IND vs PAK : વર્લ્ડ કપ માટે ICCએ ઇંગ્લૅન્ડને કેમ પસંદ કર્યું?

ક્રિકેટનું મેદાન Image copyright Getty Images

ક્રિકેટ વર્લ્ડ કપનાં વાદળો બરાબર ઘેરાયાં છે. પણ શું માત્ર આપણે જ આ આબોહવામાં લીન થઈ ગયા છીએ? શું આ વિશ્વ કપ કપની ટુર્નામેન્ટ બીજી કોઈ સામાન્ય ટુર્નામેન્ટ જેવી જ બનીને રહી ગઈ છે?

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે, ત્યારે દર્શકોને એકમાત્ર ચિંતા વરસાદના વિઘ્નની છે. ભારત અને ન્યૂઝીલૅન્ડની મૅચ વરસાદમાં ધોવાઈ ગઈ તે પછી ક્રિકેટના ચાહકો શું કહી રહ્યા છે તે સાંભળો.

હું ટ્રૅન્ટ બ્રીજ સ્ટેડિયમના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે મને ઇન્ડિયા... ઇન્ડિયા...ના નારા સંભળાવવા લાગ્યા હતા. જોકે હું ઝડપથી અંદર જવા માગતો હતો, કેમ કે હજી મૅચ શરૂ થઈ નહોતી. પીચની તપાસ થયા પછી તેને મોડી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

જોકે મારો ઉત્સાહ થોડી મિનિટોમાં જ શમી ગયો, કેમ કે આઈસીસીએ જાહેરાત કરી દીધી કે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મૅચ વરસાદને કારણ પડતી મુકાઈ છે.

હું હજી સ્ટેડિયમની અંદર પહોંચ્યો પણ નહોતા ત્યાં આ સમાચાર આવ્યા. સ્ટેડિયમના દરવાજા ખૂલ્યા અને અંદરથી ભારતીય ચાહકોનાં ટોળાં હતાશાના સ્વર વ્યક્ત કરતા-કરતા બહાર નીકળવાં લાગ્યાં હતાં.

બંને ટીમને એક-એક પૉઈન્ટ આપી દેવાયો અને વાત પૂરી થઈ ગઈ હતી. વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટમાં આ ચોથી એવી મ્રચ હતી જે વરસાદમાં ધોવાઈ ગઈ.

સવારે 9.20 વાગ્યે લંડનમાં મારી ફ્લાઇટ ઊતરી તે ઘડીથી જ મારા માટે વિશ્વ કપની શરૂઆત થઈ ગઈ હતી.

મને લાગે છે કે ક્રિકેટ ચાહકો માટે વિશ્વ કપની મૅચ સ્ટેડિયમમાં બેસીને રૂબરૂમાં જોવી એ સપનું હોય છે. ભારત, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અમેરિકાથી પણ આવી પહોંચેલા, થનગનતા ચાહકોથી ભરેલા સ્ટેડિયમમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે.

લાગે છે કે ઇંગ્લૅન્ડે કોઈક રીતે ચાહકોના ઉત્સાહ પર ઠંડું પાણી વરસાવી દીધું છે. પહેલું કારણ અનિશ્ચિત હવામાન અને બીજું કારણ પ્રચારના મારાનો અભાવ.


ઇંગ્લૅન્ડમાં શા માટે? આ ઋતુ યોગ્ય ખરી?

Image copyright Getty Images

ક્રિકેટનો જ્યાં જન્મ થયો અને જ્યાં અનેક ઐતિહાસિક મૅચ રમાઈ હોય તેવા દેશમાં આવવાનો ઉત્સાહ હોય.

હું વિશ્વ કપનું કવરેજ કરવા માટેનું આયોજન કરી રહ્યો હતો, ત્યારે જ લંડન ખાતેના મારા સહકર્મચારીઓએ કહ્યું હતું, "ચિંતા ના કરો, લોકોને ઇંગ્લૅન્ડના ઉનાળામાં મજા પડશે." પણ લાગે છે કે કોઈકની ગણતરી કંઈ જુદી જ હતી - મારા માટે જ નહીં, પણ ઠેકઠેકાણેથી આવેલા હજારો ક્રિકેટ ચાહકો માટે પણ.

ઇંગ્લૅન્ડના જુદા-જુદા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ભારે ચિંતાનું કારણ ઊભું થયું છે. સૌથી વધુ ચર્ચા થઈ છે 'અનામત દિવસ' વિશેની.

આ વખતે આઈસીસીએ વિશ્વ કપનું આયોજન કર્યું, તેમાં અનામત દિવસની જોગવાઈ રાખી નથી. એક મૅચ ધોવાઈ જાય ત્યારે બીજા અનામત દિવસે તે રમાડવાની જોગવાઈ ન હોવાથી ટીમ પોતાના પૉઈન્ટ્સ ગુમાવી રહી છે.

ટ્રૅન્ટ બ્રીજની બહાર હું દુબઈથી આવેલા એક જૂથને મળ્યો હતો. દુબઈમાં કામ કરતા કુમાર ક્રિકેટના ભારે ચાહક છે. ક્રિકેટની શું મજા હોય છે તે પોતાનાં બાળકોને દેખાડવા માટે ખાસ ઇંગ્લૅન્ડ આવ્યા હતા.

તેઓ પૂછે છે, "આઈસીસીને ખબર હતી કે હવામાનનું કંઈ નક્કી નથી તો પછી શા માટે ઇંગ્લૅન્ડની વિશ્વ કપ માટે પસંદગી કરી? આ ઋતુમાં આયોજન કરવું યોગ્ય છે? અન્ય કોઈ જગ્યાએ વિશ્વ કપ રમાયો હોત તો આપણને વધારે મજા આવી હોત, કે નહીં?"

આઈસીસીએ આ બાબતમાં તાત્કાલિક વિચાર કરવો પડશે. આ ચોથી મૅચ હતી જે વરસાદને કારણે રદ થઈ ગઈ. હવામાનની આગાહી જણાવે છે કે બીજી પણ ઘણી મૅચો ધોવાઈ જાય તેમ છે.

સૌથી વધુ ભોગવવાનું આવ્યું છે શ્રીલંકાને, કેમ કે તેની બે મૅચ રદ થઈ ગઈ. પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, બાંગલાદેશ અને હવે ન્યૂઝીલૅન્ડ અને ભારતે પણ ભોગવવાનું આવ્યું.

કૅનેડાથી મિત્રો સાથે વિશ્વ કપ જોવા આવેલા દલજિત મજાકના સ્વરોમાં કહે છે, "11 ટીમ વિશ્વ કપ રમી રહી છે. તેમાં 10 દેશોની ટીમ છે અને એક ટીમ વરુણ દેવની છે". સોશિયલ મીડિયામાં પણ આવા જ કટાક્ષો થઈ રહ્યા છે.


ટોચ પર પહોંચવાની દોડ

Image copyright Getty Images

આ રીતે વરસાદથી મૅચ ધોવાઈ જાય તેના કારણે ટીમના સ્થાન પર અસર થઈ શકે છે. તેના કારણે માત્ર ચાહકોને જ નહીં, ટીમના ખેલાડીઓને પણ ચિંતા થઈ શકે છે.

વરસાદને કારણે જો મૅચ રમી ના શકાય તો તેના કારણે એક જ પૉઇન્ટ મળે અને મૅચ જીતીને બે પૉઇન્ટ મેળવવાની શક્યતા પણ વરસાદ સાથે ધોવાઈ જાય.

આખરે તો સૌથી વધુ પૉઇન્ટ્સ મેળવનારી ચાર ટીમ જ સેમિફાઇનલ રમવાની છે.

લંડનની રેસ્ટોરાંમાં કામ કરતાં કનિકા લાંબા કહે છે, "આખરે તો કેટલા પૉઇન્ટ્સ મળ્યા એ જ જોવાનું છે. કઈ ટીમ વધારે સારી છે કે ખરાબ તેનું કોઈ મહત્ત્વ નથી. તમારી પાસે પૂરતા પૉઇન્ટ્સ ના હોય તો તમે બહાર ફેંકાઈ જાવ."

હું જેટલા ક્રિકેટ ચાહકોને મળ્યો તેમાં કનિકા જેટલા હતાશ મેં કોઈને જોયા નથી.

તેઓ કહે છે, "મારા પિતા ક્રિકેટ માટે ભારે ઘેલા છે. અમે બે દીકરીઓ છીએ. અમને બંનેને તેમણે ક્રિકેટ રમતાં શીખવ્યું હતું અને ખાસ તો ક્રિકેટની ચાહત અમને આપી હતી. ભારતની ટીમને રમતી જોવાની મારી બહુ ઇચ્છા હતી. લાગે છે કે આ વખતે મારું સપનું અધૂરું રહી જવાનું છે."


પ્રચારનો અભાવ

હું વિમાનમાં હતો, ત્યારે મારી એવી કલ્પના હતી કે લંડન ઍરપૉર્ટ પર ઊતરીશ ત્યારે અનોખો નજારો હશે. ઍરપૉર્ટ લગ્ન મંડપની જેમ શણગારેલું હશે. અને કેમ ના હોય?

આખરે વિશ્વ કપ યોજાઈ રહ્યો છે. પણ મારો ઉત્સાહ ઠરી ગયો, કેમ કે મેં બે-ચાર બેનર્સ જોયાં અને અહીંતહીં થોડી જાહેરખબરો જોઈ. બસ એટલું જ! હું ભારતથી આવ્યો એથી મારી વધારે પડતી અપેક્ષા હોય એવું પણ કદાચ હોઈ શકે.

મને યાદ છે કે ભારત 2011માં વિશ્વ કપનું યજમાન બન્યું હતું, એ વખતે દેશભરમાં માહોલ બની ગયો હતો. દેશમાં એવી આબોહવા જામી ગઈ હતી કે ભારતની ટીમ વિશ્વ કપ જીતવા માટે થનગનવા લાગી હતી.

તેની સામે ઇંગ્લૅન્ડમાં જાણે પવન પડી ગયેલો લાગ્યો. લંડનની જેમ જ નોટિંગહમમાં પણ નામ ખાતર પણ ઉત્સાહનાં વાદળ દેખાતાં નહોતાં! મૅચ જ્યાં રમાવાની હતી તે ટ્રૅન્ટ બ્રીજ સ્ટેડિયમમાં પણ જરાય એવું લાગતું નહોતું કે અહીં વિશ્વ કપની મૅચ રમાવાની છે.

મેં સવારે હિથ્રોથી નોટિંગહમની ટૅક્સી કરી. ટૅક્સીના ડ્રાઇવર તાહિર ઇમરાન સાથે મેં 173 કિલોમિટરની મુસાફરી કરી. આધેડ વયના થવા આવેલા તાહિર મૂળ પાકિસ્તાનના વઝીરાબાદના છે. આખા રસ્તે અમે ક્રિકેટ અને ભારત-પાકિસ્તાનની જ વાતો કરતા રહ્યા.

તાહિર વીસેક વર્ષથી લંડનમાં સ્થાયી થયા છે. તેમનું નિરીક્ષણ રસપ્રદ હતું. તેમણે કહ્યું, "ક્રિકેટનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો, પણ હવે તેના માટે એટલો મોહ અહીંના લોકોમાં રહ્યો નથી."

તેમના કહેવા અનુસાર અહીંના યુવાનોને હવે ફૂટબોલમાં વધારે રસ પડે છે. તેના કારણે જ ત્રીજી જૂને દેશના મોટા ભાગના યુવાનો લીવરપૂલ અને ટોટેનહામ હૉટ્સપરની ફૂટબોલ મૅચ જોવામાં જ વ્યસ્ત હતા.

તેમણે કહ્યું, "તેમને ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચમાં જરાય રસ નહોતો. પાકિસ્તાને વિશ્વની નંબર વન ક્રિકેટ ટીમને હરાવી દીધી, પણ અહીંના લોકોને તેની કંઈ પડી નહોતી."

હું આ લખી રહ્યો હતો ત્યારે બપોરે તાપમાન 11 ડિગ્રીથી વધીને 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. આટલી ડિગ્રીએ ઠંડી જ લાગે, પણ ક્રિકેટ વિશ્વ કપના આયોજનની ચર્ચા એટલી જ ગરમી પકડી રહી છે તે વાત નક્કી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા