આ છે મલેશિયાના એ કાવડિયા જે પોતાના શરીરમાં 150 છેદ કરે છે

થઈપુસમ

મલેશિયાના થઈપુસમ તહેવારમાં લાખો તમિલ શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ભગવાન મુરુગનને પ્રસન્ન કરવા માટે તેઓ પોતાના શરીરને સેંકડો ખીલીથી વીંધે છે.

ભગવાન મુરુગન (કાર્તિકેય)ના ભક્તો માટે થઈપુસમ વર્ષનો સૌથી મહત્ત્વનો તહેવાર છે.

આમ તો આ સમગ્ર દક્ષિણ ભારત, શ્રીલંકા અને સિંગાપોરમાં ઊજવવામાં આવે છે, પરંતુ મલેશિયાના કુઆલાલંપુર પાસે બાતૂ ગુફાઓમાં સૌથી ભવ્ય ઉત્સવ ઉજવાય છે.

અહીં આ તહેવાર 1892થી ઊજવવામાં આવે છે. દર વર્ષની શરૂઆતમાં લગભગ 15 લાખ લોકો ઘણા દિવસો સુધી અહીં આવે છે.

ઉત્સવ દરમિયાન હજારો લોકો ઢોલ-નગારાં સાથે નાચતાં-ગાતાં ગુફા તરફ જતાં જોઈ શકાય છે.

તેઓ ગુફાની નીચે બનેલા મુખ્યદ્વારમાંથી પસાર થાય છે, ભગવાન મુરુગનની વિશાળ પ્રતિમાનાં દર્શન કરે છે અને 272 સતરંગી સીડી ચઢીને ગુફાની અંદર બનેલા મંદિરમાં જાય છે.


ભગવાન પ્રસન્ન રહે

ઘણા તમિલો માટે અને અન્ય કેટલાક હિંદુઓ માટે પણ થઈપુસમ ભગવાન મુરુગનને પ્રસન્ન કરવાનો અવસર હોય છે. તે માટે તેઓ 48 દિવસ સુધી ઉપવાસ અને પૂજા-પાઠ કરે છે.

ઘણા શ્રદ્ધાળુઓ કાવડ લઈને ચાલે છે. જે અલગઅલગ આકાર-પ્રકારની હોય છે. સામાન્ય રીતે એની ફ્રેમ ગોળ હોય છે, જેને મોરપીંછ અને ફૂલોથી શણગારવામાં આવે છે.

તેની ફ્રેમ સાથે સેંકડો ખીલીઓ લટકાતી હોય છે જેને શ્રદ્ધાળુઓ પોતાના શરીરમાં ભોંકી દે છે.

આ દર્દનાક લાગે છે, પરંતુ કેટલાક ભક્તો માટે તે ઉત્સવનો મુખ્ય ભાગ હોય છે.


એક શ્વર, દેવતાઅનેક

ઇસ્લામ, ઈસાઈ અને યહૂદી ધર્મમાં એક જ ઈશ્વર છે. તેમના સંસ્થાપક એક છે અને ધર્મગ્રંથ પણ એક છે.

હિંદુ ધર્મ તેનાથી અલગ છે. તેના કોઈ એક સંસ્થાપક નથી. ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ બાઇબલ કે કુરાનની જેમ હિંદુઓનો કોઈ એક સર્વસામાન્ચ ગ્રંથ નથી.

હિંદુ ધર્મના દેવતા પણ ઘણા છે, જેમને એક જ પરમાત્માનાં અનેક રૂપ માનવામાં આવે છે. આ વિશ્વાસના રસ્તા પણ ઘણા છે.

મોટા ભાગના હિંદુ થઈપુસમ નથી મનાવતા કે ભગવાન મુરુગનની પૂજા કરતા નથી. આ એક સ્થાનિક તહેવાર છે જેને મલેશિયાનો તમિલ સમુદાય ઊજવે છે.

થઈપુસમમાં પણ પૂજાનાં અનેક સ્વરૂપ છે. બાતૂ ગુફાઓમાં પૂજા માટે આવેલા ચૌધરી કન્નન કહે છે, "શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા કેવી રીતે વ્યક્ત કરે છે તેના પર છે."

ઘણા શ્રદ્ધાળુઓ પોતાના માથે દૂધનાં વાસણ લઈને ચાલે છે. કેટલાક લોકો વાળ ઊતરાવે છે. કેટલાક લોકો પ્રાર્થના કરે છે. તો કેટલાક લોકો ઘૂંટણિયાં ભરીને પ્રદક્ષિણા કરે છે.

બાળકની માનતા પૂરી કરવા માટે ભગવાન મુરુગનનો આભાર માનવા માટે ઘણા લોકો શેરડીથી બાંધેલા હીંચકામાં મૂકીને બાળકને મંદિરે લાવે છે.


શરીરને વીંધવું

ઘણા લોકો પોતાને વીંધે છે. કેટલાક લોકો હૂકનો ઉપયોગ કરે છે. કેટલાક પોતાના શરીરમાં ધાતુની પાતળી ધારદાર ખીલીઓ ભોંકે છે. આ ખીલીઓમાં ધાતુનાં નાનાં વાસણ કે લીંબુ પણ લટકાવે છે.

કિશનકુમારના પેટમાં ખીલી ઘૂસાડેલી હોવા છતાં તેમના ચહેરા પર પીડાની એક પણ રેખા નથી દેખાતી.

તેમના શરીર અને હાથ પર 130થી વધુ ખીલીઓ ભોંકવામાં આવી છે. ભાલા જેવો દેખાતો એક સોયો એમના બંને ગાલની આરપાર નીકળી ગયો છે.

અમે દુખાવો ઓછો કરવા કોઈ દવા ખાતા નથી. તેમના માટે આ ભગવાન મુરુગન પ્રત્યેની ભક્તિ છે.

કિશનકુમાર કહે છે કે પીડાથી ઈશ્વરમાં ધ્યાન લગાવવામાં મદદ મળે છે.

ભક્તો પોતાના અહંકાર, ક્રોધ અને અન્ય માનવીય અવગુણો ભુલી જાય છે અને ભગવાન મુરુગનમાં ધ્યાન આપે છે.

કિશનકુમારે શરીરમાં હૂક અને સોયો ઘૂસાડવાનું કામ પોતાના નજીકના મિત્રો અને નાની બહેનને સોંપ્યું છે.

તેમના મિત્રોએ ટૅન્ટમાં જ એક હંગામી મંદિર બનાવ્યું છે જે આધાર શિબિર જેવું કામ કરે છે.

ત્યાં તેઓ પોતાની કાવડ રાખે છે (આ પ્રક્રિયામાં એક કલાક જેટલો સમય લાગી જાય છે) અને બાતૂ ગુફાઓના મુખ્ય મંદિર માટે નીકળતાં પહેલાં પ્રાર્થના કરે છે.


મંદિર જેવી કાવડ

કાવડ ઘણાં આકાર-પ્રકારની હોઈ શકે છે. ઘણી કાવડ ભારે હોય છે જે ખભાની બંને તરફ ફેલાયેલી હોય છે.

કેટલાક મહત્ત્વાકાંક્ષી ભક્તો પોતાની પીઠ પર એક ભારે હૂક લગાવે છે, જેમાં પૈડાં પર રાખેલી વેદિકા બાંધવામાં આવે છે. આ વેદિકાને સામાન્ય રીતે બીજા લોકો ધક્કો દે છે.

કિશનકુમારે પોતાની કાવડ પર લગભગ 15 હજાર રિંગિટ (લગભગ 3 હજાર પાઉન્ડ)થી વધુ ખર્ચ કર્યો છે. તેના કેટલાક ભાગ ભારતમાંથી તો કેટલાક સિંગાપોરથી મંગાવ્યા છે.

ચાંદીની વરખવાળી કાવડની ફ્રેમ મંદિર જેવી બનાવી છે. તેને મોરપીંછથી સજાવી છે.

કિશનકુમાર તેને વધુ શણગારવાનું વિચારી રહ્યા છે.


મુરુગનની કથા

કિંવદંતીઓ અનુસાર દાનવ ઇંદુવનના ખભા પર રાખેલા લાકડાના ટુકડામાં બે પહાડને બાંધવામાં આવ્યા હતા અને તેમાં રસ્સીઓની જગ્યાએ સાપ હતા.

એક ઋષિએ ઇંદુવનને આ કાવડ ઉઠાવવા કહ્યું હતું. એ આરામ કરવા બેઠા તો એક યુવાન પહાડ પર બેસી ગયો. ઇંદુવન તેને ફરી ઉઠાવી ન શક્યા.

દાનવ એ યુવાન સાથે ઝઘડવા લાગ્યા અને પછી ભયંકર યુદ્ધ થયું.

ઇંદુવન માર્યા ગયા. તેમને ફરી જીવિત કરવામાં આવ્યા. ઇંદુવનને ખબર પડી કે યુવાન બીજું કોઈ નહીં પણ ભગવાન મુરુગન છે.

આ અસુર ભગવાન મુરુગનનો ભક્ત બની ગયો અને તેને મુરુગનના મંદિરનો દ્વારપાળ બનાવવામાં આવ્યો. ભગવાન મુરુગને જાહેરાત કરી કે જે પણ ભક્ત કાવડ ઉઠાવશે તેને પુણ્ય મળશે.


માનતા પૂરી થઈ

કન્નન ડેન્ગ્યુ તાવ બાદ પહેલી વખત થઈપુસમમાં સામેલ થયા હતા. તેમના ગુરુ (અને દાદા પણ)એ પણ ભગવાન મુરુગનને પ્રાર્થના કરી હતી.

તેઓ કહે છે, "તેમણે ભગવાન મુરુગનને પ્રાર્થના કરી હતી કે જ્યારે હું સાજો થઈ જઈશ તો કાવડ ઉઠાવીને તેમની પાસે આવીશ. તેથી મેં આ પૂજા શરૂ કરી."

આ વર્ષે તેમનું લગ્ન થવાનું છે. કાવડની તૈયારીમાં બહુ સમય જાય છે, તેથી આ વખતે તેઓ દૂધ લઈને જઈ રહ્યા છે, જેને તે મંદિરની વેદી પર ચઢાવશે.

તેઓ એક રસ્મી ભાલો પણ લઈ જઈ રહ્યા છે. આવો જ એક ભાલો તેમના ગાલની આરપાર ઘૂસાડેલો છે.


મુરગનનો ભાલો

થઈપુસમમાં ભાલાનું ઘણું મહત્ત્વ છે, કારણ કે શિવનાં પત્ની પાર્વતીએ જ્યારે પોતાના પુત્રને ભગવાન મુરુગનને ભાલો આપ્યો હતો એ પ્રસંગના માનમાં આ તહેવાર ઊજવાય છે.

બાતૂ ગુફાઓની સીડીઓ ચઢતાં પણ શ્રદ્ધાળુઓ ભાલાની જય બોલાવતાં હોય છે.

કિંવદંતીઓ મુજબ ભગવાન મુરુગને ભાલાથી જ અસુરોનો સંહાર કર્યો હતો.

આ લડાઈ આંતરિક સંઘર્ષ માટેની નથી. અસુર, અજ્ઞાનતા, અહંકાર અને ભય જેવા માનવીય અવગુણોનું પ્રતીક છે.

કહેવાય છે કે ભગવાન મુરુગને રાક્ષસોના રાજાનો વધ કર્યો તો તે એક આંબામાં રૂપાંતરિત થઈ ગયો. તેમણે આંબા પર બરછી ચલાવી તો તે એક મોર અને મરઘીમાં બદલાઈ ગયો.

મરઘીને તેમણે પોતાની ધજામાં સ્થાન આપ્યું અને મોરને તેમનું વાહન બનાવ્યો.

થઈપુસમમાં મરઘી ઓછી દેખાય છે, પણ મોર દરેક જગ્યાએ જોવા મળશે. કાવડિયાને મોરપીંછથી સજાવવામાં આવે છે. મંદિરોમાં મોરની મૂર્તિઓ હોય છે.


મહિલાઓની પૂજા

થઈપુસમ પુરુષપ્રધાન તહેવાર લાગે છે. પુરુષો કાવડ ઉઠાવે છે. ઢોલ વગાડનારા જૂથ પણ પુરુષોના હોય છે. ગુરુ પણ પુરુષ જ હોય છે.

પરંતુ શ્રદ્ધાળુઓમાં મહિલાઓ પણ હોય છે. સામાન્ય રીતે તેઓ દૂધનાં વાસણ ઉપાડીને મંદિર જાય છે. જોકે એ કામ પણ સરળ નથી.

ઉદાહરણ તરીકે, શેશા સુરેશકુમાર કુઆલાલંપુરના ચાઇનાટાઉનની પાસે મંદિરથી 14 કિમી દૂર બાતૂ ગુફાઓ સુધી દૂધ લઈને આવ્યા છે.

તેઓ એક રથ સાથે આવ્યા છે અને તેમના હાથમાં રસ્મી ભાલો પણ છે.

તેઓ કહે છે, "મહિલાઓને કાવડ લઈને ચાલવાની મનાઈ નથી. એવું નથી કે મહિલાઓ કરી શકતી નથી. આ માત્ર એક પરંપરા છે કે પુરુષો શક્તિશાળી હોય છે, તેમને જ આ કામ કરવું જોઈએ અને મહિલાઓ તેમની મદદ કરે."

"અમે બાળકને જન્મ આપવાની પીડા વેઠીએ છીએ. આ તેથી વધુ તો ન હોઈ શકે."


ઉત્સવનું સંગીત

બાતૂ ગુફાઓની પાસે ઢોલ-નગારાંનો અવાજ સતત ગૂંજતો રહે છે. કાવડ ઉપાડીને આવતા લોકો સંગીતની ધૂન સાથે મંદિરના રસ્તે આગળ વધે છે.

સંગીત આ જુલૂસનો અનિવાર્ય હિસ્સો છે. તે યાદ કરાવતું રહે છે કે કાવડ ઉઠાવવા ભલે ભક્તિનું કામ હોય પણ તે એક ઉત્સવ પણ છે.

કાવડ લઈને ચાલતા શ્રીગણેશ રામદાસ કહે છે, "જ્યારે તમે કાવડ ઉઠાવો તો તમારે નાચવાનું હોય છે."

નગારાનો અવાજ બુલંદ કરવા માટે તેને વગાડનારા પાતળી લાકડીનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો હૉકી સ્ટિક જેવા મુદગરથી પણ નગારા વગાડે છે.

અવાજ બુલંદ કરવા માટે નગારા પર કૅસ્ટલ ઑઇલ લગાવે છે અને લાકડીને પણ તેલમાં ડૂબાડીને રાખે છે.

કાવડ ઉઠાવનારાથી ઊલટું ઢોલ-નગારાવાળા કોઈ મંદિર કે સમુદાય સાથે જોડાયેલા નથી હોતા. શ્રદ્ધાળુ તેમને પૈસા આપે છે.

તેમને મંદિરની સીડીઓ નીચે જ અટકી જવું પડે છે, કારણ કે ઉપર નાચવું ખતરનાક છે.


સતરંગી સીડીઓ

બાતૂ ગુફા પરિસરના મુખ્યદ્વાર પર શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. જે કોઈ વ્યસ્ત ઍરટ્રાફિક કંટ્રોલ ટાવર જેવું લાગે છે.

જ્યાં સુધી મંદિર તરફ જવાનો પોતાનો વારો ન આવે ત્યાં સુધી કાવડ લઈને ચાલનારા અને તેમના સાથીઓ થોડી વાર માટે અહીં વિરામ લે છે.

સીડીઓ જ્યાંથી શરૂ થાય છે ત્યાં છેલ્લી વાર નાચે છે અને પછી મંદિર તરફ જાય છે.

મંદિરમાં તેઓ પોતાની કાવડોને અલગ કરી દેશે અને વેદી પર દૂધથી અભિષેક કરીને ભગવાન મુરુગન પાસે માગેલી માનતાઓ પૂરી કરે છે.


ઊંડા ઘાવ નહીં

બહારથી જોઈએ તો થઈપુસમ એક અઘરી પરીક્ષા લાગે છે, પરંતુ શ્રદ્ઘાળુઓ આ સમગ્ર અનુભવ માટે ઉત્સાહિત રહે છે.

ખરેખર, તેમના શરીરમાં થનારા ઘા બહુ નાના હોય છે અને તેનાથી ઊંડા ઘાવ થતા નથી. કિશનકુમારના મતે આ ઘા એક અઠવાડિયામાં મટી જાય છે.

રામદાસનો જન્મદિવસ ઉપવાસના દિવસોમાં આવે છે. તેઓ જન્મદિવસ નથી મનાવતા, પરંતુ કાવડ જરૂર ઉપાડે છે.

તેમનું કહેવું છે કે જીવનનો અસલ સંઘર્ષ તો વર્ષના બાકીના દિવસોમાં હોય છે.

"આપ પોતાના માથા પર પરિવારનો બોજ ઉઠાવો છો એ વધુ ભારે અને અઘરો છે. કાવડ શું છે? બસ 48 દિવસ, વર્ષના બાકીના 300 દિવસ તમે પરિવાર માટે કામ કરો છો."

કિશનકુમાર અને રામદાસ બંનેનું કહેવું છે કે જ્યાં સુધી તેઓ શારીરિક રીતે સક્ષમ છે ત્યાં સુધી કાવડ ઉઠાવતાં રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો