'મારે 35 સંતાનો છે પણ અસલમાં મારાં એકેય નથી'

યુચી ઈશી
ફોટો લાઈન યુચી ઈશી

યુચી ઈશીએ વાલી, મિત્ર કે સગા તરીકેનો દેખાવ કરવા માટે અભિનેતાઓ ભાડે આપવાનું કામ કરતી કંપનીની સ્થાપના કરી છે. બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે એક સાથે ઘણાં બધાં કુટુંબો સાથે સંકળાયેલા હોવાનો અહેસાસ થાય, પણ આમ તો એક પણ પરિવાર સાથે સીધો કોઈ સંબંધ હોતો નથી.

યુચી ઈશી સાવ જ એકવડિયા બાંધાનાં છે અને થાકેલા લાગતા તેમના ચહેરા પરની કોમળ આંખો તમને તાકીને જોયા કરે છે.

આવી હાલતમાં તેઓ હોય તેની નવાઈ ના લાગવી જોઈએ કેમ કે, માત્ર 38 વર્ષની ઉંમરે તેમની પાસે એટલાં સંતાનો છે, જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય.

જોકે, તેઓ આ બાળકો સાથે અઠવાડિયે બે દિવસ માટે દિવસના ચારેક કલાક, અથવા જેવી ગ્રાહકની જરૂરિયાત તે મુજબનો સમય વિતાવે છે.

દસ વર્ષ પહેલાં ઈશીએ 'ફૅમિલી રોમાન્સ' નામે કંપનીની સ્થાપના કરી હતી, જેમનું કામ છે 'સગાઓ અને મિત્રો' ભાડે આપવાનું.

કંપનીમાં 2,200 જેટલા લોકો કામ કરે છે, જે પિતા, માતા, પિતરાઈ, કાકા, મામા, માસા, દાદા, દાદી જેવી જરૂરિયાત પ્રમાણેની ભૂમિકા તૂટી ગયેલાં કુટુંબો માટે ભજવે છે.

આ કંપની અને તેના કરિશ્માઈ સ્થાપકની લોકપ્રિયતા આ વર્ષો દરમિયાન વધતી જ રહી છે.

આજે ઈશી 35 સંતાનોના 'પિતા' છે અને બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે પોતાને જુદા-જુદા 25 પરિવારો સાથે નાતો હોય તેવી લાગણી છે, ભલે વાસ્તવમાં એકેય સાથે તેને કોઈ સંબંધ ના હોય.


'નકલી પણ ઉષ્માપૂર્ણ'

ઈશી કહે છે કે 'ફૅમિલી રોમાન્સ' કંપનીનો વિચાર તેમને 14 વર્ષ પહેલાં આવ્યો હતો. તે વખતે એક મહિલા મિત્રના દીકરાને ખાનગી નર્સરી સ્કૂલમાં દાખલ કરવાનો હતો, પણ તેના માટે બાળક સાથે માતાપિતા બંનેના ઇન્ટરવ્યૂ જરૂરી હતા.

તે મિત્ર કુંવારી જ માતા બની હતી. તેથી ઈશી તેના સંતાનના પિતા તરીકે સાથે ગયા.

તેઓ ઉમેરે છે, "જોકે તેનાથી કામ થયું નહીં, કેમ કે હું અને બાળક એક જ પરિવારના હોઈએ તેવી રીતે વર્તી શક્યા નહીં, પણ મને લાગ્યું કે કુટુંબની આવી જરૂરિયાત હોય તેમાં કશુંક કરી શકાય ખરું."

"ફૅમિલી રોમાન્સ લોકોની અમુક પ્રકારની આવી જરૂરિયાતો હોય છે તેને પૂરી કરવાનું કામ કરે છે."

"આમ હું નકલી હોઉં છું, પણ થોડા કલાકો માટે હું ખરેખર તમારો મિત્ર કે સગો બની શકું છું."


ભાડે મળતા મિત્રો અને સગા

ઈશીના ગ્રાહકોની જાતભાતની જરૂરિયાતો હોય છે.

કેટલાંક માતાપિતાની એવી ઈચ્છા હોય છે કે તેઓ પોતાના સંતાનને દાદા-દાદી, નાના-નાનીને મળે પણ કોઈક કારણસર તેમના વડીલો હોતા નથી.

આવી જરૂરિયાત હોય ત્યારે ઈશી ગ્રાહકની ઊંચાઈ, દેખાવ, વાળ અને ઉંમર વગેરેને ધ્યાનમાં રાખીને વડીલ લાગે તેવી વ્યક્તિને કામ સોંપતા હોય છે.

ઈશી કહે છે, "ઘણા લોકો મિત્રો બનાવી શકતા નથી, તેઓ પણ અમારી પાસેથી મિત્ર ભાડે લઈ શકે છે."

"અમે ખરેખર મિત્ર હોઈએ તેવી રીતે જ વર્તીએ છીએ. સાથે ખરીદી કરવા અને ફરવા જઈએ, તેમની સાથે વાતો કરીએ."

કેટલાક યુવાનો પાર્ટીમાં જવા માટે નકલી પ્રેમીઓને પણ ભાડે કરે છે.

ઘણી વાર વૃદ્ધ લોકો કોઈને દીકરી તરીકે મોકલવા કે પછી પૌત્રો તરીકે ભૂમિકા ભજવવા માટે કર્મચારીઓને મોકલવા કહેતા હોય છે.

કેમ કે, તેમને ફરીથી કુટુંબમેળામાં રહેવાની ઈચ્છા થતી હોય છે.

ઘણી વાર જેમને ખરેખર કુટુંબ ના હોય તેઓ કુટુંબની હૂંફનો અનુભવ લેવા માટે પણ સેવા લેતા હોય છે.


સૌથી વધુ માંગ છે પિતાના પાત્રની

Image copyright Getty Images

ઈશી કહે છે કે સૌથી વધુ માંગ પિતાના પાત્રની હોય છે.

જાપાનમાં દર વર્ષે 2,00,000 છુટ્ટાછેડા થાય છે અને ઘણાં કુટુંબોમાં એક જ વાલી હોય છે.

ઈશી કહે છે કે બીજા સમાજોની જેમ જાપાનમાં પણ એક જ વાલી સાથેના પરિવારોને અનેક સામાજિક મુશ્કેલીઓ નડતી હોય છે અને સામાજિક જરૂરિયાતો પૂરી કરવા માટે તેમની સર્વિસ ઉપયોગી થતી હોય છે.

તેઓ ઉમેરે છે, "જોકે, દરેક પરિવારને ઉપયોગી થાય તેવું કોઈ એક જ મૉડલ હોતું નથી."

"કેટલાક [ગ્રાહકો] સૌમ્ય પિતા ઇચ્છતા હોય છે, જ્યારે કેટલાકની માગણી કડક સ્વભાવના પિતાની કે અનોખા અંદાજના પિતાની હોય છે."

"અમે તે પ્રમાણે વ્યવસ્થા કરી આપીએ છીએ. દાખલા તરીકે કડક વાલીની ભૂમિકા ભજવવાની હોય તે કન્સાઈ બોલીનો ઉપયોગ કરતા હોય છે [કેમ કે આ બોલી જાપાની ભાષા કરતાં વધારે કડક લાગતી હોય છે."

બાળક થોડું મોટું થઈ ગયું હોય તો કોઈ કથા ઘડી કાઢવી પડે કે આટલો સમય પિતા કેમ તેમનાથી દૂર રહ્યા હતા.

ઈશી કહે છે કે સૌથી વધુ મુશ્કેલ સ્થિતિ ત્યારે આવે જ્યારે જેમને બાળકો ગણીને લાડકોડ કરાવ્યો હોય તેમને કોઈ બહાનું બતાવીને અલવીદા કહેવાનું આવે.

"બાળકોને મનાવવા કંઈ સહેલું નથી હોતું. બાળક રડવા લાગે તે સહન કરવું બહુ મુશ્કેલ હોય છે. અમારા કામની આ સૌથી અઘરી બાબત છે."


મારે ખુદના સંતાનોને યાદ કરવા પડે

Image copyright Getty Images

'ફૅમિલી રોમાન્સ'નો કોઈ પણ કર્મચારી વધુમાં વધુ પાંચ પરિવારો માટે કામ કરી શકે, પરંતુ ઈશી કંપનીની સ્થાપનાથી કામ કરી રહ્યા છે, તેથી તેઓ અત્યારે 25 પરિવારો સાથે સંકળાયેલા છે.

કુલ 35 સંતાનો એવાં છે, જે તેમને પિતા ગણે છે અને મિત્ર તથા સગા તરીકેની બીજી 69 ભૂમિકાઓ પણ તેઓ ભજવી રહ્યા છે.

ઈશી કહે છે, "હું ગ્રાહકના ઘરે પહોંચું તે પહેલાં મારે તે પરિવાર વિશેની રજેરેજની માહિતી જાણી લેવી પડે. મેં નોટબુક રાખી છે, જેમાં બધાનાં નામો હોય છે અને તેમના વિશેની વિગતો નોંધેલી હોય છે,"

"ક્યારેય હું હુલામણું નામ ભૂલી જાવ કે એવી કોઈ ગફલત થાય. એવું થાય ત્યારે હું બાથરૂમ જવાનું બહાનું કાઢું અને નોટબુકમાં માહિતી જોઈ લઉં છું."

આવી ભૂલો છતાં તેમણે પોતાની ભૂમિકા ભજવતી જ રહેવી પડે છે. સવારે બાળકોને શાળાએ મૂકી આવવા, ક્યારેક કોઈને મળવા જવાનું હોય, સાંજે મૅચ જોવા જવાનું હોય કે રાત્રે જમવા જવાનું હોય, તે બધી ફરજો ભજવવાની હોય છે.

"સતત કામ ચાલતું રહે છે અને મને તો વૅકેશન પણ મળતું નથી," એમ તેઓ કહે છે.

"મેં એવું નક્કી કર્યું છે કે ગમે તેટલો થાકી ગયો હોઉં, મારો અંગત સમય મધરાતથી મોડી રાતના ત્રણ વાગ્યા સુધીનો ગણવો. તે દરમિયાન મનગમતી ફિલ્મો જોઉં કે ચિત્રો દોરું છું, એ જ મારું વૅકેશન. હું રોજ લગભગ ત્રણ કલાક ઊંઘ લઉં છું."


વેપાર અને લાગણીઓ

Image copyright Getty Images

ઈશીએ લગ્ન કર્યું નથી અને તેમને પોતાનાં કોઈ સંતાનો નથી અને તેઓ ઈચ્છતા પણ નથી.

તેમને લાગે છે કે પોતાનો જ પરિવાર હશે તો બીજા 25 બાળકો સાથે તેમણે લાગણીનો અભિનય કર્યો છે તેનું શું થશે.

"હું પોતે પરણી જાઉં તો તે લોકોને કેવું લાગશે?" એવો સવાલ ઈશી પૂછે છે.

"મારાં પોતાનાં સંતાનો હશે તો મને લાગે છે કે હું પણ તેમને નકલી બાળકો સમજવા લાગીશ અને બધી બાબતોમાં ગોટાળો થઈ જશે."

ઈશી કહે છે કે તેમના પાત્રે બીજા પરિવારો અને મિત્રો તરફ લાગણી દર્શાવવાની હોય છે, પણ આ વેપારમાં પરસ્પરના ભરોસે કામ કરવાનું હોય છે.

અભિનેતા અને ગ્રાહક કુટુંબ વચ્ચે તેમના સંબંધોની મર્યાદા શું છે તે વાત સમજવાની હોય છે.

દાખલા તરીકે ચુંબન કે સહવાસ કરવાથી દૂર રહેવું પડે, માત્ર હાથ પકડવાનો. કંપની 30 પ્રકારની સેવાઓ આપે છે અને તેના દરેકના જુદા-જુદા નિયમો છે.

ચાર કલાકની સેવા માટે ગ્રાહકે 20,000 યુઆન (લગભગ 180 ડૉલર) ઉપરાંત આવવાજવાનું ભાડું અને ચા-નાસ્તાનો ખર્ચ આપવાનો રહે.

ઈશી કહે છે, "સિંગલ મધર માટે આ સેવા સસ્તી નથી."


આકરું સત્ય

Image copyright Getty Images

'ફૅમિલી રોમાન્સ'નું સૂત્ર છે "વાસ્તવિકતાને પાર સુખ", પણ સાચી વાત છે કે લાંબો સમય સુધી સત્ય છુપાવી રાખવું મુશ્કેલ હોય છે.

ઈશી યાદ કરે છે કે તેની એક દીકરી 20 વર્ષની થઈ ગઈ છે અને હજી પણ માને છે કે તે જ એના સાચા પિતા છે.

ઈશી માને છે કે વાલીઓએ એક તબક્કે સંતાનોને વાસ્તવિકતાથી વાકેફ કરી દેવા જોઈએ. જોકે, થોડા અફસોસ સાથે તેઓ કહે છે, "પણ તે અંગેનો નિર્ણય હું ના કરી શકું."

તેમને લાગે છે કે સમાજ સ્વતંત્ર વ્યક્તિત્વપણાને સ્વીકારી શકતો નથી, તેથી આવી સેવાની જરૂર પડે છે.

તેઓ કહે છે, "જાપાનની સંસ્કૃતિ અન્ય લોકો માટે આવકાર, સન્માન અને આદર ધરાવે છે. ખરાબ વાત એ છે કે આપણે સતત નૈતિકતાનો વિચાર કર્યા કરીએ છીએ અથવા બીજા શું વિચારે છે તેની જ ચિંતા કર્યા કરીએ છીએ,"

"આપણે જેવા છીએ તેવા રહેવામાં અને પોતાની જાતને વ્યક્ત કરવામાં બહુ મુશ્કેલી નડે છે."

"આપણા સમાજમાં આવી સેવાની જરૂર જ ના પડે તે વધારે સારી સ્થિતિ છે, પણ અત્યારે તો એવી સ્થિતિ છે નહીં."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા