વર્લ્ડ કપ 2019 : ભારતની જીત બાદ હવે પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકશે?

પાકિસ્તાની ટીમ Image copyright Reuters

ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશને 28 રને હરાવીને ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની છે. તો બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી ફેંકાઈ જનાર ત્રીજી એશિયન ટીમ છે.

આ પહેલાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયાં છે.

બુધવારે રમાયેલી રહેલી ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડની મેચના પરિણામ બાદ સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ પણ નક્કી થઈ જશે. જે જીતશે એ ટીમ અંતિમ ચારમાં સ્થાન મેળવશે.

પરંતુ સેમિફાઇનલમાં ચોથી ટીમ કોણ આવશે એ ગુરુવારે રમાનાર પાકિસ્તાન અને બાંગ્લાદેશની મૅચના પરિણામ બાદ નક્કી થશે.

બાંગ્લાદેશ તો બહાર થઈ ગયું છે, પરંતુ પાકિસ્તાન પાસે હજુ તક છે. પણ પાકિસ્તાનનો નૉકઆઉટ ચરણમાં પહોંચવાનો આધાર બુધવારે એટલે કે 3 જુલાઈની ન્યૂઝીલૅન્ડ-ઇંગ્લૅન્ડની મૅચ પર છે.

આ મૅચ ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ બંને માટે મહત્ત્વની છે, કેમ કે જે કોઈ ટીમ હારશે એના ભાગ્યનો નિર્ણય પાકિસ્તાનના મુકાબલ પર નિર્ભર કરે છે.


પહેલી સ્થિતિ : ન્યૂઝીલૅન્ડ જીતે તો શું થશે?

Image copyright TWITTER @ICC

બુધવારની મૅચ પહેલાં પૉઇન્ટ ટેબલમાં ન્યૂઝીલૅન્ડ 11 અને ઇંગ્લૅન્ડ 10 અંક સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. આથી વિજેતા ટીમ સેમિફાઇનલની ત્રીજી ટીમ બનશે એ નક્કી છે.

પરંતુ પાકિસ્તાન ઇચ્છશે કે આ મૅચ ન્યૂઝીલૅન્ડ જીતે, કેમ કે ન્યૂઝીલૅન્ડની જીતથી ઇંગ્લૅન્ડના ખાતામાં 10 અંક જ રહેશે અને બાંગ્લાદેશ સામે જીતીને સેમિફાઇનલની ચોથી ટીમ બનવું સરળ થઈ જશે. બાંગ્લાદેશ સામે જીતતા પાકિસ્તાનના 11 અંક થઈ જશે.


બીજી સ્થિતિ : ઇંગ્લૅન્ડ જીતે અને ન્યૂઝીલૅન્ડ હારી જાય

જો આ જ મૅચ ઇંગ્લૅન્ડ જીતી જાય તો ન્યૂઝીલૅન્ડના અંક 11 જ રહેશે અને આ સ્થિતિ પાકિસ્તાન માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ થશે, કેમ કે બાંગ્લાદેશ સામે તેણે વધુ રનરેટથી જીતવું પડશે. જેથી તેને નેટ રનરેટના આધારે સેમિફાઇનલમાં સ્થાન મળી શકે.

હાલમાં પાકિસ્તાનની નેટ રનરેટ -0.792 છે, જ્યારે ન્યૂઝીલૅન્ડની 0.572 છે. એટલે કે અંતર 1થી વધુ છે. અને આ અંતરને કાપવું પાકિસ્તાન માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.

જોકે, નેટ રનરેટના હિસાબે ઇંગ્લૅન્ડ (નેટ રનરેટ 1 છે) સૌથી ફાયદાકારક સ્થિતિમાં છે.


નેટ રનરેટની ગણના કેવી રીતે થાય છે?

Image copyright TWITTER @ICC

કોઈ પણ ટીમની નેટ રનરેટની ગણના કરવી બહુ સરળ છે.

ટીમે ટુર્નામેન્ટમાં જેટલા રન બનાવ્યા હોય તેને એ ઓવરથી ભાગી દેવાના જે તેણે રમી હોય.

બીજા શબ્દોમાં તેને આખી ટુર્નામેન્ટમાં કોઈ ટીમની પ્રતિ ઓવર બેટિંગની સરેરાશ કહી શકો.

હવે એ ટીમ સામે પ્રતિ ઓવર કેટલા રન બન્યા છે એ કાઢો એટલે બેટિંગ સરેરાશ.

અને બેટિંગમાંથી બૉલિંગની સરેરાશ ઘટાડવાથી નેટ રનરેટ નીકળશે.

લીગ મૅચોમાં ભલે પાકિસ્તાને ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ બંનેને હાર આપી હોય, પરંતુ સેમિફાઇનલમાં પહોંચવા માટે નેટ રનરેટની વાત કરીએ તો તે આ બંને ટીમથી બહુ પાછળ છે અને શક્ય છે કે આવી સ્થિતિમાં એ પાછળ રહી જાય.


ત્રીજી સ્થિતિ : પાકિસ્તાનનું ગણિત વરસાદ ન બગાડી દે!

Image copyright TWITTER @ICC

આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ચાર મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે.

શ્રીલંકા-પાકિસ્તાન વચ્ચેની શરૂઆતની લીગ મૅચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

આથી જો બાંગ્લાદેશ સામેની મૅચમાં વરસાદ વિલેન બને તો પાકિસ્તાનનું વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જવું નક્કી થઈ જશે, કેમ કે નેટ રનરેટના આધારે તે રમ્યા વિના જ બહાર ફેંકાઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો