વર્લ્ડ કપ : INDvsNZ સેમિફાઇનલમાં વરસાદથી ભારતને કેટલો ફાયદો?

કોહલી Image copyright Getty Images

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાતી આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ મૅચનો રોમાંચ વરસાદે ધોઈ નાખ્યો હતો.

ભારત લગભગ મૅચ જીતવાની સ્થિતિમાં આવી ગયું હતું પરંતુ આ જ સમયે વરસાદ પડતા મૅચ અટકી પડી હતી.

નિયમ મુજબ રિઝર્વ દિવસની જોગવાઈ હોવાને કારણે અધૂરી મૅચ હવે બુધવારે આગળ ધપશે.

ન્યૂઝીલૅન્ડે 46.1 ઓવરમાં પાંચ વિકેટે 211 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો અને હવે આ જ સ્કોરથી બુધવારે ન્યૂઝીલૅન્ડ તેની બેટિંગ આગળ ધપાવશે.

જોકે, બુધવારે પણ માન્ચેસ્ટરમાં વરસાદની આગાહી છે. આ સંજોગોમાં મૅચ અટકી પડે તો લીગ મૅચોના પૉઇન્ટ ટેબલની પૉઝિશનને આધારે ભારત ફાઇનલમાં પ્રવેશશે.

અહીંના ઑલ્ડ ટ્રેફૉર્ડ ખાતે રમાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 46.1 ઓવરમાં પાંચ વિકેટે 211 રન નોંધાવ્યા હતા.

એ સમયે રોઝ ટેલર 67 અને ટોમ લાથમ ત્રણ રન સાથે રમતમાં હતા.

ભારતીય રમતપ્રેમીઓ માટે આ નિરાશાજનક દિવસ હતો કેમ કે, ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી હતી અને તે જીતની સ્થિતિમાં હતી, ત્યારે જ હવામાને તેની સાથે રમત રમી.

ન્યૂઝીલૅન્ડ માટે એક એક રન કરવો અઘરો થઈ પડ્યો હતો. તેઓ ઇનિંગ પૂરી થવાને આરે હતા ત્યાં સુધીમાં માંડ 200 રનનો સ્કોર વટાવી શક્યા હતા.

નિયમિત સમયે મૅચ રમાઈ હોત અને પૂરી થઈ હોત તો ભારતને ખાસ અઘરો ટાર્ગેટ મળ્યો ન હોત.

ભારતીય સમય મુજબ સાંજે 6.30ની આસપાસ વરસાદનું આગમન થયું હતું. લગભગ સાડા ચાર કલાક સુધી રાહ જોયા બાદ મૅચ આવતીકાલ પર મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.

આ ગાળામાં ડકવર્થ લૂઇસને આધારે ભારતને કેવો ટાર્ગેટ મળશે તે ચર્ચામાં હતું.

આયોજકોએ છેલ્લે 20 ઓવરની રમત રમાય તે માટે પણ પ્રયાસ કર્યા હતા જેમાં ભારતને 148 રનનો ટાર્ગેટ મળી શકે તેમ હતો પરંતુ હવે બુધવારે ભારતને 50 ઓવરમાં ટાર્ગેટ વટાવવાનો રહેશે.


આજે પણ વરસાદ પડે તો ભારત ફાઇનલમાં

Image copyright Getty Images

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની સેમિફાઇનલમાં મંગળવારે વરસાદનું વિઘ્ન આવતા મૅચ અધૂરી રહી ગઈ હતી.

હવે બુધવારે મૅચ આગળ ધપશે અને ન્યૂઝીલૅન્ડ 46.1 ઓવરથી આગળ બેટિંગ કરશે.

જોકે, માન્ચેસ્ટરમાં બુધવારે ભારે વરસાદની આગાહી છે. આ સંજોગોમાં બુધવારે જરાય મૅચ રમાય નહીં તો આ મૅચને અનિર્ણિત જાહેર કરાશે.

આમ થાય તો ભારતીય ટીમને વિજેતા જાહેર કરાશે અને તે રવિવારની ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ જશે.

વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના નિયમ મુજબ સેમિફાઇનલમાં વરસાદ કે ખરાબ હવામાનને કારણે પરિણામ આવે નહીં તો બે ટીમમાંથી જે ટીમ પૉઇન્ટ ટેબલમાં આગળ હોય તેને વિજેતા જાહેર કરાય.

આ વખતે ન્યૂઝીલૅન્ડના 11 પૉઇન્ટની સરખામણીએ ભારત 15 પૉઇન્ટ ધરાવતું હતું અને તે ફાઇનલમાં પહોંચી જશે.


ભારતીય બૉલર્સે ફાઇનલ માટે અડધી બાજી જીતી

Image copyright Getty Images

જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારની ચુસ્ત બૉલિંગની મદદથી ભારતે મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે અડધી બાજી તો જીતી લીધી હતી.

ન્યૂઝીલૅન્ડની ઇનિંગનો પ્રારંભ ધીમો રહ્યો હતો. જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે અત્યંત ચુસ્ત બૉલિંગ કરી હતી જેને પરિણામે ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅન માટે રન લેવા કપરા થઈ પડ્યા હતા.

પ્રથમ બે ઓવર મેડન રહ્યા બાદ ત્રીજી ઓવરના પાંચમા બૉલે કિવિ ટીમનું ખાતું ખૂલ્યું હતું. પ્રારંભની 10 ઓવરમાં ન્યૂઝીલૅન્ડ માંડ 27 રન કરી શક્યું હતું.

માર્ટિન ગુપટિલ માત્ર એક રન કરીને આઉટ થઈ ગયા હતા. ન્યૂઝીલૅન્ડના પ્રથમ 50 રન છેક 14મી ઓવરમાં પૂરા થયા હતા. આ ગાળામાં ભારતીય બૉલર્સ છવાઈ ગયા હતા.

જોકે, ગુપટિલની વિકેટ બાદ કેન વિલિયમસન અને હેનરી નિકોલસે સાવચેતીપૂર્વક બેટિંગ કરી હતી. બંનેએ 19મી ઓવર સુધીમાં સ્કોર 69 સુધી પહોંચાડ્યો હતો.

રવીન્દ્ર જાડેજા બૉલિંગમાં આવ્યા ત્યારબાદ કિવિ ટીમનો રનરેટ વધુ પ્રમાણમાં ઘટી ગયો હતો.

જાડેજાએ જ નિકોલસને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. નિકોલસે 28 રન કર્યા હતા.

પરંતુ વરસાદને કારણે રમત અને રમતપ્રેમીઓની મજા ધોવાઈ ગઈ હતી. માન્ચેસ્ટમાં ભારે વરસાદને કારણે ન્યૂઝીલૅન્ડની ઇનિંગ્ઝની ચાર ઓવર બાકી રહી ગઈ હતી જે હવે બુધવારે રિઝર્વ દિવસે આગળ ધપશે અને ત્યારબાદ ભારત સામે નવો ટાર્ગેટ રજૂ કરવામાં આવશે.

ન્યૂઝીલૅન્ડે 46.1 ઓવરમાં પાંચ વિકેટે 211 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યા બાદ ભારતીય સમય મુજબ સાંજે 6.30 કલાકની આસપાસ વરસાદનું આગમન થયું હતું.

અમ્પાયર્સે લગભગ સાડા ચાર કલાક રાહ જોયા બાદ રમત બુધવારે આગળ ધપાવવાનો નિર્ણય લીધો હતો. હવે ન્યૂઝીલૅન્ડ આ જ સ્કોરથી તેની ઇનિંગ્સ આગળ ધપાવશે.

વાદળછાયા હવામાન વચ્ચે આ નિર્ણય પાછળ કેન વિલિયમસનનો આશય એ રહ્યો હતો કે વરસાદ પડે અને ડકવર્થ ઍન્ડ લૂઇસ સિસ્ટમ અમલી બને તો ભારતનો ટાર્ગેટ વધી જાય. અંતે તે સાચો પડ્યો કેમ કે 46.1 ઓવર બાદ વરસાદનું આગમન થયું હતું.

એ ગુજરાતી જેમણે 'સેક્રેડ ગેમ્સ'ને સિમ્બૉલ્સથી સજાવી છે


વિલિયમસનની અડધી સદી

Image copyright Getty Images

ન્યૂઝીલૅન્ડના બે સૌથી અનુભવી બૅટ્સમૅન હવે મેદાનમાં હતા. વિલિયમસને તેની અડધી સદી 79 બૉલમાં કરી હતી. તે મક્કમપણે બેટિંગ કરી રહ્યા હતા ને ધીમે ધીમે ટીમની રનગતિ વધારી રહ્યા હતા.

તેમણે રોઝ ટેલર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 65 રન ઉમેર્યા હતા. વિલિયમસન 95 બૉલમાં 67 રન ફટકારીને આઉટ થયા હતા. હવે ઇનિંગમાં બાઉન્ડ્રીનું પ્રમાણ પણ વધી રહ્યું હતું કેમ કે ટેલર અને જેમ્સ નીશમ ઝડપી બેટિંગ કરી રહ્યા હતા.

ટેલરે તો તેના 67 રનમાં એક સિક્સર પણ ફટકારી હતી.

આ ગાળામાં ભારતીય ટીમની ફિલ્ડિંગમાં પણ નરમાશ આવી હતી જેનો લાભ લઈને ટેલર, ગ્રેન્ડહોમ અને નીશમે ટીમનો સ્કોર 200 ઉપર પહોંચાડી દીધો હતો.

ભારત માટે ભુવનેશ્વર કુમાર, રવીન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહે કરકસરયુક્ત બૉલિંગ કરી હતી. તેમણે પ્રતિ ઓવર ચારથી ઓછા રન આપ્યા હતા.

વિરાટ કોહલીએ પાંચ બૉલર અજમાવ્યા હતા અને તમામને એક એક વિકેટ મળી હતી. યુઝવેન્દ્રસિંહ ચહલ થોડા મોંઘા પુરવાર થયા હતા. તેમણે 10 ઓવરમાં 63 રન આપીને એક વિકેટ લીધી હતી.


સમગ્ર ટુર્નામેન્ટમાં પહેલી 10 ઓવરમાં ભારતનો દબદબો

Image copyright Getty Images

વિરાટ કોહલીની ટીમ આ વર્લ્ડ કપમાં લગભગ દરેક ટીમ પર ભારે પડેલી છે અને તેનું ઉદાહરણ પ્રથમ પાવર પ્લેમાં ભારતની બૉલિંગ છે.

વર્લ્ડ કપમાં પાવર પ્લેમાં ભારતનો ઇકૉનૉમી રેટ માંડ 3.91નો રહ્યો છે. તેનો અર્થ એ થયો કે દરેક મૅચમાં ભારતીય બૉલરે પ્રારંભમાં હરીફ ટીમને રન કરવા દીધા નથી.

પ્રથમ 10 ઓવરમાં ઇંગ્લૅન્ડે 4.52ની સરેરાશથી રન આપ્યા છે. વર્લ્ડ કપમાં પાવર પ્લેમાં દરેક ટીમના ઇકૉનૉમી રેટ આ મુજબ રહ્યા છે.

ભારત 3.91
ઇંગ્લૅન્ડ 4.52
અફઘાનિસ્તાન 4.87
વેસ્ટ ઇન્ડીઝ 4.90
શ્રીલંકા 5.12
ઑસ્ટ્રેલિયા 5.14
ન્યૂઝીલૅન્ડ 5.16
સાઉથ આફ્રિકા 5.26
બાંગ્લાદેશ 5.29
પાકિસ્તાન 5.45

પહેલા બૉલે ભારતનો રિવ્યૂ વેડફાયો

Image copyright Getty Images

મૅચના પ્રથમ બૉલે જ ભારતે રિવ્યૂ લીધો હતો પરંતુ તે વેડફાઈ ગયો હતો. ભુવનેશ્વર કુમારના બૉલમાં માર્ટિન ગુપટિલ ક્રોસમાં રમ્યા હતા. ભારતે લેગબિફોરની અપીલ કરી હતી.

પ્રારંભમાં તેને નકારવામાં આવતા ભારતે તરત જ રિવ્યૂ લઈ લીધો હતો પરંતુ રિપ્લેમાં સ્પષ્ટ થયું હતું કે બૉલ લેગ સ્ટમ્પની બહાર જતો હતો અને ગુપટિલને નોટ આઉટ અપાયા હતા.

જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ભારત માટે અત્યંત ચુસ્ત બૉલિંગ કરી હતી. કિવિ ઓપનર્સ રન લઈ શકતા ન હતા.

પ્રથમ બે ઓવર મેડન ગયા બાદ ત્રીજી ઓવરના પાંચમા બૉલે ન્યૂઝીલૅન્ડને પ્રથમ રન લેવામાં સફળતા મળી હતી. ચોથી ઓવરમાં સુંદર આઉટસ્વિંગરમાં બુમરાહે ઓપનર ગુપટિલને સ્લીપમાં ઝડપાવી દીધા હતા.

ન્યૂઝીલૅન્ડ છેક આઠમી ઓવરમાં પહેલી વાર બાઉન્ડ્રી ફટકારવામાં સફળ રહ્યું હતું.


47મી ઓવરમાં વરસાદનું વિઘ્ન

Image copyright Getty Images

ન્યૂઝીલૅન્ડની ઇનિંગ દરમિયાન વરસાદનું જોખમ રહેલું હતું. વારંવાર વાતાવરણ પલટાતું રહેતું હતું તેમ છતાં રમત આગળ ધપતી રહી હતી.

અંતે 47મી ઓવરનો પહેલો બૉલ ફેંકાયા બાદ વરસાદને કારણે રમત અટકાવી દેવી પડી હતી. એ વખતે ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅને રનગતિ વધારી હતી.

વરસાદ પડ્યો ત્યારે ન્યૂઝીલૅન્ડે 46.1 ઓવરમાં પાંચ વિકેટે 211 રન નોંધાવ્યા હતા. એ સમયે રોઝ ટેલર 67 અને ટોમ લાથમ ત્રણ રન સાથે રમતા હતા.

ઇનિંગની 46મી ઓવર જસપ્રિત બુમરાહે ફેંકી હતી. જેમાં ભારતે કંગાળ ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતું.

બુમરાહના બૉલને રોઝ ટેલર યોગ્ય રીતે રમી શક્યા ન હતા અને બૉલ લેગને બદલે થર્ડ મેન તરફ ગયો હતો જ્યાંથી ચહલે થ્રો કર્યો પરંતુ વિકેટકીપર ધોની બૉલ ઝડપી શક્યા નહીં અને મિડવિકેટનો ફિલ્ડર પણ બૉલર તરફ યોગ્ય રીતે થ્રો કરી શક્યા નહીં.

આમ ન્યૂઝીલૅન્ડને જે બૉલ પર એક રન પણ મળે તેમ ન હતો ત્યાં ત્રણ રન મળી ગયા હતા.

ન્યૂઝીલૅન્ડની ઇનિંગ 46.1 ઓવર બાદ અટકી જતા ડકવર્થ ઍન્ડ લૂઇસ સિસ્ટમની ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

હકીકતમાં આઈસીસીના આ વર્લ્ડ કપના નિયમ મુજબ પ્રયાસ એવો રહે કે મૅચ એ જ દિવસે પૂરી થઈ જવી જોઈએ અને તે માટે ટાર્ગેટ ઘટાડવો પડે તો તેમ પણ કરી શકાય.

એવી માન્યતા હતી કે મૅચ અટકી પડે તો બીજે દિવસે ત્યાંથી જ આગળ ધપાવવાની. પરંતુ મૅચ રેફરી આ માટે આખરી નિર્ણય લઈ શકે અને તેમનો પ્રયાસ ગમે તેમ કરીને આજે જ મૅચ પૂરી કરવાનો રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો