર્લ્ડ કપ એક તહેવાર સમાન છે. તમે તેમાં હાજરી આપવાનું કેવી રીતે ચૂકી શકાય? અમે આ તહેવારની ઉજવણી માટે હંમેશાં પૈસા બચાવવાનું નક્કી કરીએ છીએ. 4 વર્ષ પહેલા અમે ઑસ્ટ્રેલિયા ગયા અને હવે યૂકે આવ્યા છીએ. ક્રિકેટ માટે તો અમે ગમે તે કરવા તૈયાર છીએ."

આ વાત કહી રહ્યા છે મુંબઈના રહેવાસી અભંગ. તેઓ જ્યારે આ વાત કહી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી છે અને તેઓ ઉત્સાહમાં લાગે છે.

મરાઠી પરિવાર સાથે સંબંધ ધરાવતા અભંગ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી ખૂબ નાની ઉંમરે જ અમેરિકા પહોંચી ગયા હતા.

તેમનો પરિવાર અત્યારે અમેરિકાના કૅલિફોર્નિયામાં રહે છે. અભંગ એક બિઝનેસમૅન છે અને તેઓ પોતાનાં પત્ની અને બે દીકરા સાથે રહે છે.

પોતાના જૂના દિવસોને યાદ કરતા તેઓ કહે છે, "25 વર્ષ પહેલા હું અમેરિકા ગયો હતો. એ પછી મેં લગ્ન કર્યા. મારા દીકરાઓનો જન્મ પણ ત્યાં જ થયો અને તેઓ ત્યાં જ મોટા થયા."

"અમેરિકામાં લાંબો સમય વિતાવ્યા બાદ અમારી લાઇફ સ્ટાઇલ અને પસંદ નાપસંદમાં ઘણું પરિવર્તન નોંધાયું છે. પરંતુ ક્રિકેટ પ્રત્યે અમારો જે જુસ્સો છે તે ક્યારેય બદલાયો નથી. તેણે હંમેશાં અમને ભારત સાથે બાંધીને રાખ્યા છે."

"અમેરિકામાં લોકોને બાસ્કેટ-બૉલ અને ફૂટબૉલમાં ઘણો રસ હોય છે. મારા દીકરા પણ આ પ્રકારની ગેઇમ્સ રમે છે. પરંતુ એ બધાની વચ્ચે ક્રિકેટ પ્રત્યે અમારો જુસ્સો ઓછો થયો નથી."


વર્લ્ડ કપ માટે સ્કૂલ બંક કરી

ફોટો લાઈન અભંગનો પરિવાર હાલ અમેરિકાના કેલિફોર્નિયામાં વસેલો છે

પરિવારનો ક્રિકેટ માટે પ્રેમ અભંગને લીધે જ શરૂ થયો. અભંગથી પ્રભાવિત થઈને તેમનાં પત્ની પદ્મજા પણ ક્રિકેટના પ્રશંસક બની ગયાં.

તેમનાં બાળકો તો હવે ક્રિકેટને કંઈક અલગ જ સ્તર સુધી લઈ જઈ રહ્યા છે. પદ્મજાએ એક ઘટનાને યાદ કરી.

પોતાના દીકરા સામે સ્મિતભરી નજરથી જોઈને પદ્મજા કહે છે, "4 વર્ષ પહેલા અમે 2015ના વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયા ગયા હતા. મારા બન્ને દીકરાએ બે અઠવાડિયા સુધી સ્કૂલ બંક કરી હતી. (સ્કૂલે બે અઠવાડિયા સુધી ન ગયા.)"

"તેઓ તો વધારે સમય સુધી ત્યાં રોકાવા માગતા હતા. પરંતુ હું ઇચ્છતી ન હતી કે તેઓ વધારે લાંબા સમય સુધી ક્લાસ ચૂકી જાય."

ગર્વ સાથે પદ્મજા કહે છે, "મારા દીકરા સૉકર અને ટેનિસ જેવી ગેઇમ્સ પણ રમે છે. પરંતુ ક્રિકેટ એક એવી રમત છે કે જેને જોવાનું તેઓ ચૂકતા નથી."

"અમેરિકામાં ટાઇમ ઝોન અલગ છે પરંતુ ભારત કે ઑસ્ટ્રેલિયામાં પણ મૅચ યોજાય છે તો મારા બાળકો તેમના વ્યસ્ત ટાઇમટેબલમાંથી સમય કાઢીને પણ મૅચ જુએ છે."

"મને ક્રિકેટ જોવાનો જુસ્સો મારા પતિ અને બાળકો પાસેથી મળ્યો છે."

આ મામલે પદ્મજાના પતિ અને બાળકો એક સૂરે કહે છે, "ક્રિકેટ અંગે તેમને અમારી પાસેથી પ્રેરણા મળી છે. અમે કોઈ પણ પ્રકારના પક્ષપાત કર્યા વગર મૅચ જોવાનું શીખ્યાં છીએ."

"રમત સાથે ફ્લૉ ફ્લો કેવી રીતે જાળવી રાખવો તે અમે અમારાં માતા પાસેથી શીખ્યું છે."


તો શું અમેરિકામાં પણ તેમનાં બાળકો ક્રિકેટ રમે છે?

ફોટો લાઈન અભંગ કહે છે કે દેશ બદલાતા બધું બદલાયું પણ ક્રિકેટ પ્રત્યે જુસ્સો ન બદલાયો

અભંગના મોટા દીકરા શુભાંકર જણાવે છે, "જ્યારે અમે લોકો ટેક્સાસમાં રહેતા હતા, ત્યારે ત્યાં એક ક્લબમાં અમે ક્રિકેટ રમતા હતા. પરંતુ કૅલિફોર્નિયામાં કોઈ ક્રિકેટ ક્લબ નથી, એટલે અમે અમારું પોતાનું ક્રિકેટ ક્લબ શરૂ કર્યું."

"હું અને મારો ભાઈ અમારા મિત્રોને શીખવતા કે ક્રિકેટ કેવી રીતે રમવું જોઈએ. હવે અમારા મિત્રો પણ ક્રિકેટ તરફ આકર્ષિત થઈ ગયા છે."

હવે જ્યારે યૂકેમાં વર્લ્ડ કપની મૅચ ચાલી રહી છે અને આ બન્ને ભાઈઓ પોતાનાં માતાપિતાની સાથે યૂકેમાં છે.

તો જ્યારે તેમના મિત્રોને ખબર પડી કે તેઓ એક મહિના માટે યૂકે વર્લ્ડ કપ જોવા જઈ રહ્યા છે ત્યારે તેમની પ્રતિક્રિયા કેવી હતી?

આ સવાલ પર શુભાંકર કરે છે, "તેમને ખૂબ આશ્ચર્ય થયો હતો. તેઓ ક્રિકેટ વિશે જાણે છે પરંતુ તેને ટેનિસ અને બાસ્કેટ-બૉલની જેમ જોતા નથી."

શુભાંકર પાસે એક રસપ્રદ કહાણી પણ છે. તેઓ કહે છે કે એક વાર સ્કૂલમાં એક પ્રોજેક્ટ અંતર્ગત તેમને પોતાના પ્રિય સ્પોર્ટ્સમૅનને પત્ર લખવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે તેમણે શેન વૉર્નને પત્ર લખ્યો હતો.

મજાની વાત એ છે કે થોડા દિવસ બાદ એ પત્રનો જવાબ પણ તેમને મળ્યો.

એ વાતને યાદ કરતા ઉત્સાહ સાથે શુભાંકર કહે છે, "મેં શેન વૉર્નને તેમની રમત, તેમની મહેનત અને તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ વિશે પત્ર લખ્યો હતો.

મારા પત્રના જવાબમાં થોડા દિવસમાં જ શેન વૉર્ને મને હાથે લખેલો એક પત્ર મોકલ્યો હતો. આનાથી હું ખૂબ ઉત્સાહિત થયો હતો."

શુભાંકરના ભાઈ ગૌતમ પણ ક્રિકેટ મામલે કંઈ પાછા નથી. તેઓ માને છે કે ભારતની હાલની ટીમ વર્લ્ડ કપમાં ચોક્કસપણે સેમી ફાઇનલ અથવા ફાઇનલ સુધી પહોંચી શકે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન વર્લ્ડ કપ જોવા આવેલા ભારતીયોને આશા છે કે ભારત ફાઇનલમાં ચોક્કસ પહોંચશે

અભંગ ક્યારેક જ ભારતની મુલાકાત લે છે. છેલ્લે તેઓ IPL ટૂર્નામેન્ટ જોવા માટે ભારત આવ્યા હતા. આ તેમનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ છે.

અભંગ કહે છે, "IPL એક એવી ટૂર્નામેન્ટ છે કે જે NRI પરિવારોને ભારત સાથે જોડે છે. સંગીત અને ફિલ્મો પણ જોડે છે. પરંતુ ભાષા એક સમસ્યા બની જાય છે."

"ક્રિકેટની વાત કરીએ તો તે દરેક ભાષામાં એક સમાન જ છે. દરેક રાજ્યમાં, દરેક સંસ્કૃતિમાં ક્રિકેટની એક જ ભાષા છે."

"હું સચિન તેંડુલકરને જોઈને મોટો થયો છું. મને તેમની પહેલી મૅચ, છેલ્લી મૅચ અને બધા જ રેકર્ડ યાદ છે. એ જ રીતે મારા બાળકો વિરાટ કોહલીથી પ્રભાવિત છે."

"આ મામલે અમે ઘણી વખત દલીલ પણ કરીએ છીએ. પરંતુ ક્રિકેટ માટે જે જુસ્સો છે યથાવત રહે છે અને સમયની સાથે વધતો રહે છે."

અભંગના પરિવાર સિવાય વધુ એક પરિવાર એવો છે કે જેની ત્રણ પઢી સિંગાપોરથી વર્લ્ડ કપ જોવા આવી છે.

જો અભંગનો પરિવાર દુનિયાની પશ્ચિમમાંથી યૂકેમાં વર્લ્ડ કપ જોવા આવ્યો છે, તો વિવેકનો પરિવાર દુનિયાના પૂર્વી વિસ્તાર સિંગાપોરથી વર્લ્ડ કપ જોવા આવ્યો છે.

ફોટો લાઈન વિવેકનો પરિવાર દુનિયાના પૂર્વી વિસ્તાર સિંગાપોરથી વર્લ્ડ કપ જોવા આવ્યો છે

તમિલ પરિવાર સાથે સંબંધ ધરાવતા વિવેક મૂળ કોઈમ્બતૂરના છે અને 2 દાયકા પહેલા તેઓ સિંગાપોર રહેવા જતા રહ્યા હતા.

તેમના પિતા સુદર્શન 25 વર્ષ પહેલા ભારતથી સિંગાપોર ગયા હતા અને તેના થોડા વર્ષો બાદ તેમના પરિવારજનો પણ તેમની પાસે સિંગાપોર પહોંચ્યા હતા.

વિવેકના પરિવારમાં સાત સભ્યો છે કે જેમાં તેમનાં માતાપિતા, કાકા, તેમનાં પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. તેઓ હાલ યૂકેમાં વર્લ્ડ કપની મૅચ જોવા આવ્યા છે.

થોડા દુઃખ સાથે વિવેક કહે છે, "અમે વર્લ્ડ કપની આખી ટૂર્નામેન્ટ જોવા માગીએ છીએ. પરંતુ સિંગાપોરમાં અમારી એક કંપની છે. એટલે અમારે 10 અથવા 15 દિવસમાં જ પરત ફરવું પડશે."

"ખૂબ જ દુઃખી હૃદય સાથે અમે જુનના ત્રીજા અઠવાડિયા સુધીમાં સિંગાપોર પરત ફરી જઈશું."

તેઓ કહે છે, "પૈસાની કોઈ સમસ્યા નથી. પરંતુ બાળકોની સ્કૂલ અને અમારી કંપનીનું કામ એવું છે કે જેના કારણે અમારે પરત ફરવું પડી રહ્યું છે."

"ભારતનું હાલ વર્લ્ડ કપમાં જેવું પ્રદર્શન છે, તેનાથી હવે એવું લાગી રહ્યું છે કે આગળ થનારી ખૂબ જ મોટી ઉજવણીનો અમે ભાગ નહીં બની શકીએ."


ક્રિકેટ પ્રત્યે આટલો ઉત્સાહ કેમ વધ્યો?

Image copyright Getty Images

પરિવારનો ક્રિકેટ પ્રત્યે પ્રેમ વિવેકના પિતા સુદર્શનથી શરૂ થયો હતો.

તમિલનાડુમાં 1970 અને 80ના દાયકા દરમિયાન તેમના ક્રિકેટ સર્કલમાં લોકો સુદર્શનને ગીરી નામે ઓળખતા હતા.

તેઓ ઘણા વર્ષો સુધી ક્લબ અને કૉર્પોરેટ ક્રિકેટ મૅચ રમ્યા છે. હાલ તેઓ 72 વર્ષના છે અને તેમની ઘણી કહાણીઓ છે.

સુદર્શન કહે છે, "અમે જ્યારે ભારત છોડી પહેલા મલેશિયા અને પછી સિંગાપોર રહેવા ગયા, ત્યારે અમે અમારી સાથે ક્રિકેટ લઈને ગયા હતા."

"હું પહેલા ગાવસ્કર અને દ્રવિડનો એક ખૂબ મોટો પ્રશંસક હતો. હાલ હું ધોનીને પણ પસંદ કરું છે. અત્યારે તેમના જેવો ક્રિકેટર ક્યાંય જોવા નહીં મળે."

ગર્વ સાથે સ્મિત આપતા સુદર્શન કહે છે, "મેં મારા આખા જીવન દરમિયાન ક્રિકેટને મહત્ત્વ આપ્યું છે. મારો નાનો દીકરો વિવેક અને મોટો દીકરો સિંગાપોરમાં ક્રિકેટ રમે છે."

"હવે મારા પરિવારની ત્રીજી પેઢી એટલે મારા દીકરાના બાળકો વિદ્યુત અને વિશ્રુથને પણ ક્રિકેટમાં એટલો જ રસ છે. આ અમારા પરિવારના ચિહ્ન સમાન છે."

યૂકેમાં વર્લ્ડ કપ જોવા માટે યોજના બનાવવાનું અને તેને માટે પૈસા બચાવવાનું વિવેકના પરિવારે 2 વર્ષ પહેલાથી શરૂ કરી દીધું હતું.


આખરે વર્લ્ડ કપને ટીવી પર કેવી રીતે જોવી?

ફોટો લાઈન વિવેકના પરિવારે 2 વર્ષ પહેલાથી યૂકેમાં વર્લ્ડ કપ જોવા માટે યોજના બનાવવાનું અને પૈસા બચાવવાનું શરૂ કરી દીધું હતું

વિવેક કહે છે, "આ પ્રવાસ માટે અમે ઘણા પૈસા ખર્ચ્યા છે. હું માનું છું કે પૈસા મહત્ત્વપૂર્ણ છે. પરંતુ તમારો જુસ્સો પૈસા કરતાં પણ વધારે મહત્ત્વપૂર્ણ છે."

વર્ષ 2015માં વિવેક વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોવા માટે મેલબૉર્ન પણ ગયા હતા.

તેઓ કહે છે કે તેમણે ખૂબ પહેલા તેના માટે ટિકિટ ખરીદી લીધી હતી અને તેઓ આશા રાખીને બેઠા હતા કે ભારતની ટીમ ફાઇનલમાં પહોંચશે.

ગત વખતે તેમને નિરાશા મળી હતી પરંતુ આ વખતે તેમને પુરી આશા છે કે ભારત ફાઇનલ સુધી પહોંચશે.

વિવેક કહે છે, "જો આ એક ટેસ્ટ મૅચ હોત, તો તેઓ તેને ટીવી પર બેસીને જોઈ લેતા. પરંતુ આ તો વર્લ્ડ કપ છે. આ મૅચને તમે ટીવી પર કેવી રીતે જોઈ શકો."

"અમે સ્ટેડિયમમાં ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માગીએ છીએ. અમારા પરિવારે સંયુક્તપણે એક નિર્ણય લીધો છે. જો અમારે અમારી બચતનો મોટોભાગ ખર્ચ કરવો હોય, તો તે અમે ક્રિકેટ પર જ ખર્ચીશું."

"આની શરૂઆત મારા પિતાએ કરી. મેં અને મારા ભાઈએ મારા પિતાનું અનુસરણ કર્યું. હવે મારો દીકરો વિદ્યુત પણ સિંગાપોરમાં ક્લબ લેવલ પર ક્રિકેટ રમે છે."

"મોટા દીકરાનું ધ્યાન આંકડા અને રેકર્ડ પણ વધારે કેન્દ્રીત હોય છે. ક્રિકેટ અમારા લોહીમાં છે."

Image copyright Getty Images
ફોટો લાઈન ક્રિકેટના માધ્યમથી દુનિયાભરના NRI ભારત સાથે જોડાયેલા છે

અમેરિકાથી આવેલો મહારાષ્ટ્રનો પરિવાર અને સિંગાપોરથી આવેલો તમિલ પરિવાર વર્ષોથી પોતાના દેશથી દૂર છે અને તેઓ આજે યૂકેમાં ક્રિકેટ વર્લ્ડ કપ જોવા આવ્યા છે.

તેઓ ભારતીય ભાષાને સારી રીતે બોલી શકતા નથી. પરંતુ તેમની કહાણી એકબીજાની કહાણીની અનુરૂપ છે.

તેઓ ક્યારેય મળ્યા નથી, પરંતુ આજે તેઓ એક જ સ્ટેડિયમમાં એક કારણ માટે છે. તે કારણ છે ક્રિકેટ.

ક્રિકેટના માધ્યમથી જ આ પરિવારો ભારત સાથે જોડાયેલા છે. આ ક્રિકેટ પ્રેમની કહાણી આ બે પરિવારો સુધી જ સિમિત છે એવું નથી.

હાલ યૂકેમાં ઘણા એવા પરિવાર, મિત્રો છે કે જેઓ દુનિયાના જુદા જુદા ખૂણામાંથી ક્રિકેટનો આનંદ લેવા અને ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો