વર્લ્ડ કપ : ઇંગ્લૅન્ડ સામે ભારતનો પરાજય પાકિસ્તાન માટે આ રીતે જોખમ બનશે

વિરાટ કોહલી Image copyright Getty Images

રોહિત શર્માએ વર્લ્ડ કપમાં પોતાનું ફોર્મ જાળવી રાખ્યું પરંતુ ભારતીય ટીમ તેનો અજેય રહેવાનો સિલસિલો જાળવી રાખવામાં નિષ્ફળ રહેતા 2019નો વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ હવે રસપ્રદ બની ગયો છે.

તેનું કારણ એ છે કે ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાને આગળ વધવાની તક મળી છે પરંતુ સાથે-સાથે પાકિસ્તાનનો માર્ગ વધારે મુશ્કેલ બની ગયો છે.

પાકિસ્તાનના હાલ 9 પૉઇન્ટ છે અને તેને એક મૅચ રમવાની બાકી છે. પાકિસ્તાનની આગામી મૅચ બાંગ્લાદેશ સામે 5 જુલાઈએ છે.

ઇંગ્લૅન્ડની પણ એક મૅચ બાકી છે અને તે 3 જુલાઈએ ન્યૂઝીલૅન્ડ સામે છે.

જો ઇંગ્લૅન્ડ એ મૅચ જીતી જાય છે તો તેના 12 પૉઇન્ટ થઈ જશે. જો પાકિસ્તાન પણ જીતી જાય છે તો તેના 11 પોઇન્ટ થશે. આમ ભારત સામેની ઇંગ્લૅન્ડની જીત પાકિસ્તાન માટે વિશ્વ કપમાંથી બહાર ફેંકાવાનું કારણ બની શકે છે.

આને કારણે જ ભારતની ગઈ કાલની મૅચ હારવાની ચર્ચા પાકિસ્તાનમાં વધારે થઈ રહી છે.

પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર ધોનીની બેટિંગની પણ ઘણી ટીકા થઈ હતી.

અનેક પાકિસ્તાની ચાહકો ભારત જાણી જોઈને મૅચ હાર્યું એવો દાવો કરે છે.


રોહિત શર્માની વિકેટ

Image copyright Getty Images

જોની બેરસ્ટો અને જેસન રોયની ઝંઝાવાતી બેટિંગની મદદથી ઇંગ્લૅન્ડે રવિવારે રમાયેલી મૅચમાં ભારત સામે 31 રનથી વિજય હાંસલ કર્યો હતો.

એજબેસ્ટન ખાતે રમાયેલી મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લૅન્ડે 50 ઓવરમાં સાત વિકેટે 337 રન કર્યા હતા જેના જવાબમાં ભારત 50 ઓવરને અંતે પાંચ વિકેટે 306 રન કરી શક્યું હતું. એક તબક્કે એમ લાગતું હતું કે ભારતે ટાર્ગેટ સુધી પહોંચવાના પ્રયાસ છોડી દીધા છે.

338 રનના કપરા લક્ષ્યાંક સામે રમતા ભારતે ત્રીજી ઓવરમાં જ લોકેશ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

આ નુકસાનની ભરપાઈ કરતા રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 138 રન ઉમેરવાની સાથે સાથે 26 ઓવર સુધી વિકેટ બચાવી રાખી હતી.

કોહલીએ આ વર્લ્ડ કપની સળંગ પાંચમી અડધી સદી ફટકારી હતી પરંતુ જે સમયે તેની પાસેથી સદીની અપેક્ષા રખાતી હતી વધુ એક વાર તે સેટ થઈ ગયા બાદ આઉટ થયા હતા. તેમણે 76 બૉલમાં 66 રન ફટકાર્યા હતા.

કોહલી તો સદી સુધી પહોંચી શક્યા નહીં પરંતુ રોહિત શર્માએ આ વર્લ્ડ કપની ત્રીજી અને વન-ડે કારકિર્દીની 25મી સદી નોંધાવી હતી.

જોકે, સદી બાદ તેઓ તરત જ આઉટ થઈ ગયા હતા જે ભારત માટે આઘાતજનક હતું. રોહિતે 109 બૉલની ઇનિંગ્સમાં 15 બાઉન્ડ્રી ફટકારી હતી.

પહેલી વાર વર્લ્ડ કપમાં રમી રહેલા રિશભ પંતે આઈપીએલની સ્ટાઇલથી જ બેટિંગ કરી હતી અને 32 રન કર્યા હતા.

જોકે, હાર્દિક પંડ્યા તેના કરતાં વધારે આક્રમક રીતે રમ્યા હતા. તેમણે 33 બૉલમાં 45 રન ફટકાર્યા હતા. આમ વધુ એક ભારતીય બૅટ્સમૅન સેટ થયા પછી આઉટ થયા હતા.


ઇંગ્લૅન્ડનો ધમાકેદાર પ્રારંભ

Image copyright Getty Images
ફોટો લાઈન શાહદાબ ખાન

ઇંગ્લૅન્ડે ધમાકેદાર પ્રારંભ કર્યો હતો. આ વર્લ્ડ કપ અને તાજેતરના ગાળામાં ભારત સામે કોઈ ટીમના ઓપનર્સ આટલી ઝડપી બેટિંગ કરી શક્યા ન હતા.

જેસન રોય અને જોની બેરસ્ટો શરૂઆતમાં ધીમું રમ્યા હતા પરંતુ દસ ઓવર બાદ બંનેએ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું.

બેરસ્ટો વધારે આક્રમક હતા અને લગભગ નિરંકુશ બની ગયા હતા. તેમણે ઉપરાઉપરી સિક્સર ફટકારી હતી.

એક સમયે તો એમ લાગતું હતું કે તે માત્ર બાઉન્ડ્રી પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે પ્રથમ 50 રનમાંથી 40 રન તો બાઉન્ડ્રી દ્વારા ફટકાર્યા હતા. તો તેના 111 રનમાંથી 96 રન બાઉન્ડ્રી દ્વારા આવ્યા હતા. વન-ડે કારકિર્દીમાં આ તેમની આઠમી સદી હતી.

ભારત સામે 2003ના વર્લ્ડ કપની ફાઇનલ બાદ કોઈ ઓપનિંગ જોડી કમસેકમ વર્લ્ડ કપમાં સદીની ભાગીદારી નોંધાવી શકી ન હતી જ્યારે બેરસ્ટો અને જેસન રોયે તો 22 ઓવરમાં જ 160 રન ફટકારી દીધા હતા.

જેસન રોયે પણ ઝડપી બેટિંગ કરી હતી. તેમણે 57 બૉલમાં 66 રન ફટકાર્યા હતા જેમાં સાત બાઉન્ડ્રી ઉપરાંત બે સિક્સરનો સમાવેશ થતો હતો.


ભારતની બૉલિંગ

Image copyright Getty Images

ઓપનર્સ આઉટ થયા બાદ ઇંગ્લૅન્ડની રનગતિ પર અસર પડી હતી. એક તબક્કે ટીમ 400 રનના સ્કોરને આંબી જશે તેવી અટકળ થતી હતી જેની સરખામણીએ મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે તેમને અંકુશમાં રાખીને 350 સુધી પણ પહોંચવા દીધા ન હતા.

બેન સ્ટોક્સે અગાઉની મૅચોની માફક આ વખતે પણ છેલ્લી ઓવર સુધી બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી.

માત્ર 38 બૉલમાં 50 રનનો આંક વટાવ્યા બાદ તેમણે 54 બૉલમાં ત્રણ સિક્સર સાથે 79 રન ફટકાર્યા હતા.

જોઝ બટલરે નાની પણ મહત્ત્વની ઇનિંગ્સ રમીને આઠ બૉલમાં 20 રન ફટકાર્યા હતા.

ભારત માટે ફરી એક વાર મોહમ્મદ શમી સ્ટ્રાઇક બૉલર બની રહ્યા હતા. તેમણે સળંગ ત્રીજી મૅચમાં ચાર કે તેથી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ નોંધાવીને 69 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જોકે, ભારતીય સ્પિનર્સે નિરાશ કર્યા હતા.

ચહલે 10 ઓવરમાં 88 રન આપ્યા હતા તો કુલદીપ યાદવે ત્રણ ઓવરમાં 36 રન આપ્યા બાદ વિકેટ લીધી હતી પરંતુ અંતે તેમણે 10 ઓવરમાં 72 રન આપી દીધા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો