TOP NEWS: ભારત મોકલવા સામેની માલ્યાની અરજી લંડનની કોર્ટે માન્ય રાખી

વિજય માલ્યા Image copyright Getty Images

લંડનની રૉયલ કોર્ટ્સ ઑફ જસ્ટિસે વિજય માલ્યાને તેના પ્રત્યર્પણ આદેશ વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી આપી છે.

આનો મતલબ એવો છે કે આ સમગ્ર કેસની ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે.

એપ્રિલ મહિનામાં ગૃહ મંત્રી સાજિદ જાવિદે તેના પ્રત્યર્પણના આદેશ આપી દીધા હતા. જોકે, માલ્યાએ આ આદેશ વિરુદ્ધ એપ્રિલ મહિનામાં લેખિત અપીલ કરી હતી તે રદ થઈ ગઈ હતી.

ત્યારબાદ તેમણે મૌખિક સુનાવણી દરમિયાન કોર્ટમાં અપીલ દાખલ કરી જે અંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વખતે માલ્યાએ પાંચ બિંદુઓને ધ્યાનમાં રાખીને અપીલ કરી હતી, જેમાં નિષ્પક્ષ ટ્રાયલ, તેમની વિરુદ્ધ થઈ રહેલી મીડિયા ટ્રાયલ તથા જેલની પરિસ્થિતિઓનો હવાલો આપ્યો હતો.

ચુકાદા બાદ માલ્યાએ ટ્વિટર ઉપર લખ્યું, "આજે કોર્ટમાં મારી તરફેણમાં ચુકાદો આવ્યો છતાં ફરી એક વખત કહું છું કે કિંગફિશર ઍરલાઇન્સે બૅન્કો પાસેથી જે નાણાં લીધા હતા તે પૂર્ણપણે ચૂકવવા તૈયાર છું."

"મહેરબાની કરીને પૈસા લઈ લો. હું ધીરાણ આપનારાઓ તથા કર્મચારીઓની પણ બાકી નીકળતી રકમ ચૂકવી દેવા માગું છું."


અલ્પેશ ઠાકોર અંગે કૉંગ્રેસે કરેલી અરજી હાઈકોર્ટે રદ કરી

Image copyright FB/ALPESHTHAKOR

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના અહેવાલ અનુસાર, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા માટે વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી યોગ્ય નિર્ણય કરે તે અંગે કૉંગ્રેસે કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે રદ કરી નાખી છે.

પત્રકારો સાથે વાત કરતા સરકારી આસિસ્ટન્ડ વકીલ ઉત્કર્ષ શર્માએ કહ્યું, "હાઈકોર્ટે કૉંગ્રેસની અરજી રદ કરી નાખી છે. ગુજરાત વિધાસનભાના સ્પીકર સમગ્ર મામલાનો અભ્યાસ કરશે અને યોગ્ય નિર્ણય કરશે."

ઉલ્લેખનીય છે કે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ ધારાસભ્ય તરીકે યથાવત્ રહ્યા હતા.


અનામત મુદ્દે યોગી-મોદી સામે-સામે

Image copyright Manoj Singh

ગત સપ્તાહે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે પછાતવર્ગ હેઠળ આવતી 17 જ્ઞાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ સંબંધિત આદેશો આપી દેવાયા હતા.

આ મુદ્દે રાજ્ય તથા કેન્દ્ર સરકાર સામે-સામે આવી ગયા છે. મંગળવારે આ અંગે રાજ્યસભામાં ચર્ચા પણ થઈ હતી.

સમાજવાદી પાર્ટીના રાજ્યસભામાં સંસદસભ્ય સતીષ ચંદ્ર મિશ્રાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેના અંગે પ્રતિક્રિયા આપતા સામાજિક ન્યાય તથા અધિકાર પ્રધાન થાવરચંદ ગહલોતે કહ્યું :

"રાજ્ય સારકરે આમ નહોતું કરવું જોઈતું. કોઈપણ જ્ઞાતિને એક વર્ગમાંથી ખસેડીને અન્ય વર્ગમાં મુકવાનો અધિકાર માત્ર સંસદને છે. અગાઉ પણ આ પ્રકારના પ્રસ્તાવ સંસદને મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ મુદ્દે સહમતિ સાધી શકાય ન હતી."

આ અંગે ઉત્તર પ્રદેશ ભાજપના નેતાઓ જાહેરમાં ઔપચારિક રીતે કંઈપણ કહેવાનું ટાળી રહ્યાં છે.


ભારત-US વચ્ચે સહકાર સુગમ બનશે

Image copyright Getty Images

અમેરિકાની સેનેટે ભારત સંબંધિત કાયદાકીય જોગવાઈને મંજૂર આપી દીધી છે, જેનાં પગલે બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધુ સુગમ બનશે.

ભારત સિવાય ઇઝરાયલ અને દક્ષિણ કોરિયાને આ પ્રકારની છૂટ મળેલી છે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇંડિયાના અહેવાલ પ્રમાણે, નાણાકીય વર્ષ 2020 નેશનલ ડિફેન્સ ઑથૉરાઇઝેશન ઍક્ટનો પ્રસ્તાવ ગત સપ્તાહે પસાર થયો હતો.

આ જોગવાઈ સંદર્ભે જુલાઈ મહિનામાં અમેરિકાની સેનેટ તથા કૉંગ્રેસમાં ચર્ચા થાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં અમેરિકાએ ભારતને 'મેજર ડિફેન્સ પાર્ટનર'નો દરજ્જો આપ્યો હતો, જેનાં પગલે અમેરિકાના મિત્ર રાષ્ટ્રોને જે પ્રકારની સંવેદનશીલ તથા આધુનિક ટૅકનૉલૉજી મળે છે, તેવી તકનીક ભારતને સુગમ બની હતી.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો