પાંજરામાં પૂરેલા મૃતદેહોનાં એ ખેતરો જેના પર વિવાદ થઈ રહ્યો છે

લાશનું ખેતર Image copyright IFAAS/USF

ચેતવણી : આ રિપોર્ટની કેટલીક તસવીરો તમને વિચલિત કરી શકે છે.

એક ખુલ્લા મેદાનમાં જરૂર કરતાં વધારે ઊગતું ઘાસ. દૂરથી જોવા પર આ જગ્યા ફરવા માટે સુંદર લાગે છે. પરંતુ આસપાસના છોડથી આશરે એક મીટર ઊંચુ ઘાસ કોઈ ખાસ કારણોસર વધારવામાં આવ્યું છે.

આ ઘાસમાં મનુષ્યની લાશો પડી છે, જે ઘણાં અઠવાડિયાંથી અહીં સડી રહી છે.

આજે એક ગરમ અને બફારો આપે તેવો દિવસ છે. જ્યારે તમે આ વધેલા ઘાસ વચ્ચે ચાલો છો તો લાશની દુર્ગંધ વધારે આવવા લાગે છે, તેના કારણે આંખમાંથી આંસુ પણ આવવા લાગે છે.

એક હેક્ટર કરતાં થોડા મોટા આ મેદાનમાં મનુષ્યોની 15 લાશ પડી છે. આ લાશો પર કપડાં નથી, કેટલીક ધાતુનાં પાંજરાંમાં રાખવામાં આવી છે.

કેટલીક લાશને બ્લૂ રંગના પ્લાસ્ટિકમાં લપેટવામાં આવી છે. કેટલીક લાશ નાના ખાડામાં પણ હતી.


લાશનાં ખેતરો

આ એક ઓપન એર ફૉરેન્સિક એન્થ્રોપૉલૉજી લૅબ છે. તેને યુનિવર્સિટી ઑફ ફ્લોરિડા ચલાવે છે.

આ લૅબ કાઉન્ટી જેલની નજીક સ્થિત ટેમ્પાના એક ગ્રામીણ વિસ્તારમાં છે.

જોકે, કેટલાક લોકો આ સ્થળને લાશના ખેતર તરીકે ઓળખે છે. વૈજ્ઞાનિકો તેને ફૉરેન્સિક કબ્રસ્તાન કે ટેમ્ફોનમી લેબ કહે છે. વૈજ્ઞાનિકો અહીં મૃત્યુ બાદ શરીરમાં થતી પ્રક્રિયાનું અધ્યયન કરે છે.

2017માં બનાવવામાં આવેલા આ ખેતરને પહેલા હિલ્સબોરામાં બનાવવામાં આવી રહ્યું હતું પરંતુ ત્યાં રહેતા લોકોએ તેનો વિરોધ કર્યો.

તેમનું કહેવું હતું કે તેના કારણોસર વિસ્તારમાં પ્રાણીઓ આવશે અને દુર્ગંધ ફેલાશે. તેના કારણે પ્રોપર્ટીના ભાવ ઘટી જશે.

માત્ર ત્યાં રહેતા લોકો જ આ ખેતરનો વિરોધ કરી રહ્યા ન હતા. કેટલાક વૈજ્ઞાનિકોએ પણ આ પ્રકારના લાશના ખેતરની ઉપયોગિતા પર સવાલ ઉઠાવ્યા અને એ પૂછ્યું કે તેમને બનાવવાથી શું ફાયદો થશે.


સડતી લાશો

આ પ્રકારનું આ એકમાત્ર ફાર્મ નથી, પરંતુ સમગ્ર અમેરિકામાં આવાં 6 બીજાં ફાર્મ પણ છે. જ્યારે ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને બ્રિટન જેવા દેશ પણ આ વર્ષે તેમને ખોલવાની તૈયારી કરી રહ્યા છે.

અહીં હાજર મોટા ભાગની લાશોને મૃત્યુ પહેલાં તેમણે જાતે જ દાન કરી હતી, જેછી વિજ્ઞાન માટે તેમનો ઉપયોગ થઈ શકે.

કેટલાક મામલે મૃતકોના પરિવારજનોએ પણ તેમને દાન કરી હતી.

બૉડી ફાર્મનો મુખ્ય ઉદ્દેશ એ જાણવાનો છે કે મનુષ્યનું શરીર કેવી રીતે સડે છે અને તેની આસપાસના પર્યાવરણ પર તેની શું અસર પડે છે.

વૈજ્ઞાનિકોને આશા છે કે તેનાથી મહત્ત્વપૂર્ણ ડેટા પ્રાપ્ત કરવામાં મદદ મળશે, જેનાથી અપરાધ સંબંધ કેસનો ઉકેલ લાવવા અને ફૉરેન્સિક મામલાઓને વધારે ઉત્તમ બનાવી શકશે.

ડૉ. એરિન કિમ્મરલેએ બીબીસીને કહ્યું, "જ્યારે કોઈ મરે તો એકસાથે ઘણું બધું થાય છે. સડવાની પ્રાકૃતિક પ્રક્રિયા સિવાય કેટલાંક પ્રકારનાં જંતુઓ આવી જાય છે અને આસપાસના પર્યાવરણમાં પરિવર્તન આવે છે."

આ સંસ્થાના ડાયરેક્ટર ડૉ. એરિન અને તેમની ટીમનું માનવું છે કે લાશોનું અસલી પર્યાવરણ અને અસલી ટાઇમમાં અધ્યયન કરવું મહત્ત્વપૂર્ણ છે.


સડવાની પ્રક્રિયાને સમજવી

ડૉ. એરિનનું કહેવું છે કે માનવ શરીરના સડવાની પ્રક્રિયા ઘણા તબક્કામાં થાય છે.

1.ફ્રેશ : જ્યારે હૃદયના ધબકારા બંધ થાય છે, આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે. તાપમાન નીચે પહોંચી જાય છે અને શરીરમાં લોહી વહેવાનું બંધ થઈ જાય છે. કેટલીક જગ્યાએ લોહી જમા થઈ જાય છે.

2.સોજો : બૅક્ટેરિયા શરીરનાં સૉફ્ટ ટીશ્યુને ખાવાનું શરૂ કરી દે છે અને ત્વચાના રંગમાં પરિવર્તન આવવા લાગે છે. ગૅસ બનવા લાગે છે. શરીર ફૂલી જાય છે અને સૉફ્ટ ટીશ્યૂ તૂટવા લાગે છે.

3.સક્રિય સડો : આ તબક્કામાં બૉડીનું વજન સૌથી ઓછું થઈ જાય છે. મોટા ભાગનાં સૉફ્ટ ટીશ્યુ તો જીવજંતુઓ ખાઈ જાય છે અથવા તો તેમાંથી તરળ પદાર્થ નીકળવા લાગે છે અને આસપાસના પર્યાવરણમાં ફેલાવા લાગે છે.

4.એડવાન્સ સડો : મોટા ભાગનાં સૉફ્ટ ટીશ્યુ ખવાઈ ગયાં હોય છે. બૅક્ટેરિયા અને જંતુઓ ઓછા થવા લાગે છે. જો લાશ માટીમાં રાખવામાં આવે તો આસપાસના છોડ મરી જાય છે અને માટીની એસિડિટીમાં પણ પરિવર્તન આવે છે.

5.સૂકેલા અવશેષ : ત્યારબાદ શરીરમાં જે બચે છે તે કોઈ હાડકાના ઢાંચા સમાન જોવા મળે છે. સૌથી પહેલાં તે ચહેરા, હાથ અને પગ પર દેખાય છે. જો લાશ માટીમાં છે તો આસપાસના છોડને પોષણ મળવા લાગે છે.

જોકે, એ નિશ્ચિત નથી કે દરેક તબક્કાનો ક્રમ આ પ્રમાણે જ રહેશે. તે પર્યાવરણ પર નિર્ભર કરે છે.

એ માટે ડૉ. એરિન અને તેમના સાથી ફૉરેન્સિક વૈજ્ઞાનિકોને લાગે છે કે આ પ્રકારના ફાર્મમાં સંશોધન ચાલુ રહેવું જોઈએ.


ઉપયોગી ડેટા

અલગ અલગ સ્થિતિઓનું અધ્યયન કરવા માટે કેટલાક મૃતદેહોને ધાતુના પાંજરામાં રાખવામાં આવે છે અને કેટલાકને ખુલ્લાં ખેતરોમાં રાખવામાં આવે છે.

વૈજ્ઞાનિકો જુએ છે કે આ સડેલા મૃતદેહોમાં શું થઈ રહ્યું છે. જંતુઓ સૉફ્ટ ટીશ્યૂ ખાય છે અને પાછળ છોડી દે છે ચામડી અને હાડકાં.

ખુલ્લામાં પડેલા મૃતદેહો પાસે ગીધ જેવાં પક્ષી પણ આવી જાય છે. તે ઘણી વખત મોટી સંખ્યામાં આવે છે.

ડૉ. એરિન કહે છે, "અમે દરેક મૃતદેહમાંથી વધારેમાં વધારે માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

સમગ્ર પ્રક્રિયા દરમિયાન વૈજ્ઞાનિકો દરરોજ ફાર્મમાં આવે છે અને મૃતદેહોમાં આવી રહેલા પરિવર્તનને નોટ કરે છે.

તેમની તસવીરો લે છે, વીડિયો બનાવે છે અને ધ્યાનથી જોઈને વિસ્તૃત નોટ્સ બનાવે છે.

તેઓ શરીરની પૉઝીશન અને લોકેશનને પણ જુએ છે. તેઓ એ વાતનું પણ ધ્યાન રાખે છે કે બૉડી પાણીની પાસે, જમીન પર કે જમીનની અંદર, પાંજરામાં કે ખુલ્લામાં છે.

ભૂસ્તરશાસ્ત્રી પણ તેમની સાથે મળીને કામ કરે છે અને જુએ છે કે આસપાસની માટી, પાણી, હવા અને ઝાડ પાન પર શું અસર થઈ રહી છે.

મૃતદેહમાંથી બહાર આવી રહેલા પદાર્થથી આસપાસના પર્યાવરણ પર શું અસર પડી રહી છે?

જ્યારે મૃતદેહ હાડકાના ઢાંચામાં પરિવર્તિત થાય છે તો તેને ડ્રાય લૅબમાં મોકલી દેવામાં આવે છે.

આ હાડકાંને સાફ કરીને રાખી દેવામાં આવે છે. પછી વિદ્યાર્થીઓ અને સંશોધકો તેનો ઉપયોગ કરે છે.


ઉકેલાયા ન હોય તેવા અપરાધ

વૈજ્ઞાનિકો દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ ફૉરેન્સિક અને કાયદાકીય મેડિસિન તપાસમાં કરવામાં આવે છે.

તેનાથી એ જાણી શકાય છે કે કોનું મૃત્યુ કેટલી વાર પહેલાં થયું છે. કોઈ જગ્યાએ મૃતદેહ કેટલા સમયથી પડ્યો છે કે પછી તેને બીજી કોઈ જગ્યાથી લાવીને બીજે ક્યાંક રાખી દેવામાં આવ્યો છે.

તેનાથી એ વ્યક્તિ અંગે પણ જરૂરી જાણકારી મેળવી શકાય છે. જેનેટિક ડેટા અને હાડકાનું વિશ્લેષણ કરવાથી કેસની તપાસ અને એવી હત્યાઓ મામલે માહિતી મળી શકે છે કે જેના વિશે કંઈ જ ખબર નથી.


મૃતદેહો સાથે કામ કરવાનો પડકાર

કેટલાક લોકોને આ કામ આશ્ચર્યમાં મૂકી શકે છે. મૃતદેહો, મરેલા લોકો સાથે કામ કરવું અને સડી રહેલા મૃતદેહોમાં થઈ રહેલા એક એક મિનિટના પરિવર્તનને રેકૉર્ડ કરવું મુશ્કેલીભર્યુ કામ લાગે છે.

ડૉક્ટર એરિન કહે છે કે માનસિક રીતે આ કામની તેમના પર કોઈ અસર પડતી નથી. મૃત્યુ સાથે જોડાયેલા ટેબુ વિશે તેઓ કહે છે, "એક પ્રોફેશનલ અને વૈજ્ઞાનિક હોવાના કારણે તમે આમ કરવાનું શીખી જાઓ છો."

તેમના જણાવ્યા પ્રમાણે સૌથી અઘરું કામ સબ્જેક્ટ વિશે જાણકારી મેળવવાનું હોય છે.

તેઓ કહે છે, "મોટા ભાગે અમે હત્યાઓ સાથે જોડાયેલી તપાસ માટે કામ કરીએ છીએ અને સૌથી પડકારજનક સ્થિતિ કોઈ અઘરા કેસમાં હોય છે."

"સૌથી જરૂરી બાબત એ છે કે એક મનુષ્ય બીજા મનુષ્ય માટે શું કરી શકે છે."

ઘણી વખત ડૉ. એરિન અને તેમના સાથી એ પરિવારોના સંપર્કમાં હોય છે, જેમણે 20થી 30 વર્ષ પહેલાં પોતાનાં બાળકોને ગુમાવી દીધાં હતાં અને તેઓ હજુ પણ તેમના અવશેષો શોધી રહ્યા છે.

તેઓ કહે છે કે તેમાં તેમનું કામ મદદ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં 1980થી અત્યાર સુધી 2,50,000 હત્યાઓના કેસ ઉકેલી ચૂક્યા છે.

ઑક્ટોબર 2017માં શરૂ થયા બાદ આ ફાર્મ માટે 50 મૃતદેહોનું દાન થયું છે અને 180 લોકો કહી ચૂક્યા છે કે તેઓ મૃત્યુ બાદ પોતાનો મૃતદેહ અહીં દાન કરશે.

તેમાં મોટા ભાગના લોકો વૃદ્ધ છે કે જેઓ પોતાના જીવનના અંતિમ તબક્કામાં જીવી રહ્યા છે.

જે લોકોને કોઈ સંક્રામક રોગ છે, તેમના મૃતદેહ લેવામાં આવતા નથી કેમ કે તેનાથી અધ્યયન કરી રહેલા સંશોધકોમાં સંક્રમણ ફેલાવવાનો ખતરો રહે છે.


વિવાદ

આ પ્રકારના બૉડી ફાર્મના કારણે વૈજ્ઞાનિકોને ડેટા ચોક્કસ મળે છે પરંતુ તેનાથી થતા ફાયદાની પોતાની સીમાઓ પણ છે.

બ્રિટનની એક વિશ્વવિદ્યાલયમાં જૈવિક અને ફૉરેન્સિકના વિશેષજ્ઞ પેટ્રિક રેનડોલ્ફ કહે છે કે ખુલ્લા મેદાનમાં આ પ્રકારના ઇન્સ્ટૉલેશનની ઘણી સમસ્યાઓ છે.

જોકે, બૉડી ફાર્મમાં થતા કામનું સામાન્યપણે તેઓ સમર્થન કરે છે, પરંતુ કહે છે કે ઘણા પ્રકારની વસ્તુઓ છે કે જેને નિયંત્રિત કરી શકાતી નથી.

તેને માત્ર મૉનિટર જ કરી શકાય છે. એ માટે આ પ્રકારના ફાર્મમાં લેવામાં આવેલા ડેટાની વ્યાખ્યા કરવી ખૂબ મુશ્કેલ છે.

ડૉ. એરિનને લાગે છે કે ભવિષ્યમાં આ પ્રકારની ઓપન એર લૅબથી ઘણો ફાયદો થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ