Top News : ટ્રમ્પ - જાતીય સતામણીનો આરોપ મૂકનારી મારા ટાઇપની નથી

આરોપ મૂકનારાં મહિલાની તસવીર Image copyright Getty Images

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે પોતાના પર લાગેલા જાતીય સતામણીના આરોપને ફરી એક વખત ફગાવ્યા છે.

તાજેતરમાં જ 75 વર્ષના લેખિકા એ. જૉન કૅરલે આરોપ લગાવ્યો હતો કે 1990માં ટ્રમ્પે ન્યૂ યૉર્કના એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં તેમનું જાતીય શોષણ કર્યું હતું.

ટ્રમ્પે કહ્યું કે 'તે સદંતર જૂઠું બોલી રહી છે.'

ટ્રમ્પે કહ્યું, "હું સન્માનપૂર્વક મારી વાત કહેવા માગું છું. પહેલું, એ મારા ટાઇપની નથી. બીજું, એ જે કહી રહી છે, એવું કશું થયું જ નથી. બરાબર?"

શુક્રવારે ન્યૂયૉર્ક મૅગેઝિન મારફતે કૅરલે આ આરોપ લગાવ્યા હતા.

રાષ્ટ્ર પ્રમુખના આ નિવેદન પર સીએનએન સાથે વાત કરતાં કૅરલે કહ્યું, "સારું છે કે હું એમના ટાઇપની નથી."

આ પહેલાં કેટલાંક ઇન્ટરવ્યૂમાં કૅરલ કહી ચૂક્યાં છે કે તેઓ ટ્રમ્પ વિરુદ્ધ કોર્ટમાં જવા માટે વિચારણાં કરી રહ્યાં છે.


'એક યૉર્કરને કારણે ઑસ્ટ્રેલિયા જીત્યું'

Image copyright Getty Images

ક્રિકેટ વિશ્વ કપમાં મંગળવારે બે હૉટ ફેવરિટ ટીમ વચ્ચે મૅચ રમાઈ. લૉર્ડ્ઝ મેદાન પર ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી મૅચને વિશ્વકપની સૌથી મોટી મૅચમાંની એક ગણાય છે.

ઑસ્ટ્રેલિયાએ યજમાન ઇંગ્લૅન્ડને 64 રનથી હરાવીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ઇંગ્લૅન્ડ સામે હવે પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ છે.

આ મૅચમાં સૌથી વધુ ચર્ચા ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર મિચેલ સ્ટાર્કના યૉર્કર બૉલની થઈ. આવા જ એક બૉલથી ઈંગ્લૅન્ડની છેલ્લી આશાઓ પર પાણી ફરી વળ્યું.

બેન સ્ટોક્સને 89 રન પર આઉટ કર્યાં અને એ જ આ મૅચનો ટર્નિંગ પૉઇન્ટ બન્યો.

ક્રિકેટ એક્સપર્ટ હર્ષ ભોગલેએ આ બૉલને નિર્ણાયક બૉલ માનતાં ટ્વિટર પર લખ્યું, "બેન સ્ટોક્સને નાખવામાં આવેલો મિચેલ સ્ટાર્કનો આ બૉલ શાનદાર યૉર્કરમાંનો એક છે."

"આ એ જ બૉલ છે, જેણે ઑસ્ટ્રેલિયાને સેમિ-ફાઇનલમાં પહોંચાડ્યું."


'તમે તો એટલા ઊંચા થઈ ગયા કે તમને જમીન દેખાતી જ બંધ થઈ ગઈ' - મોદી

Image copyright Getty Images

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચાનો જવાબ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન તાક્યું હતું.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ પીએમ મોદીએ કહ્યું, "અહીં કહેવામાં આવ્યું કે અમારી ઊંચાઈને કોઈ ઓછી નહીં કરી શકે."

"અમે આવી ભૂલ કરતા નથી. અમે બીજાની લીટી નાની કરવામાં માનતા નથી. અમે અમારી લીટી મોટી કરવામાં જિંદગી ખપાવી દઈએ છીએ."

મોદીએ ઉમેર્યું, "તમારી ઊંચાઈ તમને મુબારક, કારણ કે તમે એટલા ઊંચે જતાં રહ્યા છો કે તમને જમીન દેખાવાની બંધ થઈ ગઈ છે."

"તમે એટલા ઉપર જતાં રહ્યાં છો કે, તમે મૂળમાંથી ઉખડી ગયા છો. તેથી તમારું ઊંચું હોવું એ મારા માટે સંતોષકારક છે. મારી શુભેચ્છા છે કે તમે હજુ વધુ ઉપર પહોંચો."


'ભારત ફાસીવાદ તરફ જઈ રહ્યો છે'

Image copyright facebook/mahua moitra
ફોટો લાઈન મહુઆ મોઇત્રા

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરમાંથી તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ મંગળવારે કહ્યું :

"દેશ ફાસીવાદ તરફ જઈ રહ્યો છે. જો તમે આંખો ખોલશો તો તમને દરેક જગ્યાએ તેના સંકેત દેખાશે કે દેશ અલગ-અલગ ભાગમાં વહેંચાઈ રહ્યો છે."

લોકસભામાં પોતાના ભાષણમાં સ્વાતંત્ર્ય સેનાની મૌલાના આઝાદ અને કવિઓ રામધારી સિંહ દિનકર અને રાહત ઇંદોરીના શબ્દો ટાંકતાં તેમણે અસંમતિ, ધાર્મિક સ્વતંત્રતા, માધ્યમો પર નિયંત્રણ જેવા મુદ્દા પર વાત કરી.

તેમણે કહ્યું,"આ સંસદના દરેક સભ્યએ જે બંધારણના સોગંદ લીધા છે, તે જ આજે જોખમમાં છે. જો તમે મારી સાથે સહમત ન હોય અને તમને લાગતું હોય કે, 'અચ્છે દીન' આવી ગયા છે, તો તમે આ નિશાનીઓને અવગણી રહ્યા છો."


ઇ-સિગારેટ પર પ્રતિબંધ મુકનારું સૅન ફ્રાન્સિસ્કો યૂએસનું પ્રથમ શહેર

Image copyright BOSTON GLOBE VIA GETTY IMAGES
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં જ ગુજરાતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ત્યારે હવે સૅન ફ્રાન્સિસ્કો પણ ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકનારું અમેરિકાનું પ્રથમ શહેર બન્યું છે.

મંગળવારે અધિકારીઓએ વેંચાણ પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં મત આપ્યો હતો.

દુકાનોમાં તેમજ ઑનલાઇન સ્ટોર પર તેના વેંચાણ અને ઑનલાઇન ખરીદી દ્વારા શહેરમાં લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે.

કેલિફોર્નિયાની જૂલ લૅબ્ઝ યૂએસમાં ઇ-સિગારેટના સૌથી મોટા ઉત્પાદક છે. તેમણે કહ્યું હતું કે, આ પગલાંથી લોકો ફરી સિગારેટ તરફ વળી જશે અને તેનું મોટું બ્લૅક માર્કેટ ઊભું થશે.

જ્યારે સેન ફ્રાન્સિસ્કોના મેયર લંડન બ્રીડ પાસે પુનઃવિચારણાના દસ દિવસ છે. પસાર થયાના સાત મહિના પછી આ કાયદો અમલમાં આવશે. તેથી ઉત્પાદકો કાયદાકીય રીતે આ નિર્ણયને પડકારી શકે તેવી પણ શક્યતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો