IND vs PAK : કોહલીની ટીમ ઇન્ડિયા સામે પરંપરા જાળવી રાખવાનો પડકાર

વિરાટ કોહલી Image copyright Getty Images

આમ તો મુકાબલો બે ટીમના ખેલાડીઓ વચ્ચે છે, પણ દર વખતની માફક આ વખતે પણ જાણે બે દેશ વચ્ચે જંગ જામ્યો હોય તેવો જુસ્સો ભારત-પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે.

ભારત અને પાકિસ્તાન કોઈ પણ રમતમાં આમનેસામને હોય ત્યારે ટીમ નહીં પણ બે દેશ રમી રહ્યા હોય તેવી લાગણી વચ્ચે રવિવારે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે.

વર્તમાન ફૉર્મની દૃષ્ટિએ વિરાટ કોહલીની ટીમ ફેવરિટ છે અને તેમાંય આ તો વર્લ્ડ કપ છે જ્યાં પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારત ક્યારેય હાર્યું નથી. આ વખતે પણ એવો જ જુસ્સો જોવા મળે છે કે પાકિસ્તાનને તો પછાડી જ દેવાનું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની રવિવારની લીગ મૅચ ભારતીય સમય મુજબ બપોરે 3.00 કલાકે શરૂ થશે.

IND Vs PAK એટલે રમતગમતના મુકાબલાઓનો મહારાજા


ભારત-પાકિસ્તાનની મૅચ હોય એટલે સૌની નજર હોય

Image copyright Getty Images

ભારત અને પાકિસ્તાન રમતાં હોય ત્યારે માત્ર રમતપ્રેમી જ નહીં પરંતુ બંને દેશના કરોડો નાગરિકોની નજર તે મૅચ પર રહેતી હોય છે અને તેમાંય આ તો ક્રિકેટ છે. કબડ્ડી કે હોકીની મૅચમાં પણ આવો જ ઉન્માદ જોવા મળતો હોય છે.

જોકે દહેશત એક જ છે કે આ વખતના વર્લ્ડ કપમાં ઘણી મૅચો વરસાદે ધોઈ નાખી છે તેવી રીતે આ મૅચ ધોવાઈ જાય નહીં, કેમ કે માન્ચૅસ્ટરમાં રવિવારે વરસાદની આગાહી છે.

વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો હંમેશાં ઇજારો રહ્યો છે. અગાઉ બંને વચ્ચે રમાયેલી તમામ છ મૅચમાં ભારતનો જ વિજય થયો છે.

બંને વચ્ચે 1992માં પહેલી વાર ઑસ્ટ્રેલિયાના સિડની ખાતે મૅચ રમાઈ હતી ત્યારથી 2015માં ઍડિલેડ ખાતેના મુકાબલા સુધીની તમામ મૅચ ભારતે લગભગ આસાન કહી શકાય તેવી રીતે જિતેલી છે.

ભારત-પાકિસ્તાનની મૅચ ઇંગ્લૅન્ડનો મોસમ બગાડશે?


કૅપ્ટન વિરાટ કોહલી શાનદાર ફૉર્મમાં

Image copyright Getty Images

હાલનું ફૉર્મ જોવા જઈએ તો વિરાટ કોહલીની ટીમે સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું જ્યારે ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

બીજી તરફ પાકિસ્તાનનો માર્ગ આસાન રહ્યો નથી, કેમ કે તે વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું છે તો શ્રીલંકા સાથેની મૅચ વરસાદને કારણે ધોવાઈ જતાં તેને એક પૉઇન્ટથી સંતુષ્ટ રહેવું પડ્યું હતું.

આમ પૉઇન્ટટેબલમાં ત્રણ પૉઇન્ટ સાથે પાકિસ્તાન છેક આઠમા ક્રમે છે તો ભારત પાંચ પૉઇન્ટ ધરાવે છે અને હાલમાં ચોથા ક્રમે છે.

કૅપ્ટન વિરાટ કોહલી અત્યારે શાનદાર ફૉર્મ ધરાવે છે, પરંતુ શિખર ધવન ઑસ્ટ્રેલિયા સામે સદી ફટકાર્યા બાદ ઈજાગ્રસ્ત છે અને આ મૅચમાં રમવાના નથી.

આ સંજોગોમાં લોકેશ રાહુલની કસોટી થનારી છે, કેમ કે મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝ જોરદાર ફૉર્મમાં છે.

આ બંને બૉલર સામે રમવા માટે વધારાની સ્કિલની જરૂર પડશે જેની રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાયના બૅટ્સમૅન પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ભારત સામે કઈ ભૂલથી બચવા માગે છે પાકિસ્તાન?


આ મૅચમાં કોણ બનશે હિરો?

Image copyright Getty Images

આ મુકાબલો અન્ય મૅચ જેવો જ છે તેમ માનનારા ખેલાડીઓ પણ અંદરખાને તો કબૂલશે જ કે મૅચ ભારત-પાકિસ્તાન વચ્ચેની છે અને તેની પાછળ ક્રિકેટ સિવાયનાં પણ ઘણાં પરિબળો સંકળાયેલાં છે.

મહાન ક્રિકેટર સચીન તેંડુલકરે પણ ભારતીય બૅટ્સમૅનોને અનુરોધ કર્યો છે કે મોહમ્મદ આમિર સામે તેમણે આક્રમક વલણ અપનાવવું પડશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં દરેક ખેલાડી પર વધારાનું દબાણ રહેતું હોય છે, કેમ કે વર્લ્ડ કપ હોય કે કોઈ સિરીઝની મેચ હોય, પણ આ મૅચના પ્રદર્શન પરથી ખેલાડી રમતપ્રેમીઓમાં હીરો કે વિલન બની જતા હોય છે.

ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાંથી જ 1996ની ક્વાર્ટર ફાઇનલમાં અજય જાડેજા હીરો બની ગયા હતા અને 1987માં 35 બોલમાં 72 રન ફટકારીને ઇડન ગાર્ડન્સ ખાતે સલીમ મલિક પાકિસ્તાનમાં હીરો બની ગયા હતા.

જાવેદ મિયાંદાદની છેલ્લા બૉલની સિક્સર આજેય યાદ છે અને આ જ કારણસર મિયાંદાદ પાકિસ્તાનમાં હીરો છે અને ચેતન શર્મા ભારતમાં વિલન છે.

ચેતન શર્માએ ત્યારપછી તો વર્લ્ડ કપમાં હૅટ્રિક લીધી હતી, પરંતુ તેમ છતાં એ સિક્સરે તેમની કારકિર્દી પર માઠી અસર કરી હતી.

ક્રિકેટ કેવી રીતે દુનિયાભરમાં રહેતા ભારતીયોને જોડે છે?


મોહમ્મદ આમિરથી સાવધ રહેવું પડશે

Image copyright Getty Images

રવિવારની મૅચમાં ભારતે સૌથી વધારે સાવચેતી મોહમ્મદ આમિરથી રાખવાની છે. ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન હારી ગયું હતું પરંતુ આમિરે વેધક બૉલિંગ કરી હતી.

ઑસ્ટ્રેલિયા એક સમયે 350નો સ્કોર કરી શકે તેવી સ્થિતિમાં હતું પરંતુ આમિરે પાંચ વિકેટ ખેરવીને હરીફ ટીમને 307ના સ્કોરે અટકાવી દીધી હતી.

જોકે બીજી તરફ પાકિસ્તાનની બૅટિંગ કંગાળ રહી છે. જસપ્રિત બુમરાહ, શમી અને ભુવનેશ્વર કુમાર ઉપરાંત બે સ્પિનર કુલદીપ યાદવ અને ચહલ સામે પાકિસ્તાની બૅટિંગની આકરી કસોટી છે.

બંને ટીમઃ ભારતઃ વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, વિજય શંકર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા, શિખર ધવન.

પાકિસ્તાનઃ સરફરાઝ અહમદ (સુકાની), ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, હેરિસ સોહેલ, હસન અલી, શાદાબ ખાન, મોહમ્મદ હફીઝ, મોહમ્મદ હસનૈન, શાહિન આફ્રિદી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર, શોએબ મલિક, ઇમાદ વસિમ, આસિફ અલી.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)

આ વિશે વધુ