50 વર્ષ પહેલાં થયેલાં એ રમખાણો જેણે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું

પોલીસની રેડ બાદ લોકોમાં ગુસ્સો Image copyright NY DAILY NEWS ARCHIVE/GETTY
ફોટો લાઈન પોલીસની રેડ બાદ લોકોમાં ગુસ્સો

50 વર્ષ પહેલાં ન્યૂયોર્કમાં માફિયા સંચાલિત ગે બાર પર મધરાતે અડધો ડઝન પોલીસે દરોડો પાડ્યો, ત્યારે તેમને ભાગ્યે જ અંદાજ હતો કે તેમની કાર્યવાહીને કારણે એવી ચળવળ ઊભી થશે, જેનાથી આવનારી પેઢીનું જીવન બદલાઈ જશે.

તે રાત્રે માર્કે એક પથ્થર પણ ફેંક્યો નહોતો. કોઈ પોલીસનો તેમણે સામનો પણ કર્યો નહોતો. તેમની પાસે એક એવી વસ્તુ હતી જે કોઈ હથિયાર કરતાંય વધારે અસરકારક સાબિત થઈ હતી - તે હતો લખવાનો ચોક.

સ્ટોનવૉલ ઇન્નની બહાર ધમાલ મચી હતી અને પોલીસ પર સિક્કા અને બૉટલો ફેંકાઈ રહ્યાં હતાં, ત્યારે તેમના મિત્ર માર્ટીએ તેમને ચોક આપ્યો હતો અને કેટલીક સૂચનાઓ આપી હતી.

ઘરવિહોણા યુવાન માર્ક શેરીમાં નીકળી પડ્યા અને ફૂટપાથ પર ત્રણ શબ્દો ચોકથી લખવા લાગ્યા. બાદમાં રસ્તા પર આગળ તેણે દીવાલ પર પણ આ ત્રણ શબ્દો લખ્યા.

આ શબ્દો હતા 'ટુમોરો નાઇટ સ્ટોનવૉલ' (આવતી કાલે રાત્રે સ્ટોનવૉલ).

માર્કને ચોકથી લખવા માટે આપેલો આટલો સરળ સંદેશ ફેલાવીને માર્ટી રોબિન્સનનો ઇરાદો વિરોધ-પ્રદર્શનને વધારે વ્યાપક બનાવવાનો હતો.

એક કલાક પહેલાં જ પોલીસે ગ્રીનવીચ વિલેજના આ બાર પર દરોડો પાડ્યો હતો. એ અઠવાડિયાનો આ બીજી વારનો દરોડો હતો.

આ વખતે જોકે શુક્રવારે રાત્રે એક વાગ્યે દરોડો પડાયો હતો કે જ્યારે બાર ખીચોખીચ ભરેલો હોય.

બારમાંથી લગભગ 200 જેટલા ગ્રાહકોને બહાર ક્રિસ્ટોફર સ્ટ્રીટ પર ધકેલી દેવામાં આવ્યા.

તેમાં ગે, ટ્રાન્સજેન્ડર, લેસ્બિયન, ઘરેથી નાસી ગયેલા કિશોરો અને સ્ત્રીઓનો વેશ પહેરીને નાચનારા મોટા પ્રમાણમાં હતા.

એક ટોળું પોલીસ પર ધસી ગયું અને પોલીસ બચાવમાં દૂર પાછી ખસવા લાગી.

અત્યાર સુધી ગે લોકો પોલીસનો દરોડો પડે ત્યારે ભાગી જતા હતા. પણ આ વખતે તેઓ ભાગવાના બદલે સામે આવ્યા અને પોલીસ પાછળ હઠવા લાગી હતી.

એ રાત્રે જ કંઈ ગે રાઇટ્સ માટેની ચળવળ શરૂ થઈ ગઈ નહોતી, પણ તે વખતે કરાયેલા સામનાથી એક શરૂઆત થઈ હતી. તેનાથી આગળ જતા ચળવળને બળ મળ્યું હતું.

સજાતીય લગ્નોને મંજૂરીથી માંડીને સમાજમાં વધારે સ્વીકાર્ય બનવા સુધીની, ત્યારથી આજ સુધીમાં થયેલી પ્રગતિનો થોડો જશ પોલીસ સાથે લડેલા આ યુવાનોને અને બાદમાં ચળવળને સંગઠિત કરનારાઓને મળવો જોઈએ.

સ્ટોનવૉલની ઘટનાને ગે રાઇટ્સની બાબતમાં રોઝા પાર્ક મોમેન્ટ તરીકે ઓળખાવામાં આવે છે.

આ ઘટનાનાં 14 વર્ષ પહેલાં અલાબામા રાજ્યમાં મીસ રોઝા પાર્ક્સે સિટી બસમાં પોતાની બેઠક એક શ્વેત પુરુષ માટે ખાલી કરવાની ના પાડી દીધી હતી.

તેમની એ હિંમતને કારણે નાગરિક અધિકારો માટેની ચળવળને બળ મળ્યું હતું. એ જ રીતે સ્ટોનવૉલની ઘટનાએ સજાતીય લોકોને પોતાના અધિકારો માટે લડતા કર્યા હતા.

1960ના દાયકામાં અમેરિકામાં ગે અને લેસ્બિયન લોકો કાનૂન તોડનારા ગણાતા હતા. તેઓ ભયમાં અને છુપાઈને રહેતા હતા.

ડૉક્ટરો તેમને ગાંડા ગણતા હતા, ધાર્મિક આગેવાનો તેમને અનૈતિક માનતા હતા, સરકાર તેમને નોકરી માટે ગેરલાયક ગણતી હતી, ટીવીમાં તેમને શિકારી જેવા વર્ણવવામાં આવતા હતા અને પોલીસ તેમને ગુનેગાર ઠેરવતા હતા.

તો પછી એવું શું થયું કે 27 જૂન, 1969ની રાત્રે તેમણે અચાનક સામનો કરવાનું નક્કી કર્યું?


ઉગ્રતાપૂર્ણ વર્ષોની શરૂઆત

Image copyright Getty Images

આ વિરોધ શરૂ થયો તે વખતે ઇલિનોઇસ સિવાયનાં બધાં જ રાજ્યોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સહમતીથી થતાં જાતીય સંબંધો પણ ગેરકાનૂની હતાં.

સજાતીય વ્યક્તિને ફેડરલ સરકારમાં કે સેનામાં નોકરી મળતી નહોતી.

તમે જાહેરમાં તમારી સજાતીયતા વ્યક્ત કરો તો વકીલાત અને તબીબી જેવા વ્યવસાયો માટેનાં પ્રમાણપત્ર આપવાની પણ મનાઈ થતી હતી.

ન્યૂયોર્ક રાજ્યમાં સજાતીય સંબંધો સામેના કાયદા વધારે કડક બની રહ્યા હતા.

સમગ્ર અમેરિકામાંથી સજાતીય સ્ત્રી અને પુરુષો ન્યૂયોર્કમાં એકઠા થઈ રહ્યાં હતાં. આમ છતાં કાયદા વધારે આકરા બન્યા હતા અથવા કદાચ તેના કારણે જ આકરા બન્યા હતા.

ન્યૂયોર્કમાં દર વર્ષે 'કુદરત વિરુદ્ધના ગુના' બદલ, સોલિસિટેશન કે બિભત્સ ચેનચાળા બદલ હજારોની ધરપકડ થતી હતી.

કેટલાકનાં નામ અખબારોમાં જાહેર થઈ જતાં હતાં અને તેના કારણે તેમની નોકરી જતી રહેતી હતી.

વસ્ત્રો બરાબર નાં પહેર્યાં હોય તો પણ મુશ્કેલીમાં મુકાવું પડતું હતું. થ્રી પીસથી ઓછાં વસ્ત્રો હોય તો તેને અયોગ્ય ગણીને હાથકડી પહેરાવી દેવાતી હતી.

આવો ત્રાસ અટકાવવા માટે ગે લોકો પાસે કોઈ રાજકીય તાકાત નહોતી.

આવા ત્રાસને કારણે ભારે આક્રોશ ઊકળવા લાગ્યો હતો, એમ યેલ લૉ સ્કૂલના પ્રોફેસર વિલિયમ એસ્કબ્રીજ કહે છે. "આ એક ઊકળતો ડાયનેમાઇટનો ચરુ હતો, જે ગમે ત્યારે ફાટી પડે તેમ હતો."

તેઓ કહે છે, "સજાતીય યુવકો અને યુવતીઓને પરિવર્તન માટે પોતાના કાઉન્સિલરોને પત્રો લખવામાં કે અરજીઓ કરવામાં રસ નહોતો."

"તેના બદલે તેમણે યુદ્ધવિરોધી ચળવળ, અશ્વેતોનાં આંદોલનો અને સ્ત્રીમુક્તિ માટેની ઝુંબેશમાંથી પ્રેરણા લીધી."

તેમણે એકદમ સીધી રીત અપનાવી હતી. 'શેરીમાં ઊતરી પડો અને ધમાલ કરી મૂકો. આક્રમણ, આક્રમણ, આક્રમણ.'

તેમને બાર કે નાઇટક્લબમાં પ્રવેશ મળતો નહોતો. ન્યૂયોર્ક સિટીના કાયદા પ્રમાણે ગે અથવા લેસ્બિયનને શરાબ પીરસવામાં આવે તો બાર ચલાવવાનું લાઇસન્સ રદ થઈ શકે.

તેમને દારૂ આપવો તેનો અર્થ એવો થાય કે આ સ્થળ 'અશિસ્તમય' બની ગયું છે.

બે પુરુષો કે બે સ્ત્રીઓ સાથે નૃત્ય કરે તો તે 'બિભત્સ ચેનચાળા'નો ગુનો ગણાઈ જાય.

1960ના દાયકાની શરૂઆતમાં શહેરના ગે બાર પર દરોડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી.

આવા ઘણા બાર માફિયાઓ ચલાવતા હતા. તેઓ પાણી નાખેલી દારૂની પ્યાલીઓના વધારે પૈસા પડાવતા હતા અને સત્તાધીશોને લાંચ આપતા હતા.

આવી રીતે શોષણ થતું હતું, તો પણ સજાતીય લોકો માટે સ્ટોનવૉલ ઇન્ન જેવી જગ્યાઓ સ્વર્ગ જેવી હતી.

કેમ કે તેમને અહીં મુક્તપણે સ્વને વ્યક્ત કરવાનો અને લાગણીઓ વહેતી કરવાનો મોકો મળતો હતો. ખાસ વાત એ હતી કે અહીં ડાન્સફ્લોર પણ હતો.

1969ના ઉનાળામાં દરોડાનું પ્રમાણ વધવા લાગ્યું હતું અને મેયરની ચૂંટણી માથે આવી રહી હતી, તેના કારણે સ્ટોનવૉલ નિશાને પર જ હતું.

તેનું સંચાલન ગુનેગારો કરી રહ્યા હતા અને પરવાના વિના દારૂનું વેચાણ કરી રહ્યા હતા.

એવી પણ અફવા હતી કે માફિયાઓ તેમના ધનવાન ગ્રાહકોને બ્લૅકમેઇલ પણ કરતા હતા.

જોકે, પોલીસે અહીં દરોડો પાડ્યો ત્યારે તેમને કલ્પના નહોતી કે તેમનો સામનો કેવી રીતે થવાનો છે. અન્યાયની લાગણી બરાબરની જન્મી રહી હતી.

માત્ર હાલમાં પડેલા પોલીસ દરોડાથી નહીં પણ નૈતિકતાના નામે તેમના પર થયેલા હુમલાઓને કારણે પણ આક્રોશ જાગવા લાગ્યો હતો.

ઉનાળાની ગરમ રાત્રે આ આક્રોશ ફાટી નીકળે તે માટે એક ચિનગારીની જ જરૂર હતી.


'અમે વળતી લડત આપી રહ્યા છીએ'

Image copyright DIANA DAVIES, THE NEW YORK PUBLIC LIBRARY
ફોટો લાઈન પોલીસે પ્રદર્શનકારીઓને ફટકાર્યા પછી લોકો ગુસ્સે થયા

ન્યૂયોર્ક પોલીસના જાહેર નીતિમત્તા વિભાગના અધિકારીઓ સહિત છ જેટલા પોલીસ ઑફિસર ક્રિસ્ટોફર સ્ટ્રીટ પગપાળા પસાર કરીને બારમાં પહોંચ્યા.

અંદર અંડરકવર પોલીસ સાદા ડ્રેસમાં પહેલેથી જ હાજર હતા. લાઇટ ચાલુ કરી દેવાઈ, સંગીત બંધ કરી દેવાયું અને પોલીસે બહાર નીકળી રહેલા લોકોને પોતાના આઇડી બતાવવાનું જણાવ્યું.

તે વખતે 23 વર્ષના હતા તે રોબર્ટ બ્રાયન કહે છે કે અંદરથી બહાર કઢાયેલા ગ્રાહકો શેરીમાં એકઠા થવા લાગ્યા. પહેલાં ઉત્સવ જેવો માહોલ હતો. દરોડો પડ્યો તેની થોડી વાર પછી તેઓ ત્યાં પહોંચ્યા હતા.

તેઓ કહે છે, "લોકો હસી રહ્યા હતા અને મજાકો કરી રહ્યા હતા. બારમાંથી બહાર નીકળતી વખતે લોકો અદાઓ કરી રહ્યા હતા અને નમન કરીને બહાર નીકળી રહ્યા હતા."

"સ્ત્રી વેશધારી એક યુવકે પોતાની પર્સ એક પોલીસને ફટકારી તે પછી પોલીસે તેમને ફટકારવાનું શરૂ કર્યું તે પછી મૂડ બદલાયો. લોકોએ પોલીસ પર સિક્કાઓ ફેંકવાનું શરૂ કર્યું."

"મામલો વધારે વીફર્યો, જ્યારે એક લેસ્બિયન બારમાંથી બહાર આવી અને પોલીસે તેમને પરાણે કારમાં બેસાડવા કોશિશ કરી. સિક્કાઓની જગ્યાએ હવે પથ્થરો અને બૉટલો ફેંકવાં લાગ્યાં."

"પોલીસે અંદરની તરફ પીછેહઠ કરી અને અંદર રહેલા લોકોને પકડીને ફટકારવાનું શરૂ કર્યું".

બ્રાયને એક પોલીસને લાત મારવાની કોશિશ કરી હતી, પણ બીજા એક પોલીસ તેમની પાછળ પડ્યા એટલે તેઓ ત્યાંથી ભાગ્યા.

થોડી વારે તેઓ પાછા આવ્યા ત્યારે જોયું તો પોલીસ અંદર ભરાઈ ગઈ હતી.

બાદમાં તેમણે જણાવ્યું તે પ્રમાણે તેઓ જીવ બચાવવા માટે અંદર જતા રહ્યા હતા.

બ્રાયન કહે છે, "પોલીસની સંખ્યા થોડી જ હતી અને બહાર હવે સેંકડો દેખાવકારો એકઠા થઈ ગયા હતા. પોલીસ ફસાઈ ગઈ હતી."

"એક કચરાપેટીને ઊંચકીને બારી પર ફેંકવામાં આવી. લાઇટરના પ્રવાહીનો ઉપયોગ કરીને સળગતા કાકડા અંદર ફેંકવામાં આવી રહ્યા હતા. પાર્કિંગનું મિટર ઉખાડીને આગળના દરવાજા પર તેનાથી હથોડાની જેમ વાર થવા લાગ્યો હતો."

તેઓ કહે છે, "લાગણીના આવેશમાં આવી ગયેલી એ ઘડી હતી અને કોઈ જાતની સમજણ વિના ધમાલ થઈ રહી હતી,"

"સૌ પર ટોળાંનો મિજાજ સવાર થઈ ગયો હતો એમ તેઓ કહે છે. પોતે નિર્બાધ રીતે વર્તી રહ્યા હોય અને આ કોઈ સપનું હોય એમ તેમને લાગી રહ્યું હતું."

"ભગવાન જાણે, પણ હું એકલો હોઉં તો ક્યારેય પોલીસ તરફ લાત ના ઉછાળું. અમે આખરે સામનો કરવા તૈયાર થઈ ગયા હતા અને અમે બહુ જોશમાં આવી ગયા હતા."

"પોતાના સાથીઓને બચાવવા માટે આખરે રાઇટ પોલીસ ટુકડી આવી પહોંચી, તે પછીય ધમાલ ચાલતી રહી હતી અને છેવટે માંડમાંડ સ્થિતિ થાળે પડી હતી."

એક પોલીસને માથામાં ઈજા સાથે દવાખાને સારવાર લેવી પડી હતી અને બાર દેખાવકારની ધરપકડ કરવામાં આવી હતી.

તે ઘર્ષણનો તો અંત આવી ગયો, પણ ત્યાં હાજર કેટલાકને ખ્યાલ આવી ગયો હતો કે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. બીજી રાત્રે વધુ મોટું ટોળું એકઠું થયું હતું, કદાચ રોબિન્સને ચોકથી ફેલાવેલા સંદેશને કારણે.

દિવસ દરમિયાન ચોપાનિયાં પણ વહેંચાયાં હતાં તેની પણ કદાચ અસર હતી. બીજી રાતે ઘર્ષણ વધારે હિંસક હતું પોલીસે ટીયર સાથે વધારે કડક કાર્યવાહી કરી હતી.

કચરાપેટીઓને સળગાવીને તેને પોલીસ પર ફેંકવામાં આવી હતી. ચાર રાત સુધી આ રીતે હિંસક અથડામણો થતી રહી હતી અને ખાસ કરીને બુધવારે વધારે હિંસા થઈ હતી.

આ ધમાલ શમી ગઈ તે પછી ઘણાના મનમાં સવાલ જાગ્યો - હવે શું?


સ્વતંત્રતા તરફનું પ્રથમ કદમ

Image copyright Getty Images
ફોટો લાઈન લોકો એકઠા થઈને એક સંદેશ આપવા માગતા હતા

આ તોફાનોના બરાબર એક મહિના પછી 25 વર્ષની માર્થા શેલી સ્ટોનવૉલ નજીકના બગીચામાં આવેલા ફુવારાની માથે ચડી ગયાં ત્યારે તેને પોતાના જીવનું જોખમ લાગ્યું હતું.

જોકે, પોતાની આસપાસ એકઠા થયેલા થોડા સો લોકોને તેઓ એક મહત્ત્વનો સંદેશ આપવા માગતાં હતાં.

તેઓ કહેવા માગતાં હતાં કે અંધારામાંથી બહાર આવો અને 'સૂર્યપ્રકાશમાં ખુલ્લામાં ડગ માંડો'.

"બહુ ભય પમાડે તેવી સ્થિતિ હતી," એમ હવે 75 વર્ષનાં થઈ ગયેલાં માર્થા યાદ કરે છે.

તેઓ કહે છે, "એમએલકેને ગોળી મારી દેવાઈ ત્યારે હું હાર્લેમમાં હતી અને ચારે બાજુ હિંસા ફેલાઈ હતી. મને ખ્યાલ હતો કે મને પણ ગોળી વાગી શકે છે."

માર્થાની અરજ અને માર્ટી રોબિન્સનના જોશભર્યા ભાષણ બાદ તેઓ સૌ લવેન્ડર રંગના પટ્ટા પહેરીને, એકબીજાના હાથ પકડીને, 'ગે પાવર' એવા નારા પોકારતાં પોકારતાં સ્ટોનવૉલ ઇન્ન સુધી મોરચો લઈને ગયાં હતાં.

ત્યાં પહોંચ્યા પછી માર્થાએ સૌને વિખેરાઈ જવાનું કહ્યું, કેમ કે તેમને હતું કે ટોળું રહેશે તો હિંસા થશે.

આ રીતે પ્રથમ વાર ન્યૂયોર્કમાં સજાતીય લોકોએ જાહેરમાં પરેડ કરી હતી અને સમાનતાની માગણી કરી હતી.

તે પછી દર વર્ષે ફિલાડેલ્ફિયામાં ઇન્ડિપેન્ડન્સ હૉલ સામે દર વર્ષે મેટેશાઈન સોસાયટીની આગેવાનીમાં પિકેટિંગ થતું હતું.

મેટેશાઇન સોસાયટી ગે રાઇટ્સ માટેનું પ્રથમ મોટું સંગઠન હતું, પણ તેમના દેખાવો બહુ શાલીનતા સાથે થતા હતા એમ શેલી કહે છે.

શેલી કહે છે, "હું પણ ફિલાડેલ્ફિયા ગઈ હતી. સ્ત્રીઓએ ડ્રેસ પહેરવાના હતા, જેની સામે મારા દિલમાં બહુ જ ધિક્કાર હતો. અમે અમારાં પ્રતીકો સાથે ત્યાં ફર્યાં હતાં અને પ્રવાસીઓ અમને એવી રીતે જોઈ રહ્યા હતા, જાણે કે અમે કોઈ પ્રાણી સંગ્રહાલયના નમૂનાઓ હોઈએ."

મને લાગ્યું હતું કે આમાં કંઈ દમ નથી, 'આ હું નથી, આ ઢોંગ છે.'

સ્ટોનવૉલની ઘટના પહેલાં કાર્યકરો ધમાલ કર્યા વિના સમાજમાં પોતાનું સ્થાન બનાવવા ઇચ્છતા હતા. પરંતુ તોફાનો થયાં તે પછી વિનવણીઓ થતી હતી, તેની જગ્યાએ હવે રોષભેર માગણીઓ થવા લાગી હતી.

શેલી અને રોબિન્સને કરેલા આ વિરોધ-પ્રદર્શનોને ઇતિહાસના પુસ્તકમાં પૂરતું સ્થાન નથી મળ્યું. તે પછીના વર્ષે ગે રાઇટ્સ માટે થયેલા પ્રદર્શનને જ વધારે મહત્ત્વ મળ્યું છે. તેને પ્રથમ 'પ્રાઇડ માર્ચ' તરીકે ઓળખાવામાં આવે છે.

જોકે, તેનું પણ બહુ જ મહત્ત્વ હતું. પ્રથમ અને હિંમતભર્યું પગલું માંડી દેવાયું હતું.


સંગઠનના પ્રયાસો

Image copyright KAY TOBIN, ©THE NEW YORK PUBLIC LIBRARY
ફોટો લાઈન બ્લૅક પેન્થર્સ જેવાં જૂથો સાથે GLF દ્વારા જોડાણ કરવામાં આવ્યું હતું

સ્ટોનવૉલનાં તોફાનોમાંથી આકાર લેનારી મહત્ત્વની ઘટના એ હતી કે આખરે સૌથી વધુ અગત્યનું પ્રેરકબળ એવું ગે લિબરેશન ફ્રન્ટ (GLF) તૈયાર થયું.

નવો અભિગમ પણ તેમાં હવે વ્યક્ત થઈ રહ્યો હતો. થોડાં અઠવાડિયાં બાદ જ તેની રચના થઈ હતી અને તે સ્વતંત્ર સંસ્થા હોવા સાથે જ જુદાંજુદાં જૂથનું એકસમાન સંગઠન પણ બની રહ્યું હતું.

વિયેતનામમાં અમેરિકાની હાજરીનો વિરોધ કરી રહેલા નેશનલ લિબરેશન ફ્રન્ટ પરથી નામની પ્રેરણા લેવામાં આવી હતી.

આ નામનું સૂચન થયું ત્યારે શેલીએ ઉત્સાહમાં આવીને પોતાની બિયરની બોટલ પર એટલી જોરથી મુઠ્ઠી મારી કે લોહી નીકળી આવ્યું. આ રીતે બાદમાં અમે સંગઠિત ના થયા હોત તો તોફાનોમાંથી કોઈ પરિણામ આવ્યું ના હોત," એમ શેલી કહે છે.

GLF થોડાં વર્ષો માટે જ ચાલતું રહ્યું હતું, પણ જેટલો સમય ચાલ્યું તેટલો સમય વિવિધ મુદ્દાઓ પર લડત જગાવીને તે ચળવળને પ્રકાશિત કરતું રહ્યું હતું.

શેલી કહે છે, "સ્વના શરીર સાથે શું કરવું તેની સ્વતંત્રતા સૌથી પ્રાથમિક બાબત હતી."

"તેમાં જાતીય સમાગમ, સ્ત્રીઓના સંતાનોત્પતિ અંગેના અધિકારો, જેલમાં ગયા વિના કેફી દ્રવ્યો લેવાની છૂટ અને આર્થિક સ્વતંત્રતાનો તેમાં સમાવેશ થતો હતો. સાથે જ રંગભેદનો વિરોધ પણ ખરો.શેલી કહે છે.

આ બધા જ પ્રકારની સ્વતંત્રતા સૌ કોઈને મળવી જોઈએ, જાતિ, ધર્મ કે નાગરિકતા દરજ્જાનો ભેદ કર્યા વિના.

બ્લૅક પેન્થર્સ જેવાં કેટલાંક ચળવળિયા જૂથો સાથે પણ GLF દ્વારા જોડાણ કરવામાં આવ્યું હતું.

GLFના સભ્યોએ જ પ્રથમ પ્રાઇમ માર્ચનું આયોજન કર્યું હતું અને કમ આઉટ એવા નામનું અખબાર પણ શરૂ કર્યું હતું. શેલી અખબારની નકલો શેરીમાં ઊભી રહીને વેચતાં હતાં.

GLFની બેઠકો મળતી ત્યારે તેમાં બહુ અવ્યસ્થા સર્જાતી હતી અને આગળ કેવી રીતે વધવું તેના વિશે એકમતી થતી નહોતી.

આમ છતાં આ સંગઠનની રચનાને કારણે એક નવા યુગ તરફની યાત્રાની શરૂઆત થઈ હતી અને તેમાંથી પ્રેરણા લઈને ગે ઍક્ટિવિસ્ટ્સ અલાયન્સ (GAA) તથા ઉદ્દામવાદી લેસ્બિયન જૂથ લેવેન્ડર મીનાસ જેવાં જૂથો ઊભાં થયાં હતાં. શેલી પોતે લેવેન્ડર મિનાસના સ્થાપક સભ્ય હતાં.

એક વર્ષ પછી લંડનમાં પણ GLFની સ્થાપના થઈ હતી અને આ આંદોલન વૈશ્વિક બન્યું હતું.


પ્રથમ ગે પ્રાઇમ માર્ચ

Image copyright PHOTO BY DIANA DAVIES, THE NEW YORK PUBLIC LIBRARY
ફોટો લાઈન ન્યૂયોર્કમાં 1970માં પ્રથમ વાર માર્ચ ના થઈ હોત તો લંડનમાં થઈ હોત

હવે વિશ્વમાં હજારો જગ્યાએ પ્રાઇડ માર્ચના કાર્યક્રમો થતા રહે છે. પરંતુ તેની શરૂઆત બહુ નાના પાયે થઈ હતી - સ્ટોનવૉલની ઘટના પછી ડિનર પર મળેલા ત્રણ મિત્રોની ચર્ચામાંથી પ્રાઇડ માર્ચનો વિચાર જન્મ્યો હતો.

એલેન બ્રોઇડી કહે છ કે પોતાના અધિકારોની માગણી માટે વધારે આક્રમક રીતે માર્ચ યોજવી જોઈએ એવો વિચાર આવ્યો હતો.

સ્ટોનવૉલની ઘટનાના બરાબર એક વર્ષ પછી ક્રિસ્ટોફર સ્ટ્રીટ લિબરેશન ડે નિમિત્તે ગ્રીનવીચ વિલેજમાંથી પરેડથી શરૂઆત થઈ હતી.

ત્યાંથી શરૂ કરીને સેન્ટ્રલ પાર્કમાં સિક્સ્થ એવેન્યુ સુધીની માર્ચ યોજાઈ હતી. તે વખતના અહેવાલો અનુસાર 3,000થી 15,000 લોકોએ તેમાં ભાગ લીધો હતો.

બ્રોઇડી કહે છે, "રસ્તામાં તેમની સાથે અન્ય લોકો જોડાતા ગયા હતા તે વાત સૌથી વધારે ઉત્સાહપ્રેરક હતી.

"સંદેશમાં કેન્દ્રસ્થાને એ વાત હતી કે 'અમે અહીંના જ છીએ, અમે વિચિત્ર છીએ, અમને સ્વીકારવાનું શીખી જાવ.' જોકે મને લાગે છે કે વાત તેનાથી પણ વધારે ઊંડી વાત હતી. સહકાર આપવાની અને ક્રાંતિમાં હિસ્સેદાર થવાની વાત પણ હતી."

તેઓ કહે છે, "મને નથી લાગતું કે અમારામાંથી કોઈ એવું માનતું હોય કે સેનામાં નોકરી કરવાના કે લગ્ન કરવાના અધિકારો માટે અમે માર્ચ કરી રહ્યા છીએ."

"કાનૂની પરિવર્તન કરતાંય અત્યાચારી સિસ્ટમો હતી તેને બદલવાની વાત વધારે હતી."

કેટલાક લોકોએ સ્વ-રક્ષણ માટેની તાલીમ પણ લીધી હતી, કેમ કે હિંસા થશે એવી તેમને ખાતરી હતી. જોકે, કોઈ હિંસાનો બનાવ બન્યો નહોતો.

અમેરિકાના બીજા શહેરોમાં પણ આવી માર્ચ થવા લાગી અને બે વર્ષ પછી લંડનમાં પણ પ્રથમ પ્રાઇડ માર્ચ યોજાઈ હતી.

બ્રોઇડી કહે છે, "એ સહજ હતું અને થવું જરૂરી હતું. જો ન્યૂયોર્કમાં 1970માં પ્રથમ વાર માર્ચ ના થઈ હોત તો તે લંડનમાં થઈ હોત અથવા મૅડ્રિડમાં કે પછી મૅક્સિકો સિટીમાં થઈ હોત."

આજે પણ તેમાં એક રાજકીય સંદેશ રહેલો છે, પણ પ્રાઇડ માર્ચ ગે કલ્ચરના સેલિબ્રેશન માટે હવે વધારે છે, જેમાં હવે સંગીત અને કૉર્પોરેટ સ્પૉન્સરો પણ ઉમેરાઈ રહ્યા છે.

જોકે, તેના કારણે કશુંક જતું રહ્યું છે એમ પણ બ્રોઇડીને લાગે છે.

તેઓ કહે છે, "ફ્લોટ્સ અને સિટી બૅન્ક અને અમેરિકન ઍરલાઇન્સને એ બધાની હાજરી વિના તે વધારે શક્તિશાળી હતી તેમ મને લાગે છે. હા, આ પ્રગતિની નિશાની છે, પણ હવે તે સ્પષ્ટપણે મૂડીવાદી બજારના હિસ્સા જેવી લાગી છે."


આગેકૂચ

Image copyright PHOTO BY DIANA DAVIES, THE NEW YORK PUBLIC LIBRARY
ફોટો લાઈન હાર્વે મિલ્ક 1977માં સાન ફ્રાન્સિસ્કોમાંથી ચૂંટાઈને આવ્યા

પ્રથમ પ્રાઇડ માર્ચ યોજાઈ તે પછી ચળવળ ઝડપથી આગળ વધી હતી. તે પછીના દાયકામાં ફેડરલ કક્ષાએ ગે અને લેસ્બિયન પર લાગેલા પ્રતિબંધો દૂર થયા.

સજાતીય લોકોને માનસિક સારવારની જરૂર છે એવી લાંબા ગાળાથી રાખેલી માન્યતાને પણ આખરે તબીબીજગતે દૂર કરી.

જાહેરમાં ગે તરીકેના સ્વીકાર સાથેના પ્રતિનિધિ તરીકે હાર્વે મિલ્ક 1977માં સાન ફ્રાન્સિસ્કોમાંથી ચૂંટાઈને આવ્યા.

બે વર્ષ બાદ વૉશિંગ્ટનમાં રાષ્ટ્રીય માર્ચ યોજાઈ હતી, જેમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

તે વખતના ઇતિહાસનું સજાતીય લોકોનું એ સૌથી મોટું સંમેલન બની રહ્યું હતું.

1980ના દાયકામાં સજાતીય સંબંધો અંગેના ઘણા બધા કાયદાઓ દૂર કરવામાં આવ્યા અને તે રીતે હોમોસેક્સુઆલિટીને કાનૂની ગણવામાં આવી.

જોકે સજાતીય વ્યક્તિઓ વચ્ચે લગ્નને મંજૂરી માટેનો કાયદો 2015માં બન્યો તે માટે બીજા ઘણા દાયકા રાહ જોવી પડી હતી.

કાનૂની રીતે મુક્તિ સાથે લોકોના અભિગમમાં પણ મોકળાશ આવી છે. આજે 75 ટકા જેટલા અમેરિકનો ગે સંબંધોને સ્વીકાર્ય ગણતા થયા છે.

જોકે, 2019ના વર્ષમાં પણ હજી કેટલીક લડાઈ લડવી પડે તેમ છે. આજે પણ ઘણાં રાજ્યોમાં સજાતીય વ્યક્તિને નોકરીમાંથી છુટ્ટા કરી દેવાય છે.

આંદોલનકારીઓ કહી રહ્યા છે કે તેમણે લડત કરીને મેળવેલા કેટલાક અધિકારોને ફરીથી છીનવીને ટ્રમ્પ વહીવટી તંત્ર દેશને પાછળ લઈ જઈ રહ્યું છે.

જોકે, પ્રમુખપદ માટે પ્રથમ વાર ગે દાવેદાર પણ મેદાનમાં છે ત્યારે એ નિશ્ચિત છે કે પ્રવાસ હજી સીધી ગતિમાં જ આગળ વધી રહ્યો છે.

પ્રગતિની સૌથી મોટી નિશાની કદાચ એ છે કે પીટની અટક (Pete Buttigieg) સૌનું વધારે ધ્યાન ખેંચી રહી છે.

તેમની સજાતીયતા કરતાંય અનોખી અટક અને નોર્વેજિયન ભાષાનું તેમનું જ્ઞાન વધારે કુતૂહલ જગાવી રહ્યા છે.


નાનકડી ઘટનાએ મોટી ઝુંબેશનું સ્વરૂપ લીધું

Image copyright Getty Images

ડેવિડ કાર્ટર કહે છે કે તે રાત્રે પોલીસની સામે સંઘર્ષ કરનારા કે બાદમાં શેરીઓમાં માર્ચ કરનારા કોઈને કલ્પના નહોતી તેઓ આટલી મોકળાશ મેળવી શકશે.

તેઓ કહે છે, "તેથી માફિયા સંચાલિત તે બાર પર પોલીસના દરોડાનું શું પરિણામ આવ્યું તેના પર પણ ઊંડો વિચાર કરવો જોઈએ."

તેમણે એ ઘટના વિશે સચોટ માહિતી આપનારું ગણાતું પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે સ્ટોનવૉલઃ ધ રાઇટ્સ ધેટ સ્પાર્ક્ડ ધ ગે રેવલ્યૂશન.

તેઓ કહે છે, "માનવજાતના ઇતિહાસ ભાગ્યે જ આવું બન્યું છે કે સ્વયંસ્ફુરણાથી કોઈ કાર્યવાહી થઈ હોય અને તેને કારણે માનવજાતનો ઇતિહાસ સારી દિશામાં વળ્યો હોય."

જોકે, હાલમાં એલએ ટાઇમ્સે નોંધ્યું હતું તે પ્રમાણે તે પોલીસ સામે ગે લોકોની તે પ્રથમ લડત નહોતી, પણ તે સૌથી મહત્ત્વની સાબિત થઈ હતી. દસેક વર્ષ પહેલાં પણ એક ઘટનામાં ગે લોકોએ પોલીસ પર રોષે ભરાઈને ડોનટ્સનો મારો ચલાવ્યો હતો.

એમ કાર્ટર કહે છે, "એક નાનકડી ઘટનાએ એક મોટી ઝુંબેશનું સ્વરૂપ લીધું હતું - તેને કારણે સ્ટોનવૉલની ઘટના ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. જોકે તેના ઊંડા સૂચિતાર્થો પણ રહેલા છે એમ તેમને લાગે છે."

"આવી ઘટનાઓ પ્રેરણા આપવાનું કામ કરતી હોય છે. અમેરિકાના ઇતિહાસમાં એમએલકે જ્યારે લિન્કન મેમોરિયલમાં તેમનું ભાષણ આપી રહ્યા હતા કે 'આઈ હેવ એ ડ્રીમ' ત્યારે પણ એવી જ ઘડી હતી. આઇવો જીમા માટે મરીન્સ સૈનિકોએ ઉઠાવેલો ધ્વજ પણ એવું જ પગલું ગણી શકાય."

જોકે, અન્ય બનાવોથી વિપરીત સ્ટોનવૉલની ઘટનાને શાળાનાં પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવતી નથી. તેને જોકે અન્ય રીતે યાદ કરાતી રહી છે - ફિલ્મો, પુસ્તકો અને હેરિટેજ તરીકે પણ.

2016માં સ્ટોનવૉલની આસપાસના વિસ્તારને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાયો હતો અને હાલમાં જ ન્યૂયોર્ક પોલીસ વિભાગે પણ તે વખતની દરોડાની ઘટના બદલે માફી પણ માગી છે.


માર્કની આગળની કાર્યવાહી

Image copyright NEW YORK PUBLIC LIBRARY

મિત્ર માર્ટી પાસેથી ચોક લઈને સંદેશ લખવા નીકળેલા માર્ક સેગલનું પછી શું થયું?

સ્ટોનવૉલ પર દરોડો પડ્યો ત્યારે ન્યૂયોર્કમાં આવ્યાને તેને છ અઠવાડિયાં જ થયાં હતાં.

તેઓ એક રાતના છ ડૉલર ચૂકવીને વાયએમસીએમાં રહેતા હતા. તેમના માટે વિરોધ કરવો એ નવી વાત નહોતી.

નાનપણમાં જ તેમણે પ્રથમ વાર બળવો કર્યો હતો. યહૂદી કિશોર તરીકે ફિલાડેલ્ફિયાની સ્કૂલમાં ઑનવર્ડ ક્રિશ્ચિયન સોલ્જરો ગાવાની તેમણે ના પાડી દીધી હતી.

તેઓ 13 વર્ષના હતા ત્યારે તેમના પિતા પ્રથમ વાર તેમને નાગરિક અધિકારો માટેની રેલીમાં લઈ ગયા હતા.

તે રાત્રે સ્ટોનવૉલની બહાર ઊભા રહીને તેમણે વિચાર્યું હતું: "સ્ત્રીઓએ, આફ્રિકન અમેરિકનો અને ઇતિહાસમાં અનેક લોકોએ પોતાના અધિકારો માટે લડત આપી હતી તે રીતે જ અમે અમારા અધિકારો માટે લડી રહ્યા છીએ."

તે રાત્રે પોલીસ એક પ્રતીક હતી. તેઓ કહે છે, "મારા વિશે હું સિનેગોગ અને મારા પરિવારને નહોતો જણાવી શક્યો તેના પ્રતીક જેવી પોલીસ હતી. તેના કારણે જ મારે મારું શહેર છોડવું પડ્યું હતું અને ન્યૂયોર્ક આવવું પડ્યું હતું."

ધર્મ, મીડિયા, સરકાર, અમને ધક્કા મારનારા બધા જ પરિબળોના પ્રતિનિધિ તરીકે પોલીસ હતી."


સ્ટોનવૉલ માત્ર એક લડાઈ નહોતી, જોશ હતો

Image copyright MARK SEGAL

તેઓ કહે છે કે સ્ટોનવૉલ માત્ર એક લડાઈ નહોતી, તે એક જોશ હતો અને તેના કારણે જીવનનો એક હેતુ મળ્યો હતો.

તેઓ હવે આ નવા હેતુ પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દેવા માગતા હતા.

તેઓ પ્રથમ GLF સંસ્થામાં જોડાયા, જ્યાં રહીને તેઓ યુવાનોને તેની સાથે જોડવાનું કામ કરતા રહ્યા.

તેમણે બીજું પણ એક કામ હાથમાં લીધું હતું, અમેરિકાના મુખ્યધારામાં ગે લોકોની હાજરી વધારે સ્પષ્ટપણે દેખાતી કરવી. આ માટે તેમણે જાહેરમાં હલચલ મચાવવાની રીત અપનાવી હતી. તે બદલ તે લોકોને 'zaps' નામે ઓળખવામાં આવતા હતા.

1973માં તેઓ CBS ટીવીના પ્રાઇમટાઇમ સમાચાર કાર્યક્રમમાં અચાનક ઘૂસી ગયા હતા. દંતકથા બની ગયેલા વૉલ્ટર ક્રૉન્કાઇટના સંચાલનમાં ચાલતો તે કાર્યક્રમ 6 કરોડ લોકો જોતા હતા.

"CBSના ભેદભાવનો ગે લોકો વિરોધ કરે છે" એવા પાટિયા સાથે તેઓ કૅમેરા સામે આવી ગયા હતા.

બાદમાં ફિલાડેલ્ફિયામાં તેમણે ગે અખબાર પણ શરૂ કર્યું હતું અને ગે પત્રકારત્વમાં તેઓ પહેલ કરનારા બની રહ્યા હતા. સમાનતા માટેની તેમની ઝુંબેશના કારણે પ્રમુખ બરાક ઓબામાએ પણ તેમની સાથે મુલાકાત કરી હતી.

50 વર્ષ પહેલાં તેમના હાથમાં એક ચોક આપવામાં આવ્યો ત્યારે ખાલી ખિસ્સા ધરાવતા એક કિશોર તરીકે તેઓ પોતાનું કે દેશનું જીવન કઈ દિશામાં જશે તેની કલ્પના પણ કરી શકે તેમ નહોતા.

"મને અંદાજ પણ નહોતો કે એક દિવસ મારા પતિ સાથે હું વ્હાઇટહાઉસમાં નૃત્ય કરી શકીશ. તેથી હું કોઈ યુવાન હોય અને પોતાની સજાતીયતાની કબૂલાત કરવા માગતા હોય તેને એટલું જ કહીશ કે હંમેશાં 'મોટાં સપનાં જુઓ'."

લેખકને ફોલો કરવા માટે @tom_geoghegan

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

આ વિશે વધુ