એ બિઝનેસમૅન જેમણે 180 વર્ષ જીવવા માટે 10 લાખ ડૉલરનો ખર્ચ કર્યો, પણ કેવી રીતે જીવશે?

ડેવ એસ્પ્રે Image copyright Getty Images
ફોટો લાઈન 45 વર્ષીય અમેરિકી બિઝનેસમેન ડેવ એસ્પ્રે બુલેટપ્રૂફ કૉફી બ્રાન્ડના સંશોધક છે

શું પૈસાથી જીવન ખરીદી શકાય છે? જો અમે કહીએ કે હા, તો તમને આ વાત કદાચ મજાક લાગશે.

ડેવ એસ્પ્રે નામની આ વ્યક્તિએ 180 વર્ષ જીવવાનું નક્કી કર્યું છે અને તેમનું માનવું છે કે તેઓ આ ઉંમર સુધી પહોંચી શકે છે.

45 વર્ષીય અમેરિકી બિઝનેસમેન ડેવ એસ્પ્રે બુલેટપ્રૂફ કૉફી બ્રાન્ડના સંશોધક છે.

તેઓ કહે છે, "મને નથી લાગતું કે આ માત્ર ફિલ્મોમાં થઈ શકે છે. લોકોએ તેના માટે કામ કરવું પડે છે અને હું આ મેળવવા માટે ઘણી મહેનત કરી રહ્યો છું."

એસ્પ્રે એક એવી વ્યક્તિ છે કે જેમને પ્રોફેશનલ બાયૉહેકરની વ્યાખ્યા આપવામાં આવી છે.

બાયૉહેકર એક એવી વ્યક્તિ છે કે જે વિજ્ઞાન અને ટૅકનૉલૉજીનો ઉપયોગ કરીને પોતાનું સ્વાસ્થ્ય સારું બનાવવા પ્રયાસ કરે છે. તેના માટે તેઓ પોતાની જ બાયૉલૉજીને હેક કરે છે.

તેમાં એવી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે કે જેને તમારા મારા જેવા લોકો પાગલપણું કહી શકે છે.

જોકે, તેમણે જે પદ્ધતિ અપનાવી છે તેનાથી તેમને નિરાશા પ્રાપ્ત થઈ હોય એવું પણ નથી.

અમર રહેવા માટે તેમની શોધના માધ્યમથી તેમને જાણવા મળ્યું કે દર છ મહિને બૉન મેરોનો ભાગ કાઢવાથી શું થાય છે.

તેનાથી તેમને સ્ટેમ સેલ મળે છે અને તેને ઇન્જેક્શનના માધ્યમથી શરીરમાં ફરી નાખી શકે છે.


Image copyright Getty Images
ફોટો લાઈન ડેવ એસ્પ્રે કહે છે કે તેમણે પોતાના શરીર અને મગજ પર 10 લાખ ડૉલરનો ખર્ચ કર્યો છે

તેઓ તેમના સમયનો થોડો ભાગ ક્રાયોથૅરપી ચેમ્બરમાં પણ વિતાવે છે. આ એવી થૅરપી છે જે નાઇટ્રોજનનો ઉપયોગ કરીને શરીરને ઠંડુ પાડે છે.

ડેવ એસ્પ્રે કહે છે કે તેમણે પોતાના શરીર અને મગજ પર 10 લાખ ડૉલરનો ખર્ચ કર્યો છે.

આ ખર્ચ તેમને તેમની ખાસ કૉફીમાંથી મળે છે કે જેને તેમણે બુલેટપ્રૂફ નામ આપ્યું છે.

કૉફી બનાવવાની પ્રક્રિયા સૌથી અલગ છે. આ કૉફી પીવા માટે ઉપભોક્તાએ ત્રણ અલગઅલગ વસ્તુઓ ખરીદવી પડે છે : કૉફી, બટર અને નારીયેળનું તેલ.

એસ્પ્રે માને છે કે તેમની આ કૉફી એક વ્યક્તિનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરી શકે છે. આ કૉફીને મોટી સંખ્યામાં લોકો પસંદ કરે છે.


કૉફીમાં બટર ઉમેરવું લાભદાયી કે નહીં?

Image copyright Getty Images
ફોટો લાઈન એસ્પ્રેને આ પ્રકારની કૉફી બનાવવાનો આઇડિયા વર્ષ 2004માં આવ્યો હતો

એસ્પ્રેએ આ કૉફી વેચવાનું 2012માં શરૂ કર્યું હતું. અનુમાન છે કે ત્યારથી અત્યાર સુધી કૉફીના 16 કરોડ કપ વેચાઈ ગયા છે.

એસ્પ્રે કહે છે કે કૉફીની સફળતાથી તેમને 6.8 કરોડ ડૉલરનો ફાયદો થયો છે અને તેનાથી તેમની બ્રાન્ડને વધારે તક મળી છે.

તેઓ હવે કૉફીની સાથે સાથે પ્રૉટીન બાર, ટી-શર્ટ અને ડાયટ બૂક્સ પણ વેચે છે.

એસ્પ્રે કેટલાક લોકો દ્વારા થયેલી ટીકાનો પણ ભોગ બન્યા છે. કેટલાક સમીક્ષકોનું કહેવું છે કે એસ્પ્રે પાસે કોઈ મેડિકલ સર્ટિફિકેટ કે ટ્રેનિંગ નથી.

તેઓ માને છે કે કૉફીમાં બટર ઉમેરવું સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી.

એસ્પ્રેને આ પ્રકારની કૉફી બનાવવાનો આઇડિયા વર્ષ 2004માં આવ્યો હતો જ્યારે તેઓ તિબેટના પ્રવાસે ગયા હતા.

મેક્સિકોમાં જન્મેલા એસ્પ્રેએ સિલિકૉન વેલીમાં IT એક્ઝેક્યુટીવ તરીકે પોતાની કારકિર્દી બનાવી હતી.

ઉંમર વધતા તેમનું વજન પણ વધી ગયું હતું અને તેઓ બીમાર રહેવા લાગ્યા હતા. તેઓ કહે છે કે તેમનું વજન છેલ્લે 136 કિલો સુધી પહોંચી ગયું હતું.


તિબેટમાં થઈ બુલેટપ્રૂફ કૉફીની શોધ

Image copyright Getty Images
ફોટો લાઈન તિબેટના પ્રવાસ દરમિયાન એસ્પ્રેએ બુલેટપ્રૂફ કૉફીની શોધ કરી હતી

પોતાનું સ્વાસ્થ્ય સુધારવા એસ્પ્રે ચિંતન કરવાનું શીખવા તિબેટ પહોંચ્યા હતા.

જ્યારે એસ્પ્રે પર્વતારોહણ કરી રહ્યા હતા, ત્યારે તેમને કોઈએ કૉફી આપી હતી. આ કૉફી સાથે તેમને યાકનું એક ખાસ પ્રકારનું માખણ આપવામાં આવ્યું હતું.

તેઓ કહે છે, "એ કૉફી પીધા પછી મને લાગ્યું કે મારું મગજ શાંત થઈ રહ્યું છે."

કેલિફોર્નિયા પહોંચ્યા બાદ તેમણે પોતાની રીતે કૉફી બનાવવાનો પ્રયાસ કર્યો.

એસ્પ્રે કહે છે કે તેઓ દરરોજ સવારે પોતે બનાવેલી કૉફી પીવે છે અને તેનાથી તેમને ઘણી મદદ મળી છે. આ કૉફીના કારણે તેમનું વજન 45 કિલો ઓછું થયું છે.


Image copyright Getty Images
ફોટો લાઈન તિબેટમાં કૉફી સાથે યાકનું માખણ આપવામાં આવે છે

કૉફીનો બિઝનેસ વર્ષ 2012માં શરૂ થયો હતો અને ધીમે ધીમે તેનો વિકાસ થયો.

વર્ષ 2016માં કૉફીની માગ વધવા લાગી કેમ કે ત્યારે તેમણે એ કૉફીને સુપરમાર્કેટ અને ફૂડ માર્કેટમાં પણ વેચવાનું શરૂ કર્યું.

મિન્ટેલ ગ્રૂપના સંશોધક જોની ફોર્સિથ કહે છે કે બુલેટપ્રૂફ કૉફી મામલે સવાલ તો ઘણા છે પરંતુ આ બ્રાન્ડે લોકોને પ્રભાવિત પણ કર્યા છે.

તેઓ કહે છે, "કૉફીના સ્વાસ્થ્યવર્ધક ફાયદા હજુ પણ શંકામાં છે. પરંતુ ઉપભોક્તાઓ વચ્ચે તેની સારી છાપ છે."

Image copyright DAVE ASPREY
ફોટો લાઈન એસ્પ્રે જણાવે છે કે નવા જમાનાની ડાયટની સરખામણીએ તેમની કૉફી તિબેટના પ્રાચીન જમાનાની છે

જોકે, બ્રિટીશ ડાયટેટિક ઍસોસિએશનના ન્યૂટ્રીશનિસ્ટ એઇસલિંગ પિગોટ કહે છે, "હું ક્યારેય લોકોને બુલેટપ્રૂફ કૉફી લેવાની સલાહ નહીં આપું. કેમ કે તેમાં વધારે કૅલરી અને ઍક્સ્ટ્રા ચરબીયુક્ત પદાર્થ છે. કૉફીમાં બટર ઉમેરવાનો કોઈ ફાયદો થતો નથી."

એસ્પ્રે આ ટીકા અંગે જાણે છે પરંતુ તેમનું માનવું છે કે બીજા ઘણા પ્રોફેશનલ કહે છે કે વધારે ચરબી અને ઓછી સુગર ધરાવતા પદાર્થો સ્વાસ્થ્ય માટે સારા હોય છે.

તેઓ કહે છે, "મને ઘણી ગંભીર બીમારીઓ હતી કે જેમાં હૃદયરોગનો હુમલો, ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો સમાવેશ થયો હતો. પણ આ કૉફીથી હું એ દરેક બીમારી સામે લડી શક્યો."

એસ્પ્રે જણાવે છે કે નવા જમાનાની ડાયટની સરખામણીએ તેમની કૉફી તિબેટના પ્રાચીન જમાનાની છે.

"હું ખુશ છું કે હું એવી વસ્તુ સાથે જોડાયેલો છું કે જે 4 હજાર વર્ષ જૂની છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો