આર્જેન્ટિના અને ઉરુગ્વે બે દેશમાં વીજળી ગઈ, પાંચ કરોડ લોકો અંધારામાં

ઉરુગ્વેમાં અંધારપટમાં એક મહિલા Image copyright Getty Images

આર્જેન્ટિના અને ઉરુગ્વેમાં આખા દેશમાં વીજળી ગુલ થઈ હોવાની ઘટના બની છે.

આ બે દેશોમાં વીજળી પૂરી પાડતી મુખ્ય કંપનીનું કહેવું છે કે તેઓ વીજળી આપી શકે એમ નથી.

આર્જેન્ટિનાના મીડિયાએ જણાવ્યા મુજબ સ્થાનિક સમય મુજબ સવારે સાત વાગે વીજળી જતી રહી. તેના લીધે ટ્રેન વહેવાર ખોરવાઈ ગયો અને ટ્રાફિક સિગ્નલ પણ બંધ થઈ ગયા.

આર્જેન્ટિનામાં સ્થાનિક ચૂંટણી માટે લોકો મતદાન કરવાના છે ત્યારે આ વીજળી ગુલ થવાની ઘટના બની છે.

વીજળી પૂરી પાડનાર કંપનીના અધિકારી ઍડેસુરનું કહેવું છે કે વીજળીની ઇન્ટરકનેક્શન પ્રણાલિમાં ઉભી થયેલી મોટી ખામીને લીધે સમગ્ર આર્જેન્ટિના અને ઉરુગ્વેમાં વીજળી નથી.


5 કરોડ લોકો અંધારામાં

Image copyright Getty Images

આ બેઉ દેશોની વસતિ અંદાજે 4 કરોડ 80 લાખ જેટલી છે.

આર્જેન્ટિનાના સાંતા ફે, સેન લુઇસ, ફોરમોસા, લા રિયોખા, શૂબૂત, કોર્ડોબા, મેંડોઝા પ્રાંતોમાં વીજળી સંપૂર્ણ રીતે જતી રહી છે.

આર્જેન્ટિનાના ઊર્જા સચિવનું કહેવું છે કે વીજળી ગુલ થવાનું કારણ હજી સુધી ખબર પડ્યું નથી.

નાગરિક સુરક્ષા મંત્રાલયનું અનુમાન છે કે વીજળીનો પુરવઠો ચાલુ કરતાં સાતથી આઠ કલાક લાગી શકે છે.

જોકે, વીજળી કંપનીનું કહેવું છે કે રાજધાની બ્યૂનોસ આયર્સના કેટલાક વિસ્તારોમાં વીજળીની ખામીનું સમારકામ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયાના કહેવા મુજબ બે એરપોર્ટ જનરેટર પર ચલાવવામાં આવી રહ્યા છે.

ઉરુગ્વેની ઊર્જા કંપની યૂટીઈએ એક ટ્ટીટ કરીને કહ્યું કે કિનારાના કેટલાક વિસ્તારોમાં વીજળી ચાલુ કરવામાં આવી દેવાઈ છે.

આર્જેન્ટિનામાં પાણી પુરવઠો પૂરો પાડનારી કંપનીએ ગ્રાહકોને પાણી બચાવીને રાખવાની સલાહ આપી છે કેમ કે વીજળી જવાની અસર તેના પર પણ થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો