બૉમ્બની ધમકી બાદ ઍર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ

વિમાન Image copyright Alamy

ભારતની સરકારી વિમાન ઉડ્ડયન કંપની ઍર ઇંડિયાના વિમાનનું લંડનના સ્ટેનસ્ટેડ ઍરપૉર્ટ ખાતે આપાતકાલીન ઉતરાણ કરાવવામાં આવ્યું છે. પ્લેનમાં બૉમ્બ હોવાની ધમકીને પગલે 'સાવચેતીનાં પગલાંરૂપે' આ ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.

ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI191 મુંબઈથી યૂએસ જઈ રહી હતી. આ અંગે ઍરલાઇન્સ કંપનીએ ટ્વીટ કર્યું હતું, જેને બાદમાં ડિલીટ કરી દેવાયું હતું, ડિલીટ કરેલા ટ્વીટમાં તેમણે ઘટનાને 'સિક્યૉરિટી થ્રેટ' ગણાવી હતી.

સ્ટેસ્ટેડ ઍરપૉર્ટના પ્રવક્તાએ જણાવ્યું છે કે સ્થાનિક સમય પ્રમાણે સવારે 10.15 વાગ્યે લૅન્ડિંગ કર્યા બાદ વિમાનને ઍરપૉર્ટના સલામત વિસ્તારમાં ઉતારવામાં આવ્યું છે.

ઍરપૉર્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મુખ્ય ટર્મિનલ નિયમિત રીતે કામ કરી રહ્યું છે.

યુનાઇટેડ કિંગ્ડમના સંરક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બૉમ્બની ધમકી મળી એ બાદ રૉયલ ઍરફૉર્સના ટાયફૂન ફાઇટર જેટ વિમાનોને રવાના કરવામાં આવ્યા હતા, જેણે વિમાનનું ઉતરાણ કરાવડાવ્યું હતું.

Image copyright Alamy

ઍરપૉર્ટ તંત્રનું કહેવું છે કે ફ્લાઇટમાં કેટલા યાત્રીઓ છે, એ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી મળી નથી.

હિથ્રો ઍરપૉર્ટના પ્રવક્તા દેબાશિષ ગોલ્ડરે બીબીસી સંવાદદાતા સુરંજના તિવારી સાથે વાત કરતા વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું હોવાની વાત સ્વીકાર હતી, પરંતુ તેમણે 'બૉમ્બની ધમકી'ની ઔપચારિક પુષ્ટિ કરી ન હતી.

@DinoGoel નામના મુસાફરે ટ્વીટ કરીને જણાવ્યું કે વિમાનના મુસાફરોને એક પછી એક નીચે ઉતારવામાં આવ્યા હતા.  તેમને તપાસવામાં આવ્યા હતા અને તેમના સામાનને સ્નિફર ડૉગ્સે તપાસ્યો હતો.

તેઓ લખે છે કે એક બસમાં બેસાડીને તેમને ટર્મિનલ લઈ જવામાં આવ્યાં, જ્યાં તેમને પાણી અને નાસ્તો આપવામાં આવ્યાં હતાં.

તેઓ ઉમેરે છે, "મુસાફરો શાંત અને સહજ છે. બધું બરાબર ચાલી રહ્યું છે, તેઓ સમજે છે કે આ સુરક્ષાને લગતી બાબત છે."


યૂકેના વાયુદળે માફી માગી

Image copyright Twitter

વાયુદળના પ્રવક્તાના કહેવા પ્રમાણે, વિમાનોએ લિંકલિનશાયરના કોનિંગ્સબાય હવાઈ મથકેથી ટાફૂન જેટ વિમાનોએ ઉડાણ ભરી હતી અને પ્રવક્તાના કહેવા પ્રમાણે, વિમાનોને સુપરસૉનિક (અવાજ કરતાં વધુ ગતિ)  ઝડપે ઊડવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે ડર્બીશાયર વિસ્તારમાં લોકોને ધડાકા જેવો અવાજ સંભળાયો હતો.

વિસ્ફોટની આશંકાએ નાગરિકોએ પોલીસ તથા ફાયર સેવાઓને અનેક ફોન કર્યા હતા, જોકે આપાતકાલીન સેવાઓને અવાજનું કારણ માલૂમ ન હોવાથી તેઓ જવાબ આપી શક્યા ન હતા.

RAFએ ટાયફૂનના ઉડાણની વાત કરી હતી અને અસુવિધા બદલ નાગરિકોની માફી માગી હતી.

સમાચાર સંસ્થા રૉઇટર્સે ઍરઇંડિયાના અધિકારીને ટાંકતા દાવો કર્યો હતો કે આ ટિખ્ખળ હતી. 

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો