ઑસ્ટ્રેલિયામાં જેને મંજૂરી મળી એ અદાણીનો વિવાદિત પ્રોજેક્ટ શું છે?

ગૌતમ અદાણી Image copyright Getty Images

ઑસ્ટ્રેલિયાએ ગૌતમ અદાણીના વિવાદિત કોલસા પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ઑસ્ટ્રેલિયામાં ઘણાં વર્ષોથી ચર્ચામાં હતો.

ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડમાં આવેલા આ કોલસાના પ્રોજેક્ટને પર્યાવરણની મંજૂરી લેવામાં જ વર્ષો નીકળી ગયાં હતાં.

ગુરુવારે રાજ્યની સરકારે આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે બહાલી આપી દીધી છે. આ પહેલાં તેને ફેડરલ સરકાર પાસેથી મંજૂરી મળી ગઈ હતી.

શરૂઆતમાં અદાણી કંપનીએ કહ્યું હતું કે આ વિશ્વનો સૌથી મોટો કોલસાનો પ્રોજેક્ટ હશે અને તેનાથી 10,000 નવી નોકરીઓનું નિર્માણ થશે.

આ પ્રોજેક્ટ ત્યારબાદ વિવાદોમાં ફસાયો અને તેમાં ફેરફારો પણ થયા, જે બાદ હવે આ પ્રોજેક્ટ અંતર્ગત 1,000 લોકોને રોજગારી મળવાની છે.

પર્યાવરણવાદીઓને હવે ડર છે કે આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ આ જ વિસ્તારમાં આવા જ અન્ય છ પ્રોજેક્ટ માટેનો રસ્તો ખૂલી જશે.


શું છે અદાણીનો કરમાઇકલ પ્રોજેક્ટ?

Image copyright EPA

કરમાઇકલ પ્રોજેક્ટ ચાર વર્ષ પહેલાં જ તૈયાર થઈને ધમધમતો થઈ જવાની ગણતરી હતી, પરંતુ કંપની સામે અનેક કાનૂની અડચણો આવી હતી.

પર્યાવરણના મુદ્દે અને સ્થાનિક આદિવાસી જૂથો તરફથી છેલ્લાં નવ વર્ષમાં અનેક અડચણો આવતી રહી.

અદાણી ગ્રૂપે ઑસ્ટ્રેલિયાના કોલસાથી સૌથી સમૃદ્ધ વિસ્તાર ગેલીલી બેઝિનમાં આવેલી ગ્રીનફિલ્ડ કમાઇકલ કોલમાઇન ખરીદી હતી.

આ ઉપરાંત ક્વિન્સલેન્ડના દરિયાકિનારે બોવેન નજીક આવેલા એબોટ પૉઇન્ટ પૉર્ટની પણ ખરીદી 2010માં કરી હતી.

અદાણીએ અત્યાર સુધીમાં ઑસ્ટ્રેલિયામાં 3.3 અબજ ઑસ્ટ્રેલિયન ડૉલરનું રોકાણ કર્યું છે.

તેમાં રિન્યૂએબલ એનર્જીનો પણ સમાવેશ થઈ જાય છે.


પ્રોજેક્ટ ક્યાં આકાર લેશે?

Image copyright Getty Images

અદાણી જૂથની જ કંપની અદાણી રિન્યૂએબલ્સ ઑસ્ટ્રેલિયા, ક્વિન્સલેન્ડમાં મોરાનબા શહેરની નજીક અને દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં વાયાલા નજીક સોલર ફાર્મ બનાવશે.

પ્રથમ સોલર પાર્કમાં પ્રથમ તબક્કાનું બાંધકામ ચાલુ થઈ ગયું છે, જેમાં 65 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે.

બાદમાં તેની ક્ષમતા વધારીને કુલ 170 મેગાવોટ કરાશે. વાયાલા માટે ઑગસ્ટ 2018માં બાંધકામની મંજૂરી મળી છે. તેની ક્ષમતા 140 મેગાવોટ વીજળીની છે. જેનાથી વર્ષે કુલ 300,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે.

આ પ્રોજેક્ટ 16.5 અબજ ઑસ્ટ્રેલિયન ડૉલરનો મેગા પ્રોજેક્ટ હતો, તેને હવે નાનો કરી દેવાયો છે.

વર્ષે 6 કરોડ ટન કોલસો કાઢવાનો હતો, તેની જગ્યાએ હવે એકથી દોઢ કરોડ ટન કોલસો કાઢવામાં આવશે.

બાદમાં તેની ક્ષમતા વધીને વર્ષે 2.7 કરોડ ટન સુધી પહોંચી તેવી શક્યતા છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે બે અબજ ઑસ્ટ્રેલિયન ડૉલર થશે.

ખાણથી એબોટ પૉઇન્ટ કોલ ટર્મિનલ સુધીની 388 કિમી રેલલાઇનને પણ ટૂંકાવીને 200 કિમીની નૅરોગેજ કરી દેવાઈ છે, જે વર્તમાન રેલ નેટવર્ક સાથે જોડાઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.