ઈરાનને ઝુકાવવા અમેરિકાનો ડબલ ઍટેક, એક તરફ સાયબર સ્ટ્રાઇક તો બીજી તરફ વધુ કડક પ્રતિબંધો

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સીધો હુમલો કરવાનું ઑપરેશન અટકાવી દીધા પછી હવે અમેરિકાએ ઈરાન પર સાયબર હુમલાઓ શરૂ કર્યા છે.
આ હુમલાઓ દ્વારા અમેરિકા ઈરાનની આર્મીની હથિયાર વ્યવસ્થાને નિશાન બનાવવા માગે છે. તેનું સંચાલન ઑફલાઇન કરી દેવા માગે છે.
વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ રૉકેટ અને મિસાઇલ સિસ્ટમને નિયંત્રિત કરનારી કમ્પ્યૂટર વ્યવસ્થાને નિશાન બનાવવામાં આવી છે.
તો ન્યૂયૉર્ક ટાઇમ્સનું કહેવું છે કે તેલ ટૅન્કર પર હુમલો અને ત્યારબાદ અમેરિકન ડ્રૉનને ઈરાને તોડી પાડ્યા પછી અમેરિકાએ આ પગલું લીધું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સાયબર હુમલાઓ અનેક અઠવાડિયાં સુધી ચાલુ રહી શકે છે. આનો ઉદ્દેશ ઈરાનની આર્મી, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ જેનો ઉપયોગ કરે છે તે વ્યવસ્થાને તોડી પાડવાનો છે. આ હુમલાને પગલે હથિયારોની ઑનલાઇન કામગીરી ઠપ થઈ જશે અને તેનું સંચાલન ઑફલાઇન થઈ જશે.
શનિવારે અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે ચેતવણી આપી હતી કે ઈરાને અમેરિકા વિરુદ્ધ સાયબર હુમલાઓ વધારી દીધા છે.
આ સિવાય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વધારે કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે જ્યાં સુધી ઈરાન તેનું વલણ નહીં બદલે ત્યાં સુધી વધારે કડક પ્રતિબંધો લદાશે.
એમણે પત્રકારોને કહ્યું કે અમે કેટલાક વધુ પ્રતિબંધો લાગુ કરવા જઈ રહ્યા છીએ અને કેટલાક તો તાત્કાલિક લાગુ કરવામાં આવશે.
2015ની પરમાણુ સમજૂતી મુજબ ઈરાનના યુરેનિયમ સંવર્ધનની સીમા નિયત કરવામાં આવી હતી. આના બદલામાં ઈરાન પર લાદવામાં આવેલા કેટલાક પ્રતિબંધોને હઠાવી દેવામાં આવ્યા હતા અને તે મુજબ ઈરાનને તેલની નિકાસની છૂટ આપવામાં આવી હતી. તેલની નિકાસ જ ઈરાનનો આવકનો મુખ્ય સ્રોત છે.
ઈરાનની અર્થવ્યવસ્થાને ઝટકો
પરંતુ અમેરિકાએ આ સમજૂતી તોડી નાખી અને ઈરાન પર ફરીથી પ્રતિબંધો લાદી દીધા. આનાથી ઈરાનની અર્થવ્યવસ્થાને ખરાબ અસર પહોંચી. ત્યાં સુધી કે એના ચલણના ભાવમાં ઘટાડો થયો અને વિદેશી રોકાણકારો પણ પોતાના હાથ પાછળ ખેંચવા લાગ્યા.
ટ્રમ્પે કહ્યું કે ઈરાન જો એક સમૃદ્ધ દેશ બનવા માગતું હોય તો મને કોઈ વાંધો નથી, પરંતુ જો એમને લાગતું હોય કે પાંચ-છ વર્ષમાં એમની પાસે પરમાણુ હથિયાર હશે તો એવું નહીં થાય.
પછી એક ટ્ટીટમાં એમણે લખ્યું કે સોમવારથી ઈરાન સામે વધારે આકરાં પગલાં ભરવામાં આવશે.
બીબીસીના સુરક્ષા મામલાઓના સંવાદદાતા જોનાથન માર્ક્સનું માનવું છે કે આ વધી રહેલા તણાવનો કૂટનીતિક ઉકેલ મળી આવશે આ વાતે એમને શંકા છે.
તેઓ કહે છે કે ટ્રમ્પ ઈરાન પર સૈન્યશક્તિનો ઉપયોગ કદાચ જ કરશે, પરંતુ તેઓ આર્થિક પ્રતિબંધોને કડક કરવાને લઈને અડગ છે. આ નીતિએ બેઉ દેશોને યુદ્ધની સ્થિતિમાં લાવીને મૂકી દીધા છે.
ઈરાનની અર્થવ્યવસ્થાને ખરાબ રીતે અસર પહોંચી છે અને તે અન્ય દેશો સાથે કરેલા પરમાણુ કરારની કેટલીક શરતો તોડવાની ધમકી આપી રહ્યું છે.
ટ્રમ્પ ઈરાન સાથે સમજૂતી કરવાની વાત પણ કરી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ કહ્યું હતું કે ઈરાન જો એક સામાન્ય દેશ તરીકેનો વર્તાવ કરે તો બિનશરતી સંવાદ થઈ શકે છે.
જોકે ઈરાન આને ફક્ત શબ્દોનો ખેલ ગણાવે છે. વળી, ટ્રમ્પના આ નવા પ્રતિબંધો તણાવ ઘટાડવાનું કામ નહીં કરે.
ગત વર્ષે અમેરિકાએ ફરીથી ઈરાન પર ઊર્જા, શિપિંગ અને અન્ય આર્થિક ક્ષેત્રોમાં પ્રતિબંધ લાગુ કર્યા હતા. આનાથી ઈરાનને ખૂબ નુકસાન થયું અને તેલની નિકાસ પર પણ અસર પહોંચી.
આ પ્રતિબંધો મુજબ અમેરિકન કંપનીઓ ઈરાન સાથે વેપાર ન કરી શકે અને અન્ય વિદેશી કંપનીઓ ઈરાન સાથે વેપાર કરે તો તેમને પણ અસર પહોંચે.
આને કારણે ઈરાનમાં પ્રાથમિક વસ્તુઓની અછત સર્જાઈ, ઈરાની ચલણ રિયાલનું મૂલ્ય ઘટ્યું અને તેને પગલે ઈંડાં અને માંસનો ભાવ વધ્યો અને મોંઘવારી વધી.
યુદ્ધ જેવી સ્થિતિ
ઈરાને પણ આનો જવાબ પરમાણુ કરારની કેટલીક શરતોનું ઉલ્લંઘન કરીને આપ્યો છે. ઈરાને યુરોપિયન દેશો પર આરોપ મૂક્યો કે અમેરિકાના પ્રતિબંધો સામે ઈરાનનો બચાવ ન કરીને આ દેશોએ ઈરાનની અર્થવ્યવસ્થાને બચાવવાનું પોતાનું વચન તોડ્યું છે.
ટ્રમ્પની ઈરાન પર વધારે પ્રતિબંધોની ઘોષણા એ સમયે આવી છે જ્યારે બેઉ દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે.
ગુરુવારે એક અમેરિકન ડ્રૉનને ઈરાનની સેનાએ તોડી પાડ્યું હતું.
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ કૉર્પ (આઈઆરજીસી)નું કહેવું છે કે ડ્રૉને ઈરાની હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું.
જોકે અમેરિકન સૈન્યનું કહેવું છે કે હુમલો કરાયો ત્યારે ડ્રૉન આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર હતું.
અમેરિકન સૈન્યને આને 'કોઈ કારણ વગરનો હુમલો' ગણાવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું, 'ઈરાને બહુ મોટી ભૂલ કરી છે.'
આઈઆરજીસીના કમાન્ડર મેજર-જનરલ હુસૈન સલામીએ કહ્યું કે અમેરિકા માટે આ સ્પષ્ટ સંદેશ છે કે ઈરાનની સરહદનો જ્યાં પ્રારંભ થાય છે ત્યાં અમેરિકા માટે જોખમ શરૂ થાય છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે ખટરાગનું કારણ શું?
એક તરફ જ્યાં અમેરિકા પોતાના સહયોગી દેશોને ઈરાન પાસેથી તેલ ન ખરીદવા માટે મજબૂર કરીને તેની અર્થવ્યવસ્થાને ધરાશાયી કરવા માગે છે.
સામે ઈરાનનું કહેવું છે કે તે કોઈ પણ હાલતમાં અમેરિકા સામે ઝૂકવાનું નથી.
અમેરિકા ગત વર્ષે ઈરાન સહિત છ દેશોની વચ્ચે થયેલી પરમાણુ સંધિમાંથી બહાર થઈ ગયું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ સમજૂતી રદ કરવા પાછળનું કારણ એ દર્શાવવામાં આવે છે કે તે 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમય દરમિયાન થયેલી સંધિથી ખુશ ન હતા.
અમેરિકાએ યમન અને સીરિયા યુદ્ધમાં ઈરાનની ભૂમિકાની આલોચના પણ કરી હતી.
ટ્રમ્પ વહીવટી તંત્રને આશા હતી કે તે ઈરાન સરકારને આ નવી સંધિ કરવા માટે મજબૂર કરી દેશે અને આની અંદર ઈરાનને માત્ર પરમાણુ કાર્યક્રમ નહીં, પરંતુ બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પણ હશે.
અમેરિકાનું એ પણ કહેવું છે કે આનાથી મધ્ય પૂર્વમાં ઈરાનનું 'અશિષ્ટ વર્તન' પણ નિયંત્રિત થશે.
જોકે ઈરાન અમેરિકાના પ્રતિબંધોને ગેરકાનૂની ગણાવે છે.
ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે કહ્યું હતું કે તેમની પાસે અમેરિકી પ્રતિબંધોનો જવાબ આપવા માટે અનેક વિકલ્પ છે.
તેમણે કહ્યું કે જો ઈરાનને તેનું તેલ વેચવાથી રોકવામાં આવ્યું તો તેનાં ગંભીર પરિણામ આવશે.
ઈરાનના ઉચ્ચ જનરલે પણ કહ્યું હતું કે જો ઈરાનને વધારે અવરોધોનો સામનો કરવો પડશે તો તે સામૂહિક રીતે મહત્ત્વપૂર્ણ હોરમુજ જળસંધિ માર્ગને બંધ કરી શકે છે.
તેમણે કહ્યું, 'જો અમારાં તેલનાં વહાણો જળસંધિમાંથી નહીં જાય તો બાકીના દેશનાં તેલનાં વહાણો પણ જળસંધિ પાર કરી શકશે નહીં.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો