ભારતે કે પાકિસ્તાન કોની પાસે છે વધારે પરમાણુ બૉમ્બ છે?

ઇમરાન ખાન અને મોદી Image copyright Getty Images

ભારત અને પાકિસ્તાનમાં છેલ્લાં દસ વર્ષમાં પરમાણુ બૉમ્બની સંખ્યા બમણીથી વધુ થઈ છે અને હાલના વર્ષોમાં પાકિસ્તાને ભારતની સરખામણીએ વધુ બૉમ્બ બનાવ્યા છે.

દુનિયામાં હથિયારોની સ્થિતિ અને વૈશ્વિક સુરક્ષાનું વિશ્લેષણ કરતી સ્વિડનની સંસ્થા 'સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે' પોતાના આ વખતના વાર્ષિક અહેવાલમાં આ વાત કરી છે.

ઇન્સ્ટિટ્યૂટના પરમાણુ નિઃશસ્ત્રીકરણ, શસ્ત્ર નિયંત્રણ અને અપ્રસાર કાર્યક્રમના નિદેશક શેનન કાઇલે બીબીસી સંવાદદાતાને જણાવ્યું કે દુનિયામાં પરમાણુ હથિયારોનું કુલ ઉત્પાદન ઓછું થઈ ગયું છે, પરંતુ દક્ષિણ એશિયામાં તે વધી રહ્યું છે.

તેમણે કહ્યું, "વર્ષ 2009માં અમે કહ્યું હતું કે ભારત પાસે 60થી 70 પરમાણુ બૉમ્બ છે. એ સમયે પાકિસ્તાન પાસે લગભગ 60 પરમાણુ બૉમ્બ હતા, પરંતુ આ દસ વર્ષ દરમિયાન બંને દેશોએ પોતાના પરમાણુ બૉમ્બની સંખ્યા બમણીથી વધુ કરી દીધી છે."


Image copyright Getty Images

શેનન કાઇલે કહ્યું કે પાકિસ્તાન પાસે હવે ભારતથી વધુ પરમાણુ બૉમ્બ છે. વિવિધ સ્રોત પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આપણે કહી શકીએ કે ભારતમાં હવે 130થી 140 પરમાણુ બૉમ્બ છે, જ્યારે પાકિસ્તાન પાસે 150થી 160 પરમાણુ બૉમ્બ છે.

શેનન કિલ કહે છે કે હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે જે બૉમ્બની વધતી સંખ્યા તરફ ઇશારો કરે છે.

જોકે બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારોની એવી કોઈ હોડ નથી જે શીતયુદ્ધ દરમિયાન અમેરિકા અને રશિયા વચ્ચે જોવા મળતી હતી.

તેમણે કહ્યું, "હું આને સ્ટ્રૅટેજિક આર્મી કૉમ્પિટિશન અથવા રિવર્સ મોશન ન્યુક્લિયર આર્મી કહીશ. મને લાગે છે કે ભવિષ્યમાં આ સ્થિતિમાં કોઈ પરિવર્તન જોવા મળશે નહીં."

2019માં કોની પાસે કેટલા પરમાણુ બૉમ્બ

અમેરિકા 6185

રશિયા 6500

બ્રિટન 200

ફ્રાન્સ 300

ચીન 290

ભારત 130-140

પાકિસ્તાન 150-160

ઇઝરાયલ 80-90

ઉત્તર કોરિયા 20-30


કેટલો ખર્ચ અને કોની પાસે કેટલા બૉમ્બ

Image copyright Getty Images

શેનન કાઇને એવું પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાનમાં પરમાણું હથિયારને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરંતુ એ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે સરકાર તેના પર કેટલો ખર્ચ કરે છે.

"આ એક મોટો સરકાર કાર્યક્રમ છે અને કમનસીબે એના વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. જો વધુ માહિતી મળે તો જાણી શકાય કે તેઓ આ કાર્યક્રમ પાછળ કેટલો ખર્ચ કરે છે."

પરમાણુ સુરક્ષા અને તેને સુરક્ષિત રાખવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે બંને સરકાર સંપૂર્ણ સુરક્ષાના દાવા કરે છે. તેઓ કહે છે કે આ પરમાણુ બૉમ્બ સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં કહેવાયું છે કે દુનિયામાં પરમાણુ બૉમ્બની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ પરમાણુ હથિયાર પ્રણાલિઓના આધુનિકીકરણ પર કામ ચાલુ છે.

પહેલાંની તુલનામાં અમેરિકા, રશિયા અને બ્રિટનમાં પરમાણુ હથિયારોની સંખ્યામાં ઘટાડો થયો છે.

અમેરિકા પાસે 6,185 પરમાણુ બૉમ્બ છે, જ્યારે રશિયા પાસે 6,500 છે.

બ્રિટન પાસે પરમાણુ બૉમ્બની સંખ્યા 200 અને ફ્રાન્સ પાસે 300 બૉમ્બ છે.

જ્યારે ચીન પાસે 290 અને ઇઝરાયલ પાસે 80થી 90 પરમાણુ બૉમ્બ છે.

એવું અનુમાન છે કે ઉત્તર કોરિયાએ 20થી 30 પરમાણુ બૉમ્બ બનાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.