'પીએમ મોદી તો ઓમાનના રસ્તે આવી ગયા પરંતુ અમે ભારત કેમ જઈએ?'

ઓમાનમાં રહેતા ભારતીયો Image copyright SAIFULLAH

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં છે, તેઓ અહીં શાંઘાઈ કૉર્પોરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે ગયા છે.

અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિન સાથે મુલાકાત કરી હતી.

કિર્ગિસ્તાન પહોંચવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાન અને ઈરાકની ઍર સ્પેસનો ઉપયોગ કર્યો હતો.

જોકે, વડા પ્રધાન તો આ રીતે અહીં પહોંચી ગયા પરંતુ બિશ્કેકમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારથી પાકિસ્તાને પોતાની ઍર સ્પેસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

બીબીસી સંવાદદાતા વિનિત ખરેએ બિશ્કેકમાં અભ્યાસ કરતા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.

કાશ્મીરના વિદ્યાર્થી મલિક સૈફુલ્લાહ

Image copyright Getty Images

મારું નામ મલિક સૈફુલ્લાહ છે. હું શ્રીનગરનો રહેવાસી છું. હું બિશ્કેકની કિર્ગિસ્તાન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ભણું છું. અહીં લગભગ 1,000 ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે.

જ્યારથી પાકિસ્તાન તરફથી ઍર સ્પેસ બંધ કરવાની ઘોષણા કરવામાં આવી છે, ત્યારથી વિદ્યાર્થીઓ ખૂબ પરેશાન છે.

અમને ટિકિટ તો મળી રહી છે પરંતુ એક વખત ભારત જવા માટે 500 અમેરિકી ડૉલર (આશરે 35,000 રૂપિયા)નો ખર્ચ થાય છે.

ગયા વર્ષે તો આટલા રૂપિયામાં ભારત જઈને અમે ફરીથી બિશ્કેક આવી જતા હતા.

કેટલાક વિદ્યાર્થીઓને તો ગયા વર્ષે 400 ડૉલરમાં ટિકિટ મળી ગઈ હતી. ટ્રાવેલ એજન્ટ પાસે જાવ તો કહે છે કાલે આવજો.

ઑનલાઇન પણ ટિકિટ ઉપલબ્ધ નથી, જેથી ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

અહીં ટ્રાવેલ એજન્ટ પહેલાથી જ ટિકિટ બુક કરી લે છે. તેમને ખબર છે કે જૂન મહિનામાં અહીંથી વિદ્યાર્થીઓ ભારત જાય છે. જેના કારણે કોઈ ઑનલાઇન ટિકિટ હોતી નથી. ઘરેથી પણ અમને વારંવાર ફોન આવ્યા કરે છે.

મારા (કાશ્મીર ને) કારણે હિંદુસ્તાન અને પાકિસ્તાન લડી રહ્યા છે અને ગરીબી બંને જગ્યાએ છે.

કોન હેરાન થઈ રહ્યા છે, કાશ્મીરના લોકો અને ભારતીય સેના. બિશ્કેકમાં ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ એક થાળીમાં ખાય છે.

અમે વિચાર્યું હતું કે જ્યાં આ સંમેલન થાય છે ત્યાં અમે શાંતિપૂર્ણ પ્રદર્શન કરીશું.

અમે એ સંદેશ આપવાની કોશિશ કરીશું કે તમે લોકો તો મજા કરી રહ્યા છો અમે મરી રહ્યા છીએ. અમારો તો ખયાલ કરો.

હું મધ્યમ વર્ગમાંથી આવું છું. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે ભારતમાં કે બીજા દેશમાં એમબીબીએસ કરી શકીએ.

આ ખૂબ સસ્તો દેશ છે. જે મેડિકલ ડિગ્રી માટે ભારતમાં 50 લાખ લાગે છે, તે અહીં 20 લાખ રૂપિયામાં મળી જાય છે.

ભારત જેવું ભણતર અહીં નથી પરંતુ માહોલ ભણવાનો છે. ઘણા વિદ્યાર્થીઓએ બૅન્કમાંથી લોન લીધી છે. કેટલાક મા-બાપ પોતાના બાળકોને પીએફ ફંડ કાઢીને આપે છે.

અહીં રહીને એવું લાગે છે કે અમે કોઈ યુરોપના દેશમાં રહીએ છીએ. લોકોનો વ્યવહાર ખૂબ સારો છે. ખાવાનું ખૂબ સસ્તું છે.

અહીં આપણા જેવું ખાવાનું મળે છે, ભારત અને પાકિસ્તાની હોટલો પણ છે.


બિહારના વિદ્યાર્થી નિર્મલ કુમાર

Image copyright NIRMAL KUMAR
ફોટો લાઈન નિર્મલ કુમાર

મારું નામ નિર્મલ કુમાર છે, હું બિહારના પૂર્વ ચંપારણનો રહેવાસી છું.

મેં 19 જૂનની ઍર અસ્તાનાની ટિકિટ લીધી હતી પરંતુ એ ફ્લાઇટ કૅન્સલ થઈ ગઈ. હવે ટિકિટ મળતી નથી.

હવે ઘરે કેવી રીતે જવું ખબર પડતી નથી, આ સમસ્યા છે રજાઓ બાદ મારું એમબીબીએસનું ત્રીજું વર્ષ શરૂ થશે.

ઘરના લોકો કહે છે કે આવી જા ગમે તે રીતે, દીકરાનું મોઢું જોવું છે પણ અહીં ટિકિટ મળતી નથી.

બે દિવસથી તેના કારણે જ ટૅન્શનમાં છું. જો ટિકિટ નહીં મળે તો અમારે અહીં જ રોકાવું પડશે. બે દિવસ પહેલાં જ પરીક્ષા પૂર્ણ થઈ છે.

પહેલા પરીક્ષાનું ટૅન્શન હતું, પરીક્ષા ખતમ થઈ તો ફ્લાઇટ કૅન્સલ થઈ ગઈ.

રજા વખતે અહીં વીજળી, પાણી, ગૅસની પણ સમસ્યા થઈ જાય છે. જ્યારે અહીં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ જાય છે તો સ્થાનિક લોકો પણ સમસ્યા ઊભી કરે છે.

અહીં લગભગ 1,000 ભારતીય વિદ્યાર્થીઓ છે. જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ ઓછા થઈ જાય તો બહાર જવા પર મોબાઇલ, વૉલેટ આંચકી જવાનો ખતરો વધી જાય છે.

ભાષાને લઈને પણ સમસ્યા છે. અહીં લોકો રશિયન ભાષા બોલે છે. અમે પણ થોડી શીખી છે.

હું નીટની પરીક્ષામાં ક્વૉલિફાય ના થયો. ભાઈ મોતીહારીમાં ભણતા હતા ત્યાંનો જ એક વિદ્યાર્થી અહીં બિશ્કેકમાં હતો.

મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની ઑફિસમાં જાણ્યું તો ખબર પડી કે કૉલેજ એમસીઆઈ સાથે સંકળાયેલી છે એટલે અહીં આવી ગયો.


ઉત્તર પ્રદેશના હફિઝુર્રહમાન

Image copyright HAFIZ

મારું નામ હફિઝુર્રહમાન છે. હું ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં રહું છું. હું અહીં બિશ્કેકમાં એમબીબીએસના બીજા વર્ષનો વિદ્યાર્થી છું.

પ્રથમ વર્ષમાં અહીં ટ્યુશન ફી, રહેવા ખાવાનો થઈ વર્ષનો કુલ ખર્ચ લગભગ પાંચ લાખ રૂપિયા જેટલો આવે છે.

બીજા વર્ષમાં આ ખર્ચ ત્રણ સવાત્રણ લાખ જેટલો થાય છે. ભારતમાં આના કરતાં ઘણો વધારે ખર્ચ છે.

અહીંનું ખાવાનું તો બહુ સમજમાં આવતું નથી એટલે અમે ખુદ જ જમવાનું બનાવીએ છીએ. ચાવલ, દાળ, શાકભાજી મળી જાય છે તો ખાવાનું બનાવી લઈએ છીએ.

મારા પિતા ખેડૂત છે અને નાનો-મોટો વેપાર કરે છે. વર્ષનો ખર્ચ ત્રણ લાખ રૂપિયા છે તો તેઓ થોડા-થોડા કરીને એટલે કે 25 હજાર, 30 હજાર એવી રીતે મને રૂપિયા મોકલે છે.

અહીં કૉલેજમાં નાણાં એકસાથે આપવાની જરૂર હોતી નથી. સેમેસ્ટર પ્રમાણે પણ પૈસા જમા કરાવી શકાય છે.

વર્ષો સુધી કોશિશ કર્યા બાદ પણ નીટમાં ક્વૉલિફાય ના થયો, પછી લાગ્યું કે સમય અને નાણાં બંને બરબાદ થઈ રહ્યાં છે.

ભારતમાં પ્રાઇવેટ મેડિકલ કૉલેજો 20-25 લાખ તો ડોનેશનમાં લે છે. અંતે અહીંની કૉલેજ વિશે જાણવા મળ્યું. અહીં ભણતર સસ્તું હતું અને ભારત નજીક પણ છે.

પહેલા 28-30 હજારમાં ભારત આવવા જવાનો ખર્ચ નીકળી જતો હતો. હવે પાકિસ્તાને ઍર સ્પેસ બંધ કરી હોવાથી વારંવાર ટિકિટ કૅન્સલ થઈ રહી છે. ટિકિટના ભાવ વધી રહ્યાં છે.

પહેલા ભારત જવામાં સાડા ત્રણ કલાક લાગતા હતા, હવે લગભગ સાત કલાક લાગે છે. લોકોની રજાઓ બરબાદ થઈ રહી છે. જે લોકો ગરીબ છે તે ભારત જઈ શકતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો