પ્રફુલ્લ દવેનાં પત્ની ભારતી કુંચાલા 20 વર્ષ પછી સોશિયલ મીડિયા દ્વારા નવી ઇનિંગ શરૂ કરશે

ભારતીબહેન કુંચાલા અને પ્રફુલ્લ દવે Image copyright Facebook/bharti kunchala
ફોટો લાઈન ભારતીબહેન કુંચાલા અને પ્રફુલ્લ દવે

જ્યારે ગુજરાતમાં જૂજ મહિલા લોકગાયકો હતાં અને તેમાં પણ ગઢવી સમાજમાં દીકરીઓ મંચ પર આવી શકતી નહોતી, ત્યારે આ કલાકારે 9 વર્ષની બાળવયથી શરૂઆત કરી અને નાની ઉંમરમાં પિતાને ગુમાવ્યા બાદ લગભગ પચ્ચીસ વર્ષ સુધી પોતાના પરિવારની સમગ્ર જવાબદારી સંભાળી હતી.

આવી સંર્ઘષમય કારકિર્દી બાદ તેમણે લગ્ન-બાળકોની જવાબદારી માટે પોતાના આ મંચને તિલાંજલિ આપી દીધી. હવે ફરી તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એક નવી શરૂઆત કરવા ઇચ્છે છે.

જાણીતા ગાયક પ્રફુલ્લ દવેનાં પત્ની તેમજ યુવા ગાયિકા ઈશાની દવેનાં માતા ભારતીબહેન કુંચાલા લોકસંગીતનાં એક જાણીતાં કલાકાર રહી ચૂક્યાં છે.

પરિવાર અને બાળકોની જવાબદારી માટે થઈને ભારતીબહેને લગભગ 20 વર્ષ અગાઉ મંચ પરથી સંન્યાસ લીધો હતો અને હવે તેઓ સોશિયલ મીડિયા થકી પોતાના સંગીતને લોકો સામે ફરી લઈ જવા માગે છે.

સંગીતમાં પોતાની શરૂઆત અંગે તેઓ કહે છે, "હું દસ વર્ષની હતી અને મારા બાપુજી મને તેડીને સ્ટેજ પર લઈ જતા, એ યાદો આજે પણ મારા મનમાં તાજી છે."

ભારતી બહેનના પિતા નરહરદાન કુંચાલા પણ એક જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્યકલાકાર હતા. તેઓ 'કુંચાલા સાહેબ' તરીકે જાણીતા હતા.

ભારતી બહેન કહે છે, "હું બહુ નાની હતી ત્યારે મારા પપ્પાનું અવસાન થયું અને મારા પર આખા ઘરની જવાબદારી આવી ગઈ."

"હું નવ વર્ષની ઉંમરથી સ્ટેજ પર જતી થઈ. ત્યારે બધા કલાકારો કહેતા કે કુંચાલા સાહેબની દીકરી ગાય છે. બધાએ મને બહુ સહકાર આપ્યો. હું 23-24 વર્ષની થઈ ત્યાં સુધી સતત કાર્યક્રમો આપતી રહી."


'બાળકોને કલાકારની નહીં માની જરૂર'

Image copyright facebook/bharti kunchala

લગ્ન પહેલાં ઘણાં વર્ષો સુધી અને બંને બાળકોનાં જન્મ બાદ પણ સતત કાર્યરત રહ્યા બાદ પોતાના મંચ પરથી સંન્યાસ લેવા બાબતે ભારતીબહેન કહે છે :

"બાળકો નાનાં હતાં, ત્યારે મેં વિચાર્યું કે બાળકોને કલાકારની નહીં માની જરૂર છે. તેથી મેં સ્વેચ્છાએ જ એમને (પ્રફુલ્લ દવેને) કહ્યું કે હવેથી હું પ્રોગ્રામ માટે નહીં આવું."

બાળકોના ઉછેર અને સંગીત કાર્યક્રમોને લઈને થયેલી સમસ્યા વિશે તેઓ કહે છે, "હું સવારે પાંચ વાગ્યે પ્રોગ્રામમાંથી આવું ત્યારે રાહ જોઈને બંને છોકરાઓ બેઠા હોય કે હમણાં ભારતી આવશે."

"ઘણી વખત એવું બનતું કે મારી રાહ જોઈને બંને ઊંઘ્યા પણ ન હોય. બંનેને પછી સ્કૂલ મોકલવાના હોય. તેથી મને બહુ દુઃખ થતું હતું."

તેઓ આગળ કહે છે, "ઘણી વખત તો એવું બનતું કે હાર્દિક (ભારતીબહેનનો દીકરો) સાથે હોય અને ઈશાનીને હું મારા ખોળામાં લઈને ગાતી. એ ઊંઘમાં આવી હોય અને મને કહે, 'ભાલતી હવે કસુંબીનો રસ પૂરો કલ ને...'."


સોશિયલ મીડિયાથી ફરી શ્રોતાઓ સુધી પહોંચવાની ઇચ્છા

Image copyright facebook/bharti kunchala
ફોટો લાઈન ભારતીબહેન કુંચાલા

ભારતીબહેનને લગભગ 20 વર્ષના બ્રેક બાદ હવે ફરી સોશિયલ મીડિયાની મદદથી એક નવી ઇનિંગ શરૂ કરવાની ઇચ્છા છે.

તેઓ કહે છે, "ક્યારેક તો હું ભૂલી જાઉં છું કે હું ક્યારેય સ્ટેજ પરથી ગાતી હતી. મેં હાર્દિકને કહ્યું છે કે 'એને જ્યારે સમય મળે ત્યારે મારે અમુક ગીત ગાઈને યૂટ્યુબ પર મૂકવા છે.' "

"પહેલાં કાર્યક્રમ માટે જવું પડતું, હવે લોકો તમને સાંભળે એ માટે ક્યાં કોઈ સંઘર્ષ કરવાનો છે, પહેલાં એવું કહેવાતું કે ગાવું હોય તો મુંબઈ જાઓ. હવે તો આખી દુનિયા જ બદલાઈ ગઈ છે. હવે ઘરે બેઠાં જ તમારું સંગીત લોકો સુધી પહોંચાડી શકાય છે."


અમારા લવકમ અરેન્જ્ડ મૅરેજ

જ્યારે આજથી 25-30 વર્ષ પહેલાં ભારતી કુંચાલા અને પ્રફુલ્લ દવેએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા, જેને કારણે સમગ્ર સમાજના વિરોધનો ભોગ બનવું પડેલું.

તેઓ કહે છે, "અમારી બંનેની કારકિર્દીની શરૂઆત લગભગ સાથે જ થઈ હતી. અમદાવાદમાં એક વખત 51 કલાકારોનો પ્રોગ્રામ હતો, ત્યાં અમે બંને પ્રથમ વખત મળ્યાં હતાં."

"પછી એ તો ફિલ્મી ગીતોનાં રેકૉર્ડિંગ અને કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ ગયાં. અમારી બંનેની દુનિયા જ અલગ-અલગ થઈ ગઈ હતી."

"થોડાં વર્ષો પછી અમે બંને મળ્યાં. એમણે પણ લગ્ન કર્યાં નહોતાં અને એમના મનમાં એવી ભાવના હતી કે જેણે જીવનમાં બહુ દુઃખ જોયું હોય એને હું સુખી કરું."

"તેમને મારા સંઘર્ષની ખબર હતી. એમણે પણ ઘણાં વર્ષ સવારે રેકૉર્ડિંગ માટે મુંબઈ જાય અને સાંજે આવીને પ્રોગ્રામ કરે એવું કર્યું, એમાં એમના જીવનમાં પણ લગ્ન અને છોકરી જોવા જાય એવા પ્રકરણો આવ્યાં જ નહોતાં."

"એમને પણ લાગણી થઈ અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ તે વખતે આજથી 30 વર્ષ પહેલાં ગઢવીની દીકરી બ્રાહ્મણ સાથે લગ્ન કરે એવું શક્ય જ નહોતું."

"મેં મારા ભાઈઓને પરિવારમાં પૂછ્યું. ત્યારે એ લોકોએ કહ્યું કે તમને જો એવું લાગતું હોય કે તમે સુખી થશો, તો અમને એમાં જ રસ છે, અત્યાર સુધી તમે અમારા માટે ઘણું કર્યું છે. સમાજ સાથે તો અમે લડી લઈશું."


'તમારે શીખવાનું કંઈ જ નથી, જિંદગી જ તમને શીખવી દે છે...'

Image copyright facebook/bharti kunchala

ભારતીબહેન કહે છે, "મેં એક કલાકાર તરીકે લગ્ન જ નહોતું કર્યું, હું એક પત્ની બનીને આવી હતી. તેથી તમારે શીખવાનું કંઈ જ નથી, જિંદગી જ તમને શીખવી દે છે. જીવનમાં સંઘર્ષ કર્યા પછી વ્યક્તિ પ્રેક્ટિકલ બની જાય છે."

"મને જીવનવમાં મંચ છોડ્યાનો કોઈ જ અફસોસ નથી. મને મારાં બાળકોની સફળતા જોઈને અત્યંત આનંદ થાય છે. એમાં જ મારી ખુશી છે."

"મેં સ્વેચ્છાએ જ ગાવાનું ઓછું કર્યું, હું ગાવા જાત તો ઘરની વ્યવસ્થા તૂટે એમ હતું. હું ઘરમાં રિયાજ કરતી રહેતી."


મંચ પરથી કાર્યક્રમો આપવાના જાળવી રાખ્યા હોત તો...

પતિ પ્રફુલ્લ દવેની જેમ મંચ પરથી કાર્યક્રમો આપવાનું જાળવી રાખ્યું હોત તો આજે સ્થિતિ શું હોત એ અંગે ભારતીબહેન કહે છે, "એવું જરૂરી નથી કે તમે આજે પણ એટલાં જ લોકપ્રિય રહી શકો."

"હા, તમને એક કલાકાર તરીકે માન જરૂર મળે પરંતુ યંગ જનરેશન અને યંગ ઑડિયન્સને તમારા ઉંમરવાળા ચહેરા જોવામાં રસ ન પણ પડે."

"તમે ઑડિયન્સને ખેંચી ન શકો. એ જ વાસ્તવિકતા છે. સારું ગાતા હોય એ બાબત અલગ પણ તમે યંગ ઑડિયન્સમાં આકર્ષણ તો ન જ જમાવી શકો એવું હું દૃઢપણે માનું છું."

"હું કોઈ એવી મોટી પહોંચેલી કલાકાર હતી એવું નહીં કહું, પણ હું જે કંઈ પણ જાણતી એ સારું હતું એવો મને વ્હેમ છે."


'મા બાળક માટે કરે એ ગણાવાનું ન હોય..'

Image copyright facebook/bharti kunchala
ફોટો લાઈન પુત્રી ઈશાની દવે સાથે ભારતીબહેન

બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાની કારકિર્દી પર અલ્પવિરામ મૂકનાર ભારતીબહેન જણાવે છે, "ગાવાનું ચાલું રાખ્યું હોત તો ચાલ્યા કરત. પણ મા પોતાનાં બાળકો માટે કંઈ કરે એ ગણાવવાનું ન હોય."

"મને જીવનમાં કોઈ જ પ્રકારનો અફસોસ નથી. મેં કદાચ મારી શાંતિ માટે પણ કર્યું હોય અને એમાં મારો પણ સ્વાર્થ ગણી શકાય."

"આજે ઈશાનીને સ્ટેજ પર ગાતી જોઈને મને અદ્દભૂત આનંદ થાય છે. મને એમ થાય છે કે જાણે નાનપણની હું જ સ્ટેજ પર છું. હાર્દિક બિલકુલ એના પપ્પા જેવું ગાય છે. મને એને સાંભળીને એના પપ્પાની યુવાની યાદ આવે છે."

"મને મારાં બાળકોની સફળતા જેટલી ખુશી અને આનંદ બીજો કોઈ જ નથી કારણ કે એમને નવો રસ્તો બનાવવાનો છે."


તલવારની જેમ સૂરની પણ રોજ ધાર કાઢવી પડે

એક કલાકાર તરીકે યુવાનો માટે શું સલાહ હોઈ શકે, આ અંગે તેઓ કહે છે, "તમારી મહેનતના 100 ટકા આપો. હું ઈશાનીને એ જ સલાહ આપું, બસ તું રિયાજ કર."

"જે સૂર તમને નામ-દામ આપે છે, એની સાધના કરવી જોઈએ, જો સ્વરની સાધના કરી હશે તો બીજું કંઈ જ નહીં કરવું પડે. સંગીત જ બધું કરશે."

"પહેલો 'સા' લગાવો એ જ એટલો પાકો હોવો જોઈએ કે માણસનું તમારા તરફ ધ્યાન જાય. સફળતાની ઉતાવળ ન કરો પહેલાં મહેનત કરો. તલવારને જેમ રોજ ધાર કાઢવી પડે તેમ સૂરની પણ રોજ ધાર કાઢવી પડે. રિયાજ ન કરે તો મને બહુ દુઃખ થાય."


'દરેક કલાકારનો એક દસકો છે, કશું જ અવિરત નથી'

Image copyright Alamy
ફોટો લાઈન હાર્દિક દવે અને ઈશાની દવે

પોતાને જેમ ઘર અને પરિવારની જવાબદારીના કારણે સંગીત છોડવું પડ્યું એમ ક્યારેક એમનાં બાળકોના જીવનમાં પણ એવો તબક્કો આવી શકે છે.

એ બાબતે એક માતા તરીકે ભારતી જણાવે છે, "હું માનું છું કે જીવનમાં કંઈ જ કાયમી નથી. લોકપ્રિયતા અને આકર્ષણ યુવાની સુધી છે, એ સમયનો સદુપયોગ કરીને બસ તમારું કામ કરી લો."

"પછી જીવનમાં કોઈ અફસોસ ન રહેવો જોઈએ. દરેકનો એક દસકો હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો