એવી જેલ જ્યાં 50 ગ્રામ તમાકુની કિંમત છે 43,000 રૂપિયા

જેલ Image copyright Getty Images

જેલના સળિયા પાછળ કેદીઓની પોતાની વિચિત્ર દુનિયા હોય છે. તેમાં રોજીંદા જીવનની વસ્તુઓની લેવડ-દેવડ થાય છે. નશીલા પદાર્થો સોદા થાય છે.

ત્યાં દેવાનું આશ્ચર્યમાં મૂકી દેતું વિષચક્ર પણ હોય છે, જેમાંથી કેદીઓનું બચવું મુશ્કેલ છે.

કેટરમોલના પુસ્તક 'પ્રિઝન : અ સર્વાઇવલ ગાઇડ' જેલના આ વિષચક્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તક હાલમાં જ બજારમાં આવ્યું છે.

જેલમાં કમાણી

એ જોવું અઘરું નથી કે મહારાણીની કેદમાં (બ્રિટનની જેલ વ્યવસ્થા)માં લોકો કેમ આવી થોડી કમાણીનું માધ્યમ બનાવી લે છે.

જ્યારે કાયદેસરની અર્થવ્યવસ્થાઓને અશક્ય બનાવી દેવામાં આવે છે તો લોકો કાળાબજારનો આશરો લે છે.

થોડા દિવસ પહેલા સુધી (જેલમાં) તમાકુ મુદ્રાનું એક નાનું એકમ હતું. જેના પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

એટલે હવે હું પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે જેલના એ વેપારી કેદીઓને ખરાબ દિવસો આવી ગયા કે જેઓ ગોલ્ડન વર્જીનિયા (તમાકુ)ના પૅકેટ એવી રીતે સજાવીને બેસતા હતા જાણે સોનાનાં બિસ્કિટ હોય.

નવા વેપારી (કેદી) ટિનમાં પૅક માછલી અને સાબુ-તેલનાં પૅકેટ લઈને બેસે છે. સ્ટૉક એટલો કે તમે તેમની જેલની બારી પણ ન જોઈ શકો.

આ થોડું થોડું એસ્ટેરિક્સ અને ઓબેલિક્સના ગામમાં રહેવા જેવું છે - સૌનું પોતાનું નાનું ઉદ્યમ છે.


પૈસા આપો અને માલ લો

Image copyright Urszula Soltys
ફોટો લાઈન કાર્લ કૈટરમોલ

ટૂના (માછલી)ના એક કે બે ટિનના બદલે રસોડાના કર્મચારીઓ તમને કેટલાંક મરી કે જડીબુટ્ટીઓની તસ્કરી કરી આપશે.

કપડા ધોવાં અને ઘડી કરીને રાખતા લોકોને જો તમે ઍનર્જી ડ્રિન્ક પીવડાવો તો તેઓ સુનિશ્ચિત કરશે કે તમારાં કપડાં ખરેખર સાફ હોય.

જેલ વૉર્ડમાં સામાન બદલવાના પ્રભારીને જો તમે નૂડલ્સ આપ્યા તો તેઓ સુનિશ્ચિત કરશે કે તમને પાથરવા માટે જે ચાદર મળે તે દાગ-ધબ્બા વગરની ન હોય.

હેરડ્રેસરનો ભાવ થોડો વધારે છે. મુલાકાતીઓને મળતાં પહેલાં બધા જ લોકો (કેદી) ઇચ્છે છે કે તેઓ સુંદર દેખાય.

તેમની દાઢી અને વાળ સારી રીતે કપાયેલા હોય. એ માટે હેરડ્રેસર ટૂના અને શાવર જેલ વગર માનતા નથી.

હું કાતર ખરીદવા અને વિંગના હજામ બનવાની સલાહ આપીશ, પરંતુ ચેતવણી આપીશ કે ટૂના પ્રાપ્ત કરવા માટે ઝપ્પાઝપ્પીનાં દૃશ્યો સર્જાઈ શકે છે. (આ મજાક નથી.)

પછી થોડી વધારે કિંમતની વસ્તુઓ છે. સ્થાનિક કલાકાર તમારા માટે બર્થ ડે કાર્ડ બનાવી શકે છે, લવ લેટર કે ગેટ વેલ સૂન કાર્ડ તૈયાર કરી શકે છે.

જેલમાં ગેરકાયદેસર દારૂ પણ મળી શકે છે, જેની કિંમત ગુણવત્તાના આધારે આશરે 10 પાઉન્ડ (આશરે 850 રૂપિયા) પ્રતિ લિટર હોઈ શકે છે.


જેલમાં હેરાફેરી, બહાર ચૂકવણી

મોંઘા સામાન જેમ કે નશીલા પદાર્થ, તમાકુ કે સ્ટિરિયો સેટના પૈસા જેલની ચાર દીવાલોની બહાર દેવામાં તેમજ લેવામાં આવે છે.

50 ગ્રામ તમાકુની કિંમત 500 પાઉન્ડ (આશરે 43,000 રૂપિયા) સુધી હોઈ શકે છે.

ખરીદનારનો મિત્ર વેચનારાના મિત્રને જેલની બહાર પૈસા ચૂકવશે અને પૈસા મળતા જ જેલમાં ખરીદદારને સામાન સોંપી દેવામાં આવશે.

ખરેખર ઘણા લોકો જેલ માત્ર એ માટે જ જાય છે કે જેથી કેટલાક પૈસાની કમાણી કરી શકે અથવા તો દેવું ચૂકવી શકે.

તેઓ જેટલા શક્ય બને, એટલાં ડ્રગ્સ ગળી જાય છે અને ઇરાદાપૂર્વક પોતાની ધરપકડ કરાવે છે કે જેથી જેલની વિંગમાં ડ્રગ્સ વેચી શકે.

આ જીવન શૈલી તમારા વિચાર કરતાં વધારે વિચિત્ર છે. કોઈ પણ વ્યક્તિ આવું કરતી નથી જ્યાં સુધી તેને ખરેખર આવી કોઈ વસ્તુની જરૂર ન હોય (અથવા તો તેમને મજબૂર ન કરવામાં આવ્યા હોય).


દેવું

જેલની બહારની દુનિયામાં ઉધાર આપતી દુકાનો છે, બૅન્ક છે. જેલમાં તેમની જગ્યાએ મઠાધીશ કેદી છે, જે ડબલ બબલ સ્કીમ અંતર્ગત પૈસા ઉધાર આપે છે.

ડબલ બબલ સ્કીમ પોતાના નામની જેમ જ છે. તમે કંઈક ઉધાર લો છો (નશીલા પદાર્થ, તમાકુની પડીકું, પેઇન કિલર, ભોજન કે સાબુ-તેલ વગેરે) તો આગામી અઠવાડિયે તમારે બમણી કિંમત ચૂકવવી પડશે.

જો તમે ચૂકવી નથી શકતા તો તમે દેવામાં ફસાઈ જશો જ્યાં તમને મજબૂર કરી દેવામાં આવશે કે તમે બસ ચૂકવતા જ જાઓ.

ઇન્ડક્શન વિંગ (જ્યાં નવા કેદી આવે છે)માં આ વસ્તુ સૌથી વધારે જોવા મળે છે, કેમ કે આ જ એ જગ્યા છે જ્યાં રહેતા લોકોએ સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અહીં કેદીઓ માટે સૌથી ઓછી વ્યવસ્થા હોય છે (પૈસા હોવા છતાં પણ પહેલી વખત કૅન્ટીનમાં જવા માટે તેમણે એક કે બે અઠવાડિયાં સુધી રાહ જોવી પડે છે) અને તેઓ સૌથી વધારે માસૂમ હોય છે.

મારો મતલબ એ છે કે ઘણા લોકો ઉધાર લે છે અને પરત ચૂકવી પણ દે છે. પરંતુ જો તમે પરત ન ચૂકવ્યું તો તમારી સાથે ખૂબ ખરાબ વર્તન થશે.


કડકાઈથી વસૂલી

તમારી સાથે મારપીટ થશે, આંગળીઓને જેલના દરવાજામાં ફસાવીને દબાવી દેવામાં આવશે અને એવું બની શકે છે કે તમે મજાક બનીને રહી જાઓ.

ઘણીવાર તો લોકો માત્ર કાકડી ખાઈએ પોતાને જ કમજોર બનાવી લે છે અને કમજોર કેદીઓના વૉર્ડમાં અથવા તો બીજી જેલમાં બદલીનો પ્રયાસ કરે છે.

પરંતુ (જેલના) મઠાધીશ કેદી મૂર્ખ નથી. તેઓ દેવાદારોના પરિવારોની પૂર્ણ જાણકારી રાખે છે.

જો દેવાદાર પાસેથી પૈસા મળે નહીં તો પરિવારને નિશાન બનાવવામાં આવે છે.

બૅન્ક અને નાણાંકીય સંસ્થાઓ દેવાની વસૂલી માટે કાયદાકીય રીતે સરકારી કાર્યકરોને મોકલી શકે છે, પરંતુ જેલના મઠાધીશ આ જ કામ પોતાના ગુંડાઓ પાસે કરાવે છે.

સત્ય કહેવું જોઈએ, ભલે એટલું મોટું અંતર ન હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો