IND Vs BAN: આ છે ચારુલતા પટેલ, મૅચ દરમિયાન જોવા મળેલાં ક્યૂટ 'દાદી'

વિરાટ કોહલીની તસવીર Image copyright Getty Images

મંગળવારની મૅચ કૅપ્ટન વિરાટ કોહલી તથા 'પ્લેયર ઑફ ધ મૅચ' રોહિત શર્મા પ્રેક્ષકગણમાં બેઠેલાં ચારુલતા પટેલને મળવા પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

વ્હિલચૅરમાં બેઠેલાં ચારુલતાબહેને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે ભારત વર્લ્ડ કપ જીતશે.

મૅચ બાદ વિરાટ કોહલીએ ટ્વીટ કરીને ચારુલતાબહેન સાથેની મુલાકાત વિશે લખ્યું હતું.

ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને નવ વિકેટે 314 રન બનાવ્યા હતા. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48 ઓવરમાં 286 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

બાંગ્લાદેશ સામેની મૅચ 28 રને જીતીને ભારતે સેમિફાઇનલમાં તેનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું.

13 પૉઇન્ટ્સ સાથે ટૂર્નામેન્ટમાં ભારત બીજા ક્રમે છે. હવે શનિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર થશે.


87 વર્ષનાં શૉ-સ્ટોપર દાદી

Image copyright Getty Images

ખભ્ભા ઉપર તિરંગો ખેસ, ગાલ ઉપર તિરંગો અને હાથમાં તિરંગો ઝંડો અને પીળા રંગની પિપૂડી સાથે ભારતીય ટીમનો ઉત્સાહ વધારી રહેલાં ચારુલતાબહેન બાંગ્લાદેશ સામેની મૅચ દરમિયાન 'ઇન્ટરનેટ સેન્સેશન' બની ગયાં હતાં.

કૅમેરા વારંવાર તેમના ઉત્સાહ ઉપર કેન્દ્રીત રહ્યા હતા.

સ્પોર્ટ્સ રિપોર્ટર ગૌરવ કપૂરે ટ્વિટર ઉપર લખ્યું કે 'મૅન ઑફ ધ મૅચ કોણ છે, તેની મને ખબર નથી પરંતુ આ દાદી ચોક્કસથી ફેન ઑફ ધ મૅચ' છે.

ટીમ ઇંડિયાનો ઉત્સાહ વધરારવા બદલ કોહલી અને રોહિત શર્માએ દાદીની મુલાકાત લીધી હતી. દાદીએ બંનેને બચી કરી હતી અને તેમને વર્લ્ડ કપ જીતવાના આશીર્વાદ આપ્યાં હતાં.

કોહલીએ ટ્વીટ કર્યું, "નિરંતર પ્રેમ અને સહાકર આપવા બદલ હું તમામ ફેન્સનો આભાર માનવા ચાહીશ, વિશેષ કરીને ચારુલતા પટેલજીનો. તેઓ 87 વર્ષનાં છે. મેં તેમના જેવા બહુ થોડા ઉત્સાહિત અને સમર્પિત ફેન્સ જોયા છે."

"આવો જોશ તમને કૂદકેને ભૂસકે આગળ વધવામાં મદદ કરે છે. તેમના આશીર્વાદ સાથે આગામી મૅચમાં ઉતરીશું."


ગુજરાતી નથી ચારુલતા પટેલ

ચારુલતાબહેને આઈસીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "તેમનો જન્મ ભારતમાં નહીં, પરંતુ તાન્ઝાનિયામાં થયો હતો. તેમનાં માતાપિતા ભારતમાં જન્મયાં હતાં એટલે તેઓ ભારતીય ટીમને ચિયર કરી રહ્યાં છે."

"મારા સંતાનો કાઉન્ટી મૅચ રમે છે. એટલે ક્રિકેટ મને પસંદ છે."

ક્રિકેટ રેકર્ડ્સ અંગેના અભ્યાસુ મઝહર અરશદે ટ્વીટ કરીને લખ્યું, "પહેલો વર્લ્ડ કપ રમાયો તેનાં 43 વર્ષ અગાઉ ચારુલતા પટેલનો જન્મ થયો હતો. તેમણે ક્રિકેટની અનેક પેઢીઓ જોઈ છે, તેઓ વિરાટ કોહલીને સર્વશ્રેષ્ઠ ખેલાડી માને છે. તેઓ ફેન ઑફ ધ ટૂર્નામેન્ટ છે."

પટેલે કહ્યું કે તેઓ દાયકાઓથી ક્રિકેટ જુએ છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં ચારુલતાબહેને કહ્યું, "હું દાયકાઓથી ક્રિકેટ જોઉં છું. આફ્રિકામાં હતી ત્યારે પણ ક્રિકેટ જોતી હતી. 1975માં હું અહીં (ઇંગ્લૅન્ડ) આવી.

અહીં હું કામ કરતી એટલે ઘરે ટીવી ઉપર જ મૅચ જોવી પડતી. પરંતુ હવે હું કામ નથી કરી રહી એટલે ક્રિકેટ જોઈ શકું છું."


Image copyright Getty Images

પટેલને વિશ્વાસ છે કે આ વખતે ભારત ચોક્કસથી વર્લ્ડ કપ જીતશે.

પટેલે કહ્યું, "1983માં જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું, ત્યારે પણ હું ત્યાં હતી. મને એટલી ખુશી થઈ હતી કે હું નાચવા લાગી હતી."

"મેં મારી પૌત્રીને કહ્યું હતું કે જો આજે બાંગ્લાદેશની સામે ભારત જીતે તો હું નાચીશ."

મૅચ બાદ તેઓ ઉત્સાહમાં આવી ગયાં હતાં અને નાચ્યાં હતાં.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો