બિહારમાં 100થી વધુ બાળકોનાં મોત અને લીચી પર દોષ

લીચી

મુઝફ્ફરપુરમાં ઍક્યૂટ ઇનસેફિલાઇટિસ સિન્ડ્રોમ (એઇસ)ના કારણે મૃત્યુ પામેલાં બાળકોનો આંકડો 108 પર પહોંચી ગયો છે.

આ વચ્ચે શહેરની શાન અને 'ફળોની રાણી' તરીકે ઓળખાતી લીચી વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે.

ચિકિત્સા વિશેષજ્ઞોની સાથે સાથે બિહાર સરકારના મંત્રીઓ સુધી દરેક વ્યક્તિએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે બાળકોનાં મૃત્યુ પાછળ તેમનું લીચી ખાવું પણ એક કારણ હોઈ શકે છે.

લીચીના બીજમાં મેથાઈલીન પ્રોપાઇડ ગ્લાઈસીન (એમસીપીજી)ની સંભવિત હાજરીને 'પહેલાંથી જ ઓછું ગ્લૂકોઝનું સ્તર ધરાવતા' કુપોષિત બાળકોનાં મૃત્યુ માટે જવાબદાર માનવામાં આવી રહી છે.

જોકે, આ મુદ્દે ચિકિત્સા વિશેષજ્ઞોના મત અલગઅલગ છે અને દરેક વખતે તેઓ એ પણ જોડી દે છે કે આ મામલે અત્યારે કંઈ ચોક્કસપણે કહી શકાય એમ નથી.

અત્યાર સુધી થયેલા સંશોધન પ્રમાણે લીચીને બાળકોનાં મૃત્યુ પાછળ જવાબદાર કારણોમાંથી માત્ર એક સંભવિત કારણ માનવામાં આવી છે.

પરંતુ આ સમગ્ર વિવાદની અસર મુઝફ્ફરપુરની શાન ગણાતી લીચીના વેપારીઓ અને આ ફળોની ખેતી કરતા ખેડૂતો પર પણ પડી રહી છે.

લીચીથી થતી કમાણી પર સંપૂર્ણપણે આશ્રિત મુઝફ્ફરપુર ક્ષેત્રના ખેડૂતોને લાગે છે કે કોઈ નિર્ણાયક પુરાવા વગર તેમનાં પાકની આ બદનામીથી તેના વેચાણ પર અસર પડી છે.

શહેરની સામાન્ય જનતા પણ માને છે કે માસૂમોનાં મૃત્યુનું અસલ કારણ શોધી ન શકતી બિહાર સરકાર લીચી પર દોષનો ટોપલો ઢાળી રહી છે.

ફોટો લાઈન હૉસ્પિટલમાં દાખલ બાળકની તસવીર

મુઝફ્ફરપુર રૅલવે સ્ટેશનની સામે લીચી વેચી રહેલા ખેડૂતોની સાથે ઊભેલા સ્થાનિક નિવાસી સુકેશ કુમાર સાહી લીચીને પોતાના શહેરની શાન માને છે.

આ રસધાર ફળની ટોપલી તરફ ઇશારો કરતા તેઓ કહે છે, "અમારી લીચી તો અમારી શાન છે. મારી ઉંમર 60 વર્ષની ઉપર છે અને મારું આખું જીવન લીચી ખાઈને વિત્યું છે."

"લોકો ભલે ગમે તે કહે, પરંતુ સાચી વાત તો એ છે કે અહીંનાં બાળકો વર્ષોથી લીચી ખાતાં જ મોટાં થયાં છે."

"તડકાના કારણે બાળકો બીમાર પડ્યાં હોય એવું બની શકે છે. કેમ કે મુઝફ્ફરપુરમાં 45 ડિગ્રી તડકો ક્યારેય જોવા મળ્યો નથી."

"લીચીને કારણ વગર બદનામ કરવામાં આવી રહી છે જ્યારે મુઝફ્ફરપુરનો અર્થ જ લીચી છે અને લીચીનું સમાનાર્થી મુઝફ્ફરપુર છે."

'બિહાર લીચી ગ્રૉઅર ઍસોસિયેશન'ના બચ્ચા પ્રસાદ સિંહને લાગે છે કે લીચીને એ માટે નિશાન બનાવવામાં આવી રહી છે, કેમ કે ઇનસેફિલાઇટિસના કારણે બાળકોનાં મૃત્યુ અને લીચીના પાકનો સમય અને વાતાવરણ લગભગ એક છે.

સિંહ કહે છે, "જો લીચી ખાવાથી બાળકો મરી જતાં હોત તો સારાં અને મોટા ઘરનાં બાળકો પણ મર્યાં હોત, પરંતુ એવું તો નથી."

"માત્ર ગરીબ પરિવારનાં કુપોષિત બાળકો જ ઇનસેફિલાઇટિસનો શિકાર બની રહ્યાં છે."

"જ્યારે અહીંની લીચી તો મુઝફ્ફરપુર- પટનાથી લાવીને દિલ્હી-મુંબઈ સુધી લોકો ખાય છે. તો મૃત્યુ માત્ર ગ્રામીણ મુઝફ્ફરપુરનાં ગરીબ ઘરોમાં કેમ થઈ રહ્યાં છે?"

"કોઈ કારણ મળી રહ્યું નથી તો લીચીને માત્ર એ માટે દોષી માનવામાં આવી રહી છે કેમ કે લીચીના પાક અને બાળકોના બીમાર પડવાની ઋતુ લગભગ એક છે."


બિહારમાં લીચી

બિહારની વચ્ચોવચ વહેતી ગંડક નદીના ઉત્તરમાં લીચીનું ઉત્પાદન થાય છે.

દર વર્ષે સમસ્તીપુર, પૂર્વી ચંપારણ, વૈશાલી અને મુઝફ્ફરપુર જિલ્લાની કુલ 32 હજાર હેક્ટર જમીન પર લીચીનું ઉત્પાદન કરવામાં આવે છે.

મે મહિનાના અંત અને જૂનના પહેલા અઠવાડિયામાં થતા લીચીના પાક સાથે આ ક્ષેત્રના 50 હજાર કરતાં વધારે ખેડૂતોની આજીવિકા જોડાયેલી છે.

બચ્ચા પ્રસાદ જણાવે છે કે ઉનાળામાં 15 દિવસોમાં અહીં અઢી લાખ ટન કરતાં વધારે લીચીનું ઉત્પાદન થાય છે.

"મુઝફ્ફરપુર અને બિહારમાં થતા લીચીના વેચાણનો કોઈ નિશ્ચિત આંકડો નથી, પરંતુ બિહારની બહાર ભારતના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી લીચી 15 દિવસના વાર્ષિક પાકમાં જ ગંડક નદીના ક્ષેત્રના બિહારના ખેડૂતોને અંદાજિત 85 કરોડ રૂપિયા સુધીનો વ્યવસાય આપી જાય છે."

"ત્યાારે લીચીની થઈ રહેલી બદનામીથી અહીંના ખેડૂતોની આજીવિકા ઉપર તરાપ પડી રહી છે. તેનાથી આગામી પાકને ઘણું નુકસાન થશે."


કેરી Vs લીચી

ફોટો લાઈન મુઝફ્ફરપુરમાં લીચી સંશોધન કેન્દ્ર

લીચીનો પાક લેતા સ્થાનિક ખેડૂત ભોલા ઝાને લાગે છે કે લીચીને બદનામ કરવા પાછળ 'કેરી'ના વેપારીઓની લોબીનો હાથ છે.

બીબીસી સાથે વાતચીતમાં તેઓ કહે છે, "બાળકોનું મરવું અમારાં બધા માટે ખૂબ દુઃખદ છે, પરંતુ તેના સાચાં કારણને શોધવું જોઈએ. લીચી અહીંનાં બાળકો સદીઓથી ખાઈ રહ્યાં છે."

મીડિયાની કેટલીક સંસ્થાઓ સાથે મળીને ચેન્નાઈ, હૈદરાબાદ અને મુંબઈની મેંગો લોબી આ રીતે લીચીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે."

"કેમ કે સીઝનમાં તેમની કેરી 10-12 રૂપિયાના રેટ પર વેચાય છે, આ તરફ ભારતના મહાનગરોમાં લીચી 250 રૂપિયા સુધીની રેટ પર વેચવામાં આવે છે."

એટલે લીચીના ખેડૂતોને આ રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ પુરાવા સાથે કોઈ કંઈ કહી રહ્યું નથી. માત્ર અટકળોના આધારે જ પાકને બદનામ કરવામાં આવી રહ્યો છે."


ફોટો લાઈન રાષ્ટ્રીય લીચી સંશોધન કેન્દ્રના ડૉ. વિશાલનાથ

આ મામલે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે અમે મુઝફ્ફરપુરમાં હાજર રાષ્ટ્રીય લીચી અનુસંધાન કેન્દ્રના નિદેશક ડૉક્ટર વિશાલ નાથ સાથે વાત કરી.

લીચીને ઇનસેફિલાઇટિસનું કારણ ગણાવવા માટે પુરતા પુરાવાની ગેરહાજરીનો હવાલો આપતા તેઓ જણાવે છે:

"દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં લીચી જેવા જ 'એકી' નામના ફળના બીજમાં એમસીપીજીના ટ્રેસેસ મળી આવ્યા છે."

"વનસ્પતિ વિજ્ઞાનની નજરમાં એકી અને લીચી સાપંડેસિયા નામના એક જ પ્લાન્ટ ફૅમિલીમાંથી આવે છે."

"એ માટે જ્યારે બાંગ્લાદેશમાં ઇનસેફિલાઇટિસના કેટલાક મામલા આવવાના શરૂ થયા છે તો તેના પર શોધ કરી રહેલા કેટલાક બાળ રોગ વિશેષજ્ઞોએ એક જ પ્લાન્ટ ફૅમિલી અને પાકની એક જ ઋતુના કારણે આ જ 'લીચી ડીસીઝ' કે 'લીચી રોગ' કહેવાનું શરૂ કરી દીધું છે. જ્યારે લીચીથી ઇનસેફિલાઇટિસના જોડાયા હોવાના કોઈ નિર્ણાયક પુરાવા નથી મળ્યા."

લીચીના કુલ ત્રણ ભાગ હોય છે. તેની છાલ, પલ્પ અને બીજ. તેમાંથી ખાવા લાયક માત્ર પલ્પ હોય છે.


ડૉક્ટર નાથ આગળ જણાવે છે, "લીચીમાં પલ્પમાં સ્વાસ્થ્યકારક વિટામિન અને મિનરલ હોય છે."

"કાચી લીચીના બીજમાં એમસીપીજીની જે થોડી હાજરીની વાત કરવામાં આવી રહી છે, તેનો કેટલો ભાગ ફળના પલ્પમાં હોય છે અને કેટલો ભાગ બીજ કે છાલમાં, તેને લઈને અત્યાર સુધી કોઈ નિર્ણાયક સંશોધન નથી થયું."

"એ માટે લીચીને ઇંસેફેલાઇટિસનું મૂળ કારણ બતાવતા તર્કનો ન તો સાતત્યપૂર્ણ છે તથા ન તો તેના કોઈ નિર્ણાયક પુરાવા છે."

ડૉક્ટર નાથ ઉમેરે છે કે સેંકડો વર્ષોથી લીચી ઉગાવીને ખાતા ભારતમાં ઇન્સેફેલાઇટિસ વિવાદ બાદ આ પાક પર હંમેશા માટે ખતમ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

"જો આગામી બે વર્ષ સુધી આવું ચાલતું રહ્યું તો લીચી માટે પ્રખ્યાત મુઝફ્ફરપુરના ખેડૂત નુકસાન ભોગવશે અને આખરે લીચીની ખેતી છોડવા મજબૂર થઈ જશે."

"એ દુખદ એ માટે છે કેમ કે અત્યાર સુધી એ સાબિત જ થયું નથી કે ઇંસેફેલાઇટિસની પાછળ લીચીનો હાથ છે."

"અમે પણ લીચીના 20 પ્રકારો પર બે વર્ષ સુધી સંશોધન કર્યું છે અને તેના પરિણામ અમે જલદી પ્રકાશિત કરાવીશું. અમારા સંશોધન પ્રમાણે લીચીને સીધી જ ઇંસેફેલાઇટિસ માટે જવાબદા ગણાવી શકાતી નથી."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ