હૉંગકૉંગ : પોલીસે સંસદમાંથી પ્રદર્શનકારીઓને બહાર કાઢ્યા

હૉંગકૉંગ વિરોધ Image copyright AFP

હૉંગકૉંગમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન સંસદમાં ઘૂસેલા પ્રદર્શનકારીઓને થાળે માટે પોલીસે આંસુ ગૅસના ગોળા છોડી વિરોધને કાબૂમાં લીધો હતો.

અડધી રાત્રે પોલીસે સંસદમાંથી પ્રદર્શનકારીઓને ખદેડી ઇમારતને પોતાના નિયંત્રણમાં લીધી હતી.

હૉંગકૉંગમાં વિવાદીત પ્રત્યાર્પણ બિલ સામે ચાલી રહેલો વિરોધ વધારે ઉગ્ર બન્યો હતો. પ્રદર્શનકારીઓ સંસદની ઇમારતમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી.

સંસદ બહાર પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા.

અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આ વિરોધનું સ્વરૂપ હવે ઉગ્ર થઈ ગયું છે.

પોલીસ દ્વારા અગાઉ ચેતવણી આપવામાં આવી હતી કે ઇમારતમાં ઘૂસનાર લોકો પર કાર્યવાહી થશે.

પછીથી એવી ચેતવણી આપવામાં આવી કે ઇમારતમાં તોડફોડ કરનારની ધરપકડ કરવામાં આવશે.

પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે કડક પગલાં લેવાની પણ જાહેરાત કરાઈ હતી.


કેમ થઈ રહ્યો છે આટલો મોટો વિરોધ?

Image copyright Reuters

છેલ્લા કેટલાક સમયથી હૉંગકૉંગમાં ચાલી રહેલાં પ્રદર્શનોમાં લાખો લોકો જોડાયાં છે. આ હૉંગકૉંગના તાજેતરના ઇતિહાસનો સૌથી મોટો વિરોધ છે.

1841થી હૉંગકૉંગ બ્રિટનના તાબામાં હતું એટલે કે તે બ્રિટીશ કૉલોની હતી, જેને 1997માં ચીનને સોંપી દેવામાં આવ્યું.

જે હાલ ચીનનો એક ભાગ છે પરંતુ 'એક દેશ, બે વ્યવસ્થા' નામના કરાર હેઠળ તે જોડાયેલું છે.

જેના હેઠળ હૉંગકૉંગમાં ન્યાયિક વ્યવસ્થા, સંસદ અને અર્થતંત્ર ચીન કરતાં સ્વતંત્ર છે, જેના પર ચીનની નીતિઓ લાગુ પડતી નથી.

હાલ લાવવામાં આવેલા વિવાદિત પ્રત્યર્પણ બિલ મામલે વિવાદ ચાલી રહ્યો છે.

ટીકાકારોનું માનવું છે કે આ બિલને કારણે હૉંગકૉંગ ચીનના વધુ પડતા કબજા હેઠળ આવી જશે અને અન્ય શહેરોની જેમ તે ચીનનું એક શહેર બની જશે.

જ્યારે અધિકારીઓનું કહેવું છે કે પ્રત્યર્પણની મંજૂરી આપવી કે નહીં તેનો નિર્ણય કોર્ટ લેવાની છે એટલે આ ડરનું કોઈ કારણ નથી.

હૉંગકૉંગના મુખ્ય વહીવટી અધિકારી કેરી લામ હાલ આ વિરોધના કેન્દ્રમાં છે, જેમણે આ બિલને મંજૂરી આપવાની હતી.

ચીન તરફી વલણ ધરાવતાં મિસ. લામે હાલ પૂરતો બિલને મંજૂરી આપવાનો પ્લાન પડતો મૂક્યો છે.

2014માં થયેલા પ્રદર્શનના મુખ્ય ચહેરા તરીકે જાણીતા જોશુઆ વોંગ નામના વિદ્યાર્થી નેતાને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા છે.

22 વર્ષીએ વોંગે જેલની બહાર આવતાની સાથે જ કેરી લામના રાજીનામાની માગણી કરી છે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે વોંગ ફરીથી પ્રદર્શનોમાં જોડાશે અને કેરી લામ પર વધારે દબાણ ઊભું કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ